પોપટ પૂરાણ
- પ્રવીણ ક. લહેરી
આપણા દેશમાંથી ૭,૫૦,૦૦૦/- (સાડા સાત) લાખ લોકોએ કરોડો રૂપિયા ખર્ચીને કબૂતરબાજોના સહયોગથી વિકટ માર્ગે યાતના સહી અમેરિકામાં પ્રવેશ મેળવી લીધો છે. હવે આ ગેરકાયદે પ્રવેશેલા લોકોને શોધી શોધીને ત્યાંની ભયાનક આતંકવાદીઓ માટે બનેલી જેલમાં રાખીને હાથકડી પહેરાવી, પગમાં સાંકળ બાંધી ત્યાંના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરિકી લશ્કરી વિમાનમાં દેશનિકાલ કરાઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના અમાનવીય અને ક્રૂર વલણ અને વર્તનનો પૂરાવો છેે. પચાસ વર્ષમાં આપણા દેશમાંથી અંદાજે ર કરોડ જેટલા લોકો કાયદેસર વિદેશ જવા માટે મંજુરીઓ મેળવી ત્યાં સ્થિર થયા છે. ત્યાંનું નાગરિકત્વ પણ હાંસલ કર્યું છે. લાખો વિદ્યાર્થી દેવું કરીને પણ ખૂબ મોટો ખર્ચ કરી વિદેશમાં ભણવા અને પછી મોકો મળે તો ત્યાં સ્થાયી થવાની આશા રાખે છે. પ્રવાસી કે અભ્યાસ વિસા પર ગયેલા લોકો ત્યાંથી પરત ન આવતાં ત્યાં ગેરકાયદે રહેતાં લોકોની સાડાસાતી શરુ થઈ છે. આગામી બે-ત્રણ વર્ષમાં આવા બિનનિવાસી ભારતીયોનું સ્વદેશાગમ થશે તે નિશ્ચિત જણાય છે. વિદેશ ફરવા જવામાં, અભ્યાસ કરવા કે રોજગારી માટે જવામાં હવે આપણે અમેરિકાની નવી પણ રૂઢિચુસ્ત નીતિનો ભોગ બનવું પડશે.
આ કબૂતરબાજીથી ઉડી ગયેલા લોકો પરત આવી રહ્યા છે. ત્યારે અચાનક એક બાળવાર્તાનું સ્મરણ થાય છે. ‘‘એક હતો પોપટ, ખૂબ આળસુ અને બેજવાબદાર, પરિવારવાળા દરરોજ ઠપકો આપે, સલાહ આપે કે કંઈક તો કર, પોપટને એક દિવસ વારંવારના ઠપકાથી માઠું લાગ્યું અને તે કોઈને કહ્યા વિના દૂર ઊડી ગયો. ત્યાં સરોવર કાંઠે લીલી વનરાજી વચ્ચે એક આંબાના ઝાડમાં રહેવા લાગ્યો. મહિનાઓ વીતી ગયા. પોપટને કવિ કાળીદાસના મેઘદૂતના યક્ષ જેમ ઘરે કુશળ સમાચાર પહોંચાડવાનું મન થયું. એમણે ગાયના ગોવાળને કહ્યું કે ભાઈ તું મારા ગામે જા અને મારા પરિવારને કહેજે.
‘‘ પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહૂકા કરે.’’
ગાયના ગોવાળે સંદેશો લઈ જવાની ના કહી પણ પોપટને એક ગાય બક્ષીસ કરી. પછી તો બીજા ગોવાળાએ પણ ભેંસ, બકરી, ઊંટ, ઘોડા, હાથી આપ્યા. પોપટે તે બજારમાં વેચી નાખ્યા, ખૂબ ધન કમાયો. પાંખમાં દોલત ભરી તે ઘરે આવ્યો. માને સાદ કરીને કહે.
‘‘મા, મા, બારણાં ઉઘાડો, પાથરણાં પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈ વગડાવો પોપટ પાંખ ખંખરે અને ઘરનાં સૌ ઊંઘી ગયા હતાં. તેને પોપટનો અવાજ સંભળાયો નહીં. એ જ રીતે કાકી બહેન, ભાઈ, પિતા સૌના નામની બૂમો પાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં, પોપટના મોટીબાએ સાદ ઓળખી, બારણું ઉઘાડી પોપટને આવકાર્યો. પોપટે સૂચવ્યા મુજબ ખાટલા પર ગાદલા બિછાવી શરણાયું વગડાવી પોપટનો પરિવાર એકત્ર થયો. પોપટે માને તેનું ધન આપ્યું. સૌએ પોપટના વખાણ કર્યા.’’
