ભારત અમેરિકાના સબંધોનું ભવિષ્ય
- પ્રવીણ ક. લહેરી
ભારત-અમેરિકાના સબંધો પર વિશ્વના ભવિષ્યનો ઘણો મોટો આધાર રહ્યો છે. ચીન અને અમેરિકાના શીતયુદ્ધમાં રશિયા નોર્થ કોરિયા સંપૂર્ણપણ ચીન સાથે છે. ઈરાન પણ ચીન સાથે છે. વર્ષો સુધી અમેરિકાનું ગાઢ સાથી રહેલ સાઉદી અરેબિયા હવે પેટ્રો ડૉલરમાં વેપાર કરવાને બદલે અન્ય દેશોના ચલણમાં ઓઈલ વેચવા તૈયાર થયું છે. ભારત સહિત અનેક દેશો સાઉદી અરેબીયા પાસેથી ડૉલરમાં કિંમત ન ચૂકવતાં જે તે દેશની કરન્સીમાં ચૂકવણી કરશે તો વિશ્વના અર્થતંત્ર પરની અમેરિકાની પકડ ઢીલી પડશે. ભારત રશિયા વચ્ચેના વેપારમાં રશિયાએ ડૉલરના બદલે અબજો ભારતીય રૂપિયા સ્વીકારીને અમેરિકાના એકાધિકારને પડકાર ફેંક્યો છે. ભારતે પોતાની વિદેશી મુદ્દાની અનામત ડૉલરમાં જ રોકવાને બદલે સોનામાં રોકાણ કરવાનું નક્કી કર્યું છે. ચીને પણ આંતરરાષ્ટ્રીય બજારમાંથી મોટા પાયે સોનું ખરીદીને ડૉલરની મોનોપોલી તોડવામાં આગેવાની લીધી છે. વિશ્વ બેન્ક, આંતરરાષ્ટ્રીય નાણાં પંચ વગેરે માટે પણ આગામી દિવસોમાં ચીન ગરીબ દેશોને વધારે લોન આપી અમેરિકાના અંકુશમાંથી મુક્ત કરવા પ્રયત્ન કરે ત્યારે ચિંતાજનક પરિસ્થિતિ થશે.
અમેરિકાના વિદેશનીતિ નિર્ધારકો નીચેની પાંચ બાબતોમાં ભારત અંગે ચિંતીત રહે છે. (૧) ભારતમાં ટેકનોલોજીના જાણકાર તજજ્ઞોની સંખ્યા વિશાળ છે. ભારતના નિષ્ણાતો જો પૂરતી જહેમત કરી સંશોધન કરે કે ટેકનોલોજી અપનાવે તો ચીન જેમ ભારત પણ માલસામાન, મશીનરીના અગ્રણી ઉત્પાદક તરીકે સ્થાન મેળવી શકે છે. ભારતમાં પગારો- મજૂરીના દર નીચા છે અને અમેરિકા અને હવે ચીનને પણ હંફાવી શકે તેવી ક્ષમતા ભારતના અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાં છે. (૨) ભારતે રશિયાની સહાયથી મિસાઈલો, રોકેટો અને અવકાશ ક્ષેત્રે જે પ્રગતિ કરી છે તેનાથી અનેક દેશો ભારતને ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવાની કામગીરી આપે છે જે અમેરિકાની આ ક્ષેત્રની આવક ઘટાડે છે. (૩) અણુક્ષેત્રે ભારતની હરણફાળથી ચિંતીત અમેરિકા-ચીને પાકિસ્તાનને પાછલે બારણેથી મદદ કરી અણુસત્તા બનાવી પણ પાકિસ્તાનની આર્થિક હાલત,રાજકીય અસ્થિરતા અને આતંકી જૂથોના પ્રભાવને