આઝાદીના ૭૮મા વર્ષે - અધૂરા અરમાનો
- પ્રવીણ ક. લહેરી
તા.૧૪મી ઑગસ્ટ ૧૯૪૭ની મધ્યરાત્રીએ અગાઉના વર્તુળાકાર સંસદ ભવનમાં સમ્રાટના પ્રતિનિધીમાંથી ભારત સરકાર દ્વરાા આઝાદી બાદ નિયુક્ત લોર્ડ માઉન્ટબેટને પંડિત જવાહરલાલ નહેરુને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાનપદે અને સરદાર વલ્લભભાઈ પટેલને નાયબ વડાપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા ત્યારે બ્રિટીશ સામ્રાજ્યની ભારત પરની હકૂમતનો અંત આવ્યો. તમામ હિંદી સભ્યો સાથેનું મંત્રી મંંડળ સેન્ટ્ર્લ એસેમ્બલીને (બંધારણ સભાને) જવાબદાર બન્યું. આ સત્તાનું હસ્તાંતરણ થયા બાદ તા.૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ની સવારે લાલ કિલ્લાની રાંગ પરથી ગ્રેટ બ્રિટનનો ઝંડો યુનિયન જેક લોર્ડ માઉન્ટબેટને નીચે ઉતાર્યો અને પંડિત જવાહરલાલે ત્રિરંગો ઝંડો ફરકાવ્યો તે પળ ભારતના ઈતિહાસમાં પાંચ રીતે મહત્ત્વની છે.
૧. વિશ્વ ઈતિહાસના સૌથી વિશાળ અને શક્તિશાળી સામ્રાજ્ય કે જેના વિસ્તાર પર સૂર્ય કદી આથમતો ન હતો તેની ગુલામીની ધૂંસરીમાંથી ભારતીય લોકોએ મુક્તિ મેળવી હતી.
૨. ભારત દીર્ઘ ઈતિહાસમાં એક જ સત્તા હેઠળ આટલો મોટો ભૂભાગ આવતો અને બ્રિટીશ ઈન્ડિયા ઉપરના ૫૬૨માંથી ૫૦૦ ઉપરાંત દેશી રજવાડાઓનું વિલિનીકરણ થતાં ભારતની સીમાઓ દરેક દિશામાં વિસ્તરી હતી. પરંતુ ભારતની ૧/૩ જમીન પૂર્વ અને પશ્ચિમમાં મુસ્લિમોના હોમ સ્ટેટ તરીકે પાકિસ્તાનનું સર્જન કરી તેમને આપવામાં આવતા ખંડિત ભારતના કારણે મહાત્મા ગાંધી સહિત અનેક લોકોને આઝાદી અધૂરી લાગી હતી. મહાત્મા ગાંધીએ તો દિલ્હીથી દૂર કલકત્તાના પછાત એવા બાલિયા ઘાટ વિસ્તારની જરીપૂરાણી ‘‘હૈદરી મંઝીલ’’માં ૧૪મી ઑગસ્ટે (૧૯૪૭) રાતવાસો કર્યો હતો. મધ્યરાત્રીની રોશની કે આતશબાજીની ઉજવણીમાં કે પ્રવચનોમાં તેને મુદ્દલ રસ ન હતો. પોતાના આત્મિય અંગત સચિવ મહાદેવ દેસાઈની તે જ દિવસે પાંચમી પૂણ્યતિથી નિમિત્તે પોતડીધારા, બોખા મોઢા અને લાબા કાન સાથે દેશના ગરીબમાં ગરીબ માણસની હરોળમાં બેસી શકે તેવા જીવન સાથે ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭નો પ્રારંભ ગીતાપાઠથી કર્યો હતો.
