દિક્ષાંત સમારોહ
- પ્રવીણ ક. લહેરી
ગુજરાતમાં હવે યુનિવર્સિટીઓની સંખ્યા ૧૦૦ ના આંકડાને પાર કરી ગઈ છે. ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ માટે વિદ્યાર્થીને સ્નાતક કે સ્નાતકોત્તર પદવી અર્પણ કરવી કે પી.એચ.ડી. થકી માનદ ડૉકટરની ઉપાધિ અર્પણ કરવાની ઘટનાનું આગવું મહત્વ છે. અંગ્રેજી શિક્ષણની વર્ષોના અભ્યાસ બાદ અપાતી ડિગ્રીઓ માટેના સમારોહને ‘‘કોન્વોકેશન’’ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી ભાષાએ આ માટે દિક્ષાંત સમારોહ જેવા શબ્દનો ઉપયોગ શરુ કર્યો છે. અમેરિકામાં કૉલેજ/યુનિવર્સિટી કરતાં શાળાકીય શિક્ષણની સમાપ્તિ વખતે અપાતા પ્રમાણપત્રને ‘ગ્રેજ્યુએશન સર્ટીફિકેટ’ તરીકે ગણાવી આપવામાં આવે છે તે પ્રસંગે માતા-પિતા ખાસ સમારંભનું આયોજન કરે છે. જેમના સંતાનો કે પુત્ર-પુત્રીના પુત્રો-પુત્રીઓના ધોરણ ૧૨ બાદ અમેરિકામાં યોજતી પાર્ટીમાં જવાનો અવસર અનેક લોકોને મળ્યો હશે. ધોરણ-૧૨માં આવેલ વિદ્યાર્થી ૧૮ વર્ષ પૂરા કરે છે, પુખ્ત બને છે અને ત્યાંની પ્રથા પ્રમાણે હવે તેમણે સ્વાવલંબી બનવાનું છે. માતા-પિતાના ઘરે રહીને ભણે કે છાત્રાલયમાંજઈને ભણે, તેણે ભણતાં સાથે કમાણી પણ કરવાની અપેક્ષા હોય છે.
ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા વધી છે તે સાથે વિષયોનું વૈવિધ્ય પણ વધ્યું છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦૦-૧૦૦ થી શરૂ કરીને ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ વિદ્યાર્થીઓ ધરાવતી ખાનગી યુનિવર્સિટીઓ એટલે શિક્ષણનો ધમધમતો ઉદ્યોગ-ધંધો બની ચૂકી છે. શિક્ષણક્ષેત્રના છેલ્લાં સર્વે મુજબ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ૮૨ લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ૨૮ લાખ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાંઅભ્યાસ કરે છે. ધોરણ ૧૨ પછી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં અંદાજે ૧૫ લાખ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવવા નોંધપાત્ર રકમ ખર્ચીને સુખી-સંપન્ન જીવનના સ્વપ્નો સેવે છે. આ સંક્રમણનો સમય એટલે કે વિદ્યાધામમાંથી જીવનના સંઘર્ષમાં પ્રવેશવા એક ઉંબરો ઓળંગવાની ક્ષણ.
આપણે ત્યાં અગાઉની ગુરુકુળ પરંપરામાં અભ્યાસ પૂર્ણ કરીને જતાં શિષ્યો માટે આચાર્યો દ્વારા જે બોધવચનો આપવામાં આવતાં હતાં તેમાંના અનેક વચનો ઉપનિષદમાં ગ્રંથસ્થ છે. ‘શિવાસ્તે પંથાઃ ‘‘માતૃદેવો ભવ’’, પિતૃદેવો ભવ’, ‘આચાર્ય દેવો ભવ’, ‘અતિથિદેવો ભવ’, વગેરે. આજે જ્યારે યુવાન-યુવતી ઉચ્ચશિક્ષણ પૂર્ણ કરીને કારકિર્દીમાં કદમ મૂકે છે ત્યારે અગણિત યુવા-યુવતીઓએ નોકરી શોધવામાં અથવા સ્વરોજગારીમાં સફળતા મેળવવા દીર્ઘ પ્રતિક્ષા કરવી પડે છે. ૨૨ થી ૨૬ વર્ષની ઉંમરે ભારતના યુવાન માટે કમાણી કેમ કરવી તે સૌથી મોટો પડકાર છે. આ અવસ્થામાં માતા-પિતા પરનું અવલંબન યોગ્ય નથી જણાતું પરંતુ સામે પક્ષે પગભર થવા માટે શું કરવું તેની સ્પષ્ટતા નથી હોતી. જાહેરક્ષેત્રની નોકરીમાં જોડાવા માટે કે ખાનગીક્ષેત્રમાં પસંદ થવા માટે ભાતભાતના અવરોધો અને અણછાજતી માંગણીઓનો શિકાર બનવું પડે છે. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતાં અને સૌથી યુવાન વસ્તીવાળા ભારત દેશમાં બેરોજગારી અને ગરીબીનો જે વ્યાપ છે તે ખૂબ જ તાકીદના ધોરણે અસરકારક પગલાંઓ દ્વારા ઘટાડવા માટે સરકાર કે સમાજ જરૂરી ધ્યાન નથી. આપના તેવી લાગણી સાચી અને વ્યાજબી છે.
