વહી ગયેલા દિવસો : એક અનોખી સ્મરણયાત્રા
- પ્રવીણ ક. લહેરી
‘માણ્યું તેનું સ્મરણ કરવું, તે જ એક લ્હાવો’ એ ઉક્તિનો અનુભવ નિવૃત્તિના સમયમાં થાય તે સ્વાભાવિક છે. આજે જ્યારે વહીવટી તંત્ર અને શાસન વ્યવસ્થા ચારેકોરથી તીવ્ર અને કટુ આલોચના ઝીલી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જૂના પણ સારા દિવસોની યાદ આવે. આપણા દેશમાં ૫૨૦૦ જેટલાં સેવારત આઈ.એ.એસ. અધિકારીઓ છે જેમના માટે શિસ્તની મર્યાદાના કારણે શાસન અંગે કશું ટીકાયુક્ત લખવાની બાબત પ્રતિબંધિત છે. હવે તો નિવૃત્ત અધિકારી પણ નોકરી દરમિયાન પ્રાપ્ત ગુપ્ત માહિતી જાહેર કરે અથવા સરકારની ગેરવાજબી બદનક્ષી થાય તેવું લખે તો તેની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહીનો નિયમ બનાવ્યો છે. નિવૃત્તિ બાદ અખિલ ભારતીય સેવાના અધિકારીઓને ‘દેશસેવા’ ચાલુ રાખવા માટે કાં તો જુદી જુદી જગ્યાએ નિમણૂક થાય તો ગમે છે. અમુક નિવૃત્ત અધિકારીઓની મહત્ત્વાકાંક્ષા ઊંચી હોય તો તે રાજકારણમાં જોડાય પોતાનું નસીબ અજમાવે છે. નિવૃત્તિ બાદ અધિકારી સામાન્ય નાગરિક જેમ સ્વતંત્રતા ધરાવે છે અને તેમને મનપસંદ ક્ષેત્રમાં કામ કરે, નિખાલસ રીતે અભિપ્રાય દર્શાવે તો તેમાં શા માટે વાંધો લેવો તેવી દલીલ સામાન્ય છે. જો કે એક હાઈકોર્ટ જજે એક રાજકીય પક્ષની તરફેણમાં ચૂકાદો આપ્યો પછી થોડા સમય બાદ તે પક્ષમાં જોડાયા અને ચૂંટણી પણ લડ્યા ત્યારે ફરી આ ચર્ચાએ જોર પકડ્યું. નિવૃત્ત અધિકારી ભલે બંધારણીય હક્કો પ્રમાણે રાજકારણમાં ભાગ લેવા સક્ષમ છે પણ મારો અંગત અભિપ્રાય એવો છે કે જેમણે દસકાઓ સુધી રાજકારણીઓ સાથે કામ કરતી સમયે અપેક્ષા પ્રમાણે તટસ્થતા જાળવી હોય તો તેઓ સેવાની તટસ્થતા સામે આંગળી ચિંધવાનો અવસર ન મળે તે માટે સક્રીય રાજકારણથી દૂર જ રહેવું જોઈએ. તેમની શક્તિ અને અનુભવનો ઉપયોગ અનેકક્ષેત્રે થઈ શકે છે.
આજના ડહોળાયેલા વાતાવરણમાં આપણને સક્ષમ, પારદર્શક, જવાબદાર, લોકાભિમુખ અને મૃદુ પણ મક્કમતાથી વહીવટી સેવા થઈ શકે તેનું પ્રેરક ઉદાહરણ જોઈએ તો તે એક પુસ્તકમાંથી મળી શકે તેમ છે. ગુજરાતમાં પ્રશાસન સેવાના (આઈ.એ.એસ.) ૧૯૬૫ બેચના અધિકારી શ્રી અશોક ભાટીયાએ અગાઉ હિન્દીમાં ‘બિતે હુએ દિન’ પુસ્તક દ્વારા ‘‘તે હી નો દિવસો ગતાઃ’’ પ્રમાણે અતીતની યાદો લખી હતી. સ્વજનો અને મિત્રોના આગ્રહથી તે પુસ્તકનું ગુજરાતી ભાષાંતર કાશ્યપી મહાએ કર્યું અને આપણને પ્રાપ્ત થયું. ‘વહી ગયેલા દિવસો’આમાં વાતો ભલે ભૂતકાળની છે પરંતુ પુસ્તકનો સંદેશો પ્રેરણાદાયી અને શાશ્વત રીતે ઉપયોગી છે. આ પુસ્તકના લેખક અશોક ભાટીયા મારા વરિષ્ઠ સાથી-મિત્ર રહ્યા છે....