કળિયુગના લક્ષણો
પ્રવીણ ક. લહેરી
પાંડવોએ એક વખત શ્રીકૃષ્ણને કળિયુગના પ્રભાવ હેઠળ શું શું થશે તે સમજાવવા વિનંતી કરી. શ્રીકૃષ્ણે તેમાંથી એક-બેને ચારે દિશામાં મોકલ્યા અને ત્યાં તેમણે જે નિહાળ્યું તેનું વર્ણન કરવા કહ્યું. પાંડવોએ ચારે દિશામાં જે વિચિત્ર ઘટનાઓ જોઈ તે અંગે સ્પષ્ટતા પૂછતાં શ્રીકૃષ્ણે કહ્યું કે તમે જે દૃશ્યોથી આશ્ચર્ય પામ્યા તેનું અર્થઘટન આ પ્રમાણે છે.
એક કોયલ મધુર કંઠે ગાઈ રહી છે પણ સાથે સાથે નિર્દોષ સસલાનું માંસ ખાઈ રહી છે. કળિયુગમાં સાધુઓ/કથાકારો મીઠા અવાજે વાત કરશે પણ સસલાં જેવા ભોળા અનુયાયીઓનું ઘાતક રીતે શોષણ કરશે. બીજા દૃશ્યમાં ચાર કૂવા પાણીથી ઉભરાતાં હતાં પણ વચ્ચેના એક કૂવામાં ટીપું પણ પાણી ન હતું. આનો અર્થ એ કે સમાજમાં ધનવાનોને ત્યાં ધન, સમૃદ્ધિ અને સવલતોની રેલમછેલ હશે પણ ગરીબો પાસે કશું નહીં હોય. ધનિક લોકો તેને મદદ કરવાનો વિચાર સુદ્ધાં નહીં નહીં કરતા હોય. ત્રીજા દૃશ્યમાં ગાય પોતાની વાછરડીને ચાટીને તેની ચામડી ઉતરડી નાંખે છે તેનો અને કળિયગુમાં માબાપ સંતતિના ઉછેશમાં એટલા લાડપાન કરાવશે કે સંતાનો માંયકાંગલા બની જશે. ચોથા દૃશ્યમાં પહાડ પરથી પડતી શિલાઓ માફક કળિયુગમાં માણસોનું ચારિત્ર્ય સતત નીચે ગબડતું રહેશે. પાંડવોએ ચાર દિશામાં ચાર વિચિત્ર ઘટના જોઈ હતી પણ આજે આપણે સવારના છાપું વાંચવાની શરુઆત કરીએ અને તેના મથાળાના સમાચારો વાંચતા આપણને પણ પાંડવો જેમ પ્રશ્ન થાય; ‘‘કેમ આવી વિચિત્ર ઘટનાઓ બહોળા પ્રમાણમાં રોજ બની રહી છે ?’’ શું આપણે કળિયુગની વિષમતાઓ અને વિકૃતિઓ કરતાં પણ વધારે નીચલા સ્તરે પહોંચી ગયા છીએ ? અગાઉ જેની કલ્પના સુદ્ધાં થઈ શકતી ન હતી તેવા બનાવો દરરોજ બન્યા જ કરે છે. સમાજના સુખ-શાંતિને હણી લેતી વર્તણૂક શા માટે એટલી મોટી સંખ્યામાં કરે છે ? આ ઘટનાઓની વિગતો તરફ દૃષ્ટિ કરીએ;
ક્ રાજ્યસભામાં સાસંદની સીટ નીચેથી નોટોનું બંડલ મળ્યું.
ક્ મોરબીની આયુષ્ય હૉસ્પિટલમાં ખ્યાતિકાંડ; ૨૦ મહિનામાં સરકાર પાસેથી મેળવ્યા રૂપિયા ૩૪ કરોડ.
ક્ સિવીલ હૉસ્પિટલમાં નર્સ ઉપર હુમલા માટે ૬ કર્મચારી ફરજમોકુફી પર.
ક્ સાસુની ચડામણીથી પત્ની રિસામણે બેઠી તેવી શંકાથી જમાઈએ કરી સાસુની હત્યા.
ક્ સિરીયલ ખૂની ભુવાએ એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરીે
ક્ વિદ્યાર્થીઓને સડી ગયેલી સાયકલનું વિતરણ. વિદ્યાર્થી પાસેથી વાહતુક ખર્ચ વસુલ્યો.
ક્ કૌશલ્ય કીટમાં ઓછી વસ્તુઓ નીકળતા લાભાર્થીઓનો હોબાળો.
ક્ બોગસ પેઢી ઉભી કરી ટોળકીએ વેપારી પાસેથી એક કરોડ રૂપિયા ખંખેર્યા.
