લઘુ-કુટિર ઉદ્યોગોથી સ્ટાર્ટઅપની યાત્રા
- પ્રવીણ ક. લહેરી
આજે વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી થયેલા આર્થિક વિકાસમાં મશીનો દ્વારા થતાં જંગી ઉત્પાદનો અને અનેકવિધ સેવાઓના વ્યાપ સાથે ‘ઉત્પાદન અને સેવા’ એ કોઈપણ અર્થતંત્રના મહત્વના ક્ષેત્રો બન્યા છે. આપણા દેશમાં ૧૯૯૦ પહેલાં લાયસન્સ,પરમીટ, ક્વોટા રાજ હતું જેમાં મોટા મૂડીરોકણ માટે ભારત સરકારની મંજુરી આવશ્યક હતી. સાથે સાથે લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ હતી. લઘુ ઉદ્યોગોને ઓછા વ્યાજની લોન અથવા ધિરાણ પર વ્યાજ સબસિડી, અમુક ઉત્પાદનો માત્ર લઘુ ઉદ્યોગો માટે અનામત રાખવામાં આવેલ. લઘુ ઉદ્યોગોના ઉત્પાદનો સરકાર અને સરકારી નિગમોએ અગ્રતાના ધોરણે થોડો ઊંચો ભાવ હોય તો પણ ખરીદવાની જોગવાઈઓ હતી. ૧૯૯૦ પહેલાં જંગી મૂડીરોકાણ માટે જેટલા સરકારી અંકુશો અને અંતરાયો હતાં તેટલી જ સવલતો અને છૂટછાટ લઘુઉદ્યોગ, કુટિર ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગોને પ્રાપ્ત હતાં.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસના પાયામાં લઘુઉદ્યોગકારો રહેલાં છે. લિજ્જત પાપડનો ગૃહઉદ્યોગ હોય કે નિરમાનો નાનો ડિટરજન્ટ પ્લાન્ટ હોય, હિરા ઘસવાના એકમો હોય કે દવા તૈયાર સ્થાનિકે ઉત્પાદન કરેલા મશીનો હોય, પાવરલૂમો હોય કે કાસ્ટીંગના એકમો રસાયણના કારખાના કે પ્લાસ્ટિકના એકમો, લઘુ ઉદ્યોગક્ષેત્રે જ ગુજરાતને સાચા અર્થમાં વાઈબ્રન્ટ બનાવ્યું હતું. આજે જાહેરક્ષેત્રના એકમો સિવાયના ખાનગી ક્ષેત્રના જે મોટા ઉદ્યોગો છે તેમાંના મોટાભાગના ૪૦ થી ૫૦ વર્ષ પહેલાં લઘુ ઉદ્યોગ તરીકે પા પા પગલી માંડતા હતાં. ૧૯૫૬ ની રાષ્ટ્રીય ઔદ્યોગિક નીતિએ સમાજવાદી સમાજ રચનાના સપના સાથે મૂડીરોકાણ માટે ગુંગળામણ થાય તેવું બંધીયાર વાતાવરણ પેદા કર્યું હતું. ૧૯૭૭ માં સત્તા સ્થાને આવેલ પ્રથમ બિનકોંગ્રેસી જનતાપક્ષના શાસનો નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી જેના પાંચ મહત્વના અંગો હતાં.
(૧) દરેક જિલ્લામાં લઘુ-કુટિર ઉદ્યોગોને સહાયભૂત થાય તે માટે ‘‘જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર’’ની સ્થાપના કરવી. આ કેન્દ્રમાં સાત ક્ષેત્રના અધિકારીઓને રાખી એક જ સ્થળેથી અને નિશ્ચિત સમય મર્યાદામાં તમામ આવશ્યક સેવા મળે તે માટે ભરોસાપાત્ર વ્યવસ્થા કરવી.
(૨) દરેક જીલ્લાના ક્લેકટરને ‘સંયુકત ઉદ્યોગ કમિશ્નર’ નો હોદ્દો આપી તેના દ્વારા જમીન ફાળવણી, સંકલન, ધિરાણ સમિતિ મારફત બેનકોના અગ્રતા ક્ષેત્રમાં અપાતી લોનોનો રિવ્યુ વગેરે કામગીરી આપવામાં આવી હતી.
(૩) ઔદ્યોગિક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી, પાવરલૂમોની સહકારી મંડળીથી સહકારી મિલોને (ખાંડ,દૂધ,યાર્ન) પ્રોત્સાહન આપવાની યોજનાઓનો અમલ કરવાનો હતો.
(૪) લઘુ ઉદ્યોગોને કાચા માલ માટે આયાત પરવાનજા, ક્વોટાની ફાળવણી તેમ જ માર્કેટીંગ માટે મદદરૂપ થવાની નીતિ અપનાવવામાં આવી હતી.
