શું આપણી વિચાર શક્તિ કુંઠિત થઈ ગઈ છે ? - ૨                           

                                                                    - પ્રવીણ ક. લહેરી

     જીવનને સફળ બનાવવામાં આ૫ણી વિચાર શક્તિનું  ખાસ મહત્ત્વ છે. સ્પષ્ટતા, કાળજી, ચોકસાઈ, હેતુલક્ષી અને વિશ્લેષણના સહારા સાથે વિચારણા કરીએ તો આપણને ઉદ્દેશો પાર પાડવામાં સાનુકૂળતા વધે છે. 

(૬)  તાર્કિક વિચારણા : 

આપણા વ્યક્તિત્વ સાથે અતનેક પૂર્વધારણાઓ, પૂર્વગ્રહો જોડાયેલા હોય છે. આસ્થા અને અંધશ્રદ્ધા, શાસ્ત્રો અને ગુરુઓ પ્રત્યે આંધળો વિશ્વાસ, અપ્રચાર કે અફવા માની લેવાની આદત વિગેરેના કારણે આપણે તાર્કિક રીતે, બુદ્ધિગમ્ય રીતે વિચાર કરી શકતા નથી. આપણો અનુભવ છે કે મહાન વ્યક્તિ ગણાતી હોય તેવા લોકો પણ આવેગને તાબે થઈને અજુગતુ કાર્ય કરી બેસે છે. તાર્કિક વિચારણાની ચાર પૂર્વ શરતો છે :

૧. મનને સ્વસ્થ અને શાંત રાખવું

૨. દરેક બાબતના ગુણદોષનો કાળજીપૂર્વક વિચાર કરવો.

૩. વિકલ્પોનો વિચાર કરી તેમાંથી સમય, સ્થળ, સંજોગોનુસાર જે શ્રેષ્ઠ હોય તે પસંદ કરી તેનું દૃઢતાથી આચરણ કરવું.

૪. સત્યનિષ્ઠા અને સમષ્ટિના ભલાને પ્રાધાન્ય આપવું. બુદ્ધિયુક્ત છતાં સંવેદનશીલ વર્તણૂક માટે ગાંધીજીએ આપેલું તાવીજ ખૂબ  ઉપયોગી છે. ‘‘તમારે જ્યારે કોઈપણ કામ કે નિર્ણય કરવાનો છે ત્યારે તમે જોયેલા કાગળમાં કંગાળ માણસના ચહેરાને યાદ કરો. જો તમારા નિર્ણય કે કામથી તેના ચહેરા પર તમે સ્મિત લાવી શકો કે આંખમાંથી દુઃખનું એક આંસુ લૂછી શકો તો નિઃસંકોચ આગળ વધો.’’ 

(૭)  ન્યાયયુક્ત તટસ્થતા :

તમામ મનુષ્યો પ્રતિ ન્યાયપૂર્ણ વર્તવા રાખવો તે સાચો માનવધર્મ છે. આપણા દેશમાં એકબાજુ અદ્વૈતની ફિલસુફીના ગુણગાન છે તો બીજી બાજુ ઉચ્ચ-નીચના ભેદભાવો છે. માણસને જન્મથી જ એક એવા અન્યાયી માળખામાં કાયમી રીતે ગોઠવી દેવો કે તે તેના બંધનોમાંથી છૂટી ન શકે. તેનું શોષણ અવિરત ચાલુ રહે અને માનવઅધિકારોનો ભંગ થતો રહે. અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મનું સૌથી મોટું કલંક છે. વર્ણ-વ્યવસ્થા અને જ્ઞાતિવાદે દેશની એકતા અને આઝાદીને નુકશાન કર્યું છે તે આપણે સૌ જાણીએ છીએ. આમ છતાં આપણે જ્ઞાતિવાદની નાગચૂડમાંથી છૂટી શકીએ તેવા સંજોગો દેખાતા નથી. આપણા દેશની ન્યાયપ્રથામાં થતો વિલંબ, ખર્ચ અને તેમાં રહેલી આંટીઘૂંટીઓ (વિદેશીભાષામાં સમગ્ર વહીવટનો દુરાગ્રહ સહિત) સામાન્ય માણસને ન્યાયથી વંચિત રાખે છે. આપણી એ જવાબદારી છે કે સમાજની નવરચનાના કાર્યને આપણે અગ્રતા આપીએ. સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ભાઈચારાનો ચારેય બંધારણીય આદર્શોને સાકાર કરવા માટે સમયબદ્ધ સમાજ સુધારણાની ઝુંબેશ ચલાવીએ. દલિતો, આદિજાતિ, વંચિતો અને મહિલાઓ અંગેના પ્રવર્તતા પૂર્વગ્રહોને કારણે આપણા દેશનો વિકાસ રુંધાય છે તેટલી સીધી સાદી વાત પણ આપણે સમજવા તૈયાર નથી. 

