મંગળ મંદિર ખોલો

                                                                      - પ્રવીણ ક. લહેરી

કવિ નરસિંહરાવ દિવેટીયાએ લખેલું અને ખૂબ જાણીતું કાવ્ય; ‘‘મંગળ મંદિર ખોલો દયામય, મંગળ મંદિર ખોલો, દ્વાર ઊભો શિશુ ભોળો એને ઉરમાં લ્યો લ્યો, પ્રભુ મંગળ મંદિર ખોલો’’

શ્રી અવતારસિંહ ગીલ અને શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિકનું અવસાન સો વર્ષની નજીકની ઉંમરે થયું ત્યારે જાણીતા લેખક રમેશ તન્નાએ લખ્યું; ‘‘શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકના અવસાનની ઘટના માટે શોક કરવો વ્યર્થ છે. તેમણે જીવન કઈ રીતે સાર્થક કરી શકાય તેનું આપણને પ્રેરક ઉદાહરણ આપ્યું છે.’’ અગાઉ વૃદ્ધ, સુખી, પરિવારની પેઢીઓ જોઈ ચૂકેલી વ્યક્તિનું અવસાન થાય તો ખરખરામાં લોકો અચૂક કહેતાં; ‘‘ભગવાને જે કર્યું તે સારું. બા કે બાપા તો લીલી વાડી જોઈને ધામમાં ગયા. પ્રભુએ તેમને બોલાવ્યા તો તેનો શોક કે અફસોસ ન હોય.’’

કમનસીબે ગુજરાતના એક અનોખા આઈ.એ.એસ. અધિકારી શ્રી સુદીપ કુમાર નંદા નિવૃત્તિને ૧૦ વર્ષ પૂરાં કરે તે પહેલાં હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. આજકાલ ખાસ કરીને કોરોના બાદ સાવ સાજા સારા યુવાનો હૃદયરોગના હૂમલાથી મૃત્યુ પામે છે ત્યારે આપણને અરેરાટી થાય છે કે કેમ આવું થયું ?

શ્રી સુદીપકુમાર નંદા પ્રમાણમાં સૌથી ઓછી વયે ભારતીય પ્રશાસન સેવામાં પસંદગી પામ્યા હતાં. માત્ર સિનીયોરિટીના આધારે ગણતરી માંડીએ તો તેમની બઢતી કેબિનેટ સચિવ તરીકે થઈ હોત અને મુખ્ય સચિવ બન્યા હોત તો તેમણે ત્રણ-ચાર વર્ષ તે હોદ્દે રહીને કામગીરી કરી હોત. પરંતુ ભાગ્ય ભાગ્યની વાત છે; ‘‘ન માંગે દોડતું આવે, રહે માંગે દૂર એ તો’’ બાલાશંકર કંથારિયાની ગઝલની પંક્તિ પ્રમાણે તે આ બંને કેન્દ્ર અને રાજ્યના સર્વોચ્ચ હોદ્દાથી વંચિત રહ્યા. શ્રી એસ. કે. નંદાના વ્યક્તિત્વને ખૂબ સંક્ષેપભાં વર્ણવવું હોય તો અનેક વિષયોમાં રુચિ, મૌલિક વિચારણા (આઉટ ઓફ બોક્સ થિકીંગ) કાર્ય કરવાની આગવી પદ્ધતિ અને સૌથી વિશેષ પ્રતિબદ્ધતા ગુજરાતના અનેક અધિકારીઓએ ડાંગના આદિજાતિ જિલ્લામાં સારું કામ કર્યું પણ નંદાજી એક જ એવા અધિકારી કે જેમણે ડાંગના આદિજાતિના વિકાસને પોતાના જીવનનું એક મહત્ત્વનું લક્ષ્ય બનાવ્યું. વર્ષો સુધી નિયમીત ડાંગની મુલાકાત લઈને દૂરદરાજ ગામડાંઓ સુધી પગે ચાલીને પણ સ્થળ-સ્થિતિ સમજવાની કોશિષ કરતાં રહ્યાં. ડાંગ અંગેની તેમની સચિત્ર (કૉફી ટેબલ) બુક એ તેમણે કરેલી જહેમતનું સુંદર દસ્તાવેજીકરણ છે. ડાંગમાં ‘ભૂવાઓ’નું જડીબુટ્ટીઓનું જ્ઞાન હોય કે નદી-ઝરણાં પહેલાં ચેકડેમ બાંધવાનો હોય, ડાંગી રાજાઓનું સન્માન હોય કે ડાંગ મહોત્સવ હોય, ડાંગના અનોખા વાદ્યોનો ઉપયોગ હોય કે સાપૂતારાનો વિકાસ હોય, સુદીપકુમાર નંદા તેમાં સુધારા-વધારા કેમ થાય તેની સતત કાળજી કરતાં હતાં. સ્વ. સ્વતંત્ર શેંખો પ્રવાસન નિયામક હતા ત્યારથી ‘ડાંગ મહોત્સવ’નો પ્રારંભ થયો. ગ્લાઈડીંગ જેવી રમતનો પણ આરંભ થયો. ત્યારની બે મજેદાર વાતોનું મને સહજ સ્મરણ થયું. એક તો સ્વતંત્રબહેનને નંદાજીની અડધે માથે પાડેલા સેંધાવાળી હેરસ્ટાઈલથી ભારે પરેશાની, એ કહેતાં, ‘‘સુદીપ તુમ કૂછ ઢંગસે બાલ સજાયા કરો’’ બીજી ઘટના એવી બની કે ડાંગના અદ્‌ભૂત લોકસેવક ઘેલુભાઈ નાયકે ઈચ્છા વ્યક્ત કરી કે મારે પારા ગ્લાઈડીંગ કરવું છે. નંદાજીએ એમને સમજાવ્યા કે ઘેલુભાઈ તમારી ઉંમર ૭૦ વર્ષથી વધારે છે તેથી આવું સાહન ન કરો. શ્રી ઘેલુભાઈએ કહ્યું; ‘‘સાહેબ, મારી ઉંમર જોતાં કંઈ થાય તો તેમાં જોખમ ન ગણાય. તમારે યુવાનોએ વધારે ધ્યાન રાખવું જોઈએ. ઘેલુભાઈએ સાપૂતારાથી ખીણમાં કૂદકો લગાવ્યો જ.

