ગુજરાતમાં સ્ટાર્ટઅપની સમીક્ષા
- પ્રવીણ ક. લહેરી
આજની યુવાપેઢીમાં સર્જનાત્મક શક્તિ, સ્પર્ધાત્મક ભાવના અને સ્વયંમમાં વિશ્વાસ છલોછલ ભરેલા છે. ડિઝીટલ ટૅકનોલોજી આધારિત સ્માર્ટ મોબાઈલ ફોન, તેની અગણિત ઍપ્લીકેશનો, વેબસાઈટો અને માહિતીના અઢળક સ્ત્રોતોના કારણે નવી પેઢી ખૂબ ઝડપથી કામ કરી શકે છે. સાથે સાથે ‘મને બધું આવડે છે’ તેવા આત્મવિશ્વાસને પરિણામે અન્યની મદદ લેવામાં કે ઊંડાણથી વિષય-વસ્તુ સમજવામાં કે સાચી સમજણ કેળવવાના બદલે ફટાફટ નિર્ણયો અને અમલ કરવામાં ધીરજ રાખતા નથી. મહાત્મા ગાંધીએ કહ્યા પ્રમાણે; ‘‘જીવનમાં ઝડપ કરતાં પણ ઘણી મહત્ત્વની વસ્તુઓ છે.’’
ગુજરાતમાં સ્ટાર્ટઅપની સફળતાનો દર માત્ર ૩ ટકાનો જ હોય ત્યારે સમાજ અનેસરકારે જાગૃત રહીને ચિંતન કરવાની જરૂર છે. દેશમાં સ્ટાર્ટઅપની સફળતાના ૧૦ ટકાના દર સામે ગુજરાતમાં કેમ ૩ ટકા જ છે ? તે પ્રશ્નનો સર્વાંગી વિચાર કરી યોગ્ય ઉકેલ શોધવાનો સમય છે.
સૌથી પ્રથમ તો ગુજરાતમાં રાજ્ય સરકારે સ્ટાર્ટઅપના વિકાસ માટે, નાણાંકીય મદદ-ધીરાણની વ્યવસ્થામાં ઈન્ક્યુબેશન (વિકાસ માટે સેવન)ની વ્યવસ્થા સારી રીતે કરી છે. આના કારણે વર્ષ ૨૦૧૮ થી સતત રાજ્ય સરકારને ‘બેસ્ટ પરફોર્મરર’નો એવોર્ડ મળે છે. ગુજરાત સાથે સાથે કર્ણાટક, કેરળ અને તામિલનાડુ રાજ્યો પણ આ કેટેગરીમાં છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ એકમને ૩ વર્ષ માટે ૮ ટકાના વ્યાજસહાય (વર્ષે રૂા.૪ લાખની મર્યાદામાં) મળી શકે છે. ગુજરાતે રૂા.૧૦૦ કરોડના ભંડોળ, ૧૮૦ ઈન્કયુબેટરોની માન્યતા અને વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ પ્રેરણા મળે અને સ્ટાર્ટઅપની તૈયારી કરે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. ભારતના ૧.૨૭ લાખ સ્ટાર્ટઅપમાં ગુજરાતનો ફાળો ૮૦૦૦ સ્ટાર્ટઅપનો છે. ભારતના ૧૦૦ થી અધિક યુનિકોર્નમાં ગુજરાતના ૧૨ યુનિકોર્ન સામેલ છે. ગુજરાતના યુનિકોર્નની સૂચિ નીચે મુજબ છે. ૧. લેન્ડીંગકાર્ટ, ૨. એકસવાય, એક્સ એક્સ એપરલ્સ, ૩. ડિઝીટલ કલાસ-ઈ લર્નિંગ ૪. બ્લુ સ્માર્ટ મોબીલિટી, ૫. બિલડેસ્ક, ૬. પેટ પૂજા, ૭. ઈન્ટાસ ફાર્માસ્યુટીકલ્સ, ૮. વીડા કિલનિકલ રિસર્ચ, ૯. બિઝસ્પૂન, ૧૦. પ્રેસિન્ટો, ૧૧. માયબાઈક, ૧૨. લાઈટ માઈક્રો ફાઈનાન્સ ટર્ન ઓવરની દૃષ્ટિએ ઉપરોક્ત સ્ટાર્ટઅપ યુનિકોર્ન તરીકે નામના મેળવી સૌથી સફળ થવાનું ગૌરવ લઈ શકે છે. આ દરેક સ્ટાર્ટઅપનો આગવો ઈતિહાસ છે. આ ૧૨ એકમોની વિકાસયાત્રાનું વિશ્લેષણ કરતું પુસ્તક તૈયાર થાય તો ભવિષ્યે હજારો યુવાન-યુવતીઓને તેના અનુભવોમાંથી બોધ મળે તેથી યુનિકોર્નની સંખ્યા વધશે અને સફળ સાહસિકોની સમાજ નોંધ લેશે તે નિશ્ચિત છે.