(૮) કૃત્રિમ બુદ્ધિમતાનો પડકાર :

આજે આપણે માહિતીનો ખજાનનો આંગળીના ટેરવે મૂકીને સરળતા કરી આપી ત્યાં સુધી તો ઠીક છે. હવે આ માહિતીનું વિશ્લેષણ કરી, તેમાંથી યોગ્ય વિકલ્પ નક્કી કરી આપણને કોઈ માનસિક તનાવ વિના જરૂરી નિર્ણય માટે માર્ગદર્શન મળે છે. સાથે સાથે રોબો તે સૂચના પ્રમાણે કામ સંપન્ન કરી આપે છે. ડ્રોન ટૅકનોલોજીએ જે ઝડપથી વ્યાપ વધાર્યો તેનો ઉપયોગ લગ્નપ્રસંગે ફોટા કે વિડીયો માટે મર્યાદિત ન રહેતાં યુદ્ધ સહિત અને કાર્યો ડ્રોન કુશળતાપૂર્વક સંપન્ન કરી આપે છે.

(૯) સર્જનાત્મકતા :

કૃત્રિમ બુદ્ધિમત્તા ગમે તેટલી વિકસે પણ તેના સંચાલનની પ્રક્રિયા તો માણસે બુદ્ધિના ઉપયોગ થકી નક્કી કરવાની છે.  આ કામ માટે સર્જનશક્તિની જરૂર છે. આજની યુવાપેઢીમાં અમુક યુવાન-યુવતીઓ ટેકનોલોજી અને માહિતીના સંચય વચ્ચે સર્જનાત્મકતાનો સેતુ બાંધીને નવા આવિષ્કારો કર્યા છે. સ્ટાર્ટઅપની સંપૂર્ણ ઝુંબેશ એટલે યુવાપેઢીને સર્જનાત્મક શક્તિ દ્વારા નવું કરીને તેના દ્વારા સમાજની  મહત્તમ જરૂરિયાતો પૂરી કરવી. તૈયાર ખોરાક-વાનગીઓ મંગાવવા માટે ઝોમેટો-સ્વીગી જેવી એપ્લિકેશનો, એમેઝોન, ફિલપકાર્ડ જેવી સંસ્થા કરોડો વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરે છે. ઉબર અને ઓલા કંપનીઓએ વિશ્વના તમામ શહેરોમાં ભાડાના વાહનો પૂરા પાડવામાં બજારનો મોટો હિસ્સો કબ્જે કર્યો છે. આવી ટેકનોલોજીના સારા પાસાંઓની સાથે સાથે આવી વ્યવસ્થા આપણામાં આળસ પૂરે છે, નાના વેપારીને બેરોજગાર બનાવે છે, નવી રોજગારીની તકો છીનવી લે છે. ૧૯ મી સદીમાં જેમ જહોન રસ્કિન, લિઓ ટોલ્સટોય, હેનરી થોરો અને મહાત્મા ગાંધીએ મશીનો અને મૂડીવાદની મર્યાદાઓ દર્શાવી હતી તેમ આધુનિક ઓનલાઈન પદ્ધતિઓના કારણે પેદા થતી સમસ્યાઓનું સમયસર નિરાકરણ કરવું જરૂરી છે. 

