બાબરીયાવાડનું બંડ                                                                                        

                                                                      - પ્રવીણ ક. લહેરી

બાબરીયાવાડના ૫૧ ગામોની ગિરાસદારો  નાગેશ્રી ગામે દેવાયત વરુ અને સુરગભાઈ વરુને મળ્યા. શ્રી સુરગભાઈ વરુ કાઠી કોમના શિરમોર ગણી શકાય તેવા દક્ષ અને અભ્યાસુ વ્યક્તિ  હતાં. વકીલનો વ્યવસાય, વાઘાણીયા દરબારના  જમાઈ અને પછી ત્યાં પ્રથમ વર્ગના મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી ફરી જાફરાબાદ-રાજુલાની કોર્ટમાં વકીલાત કરતાં હતાં. મારા પિતાશ્રી કનુભાઈ લહેરીના પરમ આત્મીય મિત્ર. મારા પિતાશ્રી અને સુરગભાઈ વરુએ મુંબઈ જઈ જાણીતા વકીલોના અભિપ્રાય મેળવ્યો. તેમના મત મુજબ હિંદ સ્વાતંત્ર્ય કાયદા હેઠળ બાબરીયાવાડના ગિરાસદારો અંગ્રેજોની સાથે જૂનાગઢની હકૂમતમાંથી પણ મુક્ત થાય છે. તેમના ભવિષ્ય અંગે તેઓ ટેકનિકલી હિંદ અથવા પાકિસ્તાન સાથે જોડાવા કે સ્વતંત્ર રહેવા હક્કદાર છે. આજ દિવસોમાં જામસાહેબે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે સૌરાષ્ટ્રની પ્રજા કે રાજવી જૂનાગઢનું પાકિસ્તાન સાથેની જોડાણ કદાપી સ્વીકારી નહીં શકે. આના પ્રત્યુત્તરમાં શાહનવાઝ ભુટ્ટોએ કહ્યું; ‘‘જૂનાગઢનું પાકિસ્તાન સાથેનું જોડાણ કાયદેસરનું છે. બાબરીયાવાડ અને માંગરોળ તો જૂનાગઢ રાજ્યના અવિભન્ન અંગો છે. તેઓ અલગથી કોઈ નિર્ણય કરી શકે નહીં.’’ કાઠિયાવાડના મહત્ત્વના રજવાડાના રાજાઓએ જૂનાગઢ નવાબને પત્ર લખી વિરોધ નોંધાવ્યો તેના જવાબમાં નવાબે કહ્યું; ‘‘જોડાણ પહેલાં કોઈપણ રાજવીએ તેની વસ્તીની સલાહ લેવી એવું ભારતના સ્વાતંત્ર્યધારામાં જણાવ્યું નથી.’’ 

પાલનપુર રાજ્યનું જોડાણ ત્યાંના નવાબો તાલેમહમદખાને સ્વેચ્છાએ ભારત સાથે કર્યું. આ પ્રસંગે તેમણે આપેલ પ્રવચન તેમની દીર્ઘદૃષ્ટિ અને ઉદાત્ત ભાવના ઉજાગર કરે છે. તેમણે જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણ માટે કહેલાં શબ્દો; ‘‘હું યુરોપમાં હતો ત્યારે જૂનાગઢની મૂર્ખતા વિષે સાંભળ્યું હતું. આ સમયે જૂનાગઢમાં યોગ્ય પ્રકારનો દિવાન હોત તો પરિસ્થિતિએ આવો વળાંક લીધો ન હોત. જૂનાગઢનો નવાબ હમેંશા તેના દિવાનનો ગુલામ રહ્યો છે. હું ઈચ્છું કે તે તેની પ્રજાનો રહ્યો હોત.’’ સરદાર પટેલને તેમણે લખ્યું, ‘‘યોગ્ય વાટાઘાટો થાય તો નવાબ શરતો સ્વીકારશે પછીથી તેની છોકરમતને છોરુ ગણી માફ કરી દેજો.’’ આ પત્ર આગવો છે તેમાં વાંકાચૂંકા અક્ષરે જાતે નવાબ તાલેમહમદે લખ્યું હતું; ‘‘જૂનાગઢનું કોકડું ખરેખર ગૂંચવાઈ ગય છે, પરંતુ આવા ગૂંચવાયેલા કોકડાઓ દાના (ડાહ્યા) પુરુષોએ ઘણીવાર ઉકેલ્યા છે. મૂરખોનો સહવાસ નાથ અમને કરાવીશ મા. આ શબ્દો ખૂબ યાદ આવે છે. બાબરીયાવાડના ગિરાસદારોના બંડથી શરુ થયેલ પ્રક્રિયા આગળ વધી જેમાં દેશભરના અનેક રાજવીઓ, પ્રજાકીય આગેવાનો, મુસ્લિમો સહિત અનેક ધર્મ-સંપ્રદાયના લોકોએ જૂનાગઢના જોડાણને વખોડતાં સાથે શ્રી શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ ‘આરઝી હકૂમત’ જૂનાગઢની પ્રજાની સમાંતર સરકારની રચના થઈ. ૧૭ મી સપ્ટેમ્બર બુધવારે બાબરીયાવાડના ગિરાસદારોની ભારત સાથે જોડાવાની અરજીનો સ્વીકાર કરી જૂનાગઢના અંકુશ હેઠળના પ૧ ગામોએ મુક્તિ મેળવી. 

