પ્લાસ્ટિક : પર્યાવરણ સામે સૌથી મોટો પડકાર

                                                     - પ્રવીણ ક. લહેરી        

વર્ષ-૧૯૦૭ માં ફિનોલ અને ફોરમેડીહાઈટના સંયોજનથી જર્મન રસાયણશાસ્ત્રી લીઓ બેકલેન્ડે ‘ બેકેલાઈટ’ નામના ‘થર્મોસેટ’ નો પેટન્ટ નોંધાવ્યો ત્યારથી ‘પ્લાસ્ટિક’ નો જન્મ થયો. અગાઉ ૧૮૩૯ માં એડુઆડ  સિમોને ‘પોલિસ્ટેરાઈન’  નામના પદાર્થની શોધ કરી હતી. ૧૮૪૪ માં થોમસ હેનકોક દ્વારા વલ્કનાઈઝેશનની શોધ કરી ત્યારે બ્રિટનના ચાર્લ્સ ગુડયરે પણ તેવી જ શોધ કરી. સેલુલોઈડ-કચકડાના પટ્ટીના ઔદ્યોગિક ઉત્પાદનને શક્ય બનાવવા માટે  જહોન વેસ્લી  હયાતને યશ આપવાનો રહે છે. ઈસ્ટમેન કાડકે  સેલ્યુલોઈડ ફિલ્મ બનાવવાનો પેટન્ટ મેળવ્યો અને આપણે વર્ષો સુધી કચકડાની ફિલ્મ પર ફોટાઓ પાડ્યા અને ફિલ્મો બનાવી. આ કૃત્રિમ વસ્તુઓ બનાવવામાં યુરોપના વૈજ્ઞાનિકો પ્રવૃત્ત રહ્યા હતા. લીઓ બેકલેન્ડે ૧૧૭ વર્ષ પહેલાં મેળવેલો પેટન્ટ આગળ જતાં વિશ્વને બદલી નાખવાનું નિમિત્ત બનવાનું હતું તે ત્યારે કોઈ જાણતું ન હતું. તેનાથી સમગ્ર દુનિયામાં કેટલાં પરિવર્તનો આવશે તેની કોઈએ કલ્પના સુદ્ધાં કરી ન હતી. આજે ‘પ્લાસ્ટિક’ શબ્દ એક તરફ સુવિધાનો સંદેશ આપે છે. તો બીજી તરફ ‘પ્લાસ્ટિક’ સંભવતઃ મનુષ્ય જાતિના જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ માટે સૌથી મોટું જોખમ બની ગયું છે.