(૧૦) સામાજિક સંપર્કો :

આજે મોબાઈલ ફોનમાં વ્યસ્ત આપણે સૌ એકલવાયા થઈ ગયા છે. એક સર્વે મુજબ અગાઉ આપણે પરિવારજનો, મિત્રો, સાથીઓ અને પાડોશી સાથે જે સમય ગાળતા હતાં, આનંદપ્રમોદ કરતાં હતાં તે સમય હવે અડધા કરતાં પણ ઓછો થયો છે. આપણી સામાજિક સંવેદના, પરિવાર પ્રતિની લાગણી, મિત્રો માટેનો ઉત્કટ પ્રેમ અને વડીલો માટેનો આદર ઘટી રહ્યો છે. સ્વકેન્દ્રી વિચારણા, તોછડી વર્તણૂક, ઉપેક્ષા અને આળસમાં વધારો થઈ રહ્યો છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં સુખ માટે આત્મીય સબંધોખૂબ મહત્વના છે. બદલાતીસમાજ વ્યવસ્થામાં ફાયદા ઓછા અને નુકશાન વધારે છે પણ. જે થાય તે જોયા કરવાની વૃત્તિને કારણે આપણે ઉપેક્ષા સેવીએ છીએ. એકલતા અને ઉપેક્ષા જેવી દારુણ ગરીબી બીજી એકે ય નથી. કોઈકે સાચુ કહ્યું છે ‘‘કૅન્સર કરતાંએકલતાએ વધારે માણસોના મૃત્યુ કરાવ્યા છે.’’

જીવનમાં સુખ, શાંતિ, સફળતા, સંપત્તિ વગેરે માટે યોગ્ય જીવનશૈલીની પસંદગી અનિવાર્ય છે. આપણે સમજી વિચારીને વર્તણૂક કરીશું તો સૌને લાભ છે. મેડમ ક્યુરીએ ખૂબ માર્મિક વાત કરી છે. ‘‘જીવનમાં ડર રાખવાનું કોઈ કારણ નથી. સમજણ કેળવીએ તો ડર ઘટે છે.’’  વૈજ્ઞાનિક પદ્ધતિનો આધાર બુદ્ધિમત્તા છે. જો આપણે ટૂંકા  રસ્તાઓ અપનાવીશું તો લાંબે ગાળે આપણો જ નહીં પણ માનવજાતનો વિકાસ અવરોધાશે. ગીતામાં કહ્યું છે તેમ, પ્રયત્નોમાં રહે તો યે શાણાયે નરના હરે, મનને ઈન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી, રાગ અને દ્વેષ ઘૂટેલી ઈન્દ્રિયો ગ્રહે વશેન્દ્રિય સ્થિરાત્મા, તે પામે પ્રસન્તા પામ્યે પ્રસન્તા તેના દુઃખો સૌ નાશ પામતાં, પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર શાંતિ, સુખ ક્યાંથી અશાંતને ?

માણસ જ્યારે લાગણીના પ્રવાહમાં અંધશ્રદ્ધા કે પૂર્વગ્રહથી પીડિત થઈને નિર્ણયો કરે છે ત્યારે તેમાં યોગ્યતા ન હોવાનો સંભવ વધારે છે. માત્ર બુદ્ધિથી દોરવાઈ જવામાં પણ તેવું જ જોખમ છે. આ માટે વિવેકબુદ્ધિથી સંતુલિત વિચારણા અને પરિણામોની અસર સાથે આપણા વિચારો અને વર્તન થાય તો તે સર્વ માટે લાભદાયી નિવડે.

Comments

Popular posts from this blog