આપણા બિનનિવાસી (એન-આર-આઈ) ભાઈ બહેનોએ કદાચ આ વાર્તા સાંભળી ન હોય પણ આપણે આશા રાખીએ કે દૂર ઉડેલાં પોપટ જેમ સૌને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય.
જાણીતા બાળ વાર્તાકાર શ્રી હરીશ નાયકે આ વાર્તા પરથી પોપટ અંગે બીજી વારતા લખી છે. આ વાર્તામાં પોપટી બચ્ચાંઓને જન્મ આપ્યા બાદ પારધીની જાળમાં ફસાઈ છે, પારધી તેને રાજાને વહેંચી દે છે. રાજ તેને સોનાના પાંજરામાં પૂરી ખૂબ સારું ખવડાવે છે. કાળજી કરે છે. પોપટીને પોતાના બચ્ચા પાસે જવું છે. તે રાજાને ત્યાં ઊડી આવતી કાબર, કાગડા, સમળી, કબૂતર સૌને વિનવે છે પણ સૌ કહે છે કે પાંજરામાં તને શું દુઃખ છે. તું સલામત છે. તને ભાવતા ભોજન મળે છે. રાજા પોપટીને સમજાવે છે કે તે પાંજરામાં કેવી સુખી છે, ‘‘પોપટી ભૂખી નથી, પોપટી તરસી નથી, પોપટી પાંજરાની સહાય ઉની ઉની વાનગી ખાય. લીલા લહેર કરે, પોપટી મઝા કરે. ફરફર ફરફર ફરફર તેની ધજા ફરકે, પોપટી પારધીના ગીત ગાય. પોપટી રાજાના ગીત ગાય. પોપટી મનમાં વિચારે કે આ સૌને કોણ સમજાવે ?’’ પરાધીન હૂ સ્વપ્ને સુખ નાહીં.’’ આજની ભૌતિક સંસ્કૃતિની બોલબાલામાં ઘણાને સોનાનું પાંજરું એવું તો કોઠે પડી જાય છે કે તે સ્વતંત્રતાનો સ્વાદ ભૂલી જાય છે.
આવા પાંજરે પૂરાયેલા પોપટની ત્રીજી વાર્તા પણ બોધપ્રદ છે. પાંજરામાં રહેલાં પોપટ પાસે બીજો પોપટ આવે છે. પીંજરે પૂરાયેલા પોપટે સલાહ પૂછી, ‘‘હે ભાઈ, મને આ કેદમાંથી છૂટવાનો રસ્તો બતાવ ને !’’ બહાર રહેલો પોપટ તરત જ પડી ગયો - જાણે કે સાવ મરી ગયો. થોડી મિનિટ બાદ કશું બોલ્યા વિના ફરફરાટ ઊડી ગયો. પાંજરે પૂરાયેલ પોપટ આખી વાત સમજી ગયો. એક દિવસ માલિક પોપટને ઝમરુખ, મરચા ખવડાવા આવ્યા ત્યારે તેમણે જોયું કે પોપટ તો મરી ગયો છે. માલિકે પોપટને હાથમાં લીધો અને તેને નીચે ફેંક્યો. તે સાથે પોપટ પાંખો ફફડાવી ઉડી ગયો. માલિક બિચારા જોતા રહી ગયા.
માણસોને પરિવારના સભ્ય સાથે લાગણી હોય તે સમજી શકાય પણ માણસને પાળેલા પશુ-પંખી સાથે મોહબતનો મજબૂત સબંધ બંધાય છે. મહાભારતમાં અંત સમયે યુધિષ્ઠિરનો શ્વાન પ્રેમ હોય, થાઈલેન્ડના બુદ્ધ ભિક્ષુઓનો વ્યાઘ્રપ્રેમ હોય, પશુ-પંખી પણ આવા સ્નેહની સાંકળે બંધાય ત્યારે ખૂબ નમ્ર અને કરુણાભર્યું વર્તન કરતાં હોય છે. થોડા દિવસ પહેલાં વર્તમાનપત્ર ખોલ્યું અને એક પેમ્ફ્લેટ પડ્યું.
