આઝાદીના ૭૮મા વર્ષે - અધૂરા અરમાનો

                                                             - પ્રવીણ ક. લહેરી


કવિ ઉમાશંકર જોષીએ એક કાવ્ય પંક્તિમાં કહ્યું છે. ‘‘દેશ આઝાદ થતાં તો થઈ ગયો. તે શું કર્યું ?’’ આજે સોશ્યલ મિડિયા પર જે રીતે અનેક જૂઠા સમાચારો ફેલાવામાં આવી રહ્યા છે ત્યારે આપણી ભાવિ પેઢીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના આદર્શથી દૂર હટી છે. આ કાર્ય એક સુનિયોજિત કાવતરાનો ભાગ છે. આજે પણ આઝાદ અને મજબૂત ભારતથી અમેરિકા, યુરોપ અને ચીનને અકળામણ થાય છે. સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ જેમ જેમ આર્થિક પ્રગતિ કરે છે તેનું અર્થતંત્ર વિશાળ અને મજબૂત બને છે. વિશાળ બજાર ઉપલબ્ધ થાય છે, લશ્કરી બાબતોમાં શક્તિવાન બનવાની સાથે આત્મનિર્ભર બની રહ્યું છે ત્યારે ભારતને છિન્નભિન્ન કરવાનો કારસો ચાલુ જ છે. આપણે જાગૃત રહીને સમજવાની જરુર છે કે વિભાજન, અરાજકતા,વિવાદો અને હિંસાને પ્રોત્સાહન આપતી વિદેશી તાકતોના અમુક રાજકીય  પ્રશ્નો અને નેતાઓ હાથો બની રહ્યા છે તે દુઃખદ છે. સ્વપ્નાઓ વાસ્તવિક નથી પરંતુ આપણને પ્રેરણા આપે, સક્રીય કરે અને નવા સોપાનો સર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ભારત એક સશક્ત,સમૃદ્ધ અને સૌને સમાન તક આપતું લોુકશાહી રાષ્ટ્ર બને તેવું સ્વપ્ન આપણા પૂર્વજોએ જોયું હતું. કાયદાના શાસન હેઠળ લોકો કાયદા મુજબ વર્તન કરીને શિસ્ત અને સેવાભાવ સાથે અવિરત જહેમત કરતા હોય તેવા ભારતની છબી આપણને સૌને ખુશી આપે તેમાં શંકા નથી. જવાબદાર શાસન, લોકહિતની ખેવના કરતી સરકાર અને મહત્વના મુદ્દાઓ પરત્વે રાજકીય પક્ષોની  સર્વસંમતિ હોય તો નિઃશંક રીતે દેશનો વિકાસ આજે છે તેના કરતાં ઘણો ઝડપી થાય તેમ છે. ભ્રષ્ટાચાર,સગાવાદ, જ્ઞાતિવાદ, વ્યક્તિ પૂજા, અન્ય માટે ઉપેક્ષા અને સંકુચિત વિચારસરણીમાંથી નાગરિકો મુક્ત થાય તો ભારતને એક શક્તિશાળી દેશ બનતાં વાર લાગે નહીં.

આઝાદીના ૭૮ મા વર્ષે સિદ્ધિઓ અને પડકારોનું સરવૈયું કાઢીએ તો આપણને આનંદ અને દુઃખની મિશ્ર લાગણી થાય છે. આપણા દેશની વસ્તી ૭૭ વર્ષમાં ૩૩ કરોડથી વધીને ૧૪૫ કરોડની થઈ, ભારત વિશ્વમાં સૌથી વધારે દેશ બન્યો તે સિદ્ધિ તરીકે ગણવા કરતાં સમસ્યારૂપ છે. દેશની ૫૦ ટકા  વસ્તી ૨૫ વર્ષથી નીચેની વયની છે. કામકાજ કરવા યોગ્ય ગણાય તેવા ૧૮ થી ૬૦ વર્ષના વયજૂથની વસ્તી ૪૦ ટકાથી વધારે છે. આ યુવાવસ્તીનો મોટોભાગ શિક્ષિત છે. કુશળતા પણ ધરાવે છે. દેશમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ બાદ પણ બેરોજગારીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ટ ટકા કરતાં વધારે બેરોજગારી, સરકારી નેકરીમાં (ભલે તે નિમ્ન કક્ષાની હોય) લાખો અરજદારો, આઉટ સોર્સિગના ઓઠા હેઠળ થતું શોષણ અને બાળમજૂરી દર્શાવે છે કે આપણે રોજગારીક્ષેત્ર અંગે સારી સ્થિતિમાં નથી. સ્કિલ ઈન્ડિયા, કૌશલ્ય નિર્માણની યોજનાઓ હેઠળ સરકાર પ્રયત્ન કરે છે પણ તેની અસર મર્યાદિત છે. સ્પર્ધાના યુગમાં સ્વરોજગારીની તકો ઘટતી જાય છે. ઓન લાઈન બિઝનેસના કારણે નાના વેપારીઓ, ફેરિયાઓ, રેસ્ટોરન્ટસ સહિત અનેક વેપાર-ધંધા મુશ્કેલીમાં મુકાયા છે. રોજગારી વિના ગરીબી નિવારણ ટકાઉ બની શકે નહીં. કોરોના બાદની પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ કે તે સમયમાં બંધ પડેલાં એકમો પુનઃજીવિત થઈ શક્યા નથી. નાના-મધ્યમ ઔદ્યોગિક એકમોમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોની ખરીદશક્તિના કારણે અર્થતંત્ર ધબકતું છે. સરકારી દેવામાં  અકલ્પ્ય વધારો થયો છે. સરકારી ખાદ્યના કારણે અને ઊંચા કરવેરાના દરને કારણે મોંઘવારીમાં સતત અને અસહ્ય વધારો થતો રહ્યો છે. ભ્રષ્ટાચારનો પંજો સરકારમાં જ નહીં પણ તમામ આથિક વ્યવહારોમાં ફેલાતો જાય છે. આવી વિષમ સ્થિતિ વચ્ચે દેશના કરોડો લોકો સુધી આઝાદીના ફળો પહોંચવા જોલતા હતાં તે આજે પણ પહોંચાડી શકાયા નથી. 