ક્ ઓનલાઈન જુગાર રમાડતી ગેમીંગ એપ્લિકેશન બંધ કરાવવા હાઈકોર્ટમાં અરજી.
ક્ દારૂનો મોટો જથ્થો જપ્તઃ સમગ્ર વિસ્તારમાં ધમધમતી દારૂતી ભઠ્ઠીઓ પર દરોડા.
ક્ પઠાણી વ્યાજના દરે ધીરાણ કરી કરજદારને સતત પજવતા વ્યાજખોરો.
ક્ લગ્ન પ્રસંગે હાથફેરો કરનારી તસ્કરગેંગ પાસેથી રૂા.૧૪ લાખનો માલ જપ્ત.
ક્ અજાણ્યા પુરુષની લાશ મળતા ચકચાર.
ક્ નજીવી બાબતે યુવતી પર બે દંપતિનો હુમલો.
ક્ પોલીસ કર્મી મોટો માસ્ટર માઈન્ડ નીકળ્યો.
ક્ ચોરાઉ બાઈક સાથે શખ્સ ઝડપાયો.
ક્ બોટ રાખવાના મામલે માછીમારોના જૂથ વચ્ચે બધડાટી - બે ડઝન લોકો ઘવાયા.
ક્ ડમી વિદ્યાર્થીઓ નામે ભ્રષ્ટાચાર.
ક્ બંધ મકાનમાં ધોળા દિવસે એક લાખ રૂપિયા મત્તાની ચોરી.
ક્ વન વિભાગના અધિકારીઓની કનડગત બંધ કરવા માંગ.
ક્ ચાલુ રીક્ષામાં યુવતી પર દુષ્કર્મ આચરનાર ત્રણ જણા ઝડપાયા.
ક્ હૉટલમાં પરણિતાનું ઝેરી દવાથી મોત. આપઘાત કે હત્યા ? ઘુંટાતું રહસ્ય.
ક્ રૂપિયા એક કરોડની લાંચ બિટકોઈનમાં માગતા મહેસૂલી અધિકારી.
ક્ ઓનલાઈન હૉટલ બુકિંગમાં લોકોએ વર્ષ દરમિયાન ૧૦૮ કરોડ ગુમાવ્યા.
છાપાઓના આ મથાળા હવે આપણને વિચલીત નથી કરતાં. ઘણાં વ્યવહારુ ગણાતા માણસો તો કહે છે કે દેશમાં ૧૪૫ કરોડ લોકો હોય, ગરીબી હોય, બેરોજગારી હોય અને સુશાસનનો અભાવ હોય ત્યાં આવું તો બનવાનું જ. અમુક વિદ્ધવાનો અને માનસશાસ્ત્રના તજજ્ઞો આપણને એમ પણ સમજાવે છે કે સમાજમાં ગુન્હાહિત પ્રવૃત્તિઓ કરનારાઓમાં ચોક્કસ પ્રકારની મનોવિકૃતિ રહેલી હોય છે. કવિ સુંદરમ્ે ગાંધીયુગની સંવેદના અને કોઈ વ્યક્તિ બૂરી નથી પણ તેના વિચારો સારા ન હોય ત્યારે તે પાપ કરે છે, કુકર્મ કરે છે, તેને સજા કરવાથી પરિસ્થિતિમાં કોઈ ફરક નહીં પડે પરંતુ પાપો રોકવા માટે વ્યક્તિઓના વિચાર અને આચારને સુધારવા અવિરત પ્રયત્નો જરૂરી છે. કવિ સુંદરમ્ના શબ્દો; ‘‘હણોના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.’’ સમાજમાં પ્રવર્તતી હિંસા, અરાજકતા અને ત્રાસવાદ અંગે ગાંધીયુગના બે મહાકવિઓ કહે છે; ‘‘રચો, રચો. અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા ! મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો, રંગે ઉડાવો જળના ફુવારા. દરિદ્રની એ ઉપહાસલીલા સંકેલવા, કોટિક જીભ ફેલતો, ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મકણી ન લાધશે.’’
જ્યારે કવિ સુંદરમ્ કહે છે; ‘‘શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળ તણા, રચ્યાં ત્યાં ઊંચેરા જનરુધિર રંગ્યા ભવન કૈં.’’
