જાહેર સેવા માટે પસંદગીમાં ગુણવત્તાનું મહત્ત્વ

                                                               - પ્રવીણ ક. લહેરી

કોઈપણ વ્યક્તિ સત્તાસ્થાને બિરાજે તેની સાથે તેમની માનસિકતામાં જબરજસ્ત પરિવર્તન આવે છે. માનવ સ્વભાવમાં માયાના  પ્રતિનિધિ તરીકે રહેલી છે. વૃત્તિઓ બેફામ બની શકે છે. મદ (અહં) મોહ, કામ, ક્રોધ, લોભ અને ઈર્ષા. ‘‘ હું સત્તા સ્થાને છું. અન્ય તમામે મારા આદેશ, આજ્ઞા, સૂચનાનું પાલન કરવું જ જોઈએ. મારા વિચારો જ શ્રેષ્ઠ છે અને તેનો વિરોધ કરનારા પામાર લોકોની સમજણ કેટલી ? ’’ આવો ભાવ શાસકને એક અદૃશ્ય કાચના પાંજરામાં કેદ કરી લે છે. આવી વૃત્તિ ગ્રામીણ કક્ષાએ તલાટીથી શરુ કરીને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોને યથાતથા લાગુ પડે છે. સત્તા મેળવ્યા બાદ  ભાગ્યે જ કોઈને સત્તા છોડવી છે. સત્તા વિના પોતાનું અસ્તિત્વ શું ?

હું  શાશ્વત રીતે સત્તામાં રહું તમાં જ લોકો અને દેશનું ભલું છે તેવા વહેમમાં રાચતા લોકોમાં અમેરિકાના પ્રમુખ જો બિડન શારીરિક અને માનસિક  રીતે સક્ષમ નથી, પ્રથમ ચુંટણી વખતે ૨૦૨૦ માં તેનું સ્વાસ્થ્ય સારું તો ન હતું પરંતુ તેમણે ઉમેદવારી કરી, જીત્યા, કામકાજમાં  તબિયતના કારણે ઘણાં ભાંગરા વાટ્યા.  વર્ષ-૨૦૨૦ માં તેમણે જણાવેલ કે મારી ઉંમર અને તબિયતના કારણે બીજી વખત ઉમેદવારી કરીશ નહીં પણ પછી તે વાત ભૂલીને ફરી પ્રમુખ થવા આતુર છે. હવે તેમણે પોતાની મર્યાદા સ્વીકારી ઉમેદવારી પાછી ખેંચી છે.

ચીનના પ્રમુખે  તો ત્યાંની સંસદમાં  ઠરાવ પસાર કરાવીને આજીવન પ્રમુખ રહેવાની વ્યવસ્થા ગોઠવી છે. રશિયામાં પ્રમુખ વાલ્દામિર પુટિન પણ સમયાંતરે બંધારણ સુધારીને સત્તાસ્થાને ચીપકી રહેવામાં સફળ થયા છે. જો કે અમુક વ્યક્તિઓ સત્તાને સહેલાઈથી જેમ સાપ કાંચળી તજી દે છે તેમ છોડી શકે છે.  ૨૩/૨૪ વર્ષ રાજ્યના મુખ્યમંત્રી રહેલા નવીન ૫ટનાયકે ચુંટણીની હાર  હસતે ચહેરે સ્વીકારી સત્તા છોડી તે સમયે તેમની માનસીકતા, વાણી અને વર્તનમાં જાણે કશું જ બન્યુ નથી તેવો ભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો.  આજ રીતે બ્રિટનમાં ભારતીય મુળના પ્રથમ વડાપ્રધાન ઋષિ સુનકે સત્તા છોડતી સમયે પોતાની ક્ષતિઓ માટે પ્રજાની જાહેરમાં માફી માંગી અને સંસદના પ્રવચનમાં તો ખૂબ હળવાશથી પોતાની મર્યાદા સ્વીકારી ત્યારે સમગ્ર હાઉસ ઓફ કોમન્સ હાસ્યથી ગુંજી ઊઠ્યું હતું. 

સત્તાસ્થાને બિરાજેલા અનેક આગેવાનોમાં કામવૃત્તિની પ્રબળતા અને વિકૃતિ જોવામાં આવે છે. ઉત્તરપ્રદેશ/ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી સ્વ શ્રી નારાયણ દત્ત (એનડી) તિવારીના અવૈધ સબંધો અવૈદ્ય સંતાન અને હૈદરાબાદના રાજભવનની કામલીલાના દૃશ્યો પણ તેમના ચેહરા પર શરમનો શેરડો પાડી શક્યા ન હતાં. આદિત્યઠાકરે સામે પણ આવી બાબતમાં શંકાની સોય તાકવામાં આવી છે. કુસતીમંડળના  અધ્યક્ષ રમતગમતના કોચ, શૈક્ષણિક સંસ્થામાં હોદ્દો ધરાવતી અનેક વ્યક્તિઓએ તેમના વહીવટી અંકુશ હેઠળની વિજાતીય વ્યક્તિઓ સાથે ગેરવર્તન કે અનુચિત માગણીઓ કરેલ ઉદાહરણોની યાદી ખૂબ લાંબી બને તેમ છે.

