મૃત્યુ : જીવંત સબંધોનો અંત

                                                                              - પ્રવીણ ક. લહેરી

જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે તેમ આપણે વારંવાર સાંભળીએ છીએ. મૃત્યુની ઘટના નક્કી છે પણ તે ક્યારે થશે ? કેમ થશે ? ક્યાં થશે ? તે અંગે આપણે સંપૂર્ણપણે અજ્ઞાત રહીએ છીએ. મૃત્યુ મંગળમય છે. મૃત્યુ કોઈ અંત નથી. આત્મા તો અજરામઅમર છે. સંસારની ઘટમાળમાં જીવત અને મૃત્યુ તો એક પછી એકના ક્રમમાં આવે છે. જીવનચક્ર તો ફર્યા કરે છે. અગાઉ કુવામાંથી ઓછા પ્રયત્ને પાણી કાઢવા જેમ કોશનો ઉપયોગ થતો હતો તેમ ‘રેંટ’ ગોળ ચક્ર પર એક ખૂણે ગોઠવેલા ઘડા કે માટલા દ્વારા પાણી સતત ખેંચી શકાતું હતું. રેંટના માટલા જેમ આપણે બહાર આવીએ ત્યારે આપણું અસ્તિત્વ દેખાય છે. જેમ માટલું કૂવામાં જાય છે ત્યારે અદૃશ્ય થાય છે તેમ મૃત્યુ વ્યક્તિની હસ્તી ઢાંકી દે છે. આત્મા નવા શરીર, નવી યોનિ સાથે ચોર્યાસી લાખ યોનીમાં ભ્રમણ કરતો રહે છે. મૃત્યુની મહત્તા ભલે લાખો રીતે કરીએ પણ તે આપણા માટે અનેક રીતે જીવંત વ્યક્તિ અને સબંધોનો દુઃખદ અંત છે.

ગુજરાત રાજ્યની વહીવટી સેવા માટે થોડા દિવસોમાં જ એક પછી એક એમ ત્રણ નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓના મૃત્યુના સમાચારે ગમગીની ફેલાવી દીધી. જોગાનુજોગ આ ત્રણેય અધિકારીઓનું વ્યક્તિત્વ પ્રદાન અને માનવીય ઉષ્મા ખરેખર અદ્‌ભૂત હતાં. વર્તમાનપત્રો, સોશિયલ મિડીયા અને જનસમાજમાં આ અધિકારીઓના અવસાન પ્રસંગે જે શ્રદ્ધાંજલિઓ આપવામાં આવી તે દર્શાવે છે કે નેપથ્યમાં રહીને અનેકવિધ કામગીરી સંભાળતા અધિકારીઓના પ્રદાનનો ઋણ સ્વીકાર કરવા આમ નાગરિકો સદૈવ તત્પર હોય છે. જેમનું કર્તવ્ય અન્યના જીવનને આનંદિત, સુખી અને સાર્થક બનાવે તેવી વહીવટી સેવાના સભ્યો માટે જનતાની પ્રશંસા આગવું મહત્ત્વ ધરાવે છે.