કારણે પાકિસ્તાનનો અણુશાસ્ત્રોનો ભંડાર કેમ સુરક્ષિત રાખવો તે યક્ષપ્રશ્ન છે. ભારતના અણુ અને અંતરીક્ષ ક્ષેત્રના સેંકડો યુવા વિજ્ઞાનીઓના અપમૃત્યુ પાછળ અમેરિકાનું કાવતરું જ જવાબદાર છે તે હવે સૌ કોઈ જાણે છે, સ્વીકારે છે. ડૉ. હોમીભાભાના વિમાનના અકસ્માતથી શરૂ થયેલો સિલસિલો હાલ તો સહેજ રોકાયો છે. ડૉ. મનમોહનસિંહ પર અભૂતપૂર્વ દબાણ લાવી જે અણુસંધી થઈ છે તેથી ભારત પર અગણિત બંધનો છે. ભારતીય વૈજ્ઞાનિકોની અણુક્ષેત્રની, અવકાશક્ષેત્રની અને મિસાઈલો અંગેની સિદ્ધિ અમેરિકાને આંખમાં પડેલા કણા જેમ સતત ખૂંચે છે. (૪) ૨૦૧૪ માં નરેન્દ્ર મોદીની સરકાર રચાયા બાદ સંરક્ષણક્ષેત્રે સ્વાવલંબન મેળવવા માટે યુદ્ધ વિમાનો, યુદ્ધ જહાજો, સબમરિનો, ટેન્કો, બંદુકો વગેરેના ઉત્પાદનથી અમેરિકા પરેશાન છે. ભારત લશ્કરી રીતે તાકાત વર બને અને તેનો પ્રાદેશિક પ્રભાવ વિસ્તરે તેમાં અમેરિકાને વાંધો છે. એક બાજુ ભારત ચીનનો પ્રતિકાર કરવા શક્તિશાળી બને તો સારું એવી હૈયાધારણ અમેરિકા આપે છે. પરંતુ તે માટે મદદ આપવામાં રસ દાખવતું નથી. (૫) ભારત હવે ચીપ્સ, સેમિકન્ડકટર, મોબાઈલ, ઈલેકટ્રિકલ વાહનોના ઉત્પાદનમાં જે ઝડપે આગળ વધી રહ્યું છે તેમાં પણ અમેરિકાને બીનજરૂરી ચિંતા થયા કરે છે. ભારતને અદ્યતન ટેકનોલોજીથી વંચિત રાખવું, પ્રતિભાશાળી ભારતીયોને સારા આવકની લાલચે અમેરિકામાં રોકી રાખવા અને ભારતની-નિકાસ પર ગેરકાયદે પ્રતિબંધો મૂકવામાં અમેરિકા સંકોચ અનુભવતું નથી. અમેરિકા ભારતને ખુલ્લા દિલથી ટેકનોલોજીમાં મદદ કરે તે આજના સંદર્ભમાં તેમના લાભમાં છે. ભારતનું બજાર વિશાળ છે. અમેરિકા ભારતમાં હળવાં પીણાં, ચિકન, કોફી, પિઝા, બર્ગર વિગેરે વેચવા માટે તેની બહુરાષ્ટ્રીય કંપનીઓની જેટલી ચિંતા કરે છે તેમાંથી થોડી ચિંતા પણ ભારતના ઉદ્યોગક્ષેત્રને અદ્યતન ટેકનોલોજી આપવા કરે તો ટૂંક સમયમાં જ ભારત ચીનને સ્પર્ધા આપી શકે તેમ છે. અમેરિકાએ ચીનના આધિપત્યને રોકવું હોય તો તે માટે ભારત સાથે સહયોગ અનિવાર્ય છે. (૬) અમેરિકાના શિક્ષણક્ષેત્રમાં ભારતીય વિદ્યાર્થીઓની નોંધપાત્ર સંખ્યાના કારણે ભારતમાંથી અમેરિકાને અબજો ડૉલરની આવક થાય છે. ભારતીયો અમેરિકામાં કાયમી વસવાટ મળશે