‘‘બાંગ્લાદેશનો બળવો, ભારત માટે નથી હળવો’’

                                                                         - પ્રવીણ ક. લહેરી

સાવ જ અચાનક કાંઈક મહત્વની ઘટના બને ત્યારે આપણને જાણીતી ઉક્તિ યાદ આવે : ‘‘ ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે ?  થવાનું, ન થવાનું કહે નજૂમી એવો કોણ છે ?  હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યુ જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે ! ‘‘બાંગ્લાદેશમાં ૨૦૦૯ થી ૧૫ વર્ષથી શાસન કરતાં શેખ હસિના બેગમ બંગબંધુ મુજીબર રહેમાનની પરિવારની સામૂહિક હત્યામાંથી બચી ગયેલી બે બહેનામાંની એક. તેમણે અચાનક રાજીનામું આપીને ઢાકાથી ભાગીને ભારત આવવું પડ્યું. બાંગ્લાદેશ ૧૯૪૭માં પૂર્વ પાકિસ્તાનરુપે  અસ્તિત્વમાં આવ્યું.  તે પહેલાંનો ઈતિહાસ ભારતના આધુનિક સમયમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ૧૭૫૭ માં બંગાળના નવાબ પાસેથી દિવાની (મહેસૂલ વસુલવાની સત્તા) પ્રાપ્ત કરી તે વિસ્તાર હતો. બંગાળ સૂબો જેમાં આજના બંગાળ બિહાર અને ઓરિસ્સાના મોટાભાગનો સમાવેશ થતો હતો. આ હતી ભારતમાં ઈસ્ટ ઈંડિયા કંપનીના સામ્રાજ્યવાદની શરુઆત. આ ઘટનાના સો વર્ષમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લડાઈઓ, છળકપટ, ધાકધમકી અને હિંસાથી ભારતના અનેક રજવાડાઓની સત્તા ખાલસા કરી સામ્રાજ્ય ઊંભુ કરી દીધું હતું. બાકીના દેશી રાજ્યોને સંધિઓ મારફત તાબેદાર ખંડિયા રાજ્યો બનાવી લગભગ સમગ્ર ભારત પર હકૂમત સ્થાપી હતી. ૧૮૫૭ માં મરાઠા સામ્રાજ્યના સેનાપતિઓ, મુધલ વંશના નબળાં પડેલાં બાદશાહ સહિત અનેક નાનામોટા રાજ્યોએ વ્યૂહરચના બનાવી બ્રિટિશરોને સત્તામાંથી દૂર કરીને ભારતમાંથી કાઢી મૂકવાનું આયોજન કર્યું હતું. બ્રિટિશ ઈસ્ટઈંડિયા કંપનીની  ઘૂંસરીમાંથી મુક્ત થવાનો પ્રયાસ અસફળ રહ્યો. ભારતીયોની આઝાદી મેળવવાના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું. બ્રિટને પણ ઈસ્ટ ઈંડિયા કંપનીની સત્તા પર પૂર્ણવિરામ મૂકીને  સામ્રાજ્ઞી વિકટોરીયાના નામે સત્તા સંભાળી. હિંદીઓની ચિંતા અને ભયસ્થાનો દૂર કરવા એક ઢંઢેરો જાહેર કરીને અનેક હૈયાધારણો આપી. ગર્વનર-જનરલ હવે વાઈસરોય- રાણીના પ્રતિનિધી તરીકે  સર્વેસર્વા બન્યા. આ સમયે દેશની રાજધાની કલકત્તા હતી. કલકત્તા ત્યારે એશિયાનું સૌથી સુંદર અને સમૃદ્ધ નઅગર હતું. ત્યાં રાજા રામ મોહનરોય જેવા સમાજસુધારક, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા શિક્ષણશાસ્ત્રીઓ હતાં. દેશમાં પાશ્ચાત્ય ઢબના સુધારાઓની શરુઆત બંગાળમાં કરવામાં સફળ રહ્યા હતાં. બંગાળ દેશનો સૌથી શિક્ષિત, જાગૃત અને સુંધારાવાદી પ્રાંત હતો. બંગાળમાં ભાષા, સાહિત્ય, પત્રકારત્વ ક્ષેત્રે થયેલો વિકાસ નોંધપાત્ર હતો. હિન્દી બાદ ઉપખંડમાં સૌથી વધારે લોકોની માતૃભાષા બંગાળ હતી અને આજે પણ છે.

