રક્તરંજિત ઘટનાઓમાંથી આપણે ક્યારે બોધપાઠ લઈશું ?
- પ્રવીણ ક. લહેરી
કલકત્તાની રાધાગોવિંદ કાર હૉસ્પિટલમાં અનુસ્તાક (પોસ્ટ ગ્રેજ્યુએશન) કક્ષાનો અભ્યાસ કરતી મહિલા તબીબ તેની ૩૬ કલાકની અવિરત ફરજ બજાવીને મધ્યરાત્રી બાદ આરામ કરવા ત્યાંના ‘સેમિનાર’ રૂમમાં જાય છે. બીજે દિવસે સવારે ત્યાંથી તેની લોહીભીની, ક્ષતવિક્ષત થયેલી અને આપણે (પોસ્ટ મોર્ટમ) મરણોત્તર તપાસનો અહેવાલ જો વાંચીએ તો આંખે અંધારા આવી જાય તેવી સામૂહિક બળાત્કાર (ગેંગરેપ) અને અતિશય ક્રુર રીતે શારીરિક હિંસાના કારણે જે ઘટના બની છે તેનાથી આપણા સૌ દેશવાસીઓના મસ્તક શરમથી ઝૂકેલા રહેશે. આ અપરાધ તો બન્યો પણ ત્યાર પછી જે રીતે કાર્યવાહી થવી જોઈએ તેના બદલે સમગ્ર ઘટના અંગે ભીનું સંકેલવાની કોશિષ થતાં પ્રથમ પશ્ચિમ બંગાળ અને ત્યારબાદ સમગ્ર દેશમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે. દેશની તમામ હૉસ્પિટલો અને ડૉકટરોએ હડતાળ પાડીને સુરક્ષા મળે, ડૉકટરો ખાસ કરીને મહિલા તબીબો, નર્સો વગેરે માટે સલામતીભર્યાં વાતાવરણ અને જે ક્રુર ઘટના માટેના અપરાધીઓ છે તેને કાયદા મુજબ કડક સજા થાય તેવી માંગણીઓ કરી છે.
જે હૉસ્પિટલને ગુજરાતીમાં ‘‘આરોગ્ય મંદિર’’ કહેવામાં આવે છે અને ડૉકટરો જીવન બચાવવાની કામગીરી કરતાં હોય તેથી ‘‘પ્રભુના પ્રતિનિધી’’ તરીકે ઓળખાતા હોય તેવી પવિત્ર જગ્યાએ હિંસા, વિકૃતિ, વાસના અને પ્રતિશોધની ભાવના સાથે જઘન્ય ગુન્હો બને ત્યારે સૌ ચોંકી ઉઠે તે સ્વાભાવિક છે. રાધા ગોવિંદ કાર હૉસ્પિટલના કર્તાહર્તાઓએ આ ઘટનાને પ્રથમ તો આત્મ હત્યામાં ખપાવાવનો પ્રયત્ન કર્યો. દિવસો વિત્યા પણ વિગતવાર પોલીસ ફરિયાદ ન કરી. પોલીસ વિભાગે પણ આવા હીન અને હિંસક ગુનાહોના આરોપીઓને ઓળખવા કે પકડવા કોઈ નક્કર પગલાં ન લીધાં. મૃતક મહિલા તબીબના માતા-પિતાની ફરિયાદ સામે સૌએ આંખ આડા કાન કર્યાં. સાથી તબીબોને ચૂપ કરવા, ધાક-ધમકી અપાયા કરી. જ્યારે હાઈકોર્ટમાં આ અંગે ન્યાય માટેની ગુહાર લગાવી ત્યારે બંગાળની બીનસંવેદનશીલ સરકારે ફરિયાદ તૈયાર કરતાં ચાર દિવસ થશે તેવી રજૂઆત કરી. હાઈકોર્ટે કડકાઈથી રાજ્ય સરકારને તે જ દિવસે ફરિયાદ કરવા જણાવ્યું. રાજ્ય સરકારે જેવી તેવી ફરિયાદ લખી તપાસની જવાબદારી કેન્દ્ર સરકારના અંકુશ હેઠળની સી.બી.આઈ. (સેન્ટ્ર્લ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન)ને સુપરત કરી દીધી. હજુ સી.બી.આઈ. સ્થળ પરથી ફોરન્સિકની દૃષ્ટિએ પૂરાવા એકઠા કરે તે પહેલાં છ-સાત હજાર માણસોના ટોળાએ રાધા ગોવિંદ કાર હૉસ્પિટલમાં વ્યાપક ભાંગફોડ કરી. પશ્ચિમ બંગાળની પોલીસે થોડો પ્રયત્ન કરી ટોળાનો હુમલો અટકાવવા પ્રયાસ કર્યો પરંતુ પોલીસને ઈજા થતાં જ તેઓ આ સ્થળને ખેદાનમેદાન થતું હતું તે સાક્ષીભાવે જોતા રહ્યાં. