ઈસ્લામાબાદમાં ભારતીય મહિલાની કહાની-૩                           

                                                                    - પ્રવીણ ક. લહેરી 

    વર્ષોની શત્રુતા, યુદ્ધો અને કાવાદાવા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સંવાદ સ્થાપવા માટે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ  બસ દ્વારા લાહોર પહોંચીને બન્ને દેશોના સબંધોને સાવ નવો વળાંક આપવા માટે પ્રયત્ન કર્યો.  અખંડ ભારત જેમનો આદર્શ છે તેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના આ ધૂરંધર નેતાએ અણુ વિસ્ફોટ સાથે તેની દૃઢતા અને કુશળતાનો પરિચય આપ્યો હતો. આજ વ્યક્તિએ બન્ને દેશોની પ્રજાના ભલા માટે, સુખાકારી અર્થે અદૃભૂત વ્યવહાર કુશળતા સાથે આ ઐતિહાસિક યાત્રા કરી હતી. આ યાત્રાની વ્યવસ્થાના ભાગરુપે રુચિ ઘનશ્યામે જે વિગતવાર  વર્ણન કર્યું છે તે આંખે દેખ્યા અહેવાલ સમાન વિશ્વસનીય છે.  લાહોરમાં પાકિસ્તાનના સંકલ્પ સિદ્ધિના પ્રતિક સમાન ‘મિનારે પાકિસ્તાન’ ની મુલાકાત લીધા બાદ વાજપેયીજીના પ્રવચનના આ શબ્દો ‘‘વિભાજને આપણને ખૂબ ઈજાઓ પહોંચાડી છે પણ તે હકીકત છે. આપણે ઈતિહાસ બદલી શકીએ છીએ પણ ભૂગોળ નહી.’’ વાજપેયીએ પણ કહ્યું, ‘‘હું જ્યારે ભારત પરત ફરીશ ત્યારે મારા પક્ષના લોકો જ કહેશે કે મેં ‘મિનારે પાકિસ્તાન’ની મુલાકાત લઈને પાકિસ્તાન અંગે મંજૂરીની મહોર મારી છે. શું પાકિસ્તાન મારી મહોર પર ચાલે છે ? પાકિસ્તાનની પોતાની મહોર છે. પાકિસ્તાન ચાલી રહ્યું છે, પાકિસ્તાનને મારી મહોરની જરૂર નથી.’’

એક બાજુ ભારત-પાકિસ્તાનની વચ્ચે મૈત્રીનો અધ્યાય લખાય રહ્યો હતો તો બીજી બાજુ વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખીને જનરલ મુશરફ અને તેના મળતીયાઓએ લડાખને જોડતા હાઈવે પરની કારગીલ પહાડીઓમાં ઘુસણખોરી કરી લશ્કરી મથકો સ્થાપી દીધા હતા. ભારતનું  જાસૂસીતંત્ર આ શોધવામાં નિષ્ફળ રહ્યું અને જ્યારે તે સામે આવ્યું ત્યારે પહાડોની ટોચે આવેલા લશ્કરી એકમોને હટાવવાનું કામ ખૂબ કપરું હતું. ભારત સરકારે વિશાળ યુદ્ધ વિના દરેક મથક પર તોપમારો, બોમ્બમારો અને લશ્કરી ટૂકડીઓ દ્વારા ઘુસણખોરોને ખદેડી નાખવાની કામગીરી કરી. આ કામગીરી કરવામાં ભારત સફળ રહ્યું. અંતમાં અમેરિકાના પ્રમુખ બિલ કિલન્ટનના દબાણ હેઠળ પાકિસ્તાને સંપૂર્ણ પીછેહઠ સ્વીકારી કારગીલ યુદ્ધે બે બાબતો પ્રત્યે વિશ્વનું ધ્યાન ખેચ્યું. એક તો લાહોર યાત્રા જેવા મૈત્રીના  પ્રયાસો પાકિસ્તાન લશ્કરને સ્વીકાર્ય નથી. બીજું  પાકિસ્તાનની વિદેશનીતિમાં ‘ચાવવાના અને બતાવવાના દાંત જુદા જ છે. તેનો દંભ, સંકુચિત વિચારધારા અને ભારત પ્રતિના દ્વેષ જેમના તેમ જ રહે છે અને રહેશે. કારગીલ યુદ્ધ દરમિયાન લેખિકા અને ભારતીય દૂતાવાસના સૌ પ્રત્યે પાકિસ્તાની સરકાર, પ્રજા અને જાસૂસીતંત્રનો વ્યવહાર કેટલો ધૃણાસ્પદ હતો તેના પ્રસંગો લેખિકાએ સુંદર રીતે વર્ણવ્યા છે. 