વર્ષ ૧૯૯૦ ના વૈશ્વિકરણ અને ઉદારીકરણ બાદ આર્થિક વિકાસ સાથે આર્થિક અસમાનતામાં નોંધપાત્ર વધારો થયો છે. આવક અને મૂડીપર મુઠ્ઠીભર લોકોની પકડ એટલી મજબૂત છે કે સરકાર માટે તેમાં હસ્તક્ષેપ કેમ કરવો તે એક કોયડો છે. સમૃદ્ધિના વિકેન્દ્રીકરણ માટે સરકારે સાવ નવો જ અભિગમ અપનાવવાની જરૂર છે. સરકાર ગરીબોને મફત અનાજ, બાળકોને મધ્યાહ્ન ભોજન આપે છે પણ બાળકો અને મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ વધારે છે.  આપણો દેશ અન્ન અને વસ્ત્રમાં (રોટી-કપડામાં) સ્વાવલંબી બન્યો છે. સાથે સાથે અન્ન વસ્ત્રની નિકાસમાં પણ મહત્વનું પ્રદાન કરે છે. આ ગૌરવની બાબત છે. ચાર ગણાથી વધારે વસ્તી વધારા બાદ આ સિદ્ધિ મેળવવામાં કિસાનો અને કામદારોનો ફાળો મહત્વના છે. મોદી સરકારે આવાસ અંગે સારી એવી રકમ ફાળવીને  ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આવાસ મળી રહે તે માટે નોંધપાત્ર પહેલ કરી છે. આપણા દેશમાં અંદાજે ૩૦ કરોડ પરિવારો આવાસની જરૂરીયાત પૂરી કરી શકતા નથી.  શહેરમાં જમીનની ઊંચી કિંમત, મકાનોની-ફ્લેટની કિંમત કરોડમાં છે ત્યારે  મર્યાદિત આવક ધરાવતા પરિવારો માટે સરકારની સહાય વિના ઘરનું ઘર સ્વપ્ન સમાન છે. એક અંદાજ મુજબ શહેરોમાં ૩.૫ કરોડ પરિવારો સ્લમમાં-ઝુંપડીઓમાં રહે છે. ૨૦૧૭ થી ૨૦૧૯ વચ્ચે ૩ લાખ પરિવારોને તેના આવાસમાંથી બળજબરીપૂર્વક હટાવી દેવાયા હતાં. આવાસની સ્થિતિ સુધારવા ભારત અને રાજ્ય સરકારો  ગતિશીલ નીતિ સાથે સક્રીય છે. ૨૦૧૫ ની વડાપ્રધાન આવાસ યોજના (પી.એમ.એ.વાય) હેઠળ અત્યાર સુધીમાં ૧.૧૨ કરોડ આવાસ માટે મંજુરી આપવામાં આવી છે. તેમાંથી ૫૦ લાખ મકાનો પૂર્ણ થયા છે. ૨૦૨૭ પહેલાં સૌને આવાસ મળે તેવી સરકારની ઉમ્મીદ સાકાર થાય તેવી આશા રાખીએ. 