શાસકોનો અહં તેમને ક્રોધ તરફ દોરી જાય છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગનો ક્રોધ જાણીતો છે. પોતાના સગાને સાવ અચાનક શિકારી કુતરાઓ દ્વારા ફાડી ખાય તેવી સજા કરી અને તત્કાળ અમલ પણ કર્યો. સત્તાધીશોની મરજી પ્રમાણે  કોઈ ન વર્તે એટલે તેની સામે કડક કાર્યવાહી કરનાર શાસકમાં ખૂબ ઊંડી અસલામતિની ભાવના રહેલી હોય છે તેવો માનસશાસ્ત્રીઓના અભિપ્રાય છે.  આપણે ત્યાં પોલીસ કસ્ટડીમાં તપાસ હેઠળની  અનેક વ્યક્તિઓને મારઝૂડ, બળાત્કાર અને મોતનો ભોગ બનવું પડે છે. આમાં પોલીસ અધિકારી/ કર્મચારીઓનો ક્રોધ અને પરપીડન વૃત્તિ જવાબદાર છે.

સત્તાધીશોના લોભને તો કોઈ સીમા નથી. રાજકોટના અગ્નિકાંડ બાદ નગરનિયોજકની સંપિત્તની વિગતો જોતાં એમ જણાય કે તેમના માટે સરકારી હોદ્દા સાથે કોઈ જવાબદારી જોડાયેલી જ ન હતી પણ પોતા માટે સત્તાસ્થાન એ તો દરરોજ સોનાના ઈંડા મૂકતી મરઘી હતી. તાજેતરમાં વિવાદગ્રસ્ત રીતે સમાચારોમાં ચમકી રહેલી પૂજા ખેડકરના પિતા મહારાષ્ટ્ર પ્રદુષણ બોર્ડમાં અધિકારી હતાં ત્યારે તેમણે એકત્ર કરેલી સંપિત્ત સામે હવે સરકારની નજર પડી છે. જો કે અગાઉ ભ્રષ્ટાચારની ફરિયાદના મુદ્દે બે વાર સસ્પેન્ડ  (ફરજમોફૂકી) થયેલા અને ખાતાકીય તપાસનો સામનો કરી ચૂકેલા આ અધીકારીની વિશાળ ગેરકાયદેસર એકત્ર કરેલી સંપત્તિ તરફ કેમ સરકારે ધ્યાન નહીં આપ્યું હોય ? જો સરકાર શાસનમાંથી ભ્રષ્ટાચાર નિર્મુળ કરવા ( જે શક્ય ન હોય તો તેમાં નોંધપાત્ર રીતે) કે ઘટાડો કરવા ગંભીર હોય તો તેમણે દરેક રાજ્યમાં તકેદારી આયોગમાં સંવેદનશીલ જગ્યાએ કામ કરતાં અધીકારી કે કર્મચારી અને તેમના સગાંવહાલા/ બેનામી મિત્રોની સંપત્તિ પર ચાંપતી નજર રાખવાની વ્યવસ્થા કરવી જ રહી. અગાઉ છોટાઉદેપુરમાં અને તાજેતરમાં કચ્છમાં બે યુવા મહિલા પોલીસ કોન્સ્ટેબલોની સોશિયલ મીડિયાની ઉપર મૂકેલી વૈભવી જીવનશૈલીની  બોલકી તસવીરો પર પણ કોઈ ઉપરી અધીકારી કે જાગૃત નાગરિકનું ધ્યાન નહીં ગયું હોય. ન્યાયતંત્ર જેમ તેમની મુદત પે મુદત અને વિલંબ માટે હાંસીપાત્ર બની રહ્યું છે ત્યારે સરકારમાં ફરિયાદોની વ્યાજબી તપાસ અને ખાતાકીય તપાસની કામગીરીને લગતું છે. આજની સ્થિતિનો તાદશ ચિતાર આપતાં કોઈએ કહ્યું છે, ‘‘ આજનો વહીવટ એટલે નિડરતાથી થોડી વ્યક્તિઓની ટોળકી રચી, કચેરી કે વિભાગનો કબ્જો કરી મનફાવે તેવો ભ્રષ્ટાચાર કરો. કોઈ સાથી કર્મચારી કે અધીકારી તેઓ સામે ફરિયાદ કરે તો નનામી અરજીઓ દ્વારા તેમને ધંધે લગાડી દો. વચેટિયા સાથે ઘનિષ્ઠ સબંધો કેળવીને ‘વાયા વચેટિયા જ નિર્ણય થાય તેવી જડબેસલાક નાકાબંધી કરો, કાયદાએ આપેલી સત્તા અને થનાર સજાનો ડર બતાવી પૈસા પડાવો. વન વિભાગ પોલીસ જેવી ગણવેશ અને ડંડાધારી સેવામાં તો ગમે તેને આરોપી બનાવી ‘માર ન મારવાના’ પૈસા પડાવવાનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે.