તેમના વ્યક્તિત્વને મારે માત્ર એક વાક્યમાં વર્ણવવું હોય તો હું એટલું જ કહુંઃ ‘‘સજ્જન શબ્દની વ્યાખ્યા કોઈ શબ્દોકોષમાં શોધવાને બદલે અશોક ભાટીયાનો પરિચય કેળવવો. તેઓ એક આદર્શ પ્રશાસક તરીકે નામના ધરાવે છે. કારણ કે ૧૯૬૪ થી પોલીસ સેવાથી જાહેર વહીવટમાં જોડાયા બાદ ૨૦૦૧માં નિવૃત્તિ પહેલાંની ૩૭ વર્ષની કારકિર્દી અને તેમની ક્ષમતા અને અનુભવના કારણે રાજ્ય સરકારે ૨૦૦૧ થી ૨૦૧૨ સુધીના ૧૧ વર્ષોમાં વિવિધ જગ્યાઓ પર તેમને સુપરત કરેલી જવાબદારીઓ સાથે જાહેર વહીવટમાં શાન-બાનથી ૪૮ વર્ષ પૂરા કરવા તે સિદ્ધિનું મહત્ત્વ અનેરું છે. આમ તો સરકારી સેવા અંગે જુદા જુદા મંતવ્યો પ્રવર્તે છે. ગુજરાતના જાણીતા સાહિત્યકાર ઈશ્વર પેટલીકર પંચાયત સેવા પસંદગી મડળમાં સભ્ય હતાં. તલાટીની ભરતી સમયના ઈન્ટરવ્યૂ સમયે એક પ્રશ્ન જરૂરથી પૂછતાઃ ‘‘તલાટીની નોકરીમાં ઘી-કેળાં છે તેવું લોકો કેમ કહે છે ?’’ સામે પક્ષે ‘‘વહીવટ એક કાજળની કોઠી છે તેમાં ૪૦-૫૦ વર્ષ રહીને બેદાગ કેમ બહાર આવી શકાય ?’’ આ બીજા પ્રશ્નના ઉત્તર માટે અશોક ભાટીયા લિખિત ‘‘વહી ગયેલા દિવસો’’ વાંચવું ખૂબ ઉપયોગી થાય તેમ છે.
આ પુસ્તકની ભૂમિકા બાંધતા લેખક કહે છે. ‘‘મારા જીવનમાં એવું ખાસ કંઈ નથી રહ્યું જેનાથી કોઈ કંઈ શીખી શકે અથવા તેનું અનુકરણ કરવા પ્રેરણા મળે...આ મારી આત્મકથા નથી, મારા જીવનની કથા છે.’’ આવી જ વાત મહાગુજરાત આંદોલનના અલગારી નેતા ઈન્દુલાલ યાજ્ઞિકે ૬ ગ્રંથોમાં લખેલી પોતાની આત્મકથા માટે કહી હતી. પોતાના કરતાં ગુજરાતને કેન્દ્રમાં રાખ્યું હતું. અશોક ભાટીયાએ અનેક દસ્તાવેજો, તસ્વીરો વગેરે સાચવીને તેના અને સ્મૃતિના આધારે જે વિગતો લખી છે તે આધારભૂત છે. ક્યાંય અતિશયોક્તિ નથી કે નથી આપવડાઈ ’’ એક શાંત ઝરણાંના પ્રવાહ જેમ વહેતી ઘટનાઓની માહિતી આપણને શાતા આપે છે. અનેક સમસ્યાઓ, વિટંબણાઓ, ગોટાળાઓ, પડકારો અને વિષમતા વચ્ચે જીવન તો આનંદમય છે ન હોય તો તે રીતે માનસિકતા બદલીને સમયને માણી શકાય છે. લેખક ફ્રાંસના ચિંતક મોન્ટેઈનની વાતનો પોતાના જીવનના વર્ણન માટે સહારો લે છે. મોન્ટેઈન લખે છે; ‘‘વાચકો, આ પુસ્તક ઈમાનદારીથી લખ્યું છે તેને લખવાનું એક માત્ર લક્ષ્ય પારિવારિક કે વ્યક્તિગત રહ્યું છે. તેના દ્વારા પર-સેવા કે આત્મશ્લાધાનો કોઈ વિચાર મારા મનમાં નથી. ’’ લેખકના નામેરી અશોકકુમાર ભાટિયાનું અવલોકન; ‘‘દાર્શનિકો, કવિઓ, સાહિત્યકારોની રચનાઓ અને શાસ્ત્રોના પ્રસંગોચિત અવતરણોથી સમૃદ્ધ આ સંસ્મરણ એક સમર્થ, પ્રશાસકના જીવન અને સમયના અવલોકનને વ્યાપક પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે.’’ ‘‘વહી ગયેલા દિવસો’’ના વાંચન સમયે આ પુસ્તક હિન્દીમાંથી ભાષાંતરિત છે તે હકીકતનો અહેસાસ નથી થતો. કાશ્યપી મહાની આ સિદ્ધિ અભિનંદનને પાત્ર છે. લેખકે અનેક નીજી જીવનના પ્રસંગો વર્ણવ્યા છે તે સાથે સાથે પોતાના મનોભાવને પણ નિખાલસ રીતે વર્ણવ્યા છે. તે ઉપરાંત તુલસીદાસના રામચરિત માનસની ચોપાઈઓ, હિન્દી કવિઓની પંક્તિઓ અને પ્રસંગનું બારીકાઈથી કરેલું વર્ણન ક્યારેય રસક્ષતિ થવા દેતું નથી.