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ૯મી ઑગસ્ટે બની. પશ્ચિમ બંગાળની ખાસ કરીને કલકત્તા પોલીસની કામગીરીમાં જે ઢીલાશ અને મેળાપીપણું જોવામાં આવ્યા તેના કારણે આક્રોશ ફેલાતો ગયો. મૃત મહિલા ડૉકટરના પોસ્ટ મોર્ટમ અહેવાલમાં ૧૬ બાહ્ય અને ૯ આંતરિક ઈજાઓ જોતાં આ દુષ્કૃત્ય કોઈ એક વ્યક્તિનું નથી જણાતું પરંતુ એક ગેંગ દ્વારા હેતુપૂર્વક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હોવાની સંભાવના વધારે છે. આ મહિલા ડૉકટર એક ગરીબ પરિવારની એકલોતી પુત્રી હતી. માબાપે ખૂબ પરિશ્રમ કરી તેમના એક માત્ર સંતાનના અભ્યાસ અને કારકિર્દી માટે કાળજી કરી હતી. મૃત્યુ પામેલી આ દિકરી ભણતરમાં ખૂબ હોશિયાર હતી. દર્દીઓની સેવા કરવામાં રુચિ હતી. સ્વભાવ માયાળુ હતો, નીતિ અને સત્ય માટે સંઘર્ષ કરવાની હિંમત પણ હતી. પશ્ચિમ બંગાળમાં ૧૯૫૦, ૧૯૬૦ અને ૧૯૭૦ સુધી મહિલાઓની સલામતિ અજોડ હતી. દિલ્હીની બસમાં મુસાફરી કરતી યુવતી કે ઉંમરલાયક મહિલા અડપલાંનો ભોગ બનતી હોવાની ઘટના અચૂક બનતી હતી. કલકત્તામાં સ્ત્રી દાક્ષિણ્ય ટોચ પર હતું. સ્ત્રીને અડપલું કરવા જતાં કોઈપણ વ્યક્તિને લોકોના રોષનો ભોગ બનવું પડતું હતું. મુંબઈના જાહેર પરિવહનમાં પણ મહિલાની સલામતિની ચિંતા ન હતી. ગુજરાતમાં તો નવરાત્રિમાં આભૂષણોથી સજીધજીને ફરતી એકલી યુવતી જાતે વાહન ચલાવીને કે ચાલતી જાય તો પણ તેના મનમાં ભય ન હતો. ધીમે ધીમે દરેક શહેરમાં પરિસ્થિતિ બગડતી રહી છે. સ્ત્રીના સન્માનની મોટી મોટી વાતો થાય છે. શાસ્ત્રો અને પરંપરાની દુહાઈ દેવામાં આવે છે. વાસ્તવિકતાની ઉપેક્ષા કરવામાં આવે છે.
કલકત્તાના આ બનાવ પછી કોલમનિસ્ટ ટિં્વન્કલ ખન્નાએ લખ્યું; ‘‘હું આજે ૫૦ વર્ષની છું. મને બાળપણમાં જે સલાહ આપવામાં આવતી હતી કે પુરુષોથી સાવધ રહેવું. પિત્રાઈ ભાઈ હોય કે મામા - કોઈપણ પુરુષ સબંધી સાથે એકલા ન રહેવું કે એકલા ન જવું. સ્ત્રીએ સલામતિ માટે સદાય સતર્ક રહેવું. ક્યારે શું બને તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આજે હું પણ મારી દીકરીઓને આજ સલાહ આપું છું તો ૪૦-૫૦ વર્ષમાં કશું પરિવર્તન આવ્યું જ નથી ?’’ ભારતીય સમાજે સ્ત્રીની સલામતી, સમાનતા અને સ્વતંત્રતાના મુદ્દાઓ અંગે ગંભીર રીતે આત્મ ચિંતન કરવાનો સમય છે. દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી તે સત્યનો ઈન્કાર કરવાથી તો પ્રશ્નનો ઉકેલ લાવી નહીં શકીએ. મહિલાની સલામતી માટે આપણે જે જવાબદાર પરિબળો છે તેની સર્વગ્રાહી વિચારણા કરવી જરૂરી છે.