તેની લાલચમાં દેવું કરીને પણ અમેરિકા ભણવા જાય છે. (૭) ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશીઓને અમેરિકામાં સ્થાયી થવાની તકો આપવાનો ખુલ્લેઆમ વિરોધ કરે છે. પ્રમુખ ઓબામા પણ યુવાનોને કહેતાં હતાં કે ભણવામાં ધ્યાન આપો નહીં તો બેંગ્લોરના ઈજનેરો ત્યાં બેઠા તમારી નોકરી છીનવી લેશે. ભારતીય મૂળના લોકોનો સમૂહ અમેરિકાનાં તમામ વિદેશથી આવેલા જૂથોમાં માથાદીઠ સૌથી વધારે આવક ધરાવ છે. મેઈક અમેરિકા ગ્રેટ અગેઈન (માગાના) શ્વેત વંશીય પૂર્વગ્રહ ધરાવનારા લોકો ભારતીયોની ઈર્ષા કરે છે. એટલું જ નહીં પણ દર વર્ષે વંશીય હૂમલામાં ભારતીય મૂળના લોકોની હત્યા થાય છે અને અનેક ઈજાગ્રસ્ત થાય છે. (૭) તુલસીદાસે કહ્યું છે તેમ ‘‘સમર્થકો નહીં દોષ ગુંસાઈ’’ના ન્યાયે આ૫ણે અમેરિકાની ગમે તેટલી ટીકા કરીએ કે પરિવર્તન માટે સલાહ આપીએ પણ તેનાથી અમેરિકી શાસકોના પેટનું પાણી હલે તેમ નથી. ભારતે દૃઢતાથી પોતાના હિતોના રક્ષણ માટે સતત સજાગ રહીને, રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવી તેમજ અમેરિકનો પ્રશ્નો ભારતની દૃષ્ટિથી જુએ તે માટે માહોલ ઊભો કરવો જરૂરી છે. ચીન અને પાકિસ્તાન કરતાં ભારત સાથેની દોસ્તી અનેક રીતે અમેરિકા માટે લાભદાયી નીવડશે તેવું દીવા જેવું સત્ય અમેરિકાને કેમ સમજાવું તે આપણાચત રાજદૂતો માટે એક અનોખો પડકાર છે.
ભારતનું અર્થતંત્ર કદની રીતે આજે વિશ્વમાં પાંચમું સ્થાન ધરાવે છે. ૨૦૨૭ થી ૨૦૩૦ના વર્ષો દરમિયાન ભારતની કુલ આવક પાંચ ટ્રિલિયન અમેરિકી ડૉલર થશે પણ તેની સામે ભારતીયની સરેરાશ માથાદીઠ વાર્ષિક આવક માંડ ત્રણ હજાર ડૉલર આસપાસ પહોંચશે. ભારતીયની સરેરાશ વાર્ષિક આવક ૫૦૦૦ ડૉલર સુધી પહોંચાડવા માટે આપણે ૨૦૩૦ માં ૭ ટ્રિલિયન અમેરિકી ડૉલર કેમ કરવી તેના માટે ગંભીર વિચારણા કરી, યોગ્ય આયોજન કરીને ચુસ્ત અમલીકરણ દ્વારા તે લક્ષ્યાંક હાંસલ કરીએ તો અમેરિકા ભારત પ્રત્યે તિરસ્કારને બદલે માનની લાગણીથી જોશે, અમેરીકાના હિતો જાળવવામાં તેને ભારતની ક્ષમતાની ખાતરી થશે અને દ્વિપક્ષ સબંધો સુધારવા માટેનું વાતાવરણ સર્જાશે. ભારતે વિકાસના માર્ગે ઝડપથી આગળ વધવામાં જ તેનું ઉજ્જવળ અને સલામત ભવિષ્ય સમાયેલું છે.