૧૫ મી ઑગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં જૂનાગઢ બાબરીયાવાડમાં પઠાણ, સંધી, બલૂચી સૈનિકોના લશ્કરને મોકલી આતંક મચાવવાની શરુઆત કરી હતી. અંગત સલામતિ ખાતર રરપ જેટલાં ગિરાસદારી કુટુંબોએ હિજરત કરી કુલ એક હજાર જેટલાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોએ રાજુલામાં આશ્રય લીધો. આ પરિવારો એકંદરે ત્રણેક માસ રાજુલામાં રહ્યા ત્યારે આરઝી હકૂાતના સેનાની તરીકે મારા પિતાશ્રી કનુભાઈ લહેરીએ રાજુલાના મહાજનથી મદદથી આ ગિરાસદાર પરિવારોને રૂડી રીતે સાચવ્યા હતાં. આ ગિરાસદારોના નેતા શ્રી સુરગભાઈને આરઝી હકૂમતના પ્રધાનમંડળમાં સંરક્ષણ પ્રધાન તરીકે નિમવામાં આવ્યા. હતા.  

શ્રી સુરગભાઈના પ્રયત્નોથી થયેલ ૫૧ ગામોના વિલીનીકરણ બદલ તેઓનું ૧૪ મી સપટેમ્બર ૧૯૪૭ ના રોજ મુંબઈમાં સન્માન થયેલું. શ્રી સુરગભાઈ સૌરાષ્ટ્ર-મુંબઈ વિધાનસભામાં (૧૯૫૨-૫૭) અને ત્યારબાદ મુંબઈ ગુજરાત વિધાનસભામાં (૧૯૫૭-૬૨) ધારાસભ્ય રહ્યા. તદ્દન સરળ, નિજાનંદમાં મસ્ત અને મૃદુભાષી સુરગભાઈ એક જ્ઞાની, કલાસાધક અને તત્વચિંતક હતાં. પર્યાવરણમાં રસ ધરાવતા સુરગભાઈનો નાગેશ્રી દરબારગઢ સમૃદ્ધ લાયબ્રેરી, અવનવા પક્ષી-પશુઓનો બાગ અને ઉત્તમ ગૌશાળા ધરાવતો હતો. ગુજરાત કોંગ્રેસમાં સૌથી લાંબા સમય સુધી ઉપપ્રમુખ રહેનાર સુરગભાઈ પ્રસિદ્ધિથી જોજન દૂર હોવાથી તેનું નામ કે કામ જાણીતા થયા નથી. શ્રી રતુભાઈ અદાણીના વફાદાર સાથી અને મોહ-માયાની મુક્ત સુરગભાઈ પાસેથી લોકસાહિત્યની વાતો સાંભળો તો આજનો સારામાં સારો ડાયરો સાવ ફિક્કો લાગે. મહાભારતના સહદેવ જેમ કોઈ પૂછે તો જ વાત કરવાની, જ્ઞાનનો છાંટો પણ બહાર ન ઉડે તેની સાવચેતી, અહંકારનું નામ-નિશાન નહીં. પ્રમાણમાં યુવાન વયે મહુવામાં અમારે ઘરે મારા પિતાશ્રી સાથે વાત કરતાં તેના ખોળામાં માથું મૂકી હૃદયરોગના હુમલાના અંતિમ શ્વાસ લેનાર આ નરબંકાનું મ્યુઝિયમ તેમના પુત્રોએ નાગેશ્રીમાં સ્થાપ્યું છે - તે જ તેની વિરાસત. બાબરીયાવાડના બંડનું  અમારા પરિવાર માટે આગવું મહત્ત્વ છે. જે રરપ જેટલા ગિરાસદાર પરિવારોએ રાજુલામાં આશ્રય લીધો હતો. તેમણે મારા પિતાશ્રી પ્રત્યે આત્મિયતા દર્શાવવા આ પંથકની તમામ ગિરાસદાર બહેનોએ મારા પિતાશ્રીની લાજ ન કાઢવી તેવો નિર્ણય અમલી કર્યો હતો. બાળપણ અને કિશોર વયે બાબરીયાવાડના  આ ગામોમાં મેં આ પરિવારોનું જે લાગણીભર્યું આતિથ્ય માણ્યું છે તેની આજે તો કલ્પના કરવી મુશ્કેલ છે. એ જમાનામાં ભગવાનને ઉદ્દેશીને લખેલો દૂહો  શબ્દશઃ  વાસ્તવિક હતો. ‘‘કાઠિયાવાડમાં કોક-દી’’ ભૂલો પડે ને ભગવાન, થા ને અમારો મહેમાન, તારું એવ કરું સન્માન કે તને સરગ ભૂલાવું શામળા’’.

