અસલી શું અને નકલી શું ?
- પ્રવીણ ક. લહેરી
રાજકપૂરની ‘જાગતે રહો’ ફિલ્મનું ગીત, ‘‘જીદંગી ખ્વાબ હૈ, ખ્વાબ મેં જૂઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા, સબ સચ હૈ, જીંદગી ખ્વાબ હૈ’’ મોતીલાલ નામના અદાકારે પીધેલી હાલતમાં આ ગીત પરદા પર ગાયું હતું ત્યારે તેને અંદાજ નહીં હોય કે ભવિષ્યમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શું અસલી અને શું નકલી તે જાણવું લગભગ અશક્ય બની જશે. શું આપણે જીવનમાં જે જોઈએ છીએ તે વાસ્તવિકતા છે કે સ્વપ્ન ? આ પ્રશ્નનો સાચો ઉત્તર મેળવવો મુશ્કેલ છે. સોશિયલ મિડિયામાં ઝડપથી ફેલાતી માહિતી સાચી છે કે ખોટી તેની ચકાસણીની વ્યવસ્થા છે પણ અપૂરતી છે. જો કે સોશિયલ મિડિયાની વસ્તુને વક્ર દૃષ્ટિથી નિહાળીને ચોટદાર રીતે વાત ઉજાગર કરવાની ક્ષમતા કાબિલે દાદ છે.
તાજેતરમાં એક કલ્પનાશીલ અને ઉદ્યમી માણસે લવાદી કોર્ટની સ્થાપના કરી, જમીન અંગેના કેસો ચલાવીને હૂકમો આપ્યા. વકીલોએ પણ કોર્ટમાં હાજર રહી દલીલો કરી, હૂકમો અનુસારની નોંધો સરકારી દફતરે થઈ અને મંજૂર પણ થઈ. વર્ષો લગી આમ ચાલ્યું. આ નકલી કોર્ટ ચલાવનાર કાયદાની ડિગ્રી ધરાવતો નથી. ધરપકડ બાદ તેમણે આ કોર્ટ અસલી છે તેવું રટણ ચાલુ રાખ્યું. બનાવટી કાગળો રજૂ કરીને બચાવ કરવા પ્રયત્ન કર્યો. સોશિયલ મિડીયાના પ્રતિભાવો ખૂબ રસપ્રદ રહ્યાં. એક સંદેશામાં લખ્યું, ‘‘આ કોર્ટ નકલી છે તેની ખબર કેમ પડી હશે.’’ ઉત્તર હતો : ‘‘આ કોર્ટમાં મુદતો પાડ્યા વિના કેસોનો નિકાલ કરી ખૂબ ઝડપથી ચૂકાદા અપાતા હતાં ’’ અસલી ઘી કરતાં કોઈકને વેજીટેબલ ઘીનો સ્વાદ વધારે અનુકૂળ આવે તેવી અસલી-નકલીની સ્થિતિ છે. બીજી એક વ્યક્તિએ લખ્યું, ‘‘એક સાક્ષીને ન્યાયાધીશે ગીતા પર હાથ રાખી, ‘હું જે બોલીશ તે સત્ય જ બોલીશ અને સત્ય સિવાય કશું નહિ બોલું’ તેમ શપથ લેવા આજ્ઞા કરી.’’ સાક્ષીએ ન્યાયાધીશને વિનંતી કરી. ‘‘નામદાર, હું શપથ લઉં તે પહેલાં આપ ગીતા પર હાથ રાખી કહો : ‘હું અસલી ન્યાયાધીશ છું અને આ કોર્ટ અસલી છે તેવા સોગંદ લો.’’ એક અન્ય વ્યક્તિએ પ્રશ્ન કર્યો , ‘‘ શું આ નકલી કોર્ટને સ્ટાર્ટ અપ ઈન્ડિયા હેઠળ માન્યતા આપી શકાય ? નકલી સી.બી.આઈ.એ ઈડીના અધિકારી તરીકે કોઈ ધનવાન-પ્રતિષ્ઠાવાન પરિવાર પર છાપો મારી તેના મુખ્ય સભ્યને લાઈવ વાર્તાલાપ સાથે ડિઝીટલ એરેસ્ટ કરી માનસિક ત્રાસ આપવાની પ્રવૃત્તિ એટલી ફાલીફૂલી કે ન પૂછો વાત ! અનેક લોકોને આ કારસ્તાનથી ડરાવીને કરોડો રૂપિયા પડાવી લીધા. આ ઘટનાઓ એટલી વ્યાપક અને ગંભીર બની કે પ્રધાનમંત્રીએ ‘મનકી બાત’માં કહેવું પડ્યું કે સીબીઆઈ/ઈડીની તપાસમાં ડિઝીટલ એરેસ્ટની કોઈ જોગવાઈ નથી. લોકોએ સતર્ક રહેવું. આ દેશના નાગરિકોએ રાજકપૂરની ફિલ્મનું શિર્ષક સદાય સ્મરણમાં રાખવું, ‘જાગતે રહો’ ગુજરાતીમાં કહેવત છે. ‘‘ સિપાઈને બે આંખ તો ચોરને ચાર ’’ સૌએ પોતાના ચોકીદાર બનવું જરૂરી છે પણ કૌભાંડીઓ કેવા ખેલ પાડશે તેનો અંદાજ આપણા જેવા ભલા-ભોળા નાગરિકને આવતો નથી.
