અમેરિકાની મૈત્રી કે દંભ ?
- પ્રવીણ ક. લહેરી
આ૫ણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે છે. ચીન સામે વ્યૂહાત્મક રીતે જોડાયેલા અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્ર્ેલિયાના ચાર દેશોના ‘કવૉડ જૂથ’ની શીખર પરિષદમાં હાજરી આપવા અમેરિકા ગયેલા પ્રધાનમંત્રી માટે આ મુલાકાત એક કસોટી સમાન છે. વિશ્વના રાજકારણ માટે કહેવાયું છે; ‘‘કોઈ દેશને મિત્ર નથી હોતા, નથી દુશ્મન હોતા, હોય છે એક માત્ર સ્વાર્થ’’ આજે તો દેશ હોય કે વ્યક્તિ મતબલબી હોવું સામાન્ય છે. અમેરિકા ૧૯૯૦ થી ૨૦૦૮ સુધી નિઃશંક રીતે સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી દેશ ગણાતો હતો. વર્ષ ૨૦૦૮ની વૈશ્વિક મંદીએ અમેરિકા સહિત પશ્ચિમના દેશોનો વિકાસ ટકાઉ નથી તે સિદ્ધ કરી આપ્યું.
છેલ્લાં ૨૦ વર્ષમાં ચીને ટૅકનોલોજી, ઉત્પાદન, નિકાસ, લશ્કરી તાકાત અને વ્યૂહાત્મક સબંધોમાં જે પ્રગતિ કરી છે તેનાથી અમેરિકા જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ચિંતા પ્રસરી છે.ચીન તેની સ્વાર્થવૃત્તિ, શોષણ, લુચ્ચાઈ અને અવિશ્વસનીયતા માટે જાણીતું છે. તેના શક્તિશાળી થવાથી દૂર પૂર્વના દેશોમાં ડરનો માહોલ પેદા થયો છે. ચીનની પર વ્યૂહાત્મક અંકુશ મેળવવા માટે અમેરિકાએ પૂર્વના ત્રણ શક્તિશાળી દેશો જાપાન, ભારત અને ઓસ્ટ્ર્ેલિયા સાથે મળીને જે કવાડ (ચર્તુ) સંગઠ્ઠન રચ્યું છે તેની શિખર પરિષદ સમક્ષ સૌથી મોટો પડકાર છે કે તેઓ ચીનને નાથવા માટે પણ ખરા દિલથી એકમેકના સાથી બની રહેશે ? કોઈપણ સંગઠ્ઠનની સફળતા માટે સભ્યોમાં અરસપરસ માટે સંવેદના, ભરોસો અને સહયોગ અનિવાર્ય છે. અમેરિકાની વિદેશનીતિ આનાથી સાવ વિપરીત છે. છેલ્લા ૧૦૦ થી અધિક વર્ષોથી ‘સુપર પાવર’ રહેલાં અમેરિકાએ પોતાના નક્કી કરેલા હિતોની રક્ષા માટે અનેક દેશોમાં તારાજી સર્જી છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ અમેરિકાના વિદેશમંત્રી જહૉન ફુરેસ્ટ ડલાસે કહ્યું હતું; ‘‘ભારત અલિપ્ત છે તેમ કહે છે. અમારા માટે અલિપ્ત શબ્દ અર્થહીન છે. કાં તો તમે અમારી સાથે છો અથવા તો તમે અમારી સામે છો.’’ આ ડલેસ ડોકટ્રિ્ન આજે પણ અમેરિકી વિદેશનીતિનો પાયો છે.