વહીવટીતંત્રની સ્થિતિ ડબ્બામાં પૂરેલા કરચલાઓની વાર્તા જેવી છે. ડબ્બો ખુલ્લો રાખીએ તો પણ કોઈ કરચલો ઉપર ચડીને બહાર નથી નીકળી શકતો કારણ કે ઉપર ચડતા કરચલાને અન્ય કરચલા તુરત પકડીને નીચે લાવી દે છે. આવું ઈર્ષાતત્ત્વ વહીવટની ઓળખ બની ગયું છે. ‘‘એમનો પોશાક મારા કરતાં વધારે સફેદ કેમ ? આ પ્રશ્ન સરકારી તંત્રવાહકોના મનમાં સતત ઘુમરાય છે. વિધ્નસંતોષીના કારણે ‘‘ખોટા સિક્કાઓ સાચા સિક્કાઓને ચલણ બહાર ફેંકી દે છે તેવો ઘાટ થયો છે. એક નિવૃત્ત અધિકારી તરીકેના મારા આવા નિખાલસ શબ્દો કોઈને કદાચ રાંડ્યા પછીના ડહાપણ જેવા લાગે પણ આ આજની વાસ્તવિકતા છે. તેનું યર્થાથ વર્ણન કરવું તે મારી જાતે સ્વીકારેલી જવાબદારી માનીને આ અરણ્યરુદન કરવાની ઈચ્છા થાય છે. જેને ગમે તેને અભિનંદન અને ન ગમે તેને ‘મિચ્છામી દુક્કડમ્‌.’’

સાંપ્રત સ્થિતી ભારેલા અગ્નિ સમાન છે. સમાજમાં વધેલી તીવ્ર આર્થિક અસમાનતા, મોંઘુદાટ શિક્ષણ અને ત્યારબાદ રોજગારી મેળવવામાં મુશ્કેલી. સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિની વારંવારની નિષ્ફળતા, જાહેર બાંધકામમાં ગુણવત્તાનો અભાવ અને જોખમી રીતે નવા નવા બાંધકામોમાં હાનિ, નાણાંકીય અશિસ્ત અને વ્યય. વહીવટીતંત્રમાં ભલે અગાઉ સઘળું સારું હતું તેમ ન કહી શકાય પણ આજે તો જાહેર વહીવટ જે નિમ્નસ્તરે પહોંચ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સામે સૌથી મોટો પડકાર સુશાસન આપવાનો છે. આટલા વિશાળ દેશમાં, આટલી મોટી વસ્તી અને અગણિત સમસ્યાઓનો ટકાઉ ઉકેલ લાવી દેશને ‘વિશ્વગુરુ’ (મહાન) બનાવવાના સ્વપ્નો સાકાર કરવા માટે વહીવટીતંત્રને નવેસરથી સજ્જ કરી, જવાબદારી, સંવેદના અને લોકોપયોગી પ્રક્રીયાને મક્કમ રાજકીય ઈચ્છાશક્તિ અને કુશળતાપૂર્વક ચલાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. દેશકાળની સ્થિતિ જોતાં હવે વહીવટીતંત્રને ચુસ્ત અને દ્રુસ્ત બનાવવાનો પ્રશ્ન વિલંબમાં મૂકી શકાય તેવો નથી. આ કાર્યમાં સ્થાપિત હિતોના અંતરાયો આવશે અને ત્યારે પ્રબળ ઈચ્છાશક્તિ સાથે તે અવરોધો પાર કરવાની સજ્જતા કેળવવી પડશે. સુશાસનના અભાવે સમગ્ર વિશ્વમાં લોકશાહીમાંથી લોકોની શ્રદ્ધા ડગી રહી છે તે ગંભીર ચિંતાનો વિષય છે.


Comments

Popular posts from this blog