ઈસ્લામાબાદમાં ભારતીય મહિલાની કહાની-૨
- પ્રવીણ ક. લહેરી
શ્રીમતિ રુચિ ઘનશ્યામ અને તેમના પતિને ભારતીય દૂતાવાસ ઈસ્લામાબાદમાં નિમણૂક મળતાં સ્વાભાવિક રીતે જિજ્ઞાસા, ચિંતા અને ઉત્સાહની મીશ્ર લાગણી થઈ. જે દેશ ભારતને સદાય શત્રુ માનીને હેરાન પરેશાન કરવા તત્પર હોય ત્યાં ડિપ્લોમેટિક ઈમ્યુનિટી અને જીનીવા કરા હેઠળની રક્ષણની શરતો હોવા છતાં પાકિસ્તાનમાં ભારતીય રાજદૂતો માટે કામગીરી ખૂબ પડકારજનક હોય તે સમજી શકાય તેમ છે. તેમાં પણ મહિલા માટે સતત જાસૂસીતંત્રની બાજ નજર હેઠળ જીવવું કેટલું દુષ્કર હોય છે તે બાબત તો જે અનુભવે તે જ સારી રીતે સમજી શકે.
મુરી પર્વતમાળાની તળેટીમાં વસેલું ઈસ્લામાબાદ આપણા ગાંધીનગરની યાદ અપાવે તેવું છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણના રસ્તાઓની ગુંથણી સાથે શહેર ભૌગોલિક રીતે ચોરસ સેકટરોનું બનેલું છે. સરકારી શહેર આમ તો રાવળપિંડી નજીક હોવાથી આ જોડકા શહેરો એ પ્રાચિન શહેર અને આધુનિક નગરનું અનોખું સંયોજન છે. અમદાવાદ જેમ કામચલાઉ પાટનગર રહ્યું હતું તેમ રાવળપિંડી પણ ઈસ્લામાબાદના નિર્માણ સમયે પાકિસ્તાનનું હંગામી પાટનગર હતું. ગાંધીનગર, ચંડીગઢ, ભુવેશ્વર, નવું રાયપુર વગેરે નવનિર્મિત શહેરો જેમ ઈસ્લામાબાદની ભૂગોળ એક વખત સમજમાં આવી જાય તો કોઈપણ સ્થળ શોધવામાં સરળતા રહે છે.
ઘનશ્યામ દંપતિને શરુઆતથી જ પાકિસ્તાનના જાસૂસીતંત્રની સતત હાજરીનો અનુભવ થયો. તેમણે ઘરબહાર પગ નથી મૂક્યો કે જાસુસોનું જૂથ આગળ-પાછળ ફરતું જ રહે છે. નિવાસસ્થાન પર પણ સતત ચોકી રાખતું જાસૂસી તંત્ર દંપતિ જેમને મળે તેની ઉલટતપાસ શરુ કરી દે એટલું જ નહીં પણ ગેરસમજ કે શંકાને આધારે નિર્દોર્ષ વ્યક્તિને થર્ડ-ડિગ્રીની મારપીટ, અટકાયત, ત્રાસ સાથે દુઃખી કરી દેવામાં રાજધાનીના સ્હેજ પણ સંકોચ નથી રાખતું. રાજદારીના અધિકારો કે માનવ અધિકારો શું હોય તેની વિચારણા કર્યા વિના સતત અસલામતીના ઓછાયા હેઠળ જીવતું જાસુસીતંત્ર એક પ્રકારનું આતંકી સંગઠન જ છે. આ રાજદ્વારી દંપતિની રહેઠાણની શોધ લાંબી ચાલે છે કારણ કે આઈ.એસ.આઈ.ની મંજુરી વિના કોઈ મકાન માલિક તેમને મિલ્કત ભાડે આપી શકતો નથી. અંતે જે મકાન હાઈકમિશ્નરના બંગલાને અડીને આવેલું તેમાં નહોતું રહેવું પણ અંતે તે મકાન જ ભાડે મળે છે. જાસૂસીતંત્રને ધ્યાન રાખવામાં અનુકુળ પડે તેવા મકાનો જ આપણા ત્યાંના સ્ટાફને ભાડે મળે તેવી સ્થિતિનું વર્ણન ડરામણું છે. સાથે સાથે રસપ્રદ જાણકારી પણ આપે છે.
રુચિ ઘનશ્યામ જ્યારે જ્યારે કોઈ સાથે પરિચય કેળવે છે ત્યારે સામી વ્યક્તિ ખુશ થાય છે. થોડા સમયમાં આઈ.એસ.આઈના હસ્તક્ષેપને કારણે મિત્રતાના સબંધો અચાનક થીજી જાય છે. ભારતીય રાજદૂતો પાકિસ્તાન સરકારીની પૂર્વ મંજુરી સિવાય ક્યાંય જઈ શકતા નથી. સાવ આકસ્મિક રીતે એક અધિકારીની ફાર્મહાઉસની પાર્ટી જે પાકિસ્તાનના કાહૂટા અણુ મથક પાસે યોજાય છે ત્યારે આ દંપતિ મુંઝવણમાં મૂકાય છે. ભારતીય રાજદૂતો માટે જે વિસ્તાર પ્રતિબંધિત છે ત્યાંની તેમની હાજરી કોના માટે કેવી આફત આણશે તે નક્કી ન હતું. સદ્નસીબે સમગ્ર બાબત નિર્વિધ્ને પાર પડી હતી.