દિક્ષાંત સમારોહમાં હાજરી આપીએ ત્યારે બ્રિટિશ પધ્ધતિનું સરઘસ, બેન્ડ વાજા, ઉપવસ્ત્ર કે સુશોભિત મંચ સામે બેઠેલા સુંદર પરિધાનમાં બેસેલાં હજારો યુવા-યુવતીઓની આંખો સામે જોઈએ ત્યારે આજની યુવાપેઢીની જાણકારી સમજણ, અપેક્ષાઓ, જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ અને મુંઝવણની મિશ્ર લાગણીના દર્શન થાય છે. આટલી મોટી સંખ્યામાં હાજર યુવાઓનું ભવિષ્ય શું ? જેમના માતા-પિતા સમૃદ્ધ છે, સારો વ્યવસાય કે ધંધો છે, પોતાનો ઉદ્યોગ છે તેમને માટે ભવિષ્યની ચિંતા નથી પણ મધ્યમવર્ગ અને ગરીબીમાંથી આવતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ચિંતાની ઊંડી રેખાઓ સ્પષ્ટપણે વર્તાય છે.
જે દેશમાં વસ્તીના માત્ર ૧૫ ટકા લોકો સ્નાતક કે તેથી વધારે અભ્યાસ કરેલા છે ત્યાં ડિગ્રી પ્રાપ્ત થવાની ઘટના વ્યક્તિના જીવનમાં નાનીસુની તો નથી જ. પરિવારના લાખો રૂપિયાનાં ખર્ચ બાદ અનિશ્ચિત ભવિષ્ય તાકતા યુવાઓએ કેટલું મજબૂત મનોબળ રાખવું પડતું હશે તે અકલ્પ્ય છે. મેં ૧૯૬૫ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી ત્યારે કોન્વોકેશનના મુખ્ય અતિથિનું નામ કે તેમણે શું વાત કરી તે યાદ નથી પણ ઉપર ચોરસ ઢાંકણાવાળી ટોપી અને વકીલ જેવો કાળો કોટ પહેરીને કાલબાદેવીના સ્ટુડિયોમાં જે વટ અને આનંદથી ફોટો પડાવ્યો હતો તે ઘટના યાદ કરું તો મનમાં રમુજનો ભાવ જાગે છે. એક પ્રતિક આપણને અર્થ વિનાનું પણ કેવું ગૌરવ અને સંતોષ આપેછે. સેલ્ફી અને મોબાઈલના કમેરાઓની સવલતોના કારણે દરેક ક્ષણે લેવાતાં ફોટોગ્રાફ કે હજારો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા લગ્નના ફોટો-આલ્બમો દરેક પળને ચિત્રમાં કેદ કરે છે. પણ સમય જતાં તે પળ વિસ્મૃતિમાં લુપ્ત થાય છે કે તેનો ઉમળકો સાવ ઓછો થઈ જાય છે. દિક્ષાંત સમારોહની પળપણ આવી જ રીતે ઉત્સાહ, ઉમંગ અને આનંદની હોય છે. આવા પ્રસંગે મિત્રો સાથે મસ્તી કરવાની જેટલી ઈચ્છા હોય છે તેટલી ઈચ્છા ‘વિદ્ધાન વક્તા’નો ઉપદેશ સાંભળવા માટે નથી હોતી.