૧૨ યુનિકોર્ન ઉપરાંત વિશ્વમાં ૯ સ્ટાર્ટઅપ એવા છે કે જેનો સમાજ પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે. સર્જનાત્મકતા, મૌલિકતા અને આવિષ્કાર એ તો સ્ટાર્ટઅપની વિભાવનાના મજબૂત પાયાઓ છે.
સ્ટાર્ટઅપ એકમ માટે સૌથી મોટો પડકાર એ છે કે તેના સ્થાપક કે સ્થાપકોએ જે સ્વપ્ન સેવ્યું છે તેને વાસ્તવિક રૂપ આપવામાં અનેક અડચણો આવવાની છે. એકમના સંચાલકોનો મર્યાદિત અનુભવ, ટાંચા નાણાંકીય સાધનો, અનેક બાબતોની અનિશ્ચિતતાઓનો સામનો કરી લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે આગળ વધવાનું છે. લોકોની માંગમાં અને ટૅકનોલોજીમાં એટલી ઝડપથી પરિવર્તન આવે છે કે સ્ટાર્ટઅપ એકમ માટે એકી સાથે અનેકવિધ પ્રશ્નો હલ કરવાનું કામ આસાન તો નથી જ. સ્ટાર્ટઅપની નિષ્ફળતા માટે અનેક પરિબળો જવાબદાર હોય શકે. જેવા કે; બજારમાં માંગ અંગેનું ગલત આકલન અથવા તો જનતાની જરૂરિયાતો સમયસર અને વાજબી રીતે પૂરી કરવામાં નિષ્ફળતા, ૨. બજાર અંગેની અધૂરી માહિતી કે ભવિષ્યના ગ્રાહકોને સમજવામાં ભૂલ, ૩. તીવ્ર સ્પર્ધા, ૪. નાણાંનો અભાવ, ૫. સફળતા સાથે ઉત્પાદન-સેવાનું વિસ્તરણ કરવામાં મુશ્કેલી, ૬. એકમમાં કામ કરતાં સભ્યો વચ્ચે સંવાદિતાનો અભાવ. ૭. વધારે પડતો આત્મવિશ્વાસ - સમયસર અનુભવીની સલાહ લેવામાં વિલંબ કે અનિચ્છા. સ્ટાર્ટઅપના સ્થાપકે એક વાત સમજીને ચાલવું જોઈએ કે સ્ટાર્ટઅપ એક સીધું ચઢાણ છે. તેમાં મજબૂત પક્કડ ગુમાવીએ તો નીચે લસરી પડતાં કશી વાર લાગતી નથી. વર્ષોથી કાર્યરત મોટા એકમો સાથે સ્પર્ધા કરવી એટલે ખૂબ મોટું જોખમ માથે લેવા જેવું છે. સરકારી તંત્ર તેના વિલંબ અને વિધ્ન માટે જાણીતું છે. વડોદરાના એક વ્યક્તિને પોતે ખરીદેલી જમીનને બીનખેતીમાં ફેરવવા હાઈકોર્ટના દ્વારા ખટખટાવવા પડે તે ઘટના જ દર્શાવે છે કે વહીવટી તંત્રમાં સુધારો જરૂરી છે.