સૌથી પ્રથમ શ્રી અવતારસિંહ ગીલ એ.એસ.ગીલના નામથી જાણીતા ૧૯૫૦માં આઈ.એ.એસ.માં પસંદ થયેલા ગુજરાતના સૌથી વરિષ્ઠ અધિકારીઓનું દિલ્હીમાં અવસાન થયું. વર્ષોથી દિલ્હીમાં રહેતા શ્રી ગીલનું નામ બહુમતિ પ્રજા માટે જાણીતું ન હોય તે સ્વાભાવિક છે. શતાયુ અધિકારી શ્રી ગીલ અંગે ગુગલ ગુરુ આપણને કોઈ માહિતી આપી શકવાની સ્થિતિમાં નથી. ગુગલના જન્મ પહેલાં ૫૮ વર્ષની વયે નિવૃત્ત થયેલા શ્રી ગીલ મુંબઈના દ્વિભાષી રાજ્યમાં પસંદ થયેલા તરવરીયા યુવાન આઈ.એ.એસ. અધિકારી હતાં. ૧લી મે ૧૯૬૧ના રોજ ગુજરાતની સ્થાપના સમયે કલેકટર તરીકે નિમાયેલા શ્રી ગીલને ગુજરાત પ્રશાસન સેવાના સીધી ભરતીના અને બઢતી પામેલા અધિકારીઓ આદરપૂર્વક યાદ કરે છે. તેના અનેક કારણો છે. સૌથી પ્રથમ તો ખૂબ સુંદર વ્યક્તિત્વ, મધુર અને પ્રેમાળ અભિવ્યક્તિ, સામી વ્યક્તિની કાળજી અને કામમાં ચુસ્ત અને ઝડપી હોવાથી જે કોઈ તેમને મળે તે તેમનાથી અવશ્ય પ્રભાવિત થાય જ. રાજ્યની વહીવટી સેવામાં પ્રથમ સીધી ભરતી ૧૯૬૩માં થઈ ત્યારે મહેસૂલ વિભાગ હસ્તક તેનું સંચાલન હતું. ૧૯૬૩-૧૯૬૪ અને ૧૯૬૫માં ગુજરાત સ્ટેટ પબ્લિક કમિશન (જી.પી.એસ.સી.)ની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થઈ સેવામાં જોડાયેલા અધિકારીઓ માટે મહેસૂલ સચિવ શ્રી એ. એસ. ગીલ એક રોલ મૉડેલ હતાં. પોતાના સૌ અધિકારી/કર્મચારીઓને સતત પ્રોત્સાહિત કરવામાં અને તેના વ્યક્તિત્વને ખીલવવામાં શ્રી ગીલની કાળજી સુંદર બગીચાની જાળવણી કરતાં માળી જેવી હતી. બીજી બાબત તેઓ કાયદાના શાસનને વળગી રહીને તેમાં અંતરાય પેદા કરનાર આગેવાન કે અરજદારને સાચી વાત શાંતિથી સમજવાી દેવામાં પારંગત હતાં. આજે સરકારના મહેસૂલ વિભાગની શાખ તળિયે જઈ બેઠી છે ત્યારે જિલ્લાના-તાલુકાના, ગામના મહેસૂલી તંત્રનું સંચાલન સફળ રીતે કરવામાં તેમની કુશળતા આજે પણ તેમની સાથે કામ કરી ચૂકેલા અનેક અધિકારીઓ યાદ કરે છે. શ્રી ગીલની ત્રીજી વિશેષતા એ રહી કે તેઓએ અધિકારી હોય કે આગેવાન, અરજદાર હોય કે હોદ્દેદાર સૌ પ્રત્યે સમાન દૃષ્ટિ રાખી કાયદા-નિયમોની મર્યાદામાં હકારાત્મક ઉકેલ શોધી આપવામાં નિપૂણ હતાં. તેમના સમયમાં દલિતો માટેની જમીન સાંથણી, કૂવાઓ માટેની ખેડૂતોને સહાય, રાહતકાર્યો, તુમાર ઝુંબેશ અને મહેસૂલી તપાસણી થકી રેકર્ડની જે જાળવતી થઈ હતી તેનો આજે અભાવ લાગે છે. કોઈપણ મહેસૂલી અધિકારી માટે શ્રી અવતારસિંહ ગીલની કામગીરી આદર્શરૂપ છે. તેમની નીચે સચિવાલયમાં કામ કરી ચૂકેલ સ્વ. સેમસન સેમ્યુલ (નાયબ સચિવ) કહેતાં કે ગીલ સાહેબની કામમાં ચોકસાઈ, સબંધોમાં ઉદારતા, વહીવટી સુઝબુઝ અને મૌલિકતા અન્ય અધિકારીમાં જવલ્લે જ જોવા મળે.