કારગીલ યુદ્ધ બાદ નવાઝ શરીફ અને જનરલ મુશરફના સબંધો અંગે એક પત્રકારે લખેલું, ‘‘આ બન્ને એક બોટલમાં પૂરાયેલા વિછીંઓ હતાં.’’  તેઓ એકબીજાને ક્યારે ડંખે તે પ્રશ્નનો ઉત્તર ટૂંક સમયમાં મળ્યો. નવાઝ શરીફે મુશરફને લશ્કરના વડાના પદ પરથી ડિસમિસ કર્યા પણ લશ્કરની વફાદારી મુશરફના પક્ષે રહેતાં પાકિસ્તાનમાં ફરી એક વખત માર્શલ લો સાથેનું લશ્કરી શાસન આવ્યું. પાકિસ્તાનમાં લશ્કર સર્વવ્યાપી અને સર્વ સત્તાધીશ છે. તેના અધિકારીઓ તમામ સરકારી હોદ્દાઓ પર નિમણૂક મેળવે છે. જાહેર સાહસો અને ઉદ્યોગ ચલાવતી કંપનીઓમાં પણ લશ્કરનો સંપૂર્ણ અંકુશ છે. લશ્કરના ઉચ્ચ અધિકારીઓનું જૂથ લશ્કરી રીતે, આર્થિક રીતે અને તમામ ક્ષેત્રમાં કેવું પ્રભુત્વ ધરાવે છે તેનું વિગતવાર વર્ણન લેખિકા રુચિ ઘનશ્યામે કર્યું છે.

રુચિ  ઘનશ્યામ અને તેના પતિ માટે ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ ૮૧૪ નું અપહરણ તેનું લાહોર ઉતરીને દુબઈ થઈને કંદહાર પહોંચવાના ઘટનાક્રમે એટલી ભારે જવાબદારી મૂકી કે સામાન્ય વ્યક્તિ તે જીરવી ન શકે. અફઘાનિસ્તાન ત્યારે આજની જેમ તાલીબાની શાસન હેઠળ હતું. ભારત વિરોધી તાલિબાનના પ્રદેશમાં જઈને હાઈજેકર્સ સાથે મંત્રણા કરવાની પ્રાથમિક જવાબદારી લેખિકાના પતિ ઘનશ્યામને સોંપવામાં આવી હતી. તેઓ યુનાઈટેડ નેશનના વિમાનમાં કંદહાર પહોંચે છે અને મંત્રણાની શરુઆત કરે છે. ત્યાંથી તેઓ માટે ફોન દ્વારા વાત કરવામાં પણ જોખમ હતું. 