આપણો સમાજ પુરુષ પ્રધાન છે. મહિલાઓએ પણ આ વાત સ્વીકારી છે. અનેક મહિલાઓ આ અંગે ભ્રમમાં હોય ગર્ભમાં પુત્રી છે તેટલી ખાતરી થતાં દુઃખી થઈ જાય છે. મહિલાઓ અરસપરસ વિચારણા કરી સ્ત્રી ભૃણહત્યા કરાવવામાં અપરાધભાવ અનુભવતી નથી. પુત્રી જન્મીને પણ જીવનભર ગુલામી કરી, શોષણનો ભોગ જ બનશે તેવા ડરથી તેની જન્મ પહેલાં જ હત્યા થાય છે. સોનોગ્રાફી મશીનો ધરાવતી હૉસ્પિટલમાં બોર્ડ માર્યું હોય છે. ‘‘અહીં ગર્ભનું જાતિ પરિક્ષણ થતું નથી. આમ કરવું તે અપરાધ છે.’’ આ લખાણનો અર્થ કરતાં કોઈએ કહ્યું છે; જાતે પરિક્ષણ અપરાધ છે તેથી અમે વધારે ચાર્જ લઈને તે કામ ગુપ્ત રીતે કરી આપીએ છીએ તે પ્રકારની વાસ્તવિકતા છે.
૧. પરિવારમાં પુત્ર અને પુત્રીના જન્મથી જ ભેદભાવની શરુઆત છે. દીકરી તો ‘‘પારકું ધન છે.’’ ‘‘અન્યની થાપણ છે.’’ ‘‘સાપનો ભારો છે.’’ જેવા ઉચ્ચારણો આપણા પૂર્વગ્રહયુક્ત વલણના પૂરાવા છે. અમુક માતા-પિતામાં આ પ્રશ્ને જાગૃતિ આવી છે પરંતુ હજી સમાજમાં પુત્રીની ભૂમિકા અંગે અનેક ગેરમાન્યતા પ્રવર્તે છે. ‘‘દીકરીના ઘરનું અમે તો પાણી પણ નથી પીતાં’’, ‘‘દીકરીને કાંઈ આપી ન શકીએ પણ દીકરીનું કાંઈ લેવાય નહીં.’’ દીકરીનેે પરિવારની પૂર્ણ સભ્ય ગણવામાં જે સંકોચ છે તેનાથી દીકરીના માનસમાં અસલામતી, પારકાપણાંની અને સતત મુંઝવણ થતી રહે છે. અગાઉ સ્ત્રી માટે પ્રસૂતિ હોય, વાર-તહેવાર હોય તે પોતાના પિયર ખાસ કરીને માબાપની હૂંફ હક્કરુપે મેળવી શકતી હતી. આજે વિભક્ત કુટુંબોમાં વૃદ્ધ થયેલાં માતા-પિતા પાસે દીકરી આવી આશા તો નથી રાખી શકતી. અનેક દીકરીઓ દિકરાઓ કરતાં માબાપની વધારે કાળજી કરે છે. અનેક માબાપો અગાઉની માન્યતા ત્યજીને દીકરીના સહારે વૃદ્ધાવસ્થા પસાર કરવાનું પસંદ કરે છે.
૨. પરિવારોમાં પુરુષ એટલે અધિકાર અને સ્ત્રી એટલે ફરજ એવું અસંતુલિત સમીકરણ પ્રવર્તે છે. સ્ત્રી ભણીગણીને આખો દિવસ નોકરી કરે પણ ઘરમાં સફાઈ, રસોઈ, ખરીદી, કપડાં-વાસણની જાળવણી સહિત સ્ત્રીની જવાબદારીઓનું લીસ્ટ ખૂબ લાંબુ છે. પુત્ર-પુત્રીની અભ્યાસની જરૂરિયાતો, હોમવર્કથી માંડીને શાળામાં લેવા-જવાની જવાબદારી પણ સ્ત્રીઓ નિભાવે છે. અમારા ચાર ભાઈ વચ્ચે એક બહેન હતી. મારી બાએ અમને ‘બહેન પાણી આપ’’ થી માંડીને કોઈપણ કામ સોંપવાની સખ્ત મનાઈ કરી હતી. તેમનો આગ્રહ કે સૌએ પોતપોતાનું કામ કરવું અને ઘરમાં બહેન-ભાભી-બા હોય તેને આદેશ ન આપવો. સમાનતાની શરુઆત ઘરથી કરવાની છે.
દરેક ઘરમાં પુરુષપ્રધાન વાતાવરણમાં પરિવર્તન લાવી દિકરી/દીકરાની સમાનતા સ્થાપવી અનિવાર્ય છે. પુત્ર હોય તો સમાનતા સ્થાપવી અનિવાર્ય છે. પુત્ર હોય તો જ નર્કમાંથી બચી શકાશે તેવી ભ્રામક માન્યતા બીજી કોઈ નથી.
(ક્રમશઃ)
Comments
Post a Comment