૩. બેરિસ્ટરે ૧૯૧૫થી ૧૯૪૭ વચ્ચે શું જાદુ કર્યો હતો તેનો પૂરાવો જનજાગૃતિ, અન્યાય સામે નિડરતાથી ઝઝૂમવાની અને દેશ સેવાને સમર્પિત થવાની તેની હાકલે દેશના ગામડે ગામડે ‘ગાંધી’નું સર્જન થયું હતું. આ દેશને સમર્પિત આટલા લોકસેવકો ક્યારેય જોવા મળ્યા ન હતાં. અગિયાર મહાવ્રતો સાથે સંયમિત, સાદુ અને સેવામય જીવન અપનાવેલા તેના અનુયાયીઓમાં સૌથી લડાયક પઠાણોના નેતા ખાન અબ્દુલ ગફારખાન હતા અને બીજી બાજુ મીઠુબહેન પેટીટ જેવા પારસી સન્નારી, હિંદની બુલબુલ કહેતાં કવિયત્રી સરોજિની નાયડુ, વડોદરાના મુખ્ય ન્યાયાધિશ રહેલાં અબ્બાસ તૈયરબજી અને તેનો પરિવાર, વિદ્ધાનોમાંથી આચાર્ય ક્રિપલાણી, કિશોરીલાલ મશરુવાળા, સ્વામી આનંદ, જે. સી. કુમારઅપ્પા, વિનોબા ભાવે, રવિશંકર જેવી વિચક્ષણ વ્યક્તિઓ ગાંધીના પગલે ચાલવામાં ગૌરવ અનુભવતાં હતાં. જીવનને સાર્થક થતું અનુભવતાં હતાં. અન્ય કોઈ પણ આગેવાનનો પ્રભાવ મર્યાદિત હતો. ઓનલાઈન અવળો ઈતિહાસ ભણેલા (વધારે સાચું કહું તો ભણાવેલા) યુવાઓ એક સંશોધન કરે. આ દેશમાં એક જ વ્યક્તિના આહ્વાનથી સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરનાર જેટલાં લોકોને ગાંધીજીએ પ્રેરિત કર્યાં છે તેની સામે અન્ય સઘળા આગેવાનોના અનુયાયીઓનો સરવાળો ઓછો થાય છે.
૪. હા, અલબત્ત ભારતની આઝાદી ગાંધીજી માટે નિષ્ફળતાની ઘડી હતી. તેઓએ ૧૯૪૪માં ૨૧-૨૧ દિવસ સુધી મહેમદઅલી ઝીણાને સમજાવી દેશની એકતા સાથે આઝાદી મેળવવા ભગીરથ પુરુષાર્થ કર્યો તેમાં તો તેમને નિષ્ફળતા મળી હતી. સાથે સાથે ૧૯૪૭માં માઉન્ટ બેટનના આગમન સાથે કોંગ્રેસના તેમના ૩૦ વર્ષના સાથીઓ સરદાર પટેલ, પંડિત નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, રાજાજી સહિત સૌ કોઈએ ગાંધીજીને કોરાણે મૂકીને બ્રિટનનો વિભાજનનો જે પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. તે અંગે અગાઉ ગાંધીજી આવા જ એક પ્રસ્તાવ માટે કહી ચૂક્યા હતાઃ ‘‘આ દરખાસ્ત તો નાદારી નોંધાવતી બેઠક પર આગલી તારીખના ચેક જેવી નિરર્થક છે.’’
૫. ‘‘દેશનું વિભાજન મારા મૃતદેહ પર થશે.’’ તેમ કહેનાર ગાંધીજી માટે દ્વિધા ઊભી થઈ હતી. શું ૩૦ વર્ષના સહયોગીઓનો નિર્ણય ખોટો છે ? શું હું ૭૭મા વર્ષે આ વિભાજન સામે એકલે હાથે પ્રજાને દોરી શકીશ ? શું ઉંમરના કારણે તે ભવિષ્યનો યોગ્ય વિચાર નથી કરી શકતાં ? આવા અંધકાર વચ્ચે તેમને આઝાદીથી સંતોષ ન હતો. તેમણે કોંગ્રેસને અરાજકતાનો સામનો કરીને પણ બ્રિટીશ સરકારની વિભાજનની દરખાસ્ત ન સ્વીકારવા આગ્રહ કર્યો. પોતાના તૈયાર કરેલા અનુયાયીઓ, ત્રીસ વર્ષના વિશ્વાસુ સાથીઓ ખાસ કરીને પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે સાથે રહીને કોંગ્રેસ કારોબારીમાં ઠરાવ પસાર કરાવ્યો ત્યારે જીવનમાં કદાચ પ્રથમ વખત હતાશ થયેલા ગાંધીએ કહ્યું; ‘‘હવે તમને મારી જરૂર નથી તો બહેતર છે કે હું તમારા વચ્ચેથી વિદાય લઉં.’’ આમ કહીને ઊભા થઈને લાકડીને ટેકે તે બેઠક છોડી જતાં હતાં ત્યારે તેમને રોકવા કે ચર્ચા કરવા કોઈ કશું બોલ્યું નહીં. આ ઘટના મહાત્મા માટે મૃત્યથી પણ દુઃખદ હતી. જેમને ભરોસે અને સહયોગથી ૩૦-૩૦ વર્ષોથી ઝઝૂમેલા ગાંધી એકલા પડી ગયા. કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું તેમને માટે ગવાયેલું ગીત ‘‘તારી સંગાથી કોઈ ના આવે તો એકલો જાને રે... એકલો જાને રે...તે દિવસે પ્રસ્તુત લાગતું હતું.