આ વલણ સાથે એ સંદેશો પણ સ્પષ્ટ છે કે કાં તો તમે અમારે શરણે આવો, તાબેદાર રહો અન્યથા અમે તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં રાખીએ. મહાસત્તા અને તે પણ વર્ષો સુધી હરીફ વિનાની હોય અને તેના શાસકોને ઘમંડ ન આવે તો આશ્ચર્ય ગણાય ! અમેરિકાનો અહ્મ અને સ્વાર્થ, ક્રુર કુટનીતિ અને દંભ દરેક દેશમાં જાસૂસો અને મળતિયાઓનું મજબૂત, તંગ અને વિસ્તૃત માહિતી સાથે પોતાનું ધાર્યું કરાવવામાં તેની સફળતાનો દર ખૂબ ઊંચો છે. ભારતની બીનજોડાણની નીતિથી નારાજ અમેરિકાએ પાકિસ્તાનને સશસ્ત્ર કરી ભારતમાં સતત તંગદિલી રહે તેવો આતંક ફેલાવવામાં કશો સંકોચ રાખ્યો નથી. મુંબઈ પરના આતંકી હૂમલા પહેલાં હૉટેલ તાજ સહિત અનેક સ્થળોની વિડીયોગ્રાફી કરાવીને પોતાના એજન્ટ મારફત સમગ્ર ત્રાસવાદી ઘટના સાકાર કરવામાં અમેરિકાની સંડોવણી હતી. તેના એજન્ટને પૂછતાછ માટે ભારતને સોંપવા કે તે માટે સવલત આપવાનો ઈન્કાર કરનાર અમેરિકા આજે ભારતને પન્નુ નામના ખાલિસ્તાની આતંકી પરના હૂમલા માટે પજવે છે. કાશ્મિર પ્રશ્ને ‘યુનો’માં સતત ભારત વિરોધી વલણ, ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે પોતાના શક્તિશાળી નોૈકા કાફલા નંબર સાતને બંગાળના ઉપસાગરમાં તૈનાત કરવાનું અને ધમકી આપવાનું, અણુ પરિક્ષણ ૧૯૭૪ અને ૧૯૯૮ બાદ ભારત પર આર્થિક પ્રતિબંધો લાદતું અમેરિકા જ્યારે ‘‘ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે, અમારા મૈત્રીપૂર્ણ સબંધો જૂના છે, મજબૂત છે, અમે અમેરિકામાં વસેલાં ભારતીયોના પ્રદાનને બિરદાવીએ છીએ એમ કહે છે ત્યારે આપણને દંભની પરાકાષ્ઠાનો અનુભવ થાય છે. અમેરિકાને આજે ભારતની ગરજ છે. ચીનનો સૌથી શક્તિશાળી દેશ બની અમેરિકાને તે સ્થાનેથી હટાવવાની ખુલ્લી નીતિ સામે કાર્યવાહી કરવામાં અમેરિકાને ભારતનો સહયોગ જોઈએ છે.
ચીનને શક્તિશાળી બનાવવામાં ૧૯૭૪માં અમેરિકાના પ્રમુખ રહેલા રિચાર્ડ નિક્ષન અને વિદેશમંત્રી હેનરી કિસિન્જરની ભૂમિકા ભૂંડી રહી છે. હાડોહાડ ભારત વિરોધી આ જુગલ જોડીએ ચીન નામના ડ્ર્ેગનન. પડખામાં લઈને વ્યાપાર, ટૅકનોલોજી, મૂડી રોકાણ દ્વારા જે મદદ કરી છે તે જ ડ્ર્ેગન હવે અમેરિકા સામે ફૂંફાડા મારે છે. અમેરિકાને ચીનનો તમામ ક્ષેત્રે ભય છે પણ ખુદનું અર્થતંત્ર ચીન પર એટલું આધારિત છે કે ચીન સામે કડક કાર્યવાહી કરતાં પહેલાં અમેરિકાએ સાત વાર વિચાર કરવો પડે તેમ છે. ‘કવાડ’ મારફત ચીનને ભીંસમાં લેવાનો પ્રયાસ છેલ્લા બે-ત્રણ વર્ષમાં એટલે સફળ નથી થયો કારણ કે અમેરિકા ચીન સાથે બાથ ભીડવામાં હિચકિચાટ અનુભવે છે. ભારત ચીન સરહદનો વિવાદ હોય કે દક્ષિણ ચીની સમુદ્રના અંકુશનો મુદ્દો હોય, ચીન સાથેના વ્યાપારની ખાદ્ય હોય કે ચીન-નાર્થ કોરિયાની હરકતો હોય. અમેરિકા હજી મક્કમ રીતે કાર્યવાહી કરતાં ખચકાય છે. ચીનને છંછેડવામાં વિશ્વયુદ્ધ ફાટી નીકળે, અમેરિકા અને સાથી દેશોના અર્થતંત્ર છિન્નભિન્ન થઈ જાય અને વિશ્વ ગરીબી, પછાતપણા અને અકલ્પ્ય વિનાશનો ભોગ બને તેવી દહેશત સાચી છે. ચીનનો વિકાસ એ અમેરિકાએ પેટ ચોળીને ઉભું કરેલું શૂળ છે તેમ કહેવું સંપૂર્ણપણે ઉચિત છે.
