જાહેર સેવા મા૮ે પસંદગીમાં ગુણવત્તાનું મહત્ત્વ
- પ્રવીણ ક. લહેરી
પ્રાચીન સમયમાં રાજ્યના સંચાલન માટે અભ્યાસુ અને હોશિયાર વ્યક્તિઓની પસંદગી માટે ચીનમાં ખૂબ લાંબા નિબંધો લખાવી તેનું મૂલ્યાંકન તટસ્થ નિષ્ણાતો પાસે કરાવી રાજ્યના મહત્ત્વના પદો માટે યુવાનોની પસંદગી થતી હતી. આવી નિમણૂક પામેલી વ્યક્તિઓ ‘મેન્ડેરીન’ના નામે ઓળખાતી હતી. સમ્રાટ દ્વારા તેમની પસંદગી ચીનની સનંદી સેવાના નવ ઉચ્ચતર પગારધોરણમાં કરવામાં આવતી હતી. પરીક્ષામાં કન્ફૂશ્યસના તત્વજ્ઞાનની જાણકારી ઉપર ભાર મૂકવામાં આવતો હતો. ‘મેન્ડેરીન’ શબ્દની વ્યુત્પતિ માટે સંસ્કૃતનો ‘મંત્રી’ શબ્દ હોય શકે તેવી ધારણા સહિત જુદા જુદા મંતવ્યો પ્રવર્તે છે. ‘મેન્ડેરીન’ ચીનની એક સમયની સત્તાવાર ભાષાનું નામ છે. મેન્ડેરીન અધિકારીઓનો પીળા ઝભ્ભાવાળો ગણવેશ જોઈને યુરોપીયને નાના સંતરા માટે મેન્ડેરીન શબ્દપ્રયોગ અપનાવ્યો છે.
સરકારના સંચાલનમાં ખાસ કરીને લોકશાહી પદ્ધતિમાં મેક્સવેબર નામના સમાજશાસ્ત્રીએ મેન્ડેરીનના સમકક્ષ યુરોપિયન અધિકારી માટે ‘બ્યુરોક્રેટ’ શબદ અંગે વિસ્તૃત છણાવટ કરી છે. વેબરના મતે કાયદાના શાસન અને ન્યાય માટે તટસ્થ, પાશ્ચાદ્ભૂમિમાં રહીને નામના મેળવ્યા વિના શાસનની ધૂરાનું વહન કરે તે માટે સમર્પિત, નિશ્ચિત પગાર-ભથ્થામાં સંતોષ માનનાર, દરેક પ્રશ્નનનો સર્વાંગી વિચાર કરી, કાયદા અને ન્યાયને નજર સમક્ષ રાખી લોકહિતના નિર્ણય કરવા માટે ગુણવત્તાના ધોરણે પસંદગી પામેલ અધિકારીઓ એટલે બ્યૂરોક્રેટ, આજે તો ‘બુરોક્રેટ’ લાલફીતાશાહી, વિલંબ, નકારાત્મકતા, અહંકાર, ષ્રષ્ટાચાર અને સંવેદનાના અભાવનો પર્યાય બન્યો છે.
ભારતને આઝાદી મળી ત્યારબાદ બંધારણ ઘડાતું હતું તેમાં બ્રિટિશ શાસનના બ્યુરોક્રેટ જે આઈ.સી.એસ. (ઈન્ડિયન સિવિલ સર્વીસ)ના ગુણવત્તાના આધારે ચૂંટાયેલા સભ્યો હતા. તેઓ સામ્રાજ્યના વહીવટમાં સર્વેસર્વા હતાં. તેમની વફાદારી વિલાયતની સરકાર તરફ હતી, તેઓએ આઝાદીના આંદોલનને કચડી નાખવા માટે અનેક જુલ્મી નિર્ણયો કર્યા હતાં. આવા કારણોસર કોંગ્રેસ-સત્તાધારી પક્ષના અનેક સભ્યો તેમની સેવા સમાપ્ત કરી સિવિલ સર્વીસને પૂર્ણવિરામમાં મૂકવા તત્પર હતાં. આવા વાતાવરણમાં સરદાર પટેલે આઈ.સી.એસ. અધિકારીને પાઉન્ડમાં પગાર-પેન્શન આપવા સહિત તેમની નિમણૂકની શરતો પાળવા માટે બાંહેધરી આપતી કાયદાકીય જોગવાઈઓનો ખરડો રજુ કર્યો ત્યારે બંધારણસભામાં ખળભળ મચી ગઈ. સરદારની ઉગ્રભાષામાં ટીકા પણ થઈ. સરદારે પ્રતિભાવ આપતાં કહ્યુંઃ ‘‘આ અધિકારીઓ સક્ષમ છે. વહીવટી સંચાલનમાં નિપૂણતા અને અનુભવ ધરાવે છે, તેઓને વધારે સારા પગારની નોકરી સહેલાઈથી મળી જશે. આપણો દેશ આજે વહીવટી કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. આપણને વહીવટી કુશળતા ધરાવતા માણસોની જરૂરીયાત છે. મેં તેમની સાથે કામ કર્યું ત્યારે મને સમજાયું છે કે તેમની વફાદારી અંગે શંકા કરવાનું કશું કારણ નથી. તેઓમાં પણ દેશભક્તિ છે. જો બંધારણ સભા મારો પ્રસ્તાવ નહીં સ્વીકારે તો હું પણ તેમની સાથે આ વહીવટની જવાબદારીમાંથી મુક્ત થઈ તેમની સાથે રહીશ.’’ એક જમાનામાં ગુજરાતમાં બ્રિટિશ આઈ.સી.એસ. અધિકારીઓ સામે ઉગ્રતા અને મક્કમતાથી કામ લેતાં સરદારનું આવું વલણ તેમની દૂરદેશીનું પરિણામ હતું. દેશની એકતા અને વહીવટમાં સમાનતા અને સંતુલન માટે તેમણે તમામ સરકારી કર્મચારીઓને સરકારના મનસ્વી નિર્ણયો સામે બંધારણીય રીતે રક્ષણ આપ્યું. કેન્દ્રીય જાહેર સેવા આયોગની (યુનિયન પબ્લિક સર્વીસ કમિશન - જે યુ.પી.એસ.સી.ના ટૂંકા નામે જાણીતું છે.) રચના કરી, તેને બંધારણીય સ્થાન આપીને તેમના દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પસાર કરી ગુણવત્તાના આધારે જ અખીલ ભારતીય સેવાઓ (આઈ.એ.એસ. તથા આઈ.પી.એસ.) માટે ઉમેદવારો પસંદ કરી ભલામણ કરે તેને જ નિમણૂક આપવાની વ્યવસ્થા કરી. સરકારના તમામ ગેઝેટેડ અધિકારીઓની પસંદ કેન્દ્રીય જાહેર સેવા આયોગ અને રાજ્ય સેવા આયોગો મારફત થાય તેવી બંધારણીય વ્યવસ્થા થતાં તેજસ્વી વ્યક્તિઓ માટે જાહેર સેવામાં કારકિર્દીની સુર્વણતક ઉપલબ્ધ કરાવી છે. સરદાર પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓ પાસે જે અપેક્ષાઓ રાખી હતી તેમાં ક્રમશઃ અનેક વિકૃતિઓ આવતાં તેમનું સુદૃઢ સુશાસનનું સ્વપ્ન સાકાર થઈ શક્યું નથી તે હકીકત છે. સવિશેષ ચિંતાનો વિષય એ છે કે આજે સામાન્ય નાગરિકે વહીવટીતંત્રની નિષ્ઠા અને ન્યાય અંગેની પ્રતિબદ્ધતામાંથી વિશ્વાસ ગુમાવ્યો છે.
સ્વતંત્રતા બાદના ત્રણેક દાયકા એવા હતાં કે આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. અધિકારીને તેમના કૌશલ્ય, સેવાભાવ, પ્રમાણિકતા અને સંવેદના માટે સમાજ આદરની નજરે જોતો હતો. ત્યારે પણ અપવાદો હતા. સ્વાર્થ-ભ્રષ્ટાચાર અને તૂંડમિજાજી સ્વભાવના પ્રસંગો ઉજાગર થતાં હતાં. પરંતુ એકંદરે વહીવટીતંત્ર પરની તેમની પકડ, કાર્યદક્ષતા અને નિષ્ઠા અંગે આજના જેવી શંકા-કુશંકા ન હતાં. તાજેતરમાં સરકારે આપેલી માહિતી પ્રમાણે ૨૦૧૫ થી ૨૦૨૧ના ૬ વર્ષ દરમિયાન આઈ.એ.એસ. અધિકારીઓ સામેની ફરિયાદની સંખ્યા છે તે કૌંસમાં દર્શાવી છે. ૨૦૧૫-૧૬ (૩૮૦), ૨૦૧૬-૧૭ (૪૮૪), ૨૦૧૭-૧૮(૬૨૩), ૨૦૧૮-૧૯ (૬૪૩), ૨૦૧૯-૨૦(૭૫૩) અને ૨૦૨૦-૨૧(૫૮૧)- લોકડાઉનની અસર ! છ વર્ષમાં કુલ ૩૪૬૪ ફરિયાદો આવી. દેશમાં કુલ નોકરી આઈ.એ.એસ. અધિકારીઓની સંખ્યા ૫૨૦૦ થી ૫૫૦૦ વચ્ચેે છે ત્યારે આ ફરિયાદની સંખ્યા ભારતની ગૌરવવંતી સેવા માટે ચિંતારૂપ તો છે જ. આજ રીતે ઉપરોક્ત સમયગાળામાં ૪૪ આઈ.એસ.એ. અને ૧૧ આઈ.પી.એસ. અધિકારીઓ સામે સી.બી.