સન ૧૯૦૫ માં કર્ઝનને બંગાળ પ્રાંત વહીવટી દૃષ્ટિએ જટીલ અને વિશાળ જણાંતાં તેમણે બંગાળનું વિભાજન કરી તેને બે પ્રાંતોમાં વહેંચ્યું. ઈસ્ટ બંગાળ, અને પશ્ચિમ બંગાળ, જોગાનુજોગ પૂર્વમાં રાખેલા વિસ્તારમાં મુસ્લિમોની બહુમતિ જ્યારે પશ્ચિમમાં હિંદુઓની સંખ્યા વધારે હતી. આ ‘બંગભંગને’ ને બ્રિટિશરોની ભાગલા નીતિનો ભાગ ગણીને તેને બદ કરવા  ઉગ્ર આંદોલન શરું થયું. આ આંદોલને  વંદેમાતરમ્‌નો નારો આપ્યો. અનેક ક્રાંતિકારીઓને પ્રેરણા આપી. કોંગ્રેસમાં ઉગ્રવાદી (જહાલ) જૂથનો ઉદ્દભવ થયો. આ આંદોલનની તીવ્રતા જોતાં ૧૯૧૧ માં બ્રિટનના સમ્રાટની ભારત મુલાકાત અને દિલ્હીને રાજધાની બનાવવાના નિર્ણય સમયે બંગભંગ રદ કરી ફરી અખંડ બંગાળ પ્રાંત અસ્તિત્વમાં આવ્યો. કમનસીબે ૧૯૪૭ માં આઝાદી સાથે જે વિભાજન થયું તેમાં લોર્ડ કર્ઝનની જેમ ઈસ્ટ બંગાળ (પાકિસ્તાન) તથા વેસ્ટ બંગાળ (પશ્ચિમ બંગાળ) માં બંગાળી ભાષી પ્રજા ધર્મના ધોરણે વહેંચાઈ ગઈ. ભારતના વિભાજન સમયે ૧૯૪૭-૪૮ માં ૨૨ લાખ હિન્દુઓ  ઈસ્ટ પાકિસ્તાન છોડી ભારતમાં આવ્યા. આ સમયગાળામાં ૧૯ લાખ બંગાળી મુસ્લિમો ભારત છોડી પૂર્વ પાકિસ્તાનમાં ગયા. વિભાજન સમયે ઈસ્ટ પાકિસ્તાનની વસ્તી ૩ કરોડ ૯૧ લાખ લોકોની હતી. તેમાં ૧ કરોડથી વધારે હિન્દુ હતાં. તેમની ૨૮ ટકાની હિંદુ વસ્તી સતત ઘટતી રહી છે. 

સન ૧૯૫૬ માં ૩૦ લાખ , ૧૯૬૪ માં ૩૦ લાખ અને ૧૯૭૧ માં ૧.૫ કરોડ હિન્દુઓને અસલામતીના કારણે ઈસ્ટ પાકિસ્તાન છોડવું પડ્યું હતું.  આ ઉપરાંત પૂર્વ પાકિસ્તાન/બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની નદીનાળાઓ, ટાપુઓથી ભરેલી સરહદેથી નોકરી ધંધાની  તલાશીમાં લાખો બાંગ્લાદેશી મુસ્લિમોએ આસામ, પૂર્વોત્તર રાજ્યો અને બંગાળમાં ઘુસણખોરી કરી છે. તેમના અનેક મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર,પૂણે, અમદાવાદ, કાનપુર જેવા શહેરોમાં ફેલાયા છે. અનેક છળકપટથી ભારતીય હોવાનો ડોળ કરી મતદાર યાદીમાં નામ નોંધાવી, રેશનકાર્ડ મેળવી,  નામો બદલીને પણ ભારતના નાગરિક હોવાના ખોટા પુરાવાઓ ઊભા કર્યા છે. 

