શું આપણી વિચાર શક્તિ કુંઠિત થઈ ગઈ છે ?
- પ્રવીણ ક. લહેરી
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સામે હવે વિરોધ વધી રહ્યો છે. કૃત્રિમ બુદ્ધિમતા રોજગારી વિનવી લેશે. તેના દ્વારા કોઈ માથા ફરેલો માણસ અકલ્પ્ય નુકશાન કરશે. આપણે વિકસાવેલા સાધનો આપણા કહ્યામાં તો નહીં રહે પણ આપણા પર હાવી થઈ જશે. ‘‘મેરી બિલ્લી, મુઝકો મ્યાઉં’’ ની હિન્દી ઉક્તિ મુજબ સર્જન કરનારા સામે તેનું જ સર્જન મુસીબતો ખડી કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચિંતા કરીએ તે સાથે સાથે વર્તમાન યુગમાં સૌથી જટિલ પ્રશ્ન હોય તો એ છે કે માનવી બુદ્ધિગમ્ય વલણ છોડીને ભાવનાના પ્રવાહમાં તણાઈને અનેક ન કરવા જેવા કૃત્યો કરે છે ? માણસ માટે સામાજિક, બૌદ્ધિક, લાગણીપ્રધાન, પ્રેમતૃષ્ણાવાળો અને ચંચળ સ્વભાવવાળો એમ ઘણાં વિશેષણો વાપરવામાં આવે છે. માણસ એક કોયડો છે. કઈ વ્યક્તિ ક્યારે શું વિચારશે અને શું કરશે તેની આગાહી કરવાનું શક્ય નથી.
એક વાત નિશ્ચિત છે કે માણસ જાતની પ્રગતિમાં તેની શારીરિક તાકાત કરતાં તેની માનસિક ક્ષમતાનો વધારે પ્રભાવ રહ્યો છે. માણસ કરતાં અનેક શક્તિશાળી જીવોને અંકુશમાં રાખવાની કળા માણસે હસ્તગત કરી છે. યુરોપમાં નવજાગરણ અને પ્રોટેસ્ટન્ટ વિચારધારામાં પૃથ્વીનો કોઈ માલિક હોય તો તે માણસ છે. માણસ અન્ય પશુ, પંખી, જળના જીવોનો ઉપભોગ કરી શકે છે. માનવ પોતાના સુખ માટે ધરતીના તમામ સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. જો કેવીસમી સદી અને એકવીસમી સદીમાં માણસે વિકાસ, સુખ-સુવિધા વગેરે માટે કરેલી કાર્યવાહીએ પર્યાવરણને એટલું મોટું નુકશાન પહોંચાડ્યું છે કે માણસના પાપે સૃષ્ટિની તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે. પર્યાવરણ પર પ્રદુષણ,કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ અને બેદરકારીના કારણે જે વિપરીત પ્રભાવ પડ્યો છે તે ઘટાડવા આપણે અનેક સંકલ્પો કર્યા છે. હજી સુધી આપણે પર્યાવરણની રક્ષા કરવામાં કે તેની સુધારણાની કામગીરીમાં સફળ થયા નથી. સ્થિતિ સતત બગડી રહી છે.
માણસ જાત સર્જનાત્મક વિચારણા કરી શકે અને હાનિકારક વિચારોથી બચી શકે તે માટે ચોક્કસ પ્રકારની કાળજી કરવી અનિવાર્ય છે.
(૧) સ્પષ્ટતા :
વ્યક્તિએ પોતાના વિચારમાં ગુંચવણો અને મુંઝવણો દૂર કરીને સ્પષ્ટતા કેળવવી જોઈએ. અર્જુનના મનમાં મહાભારત યુદ્ધ પ્રસંગે કુરુક્ષેત્રમાં ખડી સેના અને સેનાપતિઓને જોઈને વિષાદ થયો. શું આ યુદ્ધ સુખ-શાંતિ આપશે ? પરિવારજનો ખાસ કરીને વડીલો અને ગુરુઓનો વધ પાપ ન ગણાય ? આવી અવઢવ વચ્ચે શ્રી કૃષ્ણે ગીતાનો ઉપદેશ આપી તેના મનમાં રહેલી શંકા-કુંશંકાનું નિવારણ કરી તેમના વિચારો સ્પષ્ટ કર્યા. ધર્મ-કર્તવ્ય-ન્યાય અને દુષ્ટોના વિનાશ માટે લડી લેવું એ જ શ્રેય માર્ગ છે. તેના પર ચાલવામાં જ કલ્યાણ છે. સફળ થવાથી ઇચ્છિત પરિણામ મળે છે. નિષ્ફળ થયા બાદ પણ મનમાં કર્તવ્ય નિભાવ્યાનો પરમ સંતોષ મળે છે. આપણા વિચારો સ્પષ્ટ હોય તે સાથે આપણે રજૂઆત પણ સ્પષ્ટ હોવી જોઈએ. જીવનમાં મનનું મહત્વ અનોખું છે. ‘‘જેમણે મન જીત્યું તેમણે જગ જીત્યું એ વાત સાચી છે. મન સ્થિર હોય અને ચિંતન બાદ વ્યક્તિ પોતાનું કર્તવ્ય નક્કી કરે ત્યારે તેની રજુઆતમાં સ્પષ્ટતા આવે છે. આજે તો વાંચન-ચિંતન-મનનની ટેવ છૂટતી જાય છે. દરેક પ્રસંગે ‘‘તડ અને ફડ કરવું’’, ‘‘પડ્યા તેવા દેવાશે’’ એમ ધારીને યોગ્ય વિચારણા કર્યા વિના જીવવાથી જિંદગી ખૂબ મુશ્કેલ બની શકે છે. સામી વ્યક્તિને સમજણની વખતે જાત અનુભવ અથવા સુયોગ્ય દૃષ્ટાંતની વાત કરવાથી જે સંદેશો આપવો છે તે સમજાય જાય છે.