સુદીપકુમાર નંદા માટે હેમ રેડિયો દ્વારા દૂરના દેશોના લોકો સાથે સંપર્ક કરવાનો શોખ ખૂબ દૃઢ અને ઉપયોગી હતો. વાવાઝોડા, ભૂકંપ વખતે હેમ રેડિયો દ્વારા અનેક જગ્યાએથી મદદ મેળવવા માટેના તેમના પ્રયાસો સફળ થયા હતાં. દેખીતી રીતે જૂનવાણી લાગતી ટૅકનોલોજીને જાળવીને તેનો ઉપયોગ કરતાં રહેવામાં હેમ રેડિયોના તમામ ચાહકોમાં નંદાજી માટે ખાસ આદર હતો. કચ્છ ભૂકંપ બાદના વર્ષોમાં નંદાએ હેમ રેડિયો અંગે એક મોટું સંમેલન ટાઉનહૉલમાં આયોજિત કર્યું. સ્વાભાવિક રીતે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમાં હાજર રહે તેવો તેમનો આગ્રહ પણ નરેન્દ્રભાઈને અનુકૂળતા ન હોવાથી તેમણે મને બોલાવીને ખાસ ભલામણ કરી કે મારે આ કાર્યક્રમમાં હાજરી આપી નંદાજીનો ઉત્સાહ વધારવો. નંદાજીનો સ્વભાવ જ હમેશાં ઉમંગભર્યો. મનમાં નવા નવા વિચારો કરવા, તેની વિવિધ લોકો જોડે ચર્ચા કરવી અને કશુંક અનોખું કરવાનો પ્રયત્ન કરવો તે તેમના માટે સાહજિક હતું. ડાંગમાં આદિવાસીઓની સરકારી મંડળી રચી દવા, મધ, સહિત અનેક વન્ય પેદાશોમાં મુલ્યવૃદ્ધિ કરવાનો વિચાર વન વિભાગને નહીં પણ નંદાજીને આવ્ય્‌ો હતો તે હકીકત છે. ડાંગના કલેકટર તરીકે કામ કર્યા બાદ સરકારે તેમને ગમે તે હોદ્દા પર નીમ્યા હોય, ડાંગને તે સ્થાનેથી કેમ મદદરૂપ થવું તે માટે તેમણે સતત કાળજી કરી. ડાંગના વિકાસના ઈતિહાસમાં ફાળો આપનાર ઘેલુભાઈ નાયક, છોટુભાઈ નાયક, પૂર્ણિમાબહેન પકવાસા જેવા બિનઆદિવાસી વ્યક્તિઓ સાથે સુદીપકુમાર નંદાનું નામ અવશ્ય લેવાનું રહેશે. આવું જ એક સુંદર કામ સેવામાં કાર્યરત મહિલા અધિકારી મોનાબહેન ખંધારે કર્યું છે. ડાંગમાં પશુપાલન અને દૂધનું ઉત્પાદન નગણ્ય હતું. ડાંગ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કરતા મોનાબહેને વલસાડ ડેરી સાથે સંકલન કરી તેના ચૅરમેન મોંઘાભાઈ દેસાઈના સહયોગમાં માત્ર આદિવાસી મહિલાઓની દૂધ સહકારી મંડળીઓ સ્થાપી અને ત્યાંની મહિલાઓને પશુપાલનના મહત્ત્વથી વાકેફ કર્યાં. સહકારી મંડળીના સંચાલનમાં કુશળતા પ્રાપ્ત કરે તેવી તાલીમનું પણ આયોજન કર્યું. આજે ૧૦૦ થી વધારે આદિજાતી મહિલા દૂધ સહકારી મંડળીઓ હજારો લીટર દૂધ વેચીને ડાંગના અર્થતંત્રને વિકસાવી રહી છે. આવા ઉદાહરણોનું સ્મરણ કરું છું ત્યારે એક વાત સમજાય છે. વહીવટીતંત્ર ભલે નીતિ-નિયમો મુજબ ચાલતું હોય પણ વિકાસ માટે તો કોઈ સમર્પિત વ્યક્તિની ઈચ્છાશક્તિ મહત્ત્વની છે. ડાંગ જિલ્લામાં વિકાસ માટે મહત્ત્વનું પ્રદાન કરનાર સુદીપ નંદા, મોના ખંધાર અને મુકેશકુમારની કામગીરી મને પ્રત્યક્ષ જોવાનો અવસર મળ્યો તે માટે હું ધન્યતાની લાગણી અનુભવું છું.