પાકિસ્તાતનની ૧૯૭૦ની ચુંટણીમાં મુજીબર રહેમાનની  અવામી લીગને બહુમત મળતાં પાકિસ્તાનમાં તેમના વડાપ્રધાનપદે સરકાર રચાવાના બદલે તેમને કેદ કરવામાં આવ્યાં. ઈસ્ટ પાકિસ્તાનમાં માર્શલ લો દાખલ કરી જે અત્યાચારો થયા છે, સામુહિક કત્લેઆમ થઈ છે તેની વિગતો આલેખતાં કોઈપણ કલમ ધ્રુજી ઉઠે તેવી કમકમાટી ભરેલી કામગીરી પાકિસ્તાનની સેનાએ કરી હતી. અવામી લીગે મુક્તિ બાહિની નામની સેના તૈયાર કરી અને ડિસેમ્બર ૧૯૭૧ માં ભારત પાકિસ્તાન વચ્ચ્‌ે ભયંકર યુદ્ધ થયું. ફિલ્ડ માર્શલ સામ માકેણશા જનરલ જેકબ જનરલ જગજીતસિંહ દ્વારા પૂર્વ બંગાળમાં અદ્દભૂત વિજય પ્રાપ્ત કર્યો. ૯૩૦૦૦ જેટલા પાકિસ્તાની  સૈનિકોએ શસ્ત્રો નીચે મૂકીને શરણાગતિ સ્વીકારી. પાકિસ્તાનના બે ટૂકડા થયા તેમાં તત્કાલિન વડાપ્રધાન ઈંન્દિરા ગાંધીની કૂટનીતિ, દૃઢતા અને હિંમતે ઉપખંડમાં સત્તાના સમીકરણો બદલી નાખ્યા. અમેરિકાના પ્રમુખ રિચાર્ડ નિકસન અને વિદેશમંત્રી હેનરી કિસિન્જર ધૂંઆપૂંઆ થઈ ગયા પણ રશિયાની ઓથના કારણે ભારતને બોધપાઠ આપવાની તેની ઈચ્છા અધૂરી રહી ગઈ. બાંગ્લાદેશની પાકિસ્તાનની ઘૂંસરીમાંથી મુક્તિ થતાં મુજીબુર રહેમાન કેદમાંથી છૂટ્યા અને બાંગ્લાદેશમાં સત્તાસ્થાને આવ્યા. બંગબંધુના લાડકા નામથી જાણીતા મુજીબુર રહેમાન નવા દેશના રાષ્ટ્રપિતા સમાન હતાં. અમેરિકા પોતાની ૧૯૭૧ ની નાલેશી ભૂલ્યું ન હતું અને ૧૯૭૫ ની ૧૫મી ઑગષ્ટે  બાંગ્લાદેશની આર્મિની ટુકડીઓએ મુજીબુર રહેમાન અને તેના પરિવારના ૧૮ સભ્યોની નિર્મમ હત્યા  કરી. આ સમગ્ર ઘટનાક્રમમાં અમેરિકાનો હાથ હોવાની સંભાવના સ્પષ્ટ રીતે દેખાય આવતી હતી.  બાંગ્લાદેશના પ૩ વર્ષના અસ્તિત્વમાં બેગમ ખાલિદા જે જનરલ ખાલિદ ઝીયા રહેમાનના વિધવા છે તે અને મુજીબુર રહેમાનની પુત્રી હસીનાએ બાંગ્લાદેશનું સુકાન સંભાળ્યું છે. બાંગ્લાદેશની મુખ્ય સમસ્યા ગીચ વસ્તીની છે.