દિક્ષાંત સમારોહ પહેલાં ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીઓ પ્રાપ્ત કર્તાઓને કેમ્પસ પ્લેસમેન્ટ હેઠળ નોકરી મળી હોય તો તેમના માટે આ અવસર અનેરા આનંદનો બની જાય છે. આજે અનેક ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ પ્લેસમેન્ટમાં નોકરી મેળવનારા યુવાન/યુવતીઓ, તેમની ભરતી કરનાર કંપનીઓ, તેમના દ્વારા નક્કી થયેલ પગાર-ભથ્થાં, સવલતોની જાહેરાત કરીને પોતાની મહત્તા વધારે છે. આજે જીવનમાં સફળતા માટેની પૂર્વ શરત સારી આવક અને મૂડીની છે. ભારતના ભણતર પછી અમુક મેનેજમેન્ટ અને ટેકનોલોજી સંસ્થાઓની શાખ એટલી ઊંચી છે કે તેમના વિદ્યાર્થીઓ માટે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ નોકરી મેળવી સહેલી છે. મધ્યપૂર્વના દેશોમાં અગાઉ શ્રમીકોની જરૂરિયાત માટે ભારતથી કારીગરો જતાં હતાં. હવે શિક્ષણ, આરોગ્ય, સ્થપતિ, વકીલ, શિક્ષકો સહિત અને સારી શૈક્ષણિક લાયકાત ધરાવતીવ્યક્તિઓત્યાં સ્થાયી કારકિર્દી બનાવી શકે છે.
આજની આપણી શિક્ષણ પદ્ધતિઓમાં અને ગુણો છે તો અનેક દોષ પણ છે. મૂળ પ્રશ્ન એ છે કે કોલેજો-યુનિવર્સિટી જે અભ્યાસ કરાવે છે તે વાસ્તવિક જીવનમાં કેટલો પ્રસ્તુત અને ઉપયોગી છે ? શિક્ષણને જીવનપયોગી બનાવવામાં આપણે હજી ઘણા પરિવર્તનો કરવાના છે.
વિદ્યાર્થીનું મન એ કોઈ વાસણ નથી કે આપણે તેને માહિતી ભરીને છલકાવી દઈએ. પૂર્વ રાષ્ટ્રપતિ કલામના પુસ્તકના શિર્ષક જેમ આપણે મનને પ્રજ્જવલિત કરવાનું છે. જે શિક્ષણપ્રથા યુવાપેઢીને આજીવિકા માટે તૈયાર છે તે ઉપયોગી જરૂર છે પણ શિક્ષણને તેના સર્વગ્રાહી અર્થ માટેસમજવું હોય તો શિક્ષણ એ તો જીવન સાર્થક રીતે જીવવાની પ્રક્રિયા તૈયાર કરનારી પદ્ધતિ છે. અમેરિકાની આઝાદીના મહત્વના ચિંતક જહોન આદમની માન્યતા હતી, ‘‘કોઈપણ મહત્વનું લક્ષ્ય પાર પાડવા માટે સૌ નાગરિકોને શિક્ષણની તક કોઈ ઉચ્ચ-નીચના ભેદ વિના ઉપલબ્ધ કરાવવીજોઈએ.’’ શિક્ષણથી ઉદાત્ત ભાવના વિકસાવવાની વાત તો વિસરાતી જાય છે. મૂલ્યો અંગેની જાણકારી આપવામાં કે તેના પ્રત્યે પ્રતિબદ્ધતા કેળવવામાં શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ ગઈછે. શિક્ષિત વ્યક્તિ સંસ્કારી હોય તેવું સમીકરણ રચાતું નથી.
દિક્ષાંત સમારોહના તેજસ્વી યુવા વિશ્વાસસભર ચહેરાઓ જીવનના સંઘર્ષની શરુઆત સાથે નિસ્તેજ થઈને મુરઝાતા જોવા જેવી બીજી કોઈ કમનસીબી નથી. અંતમાં આપણે યુવાઓને એક વાત કહી શકીએ. કવિ દલપત પઢિયારના શબ્દોમાં કહું તો, ‘‘મે તો ઉંબર પર દીવડો મેલ્યો, કે ઘર મારું ઝળહળતું. પછી અંધારો ઓરડો ઠેલ્યો, ભીતર મારું ઝળહળતું. પછી છાયામાં છાયો સંકેલ્યો કે સકલ મારું ઝળહળતું, પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો કે ભવન મારું ઝળહળતું’’ જીવનની મહત્વની સંક્રાંતિ ‘‘દિક્ષાંત સમારોહ’’ આ દિવડાઓ પ્રગટાવવાનો રૂડો અવસર છે.
Comments
Post a Comment