તારીખ ૧૧મી સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ બાબરીયાવાડના ૫૧ ગામોના વિલિનીકરણના પ્રસ્તાવને ભારત સરકારે સ્વીકાર્યા બાદ આ ગામોમાં જૂનાઢના નવાબે લશ્કર મોકલતાં ભારે તંગદિલીની સ્થિતિનું નિર્માણ થયું હતું. તારીખ ૨૦મી સપ્ટેમ્બર ૧૯૪૭ ના રોજ ભારતના મંત્રીમંડળે બાબરીયાવાડમાંથી જૂનાગઢના દળો હટાવી લેવા જણાવ્યું. તા.૨૪મી સપ્ટેમ્બર ૧૯૪૭ ના દિવસે ભારત સરકારે બાબરીયાવાડની પ્રજાના રક્ષણ માટે જુદી જુદી લશ્કરી ટુકડીઓ મોકલવાનો નિર્ણય લીધો. આના બીજા દિવસે મુંબઈમાં શ્રી શામળદાસ ગાંધીના વડપણ હેઠળ આરઝી હકૂમતની સ્થાપના કરી નવાબી શાસનના અંત માટે સશસ્ત્ર કાર્યવાહી પ્રજા કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો. ભારત સરકારે બાબરીયાવાડ અને માંગરોળના જોડાણને પાકિસ્તાન/જૂનાગઢ સ્વીકારે અને શાંતિમય ઉકેલ આવે તે માટે બે મહિના જેટલા સમય માટે પ્રયત્નો કર્યા. જૂનાગઢમાં થતાં  અત્યાચારો અને ત્રાસદી નિવારવાની શરુઆતના ભાગરુપે રપમી ઑકટોબર ૧૯૪૭ ના રોજ ભારત સરકારે બાબરીયાવાડ અને માંગરોળનો કબ્જો લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. લોર્ડ માઉન્ટબેટને આ પ્રશ્ને ધીરજ રાખવા/યુનોમાં રજુઆત કરવા કહ્યું ત્યારે સરદારે તેમ કરવાની ઘસીને ના કહી, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો ભલે પરંતુ જૂનાગઢની હરકતો ભારત સરકાર કદાપી ચલાવી લેશે નહીં. જૂનાગઢ હેઠળના ટાપુસમાન બાબરીયાવાડના ૫૧ ગામોની મુક્તિ સાથે અને આરઝી હકૂમતની સ્થાપના સાથે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાના કાવતરાનો અંત આવવાનો પ્રારંભ થયો. ઈતિહાસમાં એક નાનકડા પ્રદેશના પ્રશ્ને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય દાવપેચ બાદ ભારતની તરફુણમાં ઉકેલ આવે પણ પછી તે વિસ્તારનું નામ-ઓળખ અને મહત્ત્વ સાવ લુપ્ત થઈ જાય તે વિધીની વિટંબણા.


Comments

Popular posts from this blog