ત્યાંના મંત્રીઓ-અધિકારીઓ પુશ્તો સિવાયની ભાષા ન તો બોલતા હતા કે સમજતાં હતાં. એરપોર્ટની લોન્જ કે અતિથીગૃહની અવ્યવસ્થા અસહ્ય હતી. આવા જોખમી અને જટિલ વાતાવરણમાં શ્રી ઘનશ્યામે ખૂબ ધીરજ અને કુનેહથી મંત્રણાનો પ્રારંભ કર્યો.  ભારતીય વિદેશ મંત્રાલયની ટૂકડી આવી. સમાધાનના ભાગરુપે ભારતને ત્રણ ખુંખાર આંતકવાદીઓને કારાવાસમાંથી મુક્ત કરવા પડ્યા. આ માટે વિદેશમંત્રી શ્રી જશવંતસિંહે જાતે ત્રાસવાદીઓને કંદહાર પહોંચાડવા પડ્યા. ઘણાંએ ભારતની આ કામગીરીની ટીકા કરી. ત્રણ આંતકવાદીઓની મુક્તિ સામે ૨૦૦ થી વધારે વ્યક્તિઓના જાન બચ્યા. જો કે આ  આંતકવાદીઓ મુક્ત થતાં તેમણે પાકિસ્તાન જઈને ભારતમાં આતંક મચાવવાની કાર્યવાહી જ કરી. આંતકીઓને કાયદાનું રક્ષણ આપો પરંતુ તેઓ તેમની મેલી મુરાદો છોડશે નહીં. આથી જ ઘણાં નિષ્ણાતો કહે છે કે આતંકવાદ ખતમ કરવો હોય તો આતંકીને દેખો ત્યાં ઠાર કરો એજ એક માત્ર અસરકારક પદ્ધતિ છે. સમગ્ર વિશ્વ માટે આતંકવાદ મોટું શીરદર્દ છે. લેખિકાએ અમેરિકાએ આતંકીઓ વિરુદ્ધ કરેલ મિસાઈલ હુમલાઓના કારણે પણ ભારત દ્વેષ અચાનક વ્યાપક બન્યો. સરેરાશ પાકિસ્તાનીને મને ભારત અને અમેરિકા બન્ને શત્રુઓ છે. તેમના માટે ઓસામા બિન લાદેન જેવા આતંકીઓ હિરો છે.

‘‘એન ઈન્ડીયન વૂમન ઈન પાકિસ્તાન (૧૯૯૭-૨૦૦૦) નું શિર્ષક ધરાવતું આ પુસ્તક સાંપ્રત ઈતિહાસનો એક મહત્વનો દસ્તાવેજ છે. પાકિસ્તાનના આપણને કડવા અનુભવો થાય છે તેના પાછળ ઉગ્ર ધાર્મિક વિચારસરણી, સ્થાપિત હિતો અને તેના દ્વારા નિર્માણ કરેલ માહોલ ક્યારે બદલાશે તે યક્ષપ્રશ્ન છે. એકબાજુ સામાન્ય પ્રજાજન ભારતીયો સાથે આત્મીયતા અનુભવે છે તો બીજી તરફ સરકારી માહિતીના કારણે તેમને ભારતીયો રાક્ષસો સમાન લાગે છે. પાકિસ્તાનની આ દ્વિધા પાછળ તેમના રહેલી અસલામતીની લાગણી છે. જીવનના તમામ પ્રસંગોએ સાંપ્રત મુલ્યોનો અસ્વીકાર કરતો શરીયા કાયદો આજે તો પાકિસ્તાનમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં હિંસા અને ક્રુરતા ફેલાવી રહ્યો છે. વિશ્વના ઈતિહાસમાં હિંદુસ્તાનના મુસ્લિમોની હોમલેન્ડની માગણીથી સર્જાયેલું પાકિસ્તાન, ઈરાનની આયોતોલા ખૈમિતીની ૧૯૭૯ની કહેવાતી ક્રાંતિ અને યુરોપમાં દેશોમાં મુસ્લિમ શરણાર્થીઓને આપેલા આશ્રય બાદની તેમની હરકતો વિશ્વશાંતિ માટે કાયમી પડકાર બની રહ્યા છે. વિશ્વશાંતિ માટે કાયમી પડકાર બની રહ્યાં છે. લેખિકા રુચિ ઘનશ્યામનું પુસ્તક પાકિસ્તાનની સાચી ઓળખ આપવામાં સફળ રહ્યું છે.


Comments

Popular posts from this blog