આઝાદી અને વિભાજનની પ્રક્રિયા આગળ વધી ત્યારે બંગાળના નોઆખલી વિસ્તારમાં મુસ્લિમોએ હિંદુઓ પર હૂમલા શરું કર્યાં. અનેકની હત્યા થઈ, મિલ્કતો સળગાવી દેવામાં આવી. દિલ્હી સરકાર સત્તાના હસ્તાંતરણમાં વ્યસ્ત હતી. બંગાળમાં શહિદ સુહરાવર્દી નામના મુસ્લિમ લીગના આગેવાને ૧૬મી ઑગસ્ટ ૧૯૪૬ના સીધા પગલાંના નામે જે કર્યું હતું તેવો જ હિંસાનો માહોલ ઉભો કરીને બંગાળની રાજધાની કલકત્તામાંથી હિંદુઓને નસાડી દેવાનો તેનો મેલો મનસુબો હતો. બંગાળની સરકાર કાયદો-વ્યવસ્થા જાળવી શકતી ન હતી.
આવા વિકટ સમયે ગાંધીએ નિર્ણય કર્યો; ‘‘જ્યાં સુધી નોઆખલીમાં શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી હું ત્યાં રહી કોઈને સાથે રાખ્યા વિના પગે ચાલીને લોકોને સમજાવીશ.’’
આ સમયે ગાંધીની ઉંમર ૭૭ વર્ષની હતી. જીવનના તેમણે કરેલાં કાર્યોના કારણે ઈતિહાસના એક મહત્ત્વના પાત્ર તરીકે તેનું સ્થાન નિશ્ચિત હતું. આઝાદી બાદ તે ઈચ્છે તેવો હોદ્દો આપવા સૌ તૈયાર હતાં. આ વૃદ્ધ માણસ પર કોઈ સરકારી જવાબદારી ન હતી. ન તો તેના પાસે કોઈ અધિકાર હતો. માત્રને માત્ર માનવજાત પ્રત્યેના પ્રેમ અને ગમે તે કષ્ટ સહન કરીને સત્યને વળગી રહેવાની તેની દૃઢતા જ હતાં. નોઆખલીમાં બળી ગયેલાં ઘરના બચેલા ભાગમાં પોતાનો આવાસ બનાવી, અલ્પ આહાર લઈને દરરોજ ૧૦-૧૫ કિલોમીટર ચાલીને લોકોને શાંતિ અને સૌહાર્દ માટે અપીલ કરતાં ગાંધી સાચા અર્થમાં યુગપુરુષ હતાં. લોકજાગૃતિ, અન્યાય સામે લડવાની હિંમત, રચનાત્મક કાર્ય, સનાતન ધર્મમાંથી દૂષણો દૂર કરવા, અસ્પૃશ્યતા નિવારણ, આર્થિક સ્વાવલંબન જેવા અનેક મુદ્દે તેમણે કરેલી કાર્યવાહી અજોડ હતી. અનેક ટીકાઓ, હૂમલાઓ અને વિવાદો વચ્ચે તેઓ પોતાના આત્માના અવાજને અનુસરી અપ્રતિમ ઈશ્વરશ્રદ્ધા અને ત્યાગભાવના સાથે દેશના લોકો માટે સર્વસ્વ અર્પણ કરનારા હતાં. ગાંધીજી કોઈ વિશેષણના મોહતાજ નથી. તેઓ કહેતાં; ‘‘મને શા માટે મહાત્મા કહો છો ? હું એક સાધારણ વ્યક્તિ છું. હું મારી મર્યાદા અંગે સભાન છું. કોઈના ‘મહાત્મા’ કહેવાથી હું ખૂબ સંકોચ અને ગ્લાનિ અનુભવું છું.’’ નેતાજી સુભાષચંદ્ર બોઝે ઈન્ડિયન શેનલ આર્મી આઝાદ હિંદ ફોજની પરેડના સ્ટેજ પર ગાંધી સાથેના મતભેદ ભૂલીને ફૂલથી બનેલું મહાત્માનું ચિત્ર મૂકી એક બ્રિગેડને ગાંધી બ્રિગેડનું નામકરણ કરી તેમની ગાંધી નિષ્ઠા વ્યક્ત કરી હતી. તા.૬ જુલાઈ ૧૯૪૪ના રોજ રેડિયો પ્રવચનમાં ‘‘આઝાદીની આ છેલ્લી લડાઈમાં હે રાષ્ટ્ર્પિતા ! અમને સફળતા માટે આશીર્વાદ આપો, અમે જીત સાથે આઝાદી મેળવીશું તો તે આપના ચરણોમાં ધરીશું.’’ હજી પણ કોઈને આઝાદીમાં સૌથી મહત્ત્વનું પ્રદાન કોનું તે પ્રશ્ન હોય તો નેતાજીના પ્રવચનોનો અભ્યાસ કરે. - તો સત્ય સમજાશે. (ક્રમશઃ)
Comments
Post a Comment