કચ્છમાં એક અસલી મહિલા પોલીસે જિલ્લાના જાણીતા બુટલેગર સાથે દોસ્તી અને ભાગીદારી કરી દારૂની હેરફેરમાં સક્રિય ભાગ લીધો. બુટલેગર મિત્રને બચાવવા માટે ગેરકાયદે થઈ રહેલી દારૂની હેરફેરની જવાબદારી પોતાને માથે લીધી. બીજા કિસ્સામાં બુટલેગર પોલીસની વર્ધીમાં પોતાના માણસોને રાખીને દારૂનું પરિવહન કરાવતો હતો કારણ કે હપ્તા કરતાં આ વિકલ્પ ઓછો ખર્ચાળ હતો. સરકારીતંત્રમાં અસલી અધિકારીઓ કરતાં નકલી અધિકારીઓનો પ્રભાવ વિશેષ હોય છે તેવા અનેક કિસ્સામાં પ્રકાશમાં આવ્યા છે. કોઈ વડાપ્રધાનનો ખાસ ફરજ પરનો અધિકારી બને છે, કોઈ નકલી આઈ.એ.એસ. કે આઈ.પી.એસ ઓફિસર બને છે, કોઈ નકલી કચેરી ખોલી ટ્રેઝરીમાં લાખો રૂપિયાના બીલો મંજૂર કરાવે છે. તો કોઈ નિમણૂંક કે બદલીના કે જમીન ફાળવણીના નકલી ઓર્ડર આપીને કામ પતાવી આપનારાઓ પર લોકો જે વિશ્વાસ કરે છે, તેમનામાં શ્રદ્ધા રાખે છે તે જોઈને આપણને આશ્ચર્ય થાય. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં લગભગ દર અઠવાડિયે કાંઈકને કાંઈક નકલી વ્યક્તિ કે કચેરી પકડાઈ છે. આવું નકલી કેટલા વખતથી ચાલતું હશે ? હજી પણ કોણ અસલી અને કોણ નકલી તેનો અંદાજ આવતો નથી.
ચાલી ચેપ્લિન ખૂબ જાણીતા અને આગવા હાસ્ય અદાકાર હતાં. કોઈએ એક હરિફાઈ યોજી જેમાં સ્પર્ધકોએ ચાર્લી ચેપ્લિનની આબેહૂબ વેશભૂષો, સંવાદો, અભિનય કરવાનો હતો. ચાર્લી ચેપ્લિને ગુપ્ત રીતે આ સ્પર્ધામાં ભાગ લીધો. નિર્ણાયકોએ આ કસોટીમાં ચાર્લી ચેપ્લિનને છઠ્ઠો ક્રમાંક આપ્યો. અન્ય પાંચ નકલી ચાર્લી ચેપ્લિન અસલી સામે મેદાન મારી ગયા. આજના સાંપ્રત સમયની વિટંબણા છે. એક મંદિરમાં દર્શનાર્થીઓની લાંબી લાઈન હતી. અચાનક કાળા કોર્ટમાં સજ્જ વ્યક્તિ આવ્યા. તેના આગળના ભાગે એક ભાઈ ચાલતા ચાલતા ‘જજ સાહેબ, જજ સાહેબ, ચાલો એમને આગળ જવા દો બોલતાં હતાં. લાઈન ચાતરીને ઝડપથી દર્શન કરી તે નીકળી ગયા. બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે એક નાનકડા નગરમાં પ્રેકટિસ કરતાં વકીલ હતાં. ‘‘દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે’’ જેવી ઉક્તિને આજે તો સાર્થક કરવા લાખો લોકો મચી પડ્યા છે. ઓનલાઈન ફ્રોડમાં ગત વર્ષે ગુજરાતની પ્રજાએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. ટૅકનોલોજીના દુરુપયોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે.