આવા જ બીજા વરિષ્ઠ અધિકારી શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિકને ગુજરાત એક સંન્નિષ્ઠ અધિકારીની ઓળખ સાથે એક અભ્યાસુ વિદ્વાન, સંસ્કૃત-ગુજરાતી-અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવનાર અને ઉત્તમ શિક્ષણશાસ્ત્રી તરીકે ઓળખે છે. ૧૯૫૦ના દસકામાં સૌરાષ્ટ્ર્‌ રાજ્યમાં મામલતદાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કરીને તેઓ ૧૯૮૪માં શિક્ષણ સચિવ તરીકે નિવૃત્ત થયા તે સરકારી સેવાના સમયમાં એમણે જે જે હોદ્દાઓ સંભાળ્યા તેને ખૂબ સારી રીતે ન્યાય આપી શોભાવ્યા.  મુંબઈ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં મારા સાથે ભણતાં બહેન અરુણાએ મને આઈ.એસ.એસ.માં ૧૯૬૯માં નિમણૂક મળી ત્યારે તેમના સબંધી તરીકે કુલિનભાઈનો પરિચય આપ્યો હતો. હું ગુજરાતમાં તાલીમ અર્થે ૧૯૭૦માં આવ્યો ત્યારે તેમની બદલી કલેકટર ભરૂચ (કેડર પોસ્ટમાંથી) કલેકટર ડાંગ તરીકે (નોન-કેડર પોસ્ટ પર) થઈ હતી તેથી તેમને સિનીયોરિટીમાં જે નુકશાન થયું તેનો રંજ આજીવન રહ્યો હતો. ૧૯૮૨-૧૯૮૪ના સમયગાળામાં તેઓએ શિક્ષણ સચિવ તરીકે કામ કર્યું ત્યારે તે વિભાગના સંયુક્ત સચિવ અને માધ્યમિક શિક્ષણબોર્ડના અધ્યક્ષના વધારાના હવાલાના કારણે તેમની સાથે કામ કરતાં ઘણું શીખવાનું મળ્યું. ૧૯૭૩ થી ૧૯૭૭ એમ ચાર વર્ષ તેમણે ગુજરાતની સંસ્કાર નગરી વડોદરાના કલેકટર તરીકે યશસ્વી કામગીરી કરી ત્યારે ટૂંક સમય માટે મેં વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કામ કર્યું તે સમય હતો ‘નવનિર્માણ આંદોલન’નો. વડોદરામાં શ્રી કે. પી. યાજ્ઞિક કલેકટર, શ્રી કે.સી. મહાપાત્ર, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર અને હું એમ ત્રણ આઈ.એ.એસ. અધિકારીઓ હતાં જેથી કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તેમની કચેરીમાં કામ સોંપે તે કરવાનો અનુભવ મળ્યો. નવનિર્માણ આંદોલન વડોદરામાં ખૂબ ઉગ્ર હોવાથી તે દિવસોના જોખમી અનુભવો તેમને મળું ત્યારે વાગોળતા હતાં. ગુજરાત સરકારમાં રાજભવન અને મુખ્યમંત્રી કચેરીમાં અગ્રસચિવની ફરજો બજાવનાર બે જ અધિકારીઓ મારા સ્મરણમાં છે. એક તો શ્રી એસ. કે. દુગ્ગલ અને બીજા શ્રી કે. પી. યાજ્ઞિક. તેમની દીર્ઘ કારકિર્દીની સવિસ્તર માહિતી આપતી લેખમાળા તેમણે વર્તમાનપત્રોમાં લખી હતી. ‘વહીવટની વાતો’ પુસ્તક એ અનુભવનો ખજાનો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની શ્રી હંમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સ્થાપનામાં તેમનું અને જાણીતા શિક્ષણવિદ્‌ શ્રી દાઉદભાઈ ઘાંચીનું પ્રદાન અનેરું છે. ખૂબ ટાંચા સાધનો, રાજકીય ખટપટ, સ્થાનિક સ્વાર્થવૃત્તિ અને સંકુચિત વલણને તેમણે વહીવટની વાતોમાં સારી રીતે ઉજાગર કરેલ છે. શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિકને સંસ્કૃતના જ્ઞાન સાથે સુભાષિતોમાં ઊંડો રસ. તેમની દૃઢ માન્યતા કે સુભાષિત (સારી રીતે કહેવાયેલ) વાક્યોમાં ગાગરમાં સાગર જેમ ખૂબ ઉપયોગી અર્થ સમાયેલા છે. ગુજરાત સમાચાર, અખંડ આનંદ સહિત અનેક પ્રકાશનોમાં તેમણે હજારો સુભાષિતતોનું સમશ્લોકી ગુજરાતી ભાષાંતર આપીને આપણી માતૃભાષાને સમૃદ્ધ કરી છે. શ્રી યાજ્ઞિકનો સંકલ્પ કે જીવનના છેલ્લાં વર્ષો મારે જન્મભૂમિ અને સાક્ષરભૂમિ નડિયાદમાં જ વિતાવવા છે. તેમના જૂના ઘરે આધુનિક સુવિધાઓનો અભાવ હોવા છતાં ખૂબ આનંદથી ત્યાં રહીને તેમણે શ્રી હસિત મહેતા દ્વારા સાક્ષરભૂમિ નડિયાદ ખાસ કરીને ગુજરાતની અજોડ નવલકથાના સર્જક શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની સ્મૃતિમાં ‘ગોવર્ધન સ્મૃતિ મંદિર’ના વિકાસમાં જે પ્રેરણા આપી છે તેની ગુજરાતની પ્રજાએ સાભાર નોંધ લેવી રહે.

શ્રી યાજ્ઞિક સાહેબનો આગ્રહ કે ભાષા શુદ્ધ હોવી જોઈએ. વ્યાકરણના અને જોડતીના નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. આપણા સૌની ભાષામાં સ્થાનિક બોલીનો પ્રભાવ, આગવી લઢણ હોય અને ગુજરાતી ભાષાની જોડણી તો અનેકને શીખવામાં અશક્ય લાગે છે. જો કે ભાવનગરના નિવૃત્ત પ્રાધ્યાપક સુ. શ્રી રક્ષા દવે (જાફરાબાદ શાળાના મારા સહવિદ્યાર્થી) પણ જોડણી માટે ચીવટવાળા. જો લગ્નના નિમંત્રણ પત્રિકામાં જોડણીદોષ હોય તો રક્ષાબહેન તેમાં હાજરી ન આપે. તેઓ ઈઙ્ઘેજટ્ઠકટ્ઠિ નામના યુટ્યૂબના કાર્યક્રમ દ્વારા જોડણી અંગે ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપે છે.

દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીએ, ગુણાનુવાદ કરીએ અને મૃત્યુની ઘટનાનો મર્મ જાણવા પ્રયત્ન કરીએ ત્યારે કબીરજીની સાખીનું સ્મરણ સ્વાભાવિક છે; ‘‘પાની કેરા બુદબુદા, અસ મનુષ કી જાત, દેખત હી છીપ જાયેગા જ્યોં તારા પરભાત.’’ 

                                                                                                        (ક્રમશઃ)                                                                                                                                   

Comments

Popular posts from this blog