આજે તો આર્થિક અને સામાજિક અસમાનતાની કોને ચિંતા છે. વિકૃત મૂડીવાદ હેઠળ બળીયાના બે ભાગ જેવો ન્યાય સામાન્ય હોય છે. શ્રીમદ્ ભાગવત્ પૂરાણમાં શુકદેવજી પરિક્ષીત રાજાને કહે છે તે કળિયુગના લક્ષણો જાણવા જરૂરી છે. આ લેખકની કલ્પના હશે પણ આજે તો તે નરી વાસ્તવિકતા બની ગઈ છે. શુકદેવજી કહે છે; ‘‘હે પરિક્ષીત, સમય બહુ બળવાન છે. જેમ જેમ કળિયુગ આવતો જશે તેમ તેમ ઉત્તરોત્તર ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુ, બળ અને સ્મરણશક્તિનો અભાવ થતો જશે. કળિયુગમાં જેની પાસે ધન હશે એને જ લોકો સારા કુળવાળા, સદાચારી અને સદ્ગુણી માનશે. જેના હાથમાં શક્તિ હશે એ ધર્મ અને ન્યાયની વ્યવસ્થાને પોતાને અનુકૂળ આવે તેમ કરી દેશે. છોકરા-છોકરીઓ જાતે પોતપોતાની રૂચિથી જ લગ્ન કરી લેશે. વ્યવહારમાં લોકો સચ્ચાઈ અને ઈમાનદારીથી નહીં વર્તે. જેને જેટલું છળકપટ આવડશે, એને લોકો એટલો વધારે હોશિયાર ગણશે. સ્ત્રી અને પુરુષોની શ્રેષ્ઠતાનો માપદંડ શીલ અને સંયમ ન રહેતા કેવળ કામક્રીડા બની રહેશે. વસ્ત્ર, લાકડી, કમંડળ - જેવા બાહ્ય દેખાવ બધા બ્રહ્મચારી અને સંન્યાસીઓની ઓળખ બની રહેશે. જે લાંચ આપવામાં કે પૈસા ખવડાવવામાં અસમર્થ હશે તેને અદાલત તરફથી યોગ્ય ન્યાય નહીં મળે. કળિયુગમાં ગરીબ હોવું એ જ મોટો દોષ ગણાશે. જે જેટલો દંભ, દેખાડો અને પાખંડ કરી શકશે એને લોકો એટલો વિદ્ધાન સમજશે. લોકો દૂરના તળાવને તીર્થ માનશે પણ માતા-પિતા જે જીવતા-જાગતા તીર્થ છે તેમની ઘોર અવગણના કરશે. જીવનનું સૌથી મોટું કામ પેટ ભરવાનું છે તેમ સમજી જીવન ગુજારશે. ધર્મમાં પાખંડતા વ્યાપી જશે. રાજાઓ ડાકુ અને લૂંટારા જેવા થઈ જશે. મનુષ્ય ચોરી, જૂઠ અને કારણ વીના હિંસા કરી, કુકર્મો કરીને પોતાનું જીવન ચલાવશે. શુકદેવજી આગળ કહે છે; ‘‘હે પરિક્ષીત, કળિયુગમાં ધર્મના ચારેય ચરણો સત્ય, દયા, તપ અને દાન, નષ્ટ થઈ જાય છે અને એના બદલે અસત્ય, હિંસા, અસંતોષ અને કલહ અત્યંત વધી જાય છે. કળિયુગ હોય ત્યારે આખા દેશમાં ગામેગામ લુંટેરાઓ, ત્રાસવાદી, ગુન્હેગારોની પ્રધાનતા અને પચુરતા વધી જાય છે. પોતાને રાજા કહેવડાવનારા પ્રજાની કમાઈ હડપીને એને ચૂસી લે છે. બ્રાહ્મણનું નામ ધારણ કરીને પેટ ભરવા અને જનેન્દ્રિયોના ભોગ તૃપ્ત કરવામાં વ્યસ્ત રહેશે. ક્યારેક તો વરસાદ જ નહીં પડે તો ક્યારેક દુકાળ પડશે. તો ક્યારેક કર પર કર વસૂલવામાં આવશે. ક્યારેક ભયંકર ઠંડી પડશે, ક્યારેક આંધી આવશે, ક્યારેક અતિશય ગરમી પડશે તો ક્યારેક પ્રચંડ પૂર આવશે. આવા વિકરાળ વર્ણનને આજે વાસ્તવિકતામાં જોઈએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે; શું મનુષ્ય કદી પણ તેની પાશવી - પશુવૃત્તિમાંથી બહાર આવી જ નહીં શકે ? કવિ પ્રવીણ મહેતાની સલાહ કળિયુગના દુષણો ખાળી શકે; ‘મનના મેલ કાઢી નાખવા મન સારું બનાવજો. કોઈના ભલામાં આપણું ભલું છે તે વિચારજો. રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષ્યા તજીને સૌને બોલાવજો.’’
Comments
Post a Comment