જ્યારે મૃત્યુનો પંજો થોડા દિવસોમાં આપણી વચ્ચેથી ત્રણ-ત્રણ હોનહાર અધિકારીઓ છીનવી ગયો છે ત્યારે તેમની વિશેષતાઓ અને પ્રદાનની વાત તો કરવી જોઈએ. આ ત્રણમાંથી એક માત્ર કુલિનચંદ્ર યાજ્ઞિકે અનુભવો અને અનુભૂતિ સવિસ્તર લખ્યાં છે. સરકારી અધિકારીઓ ખાસ કરીને ભારતીય પ્રશાસન સેવાના અધિકારીઓ અનેક મહત્ત્વની ઘટનાના કર્તા અથવા સાક્ષી રહ્યા હોય છે. તેમના જીવનના પ્રસંગોનું આલેખન ભવિષ્ય માટે એક ખૂબ વિશ્વસનીય સ્ત્રોત પૂરો પાડી શકે તેમ છે.

સર્વશ્રી ગીલ, યાજ્ઞિક અને નંદાના અવસાને ગુજરાતમાં જે સ્પંદનો પેદા કર્યાં તેથી એક મહેણું તો ભાગ્યું કે ગુજરાતીઓને શેર સટ્ટો, ભોજન, પ્રવાસ, બેઠી આવક અને પંચાતમાં રસ છે તેટલો બીજામાં નથી. સોશિયલ મિડીયાનો પ્રભાવ કહો કે નવજાગૃતિ કહો, હકીકત છે કે આજે અગાઉ કરતાં તમામ ઘટનાઓ અંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ લે છે. આપણી ઉંમર વધવા સાથે અનેક સ્નેહી-સબંધીના મૃત્યુના સાક્ષી બનીએ ત્યારે મનમાં ગ્લાનિ જરૂર થાય, ભૂતકાળના સ્મરણોની સુનામી મન પર ફરી વળે. મૃત્યુ જેવી નિશ્ચિત ઘટના અંગે અફસોસ વ્યક્ત કરતાં કબીરજીએ કહ્યું; ‘‘ચલતી ચક્કી દેખ કે દીયા કબીરા રોય, દો પાટન કે બીચમેં સાબૂત બચા ન કોઈ.’’ આમ તો કબીરજીની ઉપમાઓ બેમિસાલ અને સમૂચિત જ હોય પણ આ સાખીની એક ઉણપ છે. કબીરજીએ દળ્યા પછીની ઘંટીનું પડ ઊંચકીને જોયું હોત તો ઠેસી પાસે થોડા સાબૂત દાણા જોવા મળ્યા હોત. જીવનમાં આ ‘ઠેસી’ કઈ છે ? એક ઠેસી છે કરેલાં ‘સત્કાર્યો’, બીજી ઠેસી છે અદ્વૈતની ભાવના અને ત્રીજી ઠેસી છે ‘ચારિત્ર્ય’. આજે તો જીવનનો મર્મ સમજ્યા વિનાના લોકો ગાંધીજી-નહેરુ વિશે બેફામ જુઠ્ઠાણાંઓ ફેલાવે છે, બંગબંધુ મુજીબર રહેમાની મૂર્તિ તોડી પાડેછે, મા-બાપને ધુત્કારે છે અને કશું જ ઉપયોગી કર્યા વિના પોતાની જાતને જન્મજાત મહાન માને છે. ત્યારે તેમને એટલું જ કહેવાનું મન થાય છે; ‘‘સમજો તો તમારા માટે સારું, કાળના પ્રવાહમાં અનેક આવ્યા અને ગયા, થોડા લોકોએ જીવન સાર્થક કર્યું, અન્યની પીડા ઘટાડી તેમને સુખી કરવા નિષ્ઠાથી યથાશક્તિ કામ કર્યું તેની યાદ રહેશે - તમે શું કર્યું છે ? તે પ્રશ્ન દરરોજ જાતને પૂછતા રહેજો.

Comments

Popular posts from this blog