આપણે પૃથ્વીના ઈતિહાસના એક એવા ત્રિભેટે ઊભા છીએ કે આપણે જે રસ્તો પસંદ કરીશું તેના પર આપણું જ નહીં પરંતુ જીવમાત્રનું અસ્તિત્વ નિર્ભર છે. આપણી ભૂલ કે ઉપેક્ષા જે પરિણામો લાવી શકે તેનો સ્વસ્થ ચિત્તે વિચાર કરીએ તો આપણે ધ્રુજી ઉઠીએ  એવી ભયંકર વાસ્તવિકતામાં આપણે પહોંચ્યા છીએ. વિશ્વના અનેક રસાયણ વિજ્ઞાનીઓ અને બાસ્ક-ડ્યુ પોન્ટ જેવી કંપનીઓએ પ્લાસ્ટિકની વ્યાખ્યા કરવી હોય તો ‘‘ કાર્બન મોલેક્યુલની શ્રેણીબદ્ધ ગોઠવણી’’ અથવા કાર્બન મોલેક્યુલ સાથે ઓક્સિજન, નાઈટ્રોજન અને સલ્ફરના અણુઓ જોડીને વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રસાયણ શાસ્ત્રે જે વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રસાયણ શાસ્ત્રે જે વિવિધ પ્રકારના પ્લાસ્ટિક વિકસ્યાવ્યા છે તેનો રોજબરોજના જીવનમાં ખૂબ મોટાપાયે ઉપયોગ થાય છે. જરા વિચાર કરીએ તો દરેક ક્ષણે આપણે કોઈક પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. આપણી આસપાસ પ્લાસ્ટિકની હાજરી સતત રહેતી હોય છે. પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વિના એક દિવસ પસાર કરવાનો પ્રયત્ન કરી જોશો તો પ્લાસ્ટિકની સર્વ વ્યાપકતાની અનુભૂતિ થશે. થોડા વર્ષો પહેલાં કોઈપણ દેશમાં માથાદીઠ ઉર્જા, પ્લાસ્ટિક, વાહનો અને અન્ય સાધનો વધારે વપરાશ એ વિકાસનો માપદંડ બન્યું હતું. આજે સ્થિતિ જુદી છે. આપણે જે વાપરીએ છીએ તેનો પર્યાવરણ પર જે દુઃષ્પ્રભાવ પડે છે તે અંગે સૌને ચિંતા થઈ છે. પ્લાસ્ટિકની રચના ભલે કાર્બન અને અન્યના મોલેક્યુલની ગોઠવણીથી થઈ હોય પણ તેનું સૌથી આગવું લક્ષણ એ છે કે મોટાભાગની પ્લાસ્ટિકની વસ્તુઓનું વિઘટન થતું નથી અથવા તો તેના માટે સેંકડો વર્ષનો ધસારો લાગ્યા બાદ, જે તે શક્ય બને છે. પ્લાસ્ટિકની ‘અક્ષય’ રહેવાની શક્તિ આપણા માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. જે ખૂબ ટકાઉ છે તે જોખમી પણ છે. પ્લાસ્ટિકના કચરાના યોગ્ય નિકાલના અભાવે આજે તો જળ,જમીન અને વાયુના પ્રદુષણનું સ્તર ગંભીર સ્તરે પહોંચ્યું છે. આમાંથી છૂટકારો મેળવવા માટે આપણે સૌએ સજાગ થઈને સર્તક રહીને , નાનામાં નાની લાગતી બાબતો પર ધ્યાન આપીને પ્લાસ્ટિકનો વપરાશ કે કચરો આપણા માટે કેમ સલામત બને તે પ્રશ્નને અગ્રતા આપવી અનિવાર્ય છે. હવે સૂર્યપ્રકાશથી જેનું વિઘટન થાય તેવા ‘બાયોડિગ્રેડેબલ’ પ્લાસ્ટિક બનાવવાની શરુઆત થઈ છે.  આવા પ્લાસ્ટિકને લોકો વાપરે તે માટે લોકજાગૃતિ અને લોકશિક્ષણની જરૂર છે. પ્લાસ્ટિકના કાર્બન મોલેક્યુલની ગોઠવણ અને અન્ય પદાર્થો સાથે સંયોજન થવાથી પ્લાસ્ટિકમાં આપણને ઘણું વૈવિધ્ય જોવા મળે છે.  આ જુદા જુદા પ્રકારના પ્લાસ્ટિકના ગુણધર્મો પણ અલગ-અલગ હોય છે. 