આઈ. દ્વારા તપાસ કરવામાં આવી. આ ઉપરાંત આ વર્ષોમાં ૪૩ કસૂરવાન આઈ.એ.એસ. અધિકારીઓ અને ૧૭ આઈ.પી.એસ. અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા. અધિકારીઓ સામે પ્રજાજનો ફરિયાદ કરે તે સમજી શકાય પણ મારા અનુભવની વાત કરું તો ગુજરાત સરકારમાં એક નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી પુનઃનિયુક્તિ બાદ સચિવાલયના એક અધિકારી સાથે બનાવટી નામ સરનામે તેમને અણગમતા અધિકારીઓ સામે મનધડંત આક્ષેપો સાથે અરજી કરતાં હતાં. આ સમગ્ર કાર્યવાહીની જાણ મને તેમની કચેરીના એક સ્ટાફે દૈનિક ધોરણે કરતાં ખ્યાલ આવ્યો કે ઈર્ષ્યાથી અને બ્લેકમેઈલ માટે તંત્રના જ જવાબદાર લોકો કેટલી હીનકક્ષાની કામગીરી કરે છે. જે રીતે માહિતીના અધિકારનો અનેક લોકો સ્વાર્થ માટે દુરુપયોગ કરે છે તેમ અધિકારીઓ વિરૂદ્ધની અરજીઓનો ગૃહઉદ્યોગ પણ ધમધોકાર ચાલે છે !
તાજેતરમાં એક રાજ્યના અધિકારીએ ભારતની એકતા અને અખંડિતતા વિરૂદ્ધ ખુલ્લેઆમ ભાષણો કર્યાં. ચૂંટણી લડ્યા અને હાર્યા. સરકારે તેમને નોકરીમાંથી રૂખસદ આપી હતી પણ કોઈ અકળ અને અગમ્ય કારણોસર તેેને મૂળ સિનીયોરીટી સાથે નોકરીમાં પુનઃસ્થાપિત કર્યાં. આની પાછળનો સાચો મુદ્દો શું છે તે આજે પણ કલ્પનાનો વિષય છે. આનાથી આગળ વધીને એક રાજ્યમાં આઈ.એ.એસ.માં પસંદ થઈ ક્ષેત્રિય તાલીમ માટે જિલ્લામાં નિમાયેલા પ્રોબેશનલ (નિરક્ષણ હેઠળ)ના મહિલા અધિકારીએ પોતાની ઔડી કાર પર સરકારી ગાડી દર્શાવતાં બોર્ડ - સાયરન ગોઠવ્યા, તેમને તાલીમ આપતાં અધિકારી જેવી ગાડી-ઑફિસ, સ્ટાફની સુવિધા તેમને પણ મળવી જ જોઈએ તેવો દુરાગ્રહ રાખી સમગ્ર જિલ્લાતંત્રને પોતાની મહેચ્છાઓ પાર પાડવા માટે પરેશાન કરી મૂક્યું. ત્યારબાદ તેમણે દિવ્યાંગ કેટેગરીમાં તેમજ સામાજિક શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિના અને ક્રિમીલેયરમાં (પરિવારની આવક રૂપિયા ૮ લાખથી ઓછી છે તે આધારે) નથી તેવું પ્રમાણપત્ર આપી નિમણૂક મેળવવામાં સફળતા મેળવી. હવે તો તેમણે નામમાં સુધારો કરીને પાંચ પ્રયત્નોમાં પાસ ન થઈને જે લાયકાત ગુમાવી હતી તેમાં પણ ગરબડ કરી પરીક્ષા આપી હતી તેવો આક્ષેપ છે. માબાપની કરોડોની સંપત્તિ અને લાખોની આવક બાદ તેમણે ઓછી આવકનું પ્રમાણપત્ર કેમ મેળવ્યું તે પ્રશ્ન તપાસ હેઠળ છે.
હકીકતમાં વર્ષો અગાઉ જરમીની દાસ નામના એક લેખકે અગાઉના રાજા-મહારાજાઓની વિકૃત પ્રકૃતિ અને વર્તનના કિસ્સાઓ વર્ણવતું પુસ્તક લખ્યું હતું. તાજેતરમાં રાજકોટના કરુણ અગ્નિકાંડ બાદ જે તથ્યો સામે આવ્યા ત્યારે શાસકોની વિકૃત વતર્ણૂકના કિસ્સાઓનું સંકલન થાય તો તે ગ્રંથ મહાભારતથી પણ મોટો થાય. આજે વહીવટી તંત્રની આબરૂનું ધોવાણ થઈ રહ્યું છે તે કેમ અટકાવવું તે યક્ષપ્રશ્ન છે. (ક્રમશઃ)
Comments
Post a Comment