(૨) કાળજી :
કોર્પોરેટ સેકટરમાં જવાબદારી નિભાવતા સૌ માટે બુદ્ધિયુક્ત અને સમજણ સાથે નિર્ણયો કરવા જરૂરી છે. જીવનમાં ક્યારેક નાની સરખી ભૂલના પરિણામો ખતરનાક હોય છે. માર્ગ પર વાહન ચલાવતી વખતે જરા સરખી બેદરકારી પોતાના અને અન્યના મોતનું કારણ બની શકે છે. આપણા દેશમાં આ બાબતે જે લાપરવાહી છે તેના કારણે વર્ષ દિવસે પાંચ લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આપણે ત્યાં બેદરકારીને માનવસહજ ભૂલ ગણવાનો શબ્દપ્રયોગ છે. આપણે સલામતીના નિયમાુ પાળવામાં ઉપેક્ષાભાવ રાખીએ છીએ. દેશમાં થતાં જાન-માલમાંથી આપણે કાળજી કરીએ તો અડધો અડધ નુકશાન નિવારી શકાય તેવું હોય છે.
(૩) ચોકસાઈ :
‘‘તકેદારી ઘટી, દુર્ઘટના બની’’ એ ઉક્તિનેા આપણને રોજ અનુભવ થાય છે. ‘‘આવું બધું તો બન્યા કરે, આવું તો થાય’’ જેવા ઉચ્ચારણો સાથે આપણે કામ ચોકસાઈપૂર્વક કરતાં નથી. લખાણમાં સારા અક્ષરો હોય કે જોડણીની શુદ્ધિ હોય, હિસાબી બાબતો હોય કે મૂડીરોકાણ હોય આ તમામ બાબતમાં આપણે લાપરવાહિથી કામ કરીએ છીએ. દરેક કામ પૂર્ણ એકાગ્રતા અને ચોકસાઈથી થાય તો તેની કદર થાય છે. તેના પરિણામો પણ સારા આવે છે.
(૪) હેતુલક્ષી :
કામ શરુ કરતાં પહેલાં તે કામગીરીનો હેતુ આપણાં મનમાં સ્પષ્ટ હોવો જોઈએ. ચોક્કસ ઉદ્દેશ વગરની કામગીરીનું પરિણામ પણ અનિશ્ચિત રહે છે. ભલે આપણા જીવનનો મોટાભાગનો સમય ચીલાચાલુ કામોમાં વ્યતિત થાય છે. બેન્જામિન ફ્રેંકિલને કહ્યાં પ્રમાણે આપણે હેતુઓ નજર સમક્ષ રાખી આપણી પાસે જે સમય ઉપલબ્ધ છે તેના ૭૦થી ૮૦ ટકા જેટલો સમય હેતુસિદ્ધ માટે ઉપયોગમાં લઈએ તો ભગીરથ કાર્ય પણ સરળ અને સફળ બને છે.
(૫) વિશ્લેષણ :
આ૫ણે કોઈપણ કાર્ય કે નિર્ણય કરીએ ત્યારે ઉપલબ્ધ માહિતી અને વિકલ્પોનો સ્થિર ચિત્તે વિચાર કરવો જોઈએ. ગૂગલ ગુરુની મહેરબાનીથી માહિતીનો ખજાનો તો આપણી સમક્ષ ખુલ્લો પડ્યો છે. જરૂર છે આપણા માટે સબંધિત માહિતી-મુદ્દાઓ જુદા તારવીને તમામ પરિબળોની વિચારણા કરીને યોગ્ય નિર્ણય કરવો જોઈએ. અગાઉ આપણે કરેલી ભૂલોનું પણ વિશ્લેષણ કરી આદતવશ આપણે તેનું પુનરાવર્તન ન કરવા માટે સજાગતા અને કાળજી અનિવાર્ય છે. આજે આપણે સૌ નિરર્થક ઉતાવળમાં છીએ. આપણને દરેક વસ્તુ ખાસ કરીને ઇચ્છાપૂર્તિ શીઘ્ર થાય તો સવિશેષ આનંદ આવેછે. જીવનની જેમ આ આનંદ પણ ક્ષણભંગુર છે તે ન ભૂલીએ. (ક્રમશઃ)
Comments
Post a Comment