શ્રી અશોક ભાટીયા પોતાના પૂર્વજો, પરિવારના સભ્યોનો આત્મિયતાથી પરિચય આપે છે. પિતાશ્રીની બદલીવાળી નોકરીમાં જુદી જુદી જગ્યાએ રહેવાનું-ભણવાનું અગવડભર્યું હોય તેની જગ્યાએ તેઓ આ પરિવર્તનોને નવું નવું અનુભવવાનો અવસર ગણી દરેક સ્થિતિનો આનંદ માણે છે. આઝમગઢમાં બંધ તૂટતાં આવેલ પૂરથી થયેલ જાનમાલની હાનિનું સંવેદનશીલ આલેખન, વિદ્યાર્થી જીવનમાં જિજ્ઞાસા પ્રેરિત વાંચનની વિગત હોય કે શિક્ષકો પાસેથી જ્ઞાનગ્રહણ કરવાની બાબત હોય, મોસાળમાં વૅકેશનની મજા હોય કે બહેનનો લગ્નપ્રસંગ હોય, કિશોરાવસ્થાના સ્પંદનોનું તેમનું વર્ણન આપણને આપણા ભૂતકાળના સંસ્મરણો તાજા કરાવે છે. આ જીવનકથા વાંચતા આપણને ઓશોનું વાક્ય યાદ આવે છે. જીવનમાં અસામાન્ય કરતાં સામાન્ય ઘટનાઓનું વિશેષ મહત્ત્વ છે. સામાન્યમાં જ અસામાન્ય છૂપાયેલું છે. એક વખત તે ઓળખી લઈએ તો આનંદ જ છે. શ્રી અશોક ભાટિયા પોતાની પત્ની કાદમ્બરીના પરિચય, લગ્ન અને દામ્પત્યજીવનની જે મધુર વાતો છે તે મને સારા દાદાના એક કાવ્યની પંક્તિનું સ્મરણ કરાવે છે. ‘‘જ્યાં સુખચેનથી રહેતાં દંપતિ, ત્યાં ક્ષુલ્લક છે સ્વર્ગની સંપત્તિ’’ કાદમ્બરી બહેનનું વ્યક્તિત્વ અને ભૂમિકાનું શબ્દચિત્ર લેખકના સાહિત્યના વૈભવનું દર્શન કરાવે છે.
માઉન્ટ આબુની પોલિસ સેવાની તાલીમ મસૂરીમાં આઈ.એસ.ની તાલીમ, ભારત દર્શન, લશ્કર સાથેનો સમય ગુજરાતી ભાષા શીખવાનો ઉત્સાહ વગેરેના વર્ણન બાદ ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં તાલીમ, સાબરકાંઠામાં હિંમતનગર પ્રાંતમાં આસિસ્ટન્ટ કલેકટર, ત્યારબાદ મહેસાણામાં એડિશનલ ડિસ્ટ્ર્ીક્ટ મેજિસ્ટ્ર્ેટપ અમદાવાદમાં સહકાર ખાતામાં એડિશનલ રજિસ્ટ્ર્ારના હોદ્દાઓ પર ફરજ બજાવી. ઉત્તર ગુજરાત અને અમદાવાદ બાદ અમરેલીમાં કલેકટર, રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે ફરજો બજાવ્યા બાદ ભારત સરકારના ગૃહ મંત્રાલયમાં સેવા આપી ગુજરાત પરત આવી કંડલા ફ્રી ઝોનના કમિશ્નર, સૂરત મ્યુનિસીપલ કમિશ્નરની કામગીરી નોંધપાત્ર સફળતા સાથે અદા કરી.
અશોક ભાટિયા પોતાની કામગીરી સાથે સાથે જોડાયેલી નાની પણ મહત્ત્વની બાબતોનું રસમય રીતે વર્ણન કરે છે. એકંદરે ‘વહી ગયેલા દિવસો’ પુસ્તક એટલે કવિ જયશંકર પ્રસાદની પંક્તિને સાર્થક કરતું સંસ્મરણોનું લખાણઃ ‘‘ઈસ પથકા ઉદ્દેશ નહીં હૈ શ્રાન્ત ભવન મેં ટિક રહના, કિન્તું પહોંચના ઉસ સીમા કે પાર જિસકે આગે રાહ નહીં.’’ લેખકના સાર્થક જીવનમાં ‘પહેલું સુખ તે જાતે નર્યા’થી શરું કરીને સુખી દામ્પત્યજીવન, પરિવારનો પ્રેમ, હૂંફ, સહયોગીઓની સહાય, વડિલોનું માર્ગદર્શન અને ઈશ્વરકૃપાની સતત હાજરી દર્શાવે છે કે લેખકની કારકિર્દી ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’નો હેતુ સિદ્ધ કરી શકી. આનાથી બીજું રૂડું શું હોય શકે ?
Comments
Post a Comment