આજે પ્લાસ્ટિકનો વપરાશ અનેક રીતે થાય છે. પ્લાસ્ટિકે અનેક વસ્તુઓનું સ્થાન લીધું છે. કાગળ, સુતરાઉ-રેશમ, કાપડ, લાકડું, ધાતુ, શણ, કાચ, માટી, ઘાસ સહિત અગણિત  વસ્તુઓની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આ વપરાશનું વિશ્લેષણ  કરીએ તો (૧) ૫ેકેજીંગ (૨) બાંધકામ (૩) કા૫ડ (૪) વાહનવ્યવહાર (કાર વગેરે) (૫) ઈલેટ્રિકલ અને ઈલેકટ્રોનિક્સ અને (૫) ઔદ્યોગિક મશીનોમાં થતા ઉ૫યોગ ઉપરાંત કાંસકાથી માંડીને ડોલ, ટબ,પંખા,ટૂથબ્રશ, રેઝર સહિત ઘરવપરાશની અનેક વસ્તુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સહજ બન્યો છે. કૃત્રિમ  ફૂલો હોય કે કૃત્રિમ લોન-(ઘાસીયું મેદાન) દરેકમાં પ્લાસ્ટિકની હાજરી ઊડીને આંખે વળગે છે. પ્લાસ્ટિક અન્ય પદાર્થો કરતાં વધારે ટકાઉ, વધારે હળવું, વધારે મજબૂત અને વ્યાજબી કિંમતે ઉપલબ્ધ છે તેથી લોકો તેનો વપરાશ પસંદ કરે છે. અગાઉ ખુરશીઓ લાકડા લોખંડ કે નેતરમાં બનાવવામાં આવતી હતી. નાના ટેબલ-ટિપોઈ પર પણ લોકો બેસતા હતાં. હવે પ્લાસ્ટિકની ખુરશીઓનો વપરાશ તમામ પ્રસંગે મોટી સંખ્યામાં થઈ રહ્યો છે. આજે જે વ્યક્તિઓ ૭૦ થી ૮૦ વર્ષની વયમાં છે તેમણે પ્લાસ્ટિક મુક્ત જીવનનો અનુભવ કર્યો છે. આજની પેઢી માટે તો એ માનવું જ મુશ્કેલ છે કે પ્લાસ્ટિક વિના જીવી શકાય છે. પ્લાસ્ટિકનો વપરાશ સ્વચ્છતા અને સલામતિ માટે આરોગ્ય ષેત્રે કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થોના  પેકીંગમાં કરવામાં આવે છે. પ્લાસ્ટિકની થેલીઓ વિગેરે વપરાશ બાદ તુરત ફેંકી દેવાની પ્રથાએ કેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે તે આપણે સમજી શકતા નથી. ઉપભોક્તાવાદમાં ‘વાપરો અને ફેંકો’ નો  સિદ્ધાંત અમલમાં છે. આપણે જે વસ્તુઓ વાપર્યા બાદ જ્યાં ત્યાં ફેંકીએ છીએ ત્યાં ધીમે ધીમે કચરાના ડુંગરો થયા છે. નદીઓ  મારફત કરોડો ટન પ્લાસ્ટિકનો કચરો મહાસાગરોમાં જમા થયો છે. અરે એવરેસ્ટ જેવો વિશ્વનો સૌથી ઊંચો પહાડ પણ પ્લાસ્ટિકના કચરાથી મુક્ત નથી. પ્લાસ્ટિકના કચરાના મુદ્દે થોડી જનજાગૃતિ આવવાની શરૂઆત થઈ છે પણ હજી માનવ જાતના અસ્તિત્વ પર જે  જોખમ આવ્યું છે તે દૂર થાય તેવી નક્કર કાર્યવાહી થઈ નથી. અગાઉ વનને બચાવવા આપણે કાગળનો વપરાશ ઘટાડવાની વાતો કરી, લાકડાની જગ્યાએ પ્લાસ્ટિકનો વપરાશ કરી વૃક્ષો બચાવશું તેવી માન્યતાનો પ્રચાર-પ્રસાર કર્યો. પ્લાસ્ટિકની ડિપોઝિબલ વસ્તુઓ ઈન્જેકશન હોય કે ચાનો કપ, ગ્લાવ્ઝ હોય કે દૂધની થેલી, વાપરીને ફેંકી દેવામાં આપણને સલામતી દેખાતી હતી. હાજે આ રીતે ફેંકેલા કચરાના કારણે પર્યાવરણને ખૂબ મોટું નુકશાન કર્યું છે. 

હવે પ્રશ્ન એ છે કે પ્લાસ્ટિકનો વપરાશ કેમ ઘટાડવો ? વપરાયેલા પ્લાસ્ટિકનો નિકાલ સલામત રીતે કેમ કરવો ? પ્લાસ્ટિકને બદલે પર્યાવરણની રીતે સારા વિકલ્પોનો અમલ કેમ કરવો ? પ્લાસ્ટિકને બદલે પર્યાવરણની રીતે સારા વિકલ્પોનો અમલ કેમ કરવો ? પ્લાસ્ટિકની ઝેરી અસરો, વિઘટન ન થતાં તેના દ્વારા થતું પ્રદુષણ અને પર્યાવરણ સામેના આ ગંભીર પડકારને કેમ પહોંચી વળવું તે માટે સમૂહ ચિંતન, સમયબદ્ધ કાર્યોનું આયોજન અને નિષ્ઠાપૂર્વક તેનો અમલ કરવો અનિવાર્ય છે. આ પડકાર જેટલો જટિલ છે તેટલો જ તાકીદનો છે. આપણે હવે વિલંબ કે ઉપેક્ષા કરી શકીએ તેમ નથી. હાલના પ્લાસ્ટિકના ઉત્પાદન, વપરાશ અને ત્યારબાદના નિકાલ અંગે જે નીતિનિયમો-કાયદાઓ નક્કી થાય તેના અમલમાં કોઈ બાંધછોડ થવી ન જોઈએ. આપણી ભાવિ પેઢીના ભવિષ્ય માટે ‘સલામત પૃથ્વી’ રહે તે આપણી પ્રાથમિક જવાબદારી છે.

Comments

Popular posts from this blog