આપણે છાપા કરતાં પેમ્ફ્લેટ વધારે ઈન્તેજારી સાથે વાંચીએ છીએ તેમ મેં વાંચ્યું. એક પરિવારનો પોપટ ખોવાઈ ગયો હતો. આ પરિવારે પેમ્ફ્લેટમાં તેનો ફોટા નામની વિગત સાથે પોપટને શોધી આપનારને રૂપિયા પાંચ લાખનું ઈનામ જાહેર કર્યું હતું. મેં ઘણાં દિવસ ગેલેરીમાં બેસી આશા રાખી કે આ પોપટ મારી પાસે આવી જાય. પણ નસીબ હોય તેને જ આવી લોટરી લાગે. પોપટ મળ્યો કે નહીં તેનો હજી મને ઉચાટ છે.
ઈન્દોરમાં એક પંચકુઈઆ હનુમાન મંદિર છે. આ મંદિરની વિશેષતા એ છે કે જેમ કરણીમાતા મંદિરમાં હજારો ઉંદરો નિવાસ કરે છે તેમ ઈન્દોરના આ મંદિરમાં હજારો પોપટ ચણવા આવે છે. આશ્ચર્યની વાત એ છે કે દાણો ખાતા પહેલાં પોપટો હનુમાનજી તરફ મોઢું ફેરવી નમન કરે છે. આ ઘટના સંભવતઃ પોપટોમાં રહેલી નકલ કરવાની વૃત્તિને આભારી હશે. અહીં સવાર સાંજ સેંકડો કિલો અનાજ નાખવામાં આવે છે. જે પોપટો પ્રેમથી ખાય છે. આપણામાં કોઈ એકની એક વાત સમજ્યા વિના કરે તો આપણે તેને કહીએ છીએ કે આ પોપટીયો પાઠ બંધ કર. જો કે આજકાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બિહારના વિદ્યાર્થીઓ મેદાન મારી જાય છે. તેમની તૈયારીની ખાસિયત એ છે કે તેઓ પાનાઓના પાના યાદ રાખી લેવા વારંવાર વાંચે છે, બોલે છે. આને હિન્દીમાં ‘રટ્ટો’ લગાવનું કહે છે. પોપટ એક એવું પક્ષી છે જે સાંભળે તે યાદ રાખી બોલી શકે છે. ક્યારે કોઈ વ્યક્તિએ પોપટની હાજરીમાં પ્રેયસીને કહેલા સંવાદો પોપટ પત્નીને સંભળાવે ત્યારે ભારે ગોટાળો થાય છે.
આજકાલ શહેરોમાં અગાઉ જેટલાં પોપટ દેખાતા નથી. સંસ્કૃતમાં ખેતીના પાક માટે તીડ, જીવાત, અતિવૃષ્ટી સાથે પોપટના ઝુંડને પણ જોખમકારક માન્યા છે. અગાઉ ‘પોપટ’ નામ રાખવામાં સંકોચ ન હતો. ધીમે ધીમે હિન્દી ફિલ્મના પોપટલાલની કોમેડા બાદ આ નામ પણ મજાકનું પાત્ર બની શકે છે. ઘણાં વર્ષો પહેલાં મેં જામનગરમાં ગાડી ચલાવી જતો હતો ત્યાં એક ઓળખીતા સાથે પોલીસ કાંઈક કાર્યવાહી કરતી હતી. મેં ગાડી રોકીને ત્યાં જઈને પૂછ્યું, ‘પોપટભાઈ, આ પોલીસ સાથે શેની ભાંજગડ છે.’’ પોલીસે મને પૂછ્યું, ‘‘શું આ ભાઈનું નામ પોપટલાલ છે. મેં કહ્યું ‘હા’, પોલીસે તેને ટ્રાફિક નિયમભંગ માટે રોકી નામ પૂછ્યું અને જ્યારે તેણે કહ્યું પોપટલાલ, તો પોલીસ કહે અમને ઉલ્લુ ન બનાવ. ત્યારે આધારકાર્ડ, વોટર ઓળખપત્ર ન હતાં.
પોપટ એક પક્ષી તરીકે ખૂબ રંગીન અને મનમોહક હોય છે. પોપટમાં તીવ્ર કહી શકાય તેવી શબ્દોની ગ્રહણ શક્તિ છે. પોપટ રમતિયાળ પક્ષી છે. માણસ સાથે તેની દોસ્તી પણ થાય છે. પોપટ લીલા જ હોય તેવું નથી. રાતા, પીળા, વાદળી, નીલા, મેઘધનુષના રંગોમાં જોવા મળે છે. પોપટને સંસ્કૃતમાં ‘શુક’ કહે છે. અમરનાથ ગુફાના શુકની વાર્તા અને વ્યાસ પુત્ર શુકદેવની કથા પણ જાણીતી છે.
Comments
Post a Comment