લેખિકાએ પાકિસ્તાનમાં અણુશક્તિના વિકાસની ગાથા સુંદર રીતે રજૂ કરી છે. સરેરાશ પાકિસ્તાનની માટે અણુબોંબ બનાવ્યો તે તેમના દેશની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. લેખિકાની પરિચિત એક યુવતી ભારતમાં હિન્દુ પરિવારમાં પરણે છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે જ્યારે નવદંપતી તેમનું દાંપત્યજીવન મધુર બનાવી વર્ષો પસાર કરે છે ત્યારે પ્રેમને સીમાઓ નડતી નથી તે ઉક્તિ સાર્થક થતી જોઈ શકાય છે. બન્ને દેશો વચ્ચેના પ્રાણ-પ્રશ્નોને વાચા આપ્યા બાદ લેખિકા ઈસ્લામાબાદમાં વિવિધ મિઠાઈઓ, પહેરવેશો, દરજી અને માળી સહિતના લોકોના અનેક રોજીંદા જીવનના અનુભવો આગવી શૈલીમાં વર્ણવે છે. લેખિકા જેને કરાંચી હલવા તરીકે શોધતા હતા તે મિઠાઈને પાકિસ્તાનીઓ બોમ્બે હલવા તરીકે ઓળખે ત્યારે સમજાય છે કે માન્યતાઓ કેટલી અલગ અલગ હોઈ શકે છે. લેખિકા કરાંચીની મુલાકાત સાથે સિંધમાં રહેલા મોહન જો ડરોના અનેક રાંચીના ઈતિહાસનો, અત્રેથી હિજરત કરી ગયેલા સિંધમાં વસતા મુસ્લિમોની હાલત અંગે અભ્યાસપૂર્ણ માહિતી આપે છે. અહીંથી ગયેલા મુસ્લિમોને મુજાહિર- ‘‘નિરાશ્રિત’’ તરીકે ઓળખી પાકિસ્તાનના મુખ્ય પ્રવાહમાં ભળવા દીધા નથી. તેના આગમનને સ્વીકારતા નથી. સુન્ની બહુમતી શિયાઓ, અહમદીયાઓ સાથે ભાતૃભાવ તો નથી રાખતા પણ તેને કાફિર માનીને વારંવાર હિંસક હુમલા કરે છે. મુજાહિર સંગઠનો પણ સ્વબચાવમાં કાર્યવાહી કરે છે. સરકાર મુસ્લિમ સંપ્રદાયો પ્રતિ પણ સહિષ્ણુ નથી. કરાંચી પાકિસ્તાનની આર્થિક રાજધાની છે. કાયદો વ્યવસ્થા અને ભેદભાવને કારણે કરાંચીની રોનક અગાઉ જેવી નથી રહી. આપણા દેશની મોટી સંખ્યાના લોકોને કરાંચી અને સિંધ સાથે પેઢીઓનો સબંધ છે. કરાંચીમાં વિવિધતા છે પણ એકતાને બદલે તે વિવાદનું કારણ બની છે.
૧૯૯૮ માં અટલબિહારી વાજપેયીની સરકારે નરસિંહરાવની સલાહ સાથે અમેરિકાથી ગુપ્ત રીતે પોખરણમાં જે અણુ ધડાકાના પ્રયોગ કર્યા તેથી ભારત સામે અમેરિકા, યુરોપ અને જાપાને ઘણાં પ્રતિબંધો મૂક્યા હતાં. ભારત અણુસત્તા હોય તો પાકિસ્તાન અણુસત્તા બનશે જ તેવો નિર્ધાર જાહર કરતાં શ્રી ઝુલ્ફીઅલીકાર ભુટ્ટોએ નિવેદન કરેલું કે ભલે અમારે ઘાસ ખાયને દિવસો કાઢવા પડે પણ અમે ઈસ્લામિક અણુબોેંબ બનાવ્યા વિના જંપીશું નહિ. ભારતના પાંચ અણુધડાકા સામે બલુચિસ્તાનમાં છ અણુધડાકા કરી પાકિસ્તાને ભારત સમકક્ષ હોવાનો દેખાવ જરૂર કર્યો. પાકિસ્તાનના અણુ શક્તિના નિષ્ણાત ડો. ખાન દ્વારા અન્ય દેશોને માહિતી અને સાધનો વેચવાની ઘટનાએ પાકિસ્તાન પાસે અણુબોંબ હોય તેમાં કેટલું જોખમ રહ્યું છે તેનો વિશ્વને ખ્યાલ આવ્યો.
પાકિસ્તાનમાં લેખિકા માટે ક્યાંય જવાનું સરળ ન હતું. તેમના સંતાનો માટે પણ જાસૂસીતંત્રની સતત નિગાહબાની ડરામણી હતી. તત્કાલીન હાઈકમિશ્નર શ્રી જી. પાર્થસારથી આપણી વિદેશીસેવાના એક તેજસ્વી અધિકારી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ઘનશ્યામ દંપતી અનેક કામો સફળતાપૂર્વક પાર પાડે છે. ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય વચ્ચેનો પત્રવ્યહારનું જાસૂસીતંત્ર શું કરે તેવા ડરે રૂબરૂ વ્યક્તિઓને મોકલી તે વ્યવહાર હાથોહાથ કરવો પડે છે. જી. પાર્થસારથી ગુજરાતમાં પ્રવચન માટે આવ્યા હતા ત્યારે તેમની સાથે ખૂબ મઝાની વાતો થઈ હતી. તેઓએ પાકિસ્તાનમાં લગભગ ૧૦ વર્ષ કામગીરી કરી હોવાથી પાકિસ્તાન બાબતના તજજ્ઞ છે.
(ક્રમશઃ)
Comments
Post a Comment