રોટી-કપડાં-મકાનની જરૂરીયાતો પ્રાથમિક છે. તે રીતે શિક્ષણ આરોગ્ય અને રોજગારી વ્યક્તિના જીવનમાં આગવું મહત્વ ધરાવે છે. સરકાર દ્વારા આયુષ્યમાન યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ આવકાર્ય છે. કમનસીબે છેલ્લા ૨૦-૨૫ વર્ષમાં શિક્ષણનું ખાનગીકરણ થતાં વાલીઓ પર ભણતરનો કમરતોડ ભાર આવ્યો છે. શિક્ષણ માટેનું બજેટ ટકાવારીમાં ઘટતું જાય છે. ગરીબ અને મધ્યમવર્ગના તેજસ્વી બાળકો યોગ્ય શિક્ષણથી વંચિત રહે તેવી સ્થિતિ અન્યાયકારી છે. ખાનગી શિક્ષણક્ષેત્રે અબજો રૂપિયાનું રોકાણ થયું છે. આ રોકાણકારો વગદાર લોબી ધરાવે છે. તેની નાગચૂડમાંથી આપણે છૂટીએ તેવી શક્યતા ઓછી છે. એક બાજુ સરકાર અને સુપ્રિમકોર્ટ શિક્ષણના અધિકારને મુળભૂત માને છે. ફરજિયાત  શિક્ષણનો કાયદો છે પણ સરકારની શાળાઓ શિક્ષણ વિનાની, સુવિધા વિહોણી અને ગુણવત્તાના અભાવવાળી છે ત્યારે આપણે શિક્ષણ દ્વારા વ્યક્તિત્વના વિકાસની સમાનતકની વાતો પોથીમાંના રીંગણ જેવી રીતે  કરતાં રહીએ તેનો અર્થ નથી. 

સરકારમાં લાખો જગ્યાઓ ખાલી રહેતી હોય, ખાનગીક્ષેત્રમાં શ્રમિકોનું શોષણ થતું હોય અને નોકરી છે ત્યાં આવાસ-ભોજન ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં અર્થતંત્રને તમામ રીતે હાની થઈ રહી છે. સરકારે, ઉદ્યોગકારોએ, વેપારીઓએ સંયુક્તરીતે રોજગારીનો પ્રશ્ન હલ કરવા સર્વસ્વીકૃત યોજના બનાવે તો લાખો યુવાનો માટે રોજગારી ઉપલબ્ધ બને અને તેઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે તેમ છે.

આઝાદીના ૭૮ મા વર્ષે લોકોની અપેક્ષાઓ ઘણી છે પણ તેમાંની થોડી મહત્વની બાબતો જોઈએ તો સર્વપ્રથમ સરકારે પોતાની આર્થિક નીતિમાં આર્થિક અસમાનતા ઘટાડવા માટેના મુદ્દાને અગ્રતા આપી ગરીબ/મધ્યમવર્ગ  પરના પરોક્ષ કરવેરાનું ભારણ ઘટાડીને ધનિકો પર વેલ્થ ટેક્સ, સકસેશન ટેક્ષ અને હાલની સ્થિતિએ રૂા. ૧ કરોડથી વધારે આવક ધરાવનારા પાસેથી આવકના ૧૦ ટકા સરચાર્જ તરીકે વસુલવાની છે. શિક્ષણ માટે પ્રાથમિક કક્ષાએ તદ્દન નિઃશુલ્ક અને ખાનગી ક્ષેત્રને માસિક રૂા.૨૦૦૦ થી રૂા. ૩૦૦૦ ની ફીની મંજુરી, પ્રાથમિક કક્ષાએ સરકારી શાળામાં માસિક રૂા. ૧૫૦૦ સુધીની ફી, ખાનગી શાળામાં રૂા. ૬૦૦૦ થી ૭૫૦૦ હજારની ફી અને ઉચ્ચશિક્ષણ માટે રૂા. ૧ થી ર લાખની મર્યાદામાં  ફી ઠરાવવી અનિવાર્ય છે. લોકો આજે મજબૂત કાયદો વ્યવસ્થા, ઝડપી ન્યાય અને અસમાજિક તત્વો સામે અસરકારક કાર્યવાહી ઈચ્છે છે. લોકો સારા રસ્તા, શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છતા વ્યાજબી અને સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો મળે તે માટે આગ્રહી છે. સરકાર નિર્મિત રસ્તા, પુલો, ડેમ વગેરે ગુણવતાયુકત અને ટકાઉ હોય, તંત્રમાંથી ભ્રષ્ટાચાર અને વિલંબ દૂર થાય, મહિલાઓને સલામતી, સ્વતંત્રતા અને સમાનતા મળે, દલિતો-આદિજાતિઓ સમાજમાં યોગ્ય સ્થાન પામે અને વંચિતો સ્વમાનભર્યું જીવન જીવી શકે તેવા ભવિષ્યની અભિલાષા રાખીએ.

Comments

Popular posts from this blog