(૫) જીલ્લાના હાથશાળ-હસ્તકળા અને અન્ય કારીગરોને તાલિમ, નવી ટેકનોલોજી,સુધરેલા ઓજારો, ગુણવત્તાયુક્ત કાચોમાલ અને પ્રદર્શન વગેરે મારફત વેચાણને પ્રોત્સાહન આપવાની યોજનાઓનો અમલ કરવાને હતો.
રાષ્ટ્રીય કક્ષાએ લઘુઉદ્યોગ કમિશ્નર, લઘુઉદ્યોગ સંશોધન-સહાય નિગમ, હસ્તકલા અને હાથશાળના અલગ અલગ કમિશ્નરોની નિમણૂક સાથે લઘુકુટિર અને ગ્રહઉદ્યોગો દ્વારા ‘ માસીસ દ્વારા માસ પ્રોડક્ટશન’’ (લોકો દ્વારા જંગી ઉત્પાદનની) વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવેલ હતી. ગુજરાતે બે ડગલાં આગળ વધીને ઔદ્યોગિક સાહસિકોને તાલિમ આપવા માટે સીઈડી (સેન્ટર ફોર આન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ)ની સ્થાપના ગતિશીલ અને આગવી સુઝબુઝ ધરાવનાર ડૉ. વી.જી. પટેલના નેતૃત્વ હેઠળ કરી હતી. ઉદ્યોગ સાહસિકોને તાલીમ દ્વારા સફળતામાં અખૂટ વિશ્વાસ અને તે અંગે કુશળતા ધરાવતા ડૉ. વી. જી. પટેલના પ્રયત્નોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય. ભાટ ગામે સ્થપાયેલ ઈડી આઈ- આન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ ઈન્ડીયાએ ડૉ. વી. જી. પટેલ’ નું ગુજરાત અને દેશને મળેલું આગવું પ્રદાન છે. આ ઉપરાંત ત્યારના તરવરીયા ઉદ્યોગ કમિશ્નર શ્રી એન. વિઠ્ઠલને એવો ખ્યાલ હતો કે ગુજરાતમાં મૂડી રોકાણ કરવા આવતાં સાહસિકોને તે સમયની અનેક મુશ્કેલીઓ જેવી કે શાળા પ્રવેશ, ગેસ જોડાણ, જમીન, પાણી, વીજજોડાણ વિગેરેમાં થતો વિલંબ નિવારવા માટે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાતના ૪ મુખ્ય ઔદ્યોગિક નિગમો, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ( જી.આઈ.ડી.સી. ) ગુજરાત સ્ટેટ ફાઈનાન્સી કોર્પોરેશન (જી.એસ.આઈ.સી.) ને સાંકળીને તેમણે ‘ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો’ નું નામકરણ ‘ઈન્ડેક્ષ-બી’ તરીકે કર્યું. આ નવા તંત્રને અસરકારક અને ચેતનવંતું બનાવવાની જવાબદારી સ્વીકારી ડૉ. જયનારાયણ વ્યાસે. જી.આઈ.ડી.સી. માં ઉચ્ચ હોદ્દે બિરાજમાન ડૉ. જયનારાયણ વ્યાસે આ તંત્રને એટલું સુદૃઢ અને પરિણામલક્ષી બનાવ્યું કે અનેક રાજ્યોના પ્રતિનિધિમંડળે તેનો અભ્યાસ કરવા આવ્યા. ઉદ્યોગ સહાયક જેવા નામાભિધાન સાથે દરેક રાજ્યમાં જે તંત્રો રચાયગા છે તે ડૉ. જયનારાયણભાઈની ઈન્ડેક્ષ બી ની ભવ્ય સફળતાના જીવતા-જાગતાં પુરાવા છે. ૧૯૭૭ થી ૧૯૯૦ વચ્ચેના ૧૩ વર્ષના ગાળામાં ડૉ. જયનારાયણભાઈ વ્યાસની આગેવાનીમાં ઈન્ડેક્ષ-બી : (૧) રાજય સરકારની ઔદ્યોગિક નીતિના ઘડતરમાં અને વહીવટી સુધારણા માટેનું મુખ્ય કેન્દ્ર બન્યું. (૨) રાજ્યની ઔદ્યોગિક માહિતી (ડેટાબેઝ) અન્ય રાજ્યોની સરખામણી, વિશ્લેષણ અને વિકાસના દસ્તાવેજીકરણનું કેન્દ્ર બન્યું. (૩) ઉદ્યોગ૫તિઓ માટે કાયદા, નિયમો, પ્રક્રિયાની જાણકારી માટે અને ગુંચવણોના ઉકેલ માટે ભરોસાપાત્ર સ્થળ બન્યું. (૪) સરકારમાં કમ્પ્યુટરાઈઝેશન થકી માહિતીનું વર્ગીકરણ અને મોનેટરીંગ અને સંશોધન કરવામાં અગ્રેસર બન્યું. ઈન્ફરમેશન ટેકનોલોજી વિભાગની સ્થાપના પહેલાં ‘ઈન્ડેક્ષ-બી’ તે અંગેની તમામ જવાબદારીઓ નિભાવતું હતું. (૫) ઔદ્યોગિક એકમની સ્થા૫નાથી ઉત્પાદન સુધીની કામગીરીને ૧૫ જુદા જુદા પણ ક્રમિક માપદંડો સાથેની ‘મોનીટરીંગ સિસ્ટમ’ આજે પણ મેનેજમેન્ટ ક્ષેત્રમાં એક ખૂબ ઉપયોગી પદ્ધતિ મનાય છે. (૬) અગાઉ મૂડીરોકાણ માટેના અન્ય શહેરો અને વિદેશમાં યોજાયેલા કાર્યક્રમોનું આયોજન હને સફળ સંચાલનમાં ઈન્ડેક્ષ બી નો સિંહફાળો રહ્યો છે. આજે પણ વાઈબ્રન્ટ ગુજરાતના દસ પ્રસંગોને દીપાવવામાં ઈન્ડેક્ષ-બીની ભુમિકા પ્રમુખ રહી છે. (૭) ગુજરાતની સિદ્ધિઓને ‘૫ાવર પોઈન્ટ’ ‘ડોક્યુમેન્ટરી’ જાહેરાતો, પુસ્તકો અને પ્રવચનો દ્વારા ઉજાગર કરવાની કામગીરી પણ ઈન્ડેક્ષબીએ છેલ્લા પ વર્ષમાં પ્રભાવશાળી રીતે બજાવી છે. ઈન્ડેક્ષ બીના સ્થાપક અને આજે ઉદ્યોગ જગતમાં જેમની ગણના એક અનોખા નિષ્ણાત તરીકે થાય છે તેવા બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉ. જયનારાયણભાઈ માટે ઈન્ડેક્ષ-બી તો વર્ષો સુધી તેમના નામનો પર્યાય બની રહ્યું હતું. ૧૯૮૦ ના દાયકામાં એક મજાક પ્રચલિત હતી. ‘‘જો તમે કોઈને પૂછો છો કે આજે ક્યાં જવાનો છે. આના પ્રત્યુત્તરમાં કહે કે શ્રી એન. વિઠ્ઠલ કે શ્રી જયનારાયણભાઈને મળવા જાવ છો તો ખાસ ધ્યાન રાખશો એવી સલાહ આપવામાં આવતી હતી. તેઓ તમને એવું સુંદર રીતે સમજાવશે કે તમને ગુજરાતમાં ઉદ્યોગ કરવાનો ખ્યાલ તમારો પીછો નહીં છોડે. તમે ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપશો ત્યારે જ તમારું મન શાંત થશે.’’ ઈન્ડેક્ષ બી દ્વારા અનેક બિન નિવાસી ભારતીયોને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવાની પ્રેરણા આપવામાં ડૉ. જયનારાયણ વ્યાસનું પ્રદાન મહત્વનું રહ્યું. આપણે વર્તમાન સમયમાં ઉદ્યોગ દ્વારા ઝડપી આર્થિક વિકાસ કરીને ભારતના અર્થતંત્રનું કદ યુએસ ડૉલર પ ટ્રિલિયનનું કરવું હોય તો તે માટે ભૂતકાળના સફળ પ્રયોગોનું અધ્યયન કરી સાંપ્રત સમયની સમસ્યાઓનું નિરાકરણ શોધવું પડશે. ડૉ. વી. જી. પટેલ અને ડૉ. જયનારાયણભાઈએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં જે પ્રદાન કર્યું છે તેનાથી ભાવિ પેઢી અજ્ઞાન હોય તે સ્વાભાવિક છે.
તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝના મુખપત્ર સમા પ્રકાશનના અંકમાં મેં વાંચ્યું કે ગુજરાતમાં ૯૦ ટકા સ્ટાર્ટઅપ નિષ્ફળ જઈ રહ્યા છે. આ માહિતી અને તે પણ ગુજરાતી સાહસિકોની આવડી મોટી નિષ્ફળતા મારા માન્યામાં ન આવી. આ ક્ષેત્રના ભિષ્મપિતામહ સમા મારા મિત્ર શ્રી સુનિલભાઈ પારેખને પૂછતાં તેમણે જે વાત કરી તેથી હું ચોંકી ગયો. તેમણે કહ્યું ‘‘પ્રવીણભાઈ, સોરી. નિષ્ફળતાનો આંક ૯૦ ટકા નહીં પણ ૯૭ ટકા છે. ભાવિ પેઢી માટે જે સૌથી આશાસ્પદ ક્ષેત્ર સ્ટાર્ટઅપની સફળતા આડે જે અંતરાયો હોય તે કેમ દૂર કરવા તેની વિચારણા આગામી સપ્તાહે કરીશું. ગુજરાતની યુવાપેઢીની સર્જનાત્મકતા, દીર્ઘદૃષ્ટિ અને નવી કેડી કંડારવાની ક્ષમતા તો છે, તેને નિખારીને ઉજાગર કરીએ તો જય જય ગરવી ગુજરાતનું ગાન સાર્થક થાય.
Comments
Post a Comment