અંગ્રેજીમાં કહેવત છે, ‘‘ખોટા સિક્કાઓ સાચા સિક્કાઓને ચલણમાંથી હાંકી કાઢે છે.’’ વચ્ચે ચલણી નોટોમાં નકલીનું પ્રમાણ ખૂબ વધ્યું હતું. સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જાહેરાતો દ્વારા નકલી નોટો કેમ ઓળખવી તેની વિસ્તૃત જાણકારી આપી હતી. આમ છતાં અનેકવાર નકલી નોટોનો વહીવટ બેન્કો સાથે સિફતપૂર્વક કરવામાં આવતો હતો. બેંકમાં નોટોના બંડલને મશીનમાં ગણે ત્યારે નકલી નોટ પકડાય તેવો સોફટવેર તૈયાર થયેલો. નોટબંધી બાદ નવી નોટો આવી તેની નકલ પણ થઈ રહી છે. યેનકેન પ્રકારે નાણાં કમાઈ લેવાની વૃત્તિએ સમાજમાં નકલીની એક વિશાળ દુનિયાનું નિર્માણ કર્યું છે. આપણું નિયંત્રણતંત્ર વધારે સુદૃઢ કરવાની જરૂર છે. ગઠિયાઓ ટૅકનોલોજીનો ઉપયોગ કરે છે. જ્યારે વહીવટીતંત્રની ટેકનોલોજી પર અંકુશ કરવાની ક્ષમતા મર્યાદિત છે.
અગાઉ દૂધ-ઘી જેવા પદાર્થોમાં ભેળસેળથી નફો વધારવામાં આવતો હતો. હવે તો યુરિયામાંથી દૂધ બનાવવાનો, મટનટેલોમાંથી ઘી બનાવવાનો, પશુની લાદમાંથી જીરૂ બનાવવાનો કે પ્લાસ્ટિકમાંથી ચોખા બનાવવાના અહેવાલો દર્શાવે છે કે હવે ઉપદ્રવીઓ ભેળસેળ તો કરે જ છે પણ સાથે સાથે સાવ નકલી વસ્તુ બનાવી તેનું વેચાણ કરી આપણા સૌના આરોગ્યને જોખમમાં મૂકે છે. ‘પામ ઓઈલ’, ‘સનફ્લાવર ઓઈલ’, ‘કોટનસીડ ઓઈલ’ આમ તો અખાદ્ય તેલની કેટેગરીમાં છે. રાસાયણિક પ્રક્રિયાથી તેને ખાદ્ય બનાવવામાં આવે છે. અનેક સંશોધક સંસ્થાએ લાલબત્તી ધરી છે કે આવા તેલો વાપરનારાઓને વિવિધ પ્રકારના કૅન્સરો થવાની સંભાવના અનેક ગણી વધે છે. આવા તેલની આયાત, કહેવાતું શુદ્ધિકરણ અને વેપારમાં ખૂબ તાકાતવર લોબીઓના દબાણને કારણે સરકાર આ તેલોને સલામત ગણાવે છે. આ દુનિયામાં હવે અસલી-નકલી-ભલા, બૂરા, સાચા-ખોટા વચ્ચેના ભેદો લુપ્ત થતાં જાય છે. ઝાંઝવાના જળને વાસ્તવિક માનીને દોડતાં સૌ કોઈને જોતાં કવિ પ્રફુલ્લ દવેના શબ્દો યાદ આવે છે, ‘‘સાચું-ખોટું રમીએ છીએ, ખાલી થાળી જમીએ છીએ, કેવું કેવું જીવીએ છીએ, હોઠને કેવા સીવીએ છીએ. ઘા વાગે તો તડફડીએ છીએ, પણ મરવાથી ડરીએ છીએ.’’ કવિ કૈલાસ પંડિત તો કહે છે; ‘‘કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે. અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશા પૂછે છે ?’’
Comments
Post a Comment