ગંગા-બ્રહ્મપુત્રાની શાખાઓથી ખૂબ ફળદ્રુપ બનેલી આ ભૂમિ ખરેખર સશ્ય-શ્યામલા અને સુજલામ-સેફલામ છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની સરહદો અટપટી છે અને તેની અવરજવર રોકવાનું લગભગ અશક્ય છે. બાંગ્લાદેશના ઘુસણખોરોના કારણે ભારતના અનેક રાજ્યોમાં અને શહેરોમાં ત્યાની જમાત ઈસ્લામિયત પ્રેરિત ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં વધારો થતો રહ્યો છે. ભૌગોલિક રીતે ભારત માટે ઉત્તરપૂર્વના રાજ્યોના સંપર્ક અને વિકાસ માટે બાંગ્લાદેશમાંથી રસ્તા અને સમુદ્રકાંઠાના બંદરો ખૂબ મહત્વના છે. અમેરિકાને કાશ્મિર જેમ બાંગ્લાદેશમાં લશ્કરી અડ્ડા સ્થાપીને તેના પર પાકિસ્તાનની જેમ મજબૂત પકડ રાખવી છે. એક બાજુ ચીન સામે અમેરિકા,ભારત,જાપાન અને ઓસ્ટ્રેલીયાનું ચારભુજા જેવું ગઠબંધન છે. આમ છતાં અમેરિકા, ભારત આર્થિક કે લશ્કરી રીતે મજબુત થાય તેવું ઈચ્છતું નથી. આઝાદી બાદના ૭૭ વર્ષમાં અમેરિકાએ અમેરિકાએ ભારતના વિકાસમાં અવરોધો પેદા કરવાનું કામ કર્યું છે. ઉપરછલ્લી રીતે મૈત્રીનો ઢોંગ કરી અમેરિકા ભારતને  વિકસતું અટકાવવા માટે  પાકિસ્તાનનો ઉપયોગ કરે છે. હવે તેનો ઈરાદો બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ અને હિંદુ વિરુદ્ધ વાતાવરણ સર્જીને આપણા દેશ માટે કાયમી માથાનો દુઃખાવો પેદા કરવાનો છે. સદ્દનસીબે આપણા નીતિ-નિર્ધારકો અમેરિકાની મેલી મુરાદ સામે કેમ કાર્યવાહી કરવી તે સારી રીતે સમજે છે.

તા. પ મી ઑગષ્ટ ૨૦૨૪ ના રોજ ઢાકામાં વડાપ્રધાનના રહેઠાણ પર હુમલો કરીને યુવાનોના ટોળાએ વડાપ્રધાન શેખ હસિનાને ત્યાંથી રાજીનામું આપી ભારત ભાગી આવવા માટે ફરજ પાડી તેનાથી આપણા દેશમાં ઘેરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શેખ હસિનાના૨૦૦૯ થી ૨૦૨૪ ના પંદર વર્ષના શાસનકાળમાં ભારતની ૮ અબજ રૂપિયાની આર્થિક સહાયથી આંતર માળખાકીય સુવિધાઓ અને અર્થતંત્રનો ખૂબ નોંધપાત્ર વિકાસ થયો છે. બાંગ્લાદેશના નાગરિકની સરેરાશ માથાદીઠ આવક ભારતના પ્રજાજનથી પણ વધારે થતાં ભારતીય ઉપખંડમાં બાંગ્લાદેશનું આર્થિક મહત્વ પણ વધ્યું હતું. સરકારમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને અપાતી અનામતના મુદ્દે જે લોક આંદોલન થયું. ૩૦૦ થી વધારે યુવાનો માર્યા ગયા તેનાથી નિર્માણ થઈ રહેલી પરિસ્થિતિનું સાચું આકલન કરવામાં શેખ હસિના અને આપણે થાપ ખાઈ ગયા છીએ. બાંગ્લાદેશના રાજકારણમાં આવેલા ભૂકંપની પૂર્વ ભુમિકાની ચર્ચા બાદ આપણે ત્યાંના રાજકીય, ધાર્મિક અને આર્થિક પરિબળોનું પૃથ્થકરણ કરીને ભારતના હિતોની જાળવણી માટેના વિકલ્પોની ચર્ચા કરીશું.

Comments

Popular posts from this blog