ભારત- અમેરિકાના સબંધો ધનિષ્ઠ બનાવવા માટે ઉભયપક્ષે સંકલિત કાર્યવાહી કરવી જરૂરી છે. અમેરિકા ભારતની ચિંતાના મુદ્દાઓ સમજે અને ભારતની એકતા અને અખંડદિતતાને હાની પહોંચી તેવી કામગીરીથી દૂર રહે તે પ્રાથમિક જરૂરિયાત છે. જ્યાં સુધી અમેરિકા એ હકીકત સ્વીકારે નહીં કે આગામી ર૦ વર્ષમાં ભારત આર્થિક, ટેકનૉલોજીની રીતે અને લશ્કરી રીતે ઘણું શક્તિશાળીફ બનશે. ભારતને તાકાતવાન બનતું રોકવાથી અમેરિકા ચીન પર કદી અંકુશ મૂકી શકશે નહીં. પાકિસ્તાનને છેલ્લા ૭૭ વર્ષમાં આતંક ફેલાવવામાં અમેરિકાએ સાથ આપ્યો છે. તે સ્થિતિનો જેટલો જલ્દી અંત આવે તે અમેરિકાના લાંબા ગાળાના હિતમાં છે. અમેરિકામાં ચુંટણી સાવ નજીકમાં છે ત્યારે નિવૃત્ત થતાં પ્રમુખ બિડને કવાડની બેઠકની યજમાની કરીને ચીનના વધતાં પ્રભાવને ખાળવા માટે જાપાન, ભારત અને ઓસ્ટ્રેલીયા સાથે જે મંત્રણા કરી છે તેના દુરોગામી પરિણામાુ આવશે તેવી આશા અસ્થાને નથી. જોકે આ બેઠકના આગલા દિવસે આતંકવાદી શીખ સંગઠનો સાથે બેઠક યોજીને અમેરિકાના વિદેશ વિભાગે ખોટો સંદેશો આપ્યો છે. ભારતમાં હિંસા ફેલાવી અલગતાવાદ ફેલાવતાં તત્વોને તો અમેરિકાએ સંપૂર્ણ અંકુશમાં રાખવા જોઈએ. ભારતે આવા મુદ્દાઓ અંગે અમેરિકાની જે હરકતો છે તે કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લે તેવો સ્પષ્ટ સંદેશો આપવાનો સમય પાકી ગયો છે.
અમેરિકી વહીવટતંત્રમાં ‘પ્રેશરગ્રૂપ’ અને ‘લોબીંગ’ માટે અનેક એજન્સીઓ ખુલ્લી રીતે કામ કરે છે. ચીને છેલ્લા ૨૦ વર્ષમાં અમેરિકાના વહીવટીતંત્રમાં અને યુનિવર્સિટીઓમાં અબજો ડૉલરો છૂટા હાથે વેરીને ચીન તરફી જૂથોનું નિર્માણ કર્યું છે. આપણે ત્યાં અમેરિકા અને ચીનની ગુપ્ત સહાયથી ચાલતા રાજકીય પક્ષો, રાજકીય આગેવાનો, ઉચ્ચાધિકારો,લશ્કરી કમાન્ડરો,પત્રકારો, શિક્ષણશાસ્ત્રીઓ સહિત તમામ ક્ષેત્રોમાં તેમના સંપર્ક સેતુઓ રચાયા છે. અમેરિકી નીતિને બદલવા માટે ભારતે પણ જબરજસ્ત કામગીરી કરવાની જરૂર છે. આપણા એક સમયના રાજદૂત નરેશકુમારે ભારતીય મૂળના લોકોના સાથ સહકારથી લોબીંગ ખૂબ અસરકારક બનાવ્યું હતું.
ભારત માટે અમેરિકા સાથેની મૈત્રી ખૂબ જરૂરી છે. ભારતે આ વાત સમજીને અમેરિકા સાથે વ્યુહાત્મક સબંધો વિકસાવવાની દિશામાં અનેક પગલાં ભર્યા છે. હવે આપણને પ્રતિક્ષા છે. અમેરિકાની પહેલની, ભારત પ્રત્યે આદર અને નિષ્ઠા સાથે સબંધો વિકસશે તો તે અમેરિકા અને ભારત બન્ને દેશો માટે ખૂબ લાભદાયી નછવડશે. નવેમ્બર-૨૦૨૪ની ચુંટણી બાદ નવા રાષ્ટ્રપતિ નક્કી થયા બાદ આગામી ચાર વર્ષમાં અમેરિકા-ભારતની દોસ્તી ગાઢ બને અને બન્ને દેશો વચ્ચેના સબંધો સુદૃઢ થાય તેવી આશા કરીએ.
Comments
Post a Comment