ભૂતકાળમાં અમેરિકાના સતત ભારત વિરોધી વલણના કારણે આપણા દેશે રશિયા સાથે મૈત્રી વિકસાવી છે. રશિયા ભારત માટે દસકાઓથી ભરોસાપાત્ર મિત્ર છે. સિક્યોરિટી કાઉન્સિલ (યુનો)માં અનેકવાર વીટો પાવર વાપરી રશિયાએ ભારત માટે સમસ્યારૂપ ઠરાવો થવા દીધા નથી. ભારતીય લશ્કર, નૌકાદળ અને વાયુ સેના ત્રણેય પાંખો શસ્ત્ર સરંજામ માટે રશિયા પર નિર્ભર છે. જો રશિયાએ સમયસર શસ્ત્રો પૂરા પાડ્યા ન હોત તો આપણી સ્થિતિ કેટલી કફોડી હોત તેની કલ્પના આપણને ધ્રૂજારી આપે છે. ૧૯૭૧માં બંગાળની ભૂગોળમાં ઉપયોગી એવા વાહનો, શસ્ત્રો પૂરા પાડનાર રશિયા હમેંશા કટોકટી સમયે ભારતની સાથે રહ્યું છે. વર્ષ ૧૯૭૧માં અમેરિકાનો ૭મો નૌકા કાફલો ભારતના કાંઠા તરફ આવતો હતો ત્યારે તેમણે રશિયન નૌકાદળની અસરકારક હાજરી જોતાં જ હરકત કરવાનું માંડી વાળ્યું હતું. રશિયા યુક્રેનના યુદ્ધની શરુઆતમાં આપણા પ્રધાનમંત્રીએ સાચું કહ્યું; ‘‘યુદ્ધ એ આજના સંદર્ભમાં કોઈ અસરકારક પરિણામ લાવી શકશે નહીં.’’ આમ છતાં ભારતે રશિયા પર લાદેલા પ્રતિબંધોની દરકાર કર્યા વિના રશિયા પાસેથી ઑઈલ, શસ્ત્રો, ટૅકનોલોજી ખરીદવાનું ચાલુ રાખેલ છે. રશિયાનું ક્રુડ ઑઈલ રિફાઈન્ડ કરી પેટ્ર્ોલ-ડિઝલની નિકાસ યુરોપના દેશોમાં કરી ત્યાંની ઉર્જાની તંગી દૂર કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. જો કે આનાથી નારાજ અમેરિકાએ પણ પ્રધાનમંત્રી મોદીની મુલાકાતમાં અમેરિકા, રશિયા સાથેના આપણા નિકટના અને ઉષ્માભર્યા સબંધોનો અંત લાવવા કે ઘટાડવા માટે દબાણ કરશે. ખાલીસ્તાનીઓની ખાસ કરીને આતંકીઓ જે અમેરિકા અને કૅનેડા સાથે મળીને પંપાળી રહ્યાં છે તેમાં ભારતનો વિરોધ કોરણે મૂકી ‘ભારતમાં લઘુમતિ સલામત નથી’ તેવો રાગ આલાપવાનું અમેરિકા બંધ નહીં કરે. ભારતને સતત તણાવમાં રાખીને તેના પ્રગતિના માર્ગમાં રોડા નાખવાની કામગીરી અમેરિકા પ્રત્યક્ષ રીતે કે તેના સાથી દેશોની મદદથી સતત કરી રહ્યું છે. ભારત આજે ૫૦ વર્ષ પહેલાં હતો તેનાથી ઘણો શક્તિશાળી દેશ છે. ૫૦ વર્ષ પહેલાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ અમેરિકાના તે સમયના પ્રમુખ નિક્ષનને મોઢા પર જ કહી દીધું હતું. ‘‘ભારત એક સ્વતંત્ર દેશ છે અને અમે અમારા નિર્ણયો કરવા સક્ષમ છીએ. અમેરિકાએ ભારતના સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ. ધાકધમકી કે ડરને તાબે થયા વિના ભારત તેની નીતિ નક્કી કરશે.’’ આજે ભલે અમેરિકી શાસકો નીક્ષન-કિસિન્જર જેટલા ભારત વિરોધી નહીં હોય કે અગાઉ કરતાં અમેરિકાને ભારતની વધારે જરૂર હશે. પરંતુ અમેરિકા હજી પણ તેની અક્કડ અને દાદાગીરીમાંથી બહાર આવી રહ્યું હોય તેવા કોઈ ચિન્હો નથી.
આ સંજોગોમાં ભારતીય રાજનીતિ માટે અનેક પડકારો છે. ભારત માટે સૌથી સંવેદનશીલ મુદ્દાઓ (૧) પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ (૨) ભારત ચીન સરહદ વિવાદ (૩) બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજકતા (૪) રશિયા સાથેના ઐતિહાસિક સબંધોની જાળવણી (૫) ખાલીસ્તાનીઓનો અમેરિકા-કૅનેડામાં આશ્રય પામ કરાતો ઉપદ્રવ (૬) જ્યોર્જ સોરોસ અને સીઆઈએની ભારતમાં અસ્થિરતા સર્જવાની કોશિષો અને (૭) વિદેશી વેપારમાં ચીનને ભારત કરતાં અપાતું વધારે મહત્ત્વ અંગે અમેરિકા સાથે નિખાલસ રીતે સ્પષ્ટતા માગવી જરૂરી છે. જ્યાં સુધી અમેરિકા ભારત સાથેના સબંધોમાં ડબલ ઢોલકી વગાડવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ભારત માટે અમેરિકા મિત્ર તો ગણી શકાય નહીં.
(ક્રમશઃ)
Comments
Post a Comment