આ ઘટનાની ગંભીર બાજુઓ એ છે કે મહેસૂલી તંત્રે દર વર્ષે જુદા જુદા કારણો આપી બીનખેતીની માંગણી નામંજૂર કરી. આમાના અમુક કારણો તો કાલ્પનિક હતાં. સૌથી આશ્ચર્યની બાબત તો એ છે કે શાસકો તંત્રમાં ફેલાયેલ ભ્રષ્ટાચાર, સરકારી નાણાં અને સાધનોનો દુરુપયોગ કે વ્યય, કામ કર્યા વિનાના બીલોને મંજૂરી, વસ્તુ કે સેવાની નબળી ગુણવત્તા, નાગરિકોની ઘોર ઉપેક્ષા અને અપમાનજનક વ્યવહારને કારણે સરકારની છાપ ખરડાય છે. પ્રથમ તો એ વાતનો સ્વીકાર કરી જ્યાં જ્યાં ત્રૂટીઓ છે તે નિવારવામાં આવે તો સ્ટાર્ટઅપ અને લઘુ ઉદ્યોગનો કૂમળો છોડ ફૂલીફાલીને યુનિકોર્ન નામનું વટવૃક્ષ બને.
સ્ટાર્ટઅપ માટે યોગ્ય નાણાંકીય સહાય અને ટેકો જરૂરી છે. મૂડી રોકનારા માટે વળતર અને જોખમ વચ્ચે સંતુલન જાળવવાની જવાબદારી નવા એકમની છે. નાણાંકીય શિસ્તનો અભાવ, અનિયંત્રિત ખર્ચ અને દેવું ભરવામાં ચૂક થવાથી ઘણાં સફળ સ્ટાર્ટઅપ પણ સાવ અચાનક બંધ પડી જાય છે. ઘણાં કિસ્સામાં યોગ્ય, તાલીમબદ્ધ અને કુશળ સ્ટાફના અભાવે પણ ગ્રાહકોને સંતોષ આપી શકતા નથી. જીવશાસ્ત્રનો ‘‘શ્રેષ્ઠનો જ બચાવ’’ (સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ)નો સિદ્ધાંત સ્ટાર્ટઅપને લાગુ પડે છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ૧૫ કરોડ સ્ટાર્ટઅપ નોંધાયેલા છે. દર વર્ષે હવે તો દુનિયામાં ૫ કરોડ સ્ટાર્ટઅપ નવા નોંધાય છે. આ જોતાં દરરોજ સરેરાશ ૧,૩૭,૦૦૦ સ્ટાર્ટઅપ જન્મે છે જેથી તેના બાળમરણનું પ્રમાણ ઊંચું છે. આ સ્થિતિમાં સુધારો લાવવો હોય તો સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રવેશતી વ્યક્તિને યોગ્ય તાલીમ, માર્ગદર્શન અને સહાય મળે તેવી વ્યવસ્થા સરકાર અને સમાજકક્ષાએ ગોઠવવી જોઈશે.
વ્યાપાર અને ઉદ્યોગમાં સાહસ અને સફળતા માટે આગવી આબરૂ ધરાવતા ગુજરાતે તો સ્ટાર્ટઅપ ક્ષેત્રે હરણફાળ ભરવી જોઈએ. હાલની ભારત સરકારની અને ગુજરાત સરકારની નીતિઓ સારી છે તેનો નિષ્ઠાપૂર્વક અમલ થાય તેવું તંત્ર અને કાર્યપદ્ધતિ ગોઠવવા જોઈએ. આ માટે સૌથી પ્રથમ રાજ્યકક્ષાએ એક ઉચ્ચાધિકાર સમિતી મુખ્યમંત્રી/ઉદ્યોગમંત્રીના અધ્યક્ષસ્થાને રચીને તેમાં વેપારી મંડળો, ઉદ્યોગ જગતના પ્રતિનિધીઓ, બેંકો અને મૂડી રોકાણ કરનારી કંપનીઓ અને ૧૨ યુનિકોર્નના પ્રમોટરોને સાથે રાખીને દર મહિને સ્ટાર્ટઅપના પ્રશ્નોની સર્વાંગી ચર્ચા કરી તેનો ઉકેલ ત્યાં જ નક્કી કરી આપવો જોઈએ. આ સમિતિના કન્વિનર તરીકે ઉદ્યોગ કે કુટિર ઉદ્યોગ કમિશ્નરને નિમીને ઈન્ડેક્ષ-બી કે ઈન્ડેક્ષ-સીમાં સ્ટાર્ટઅપ સેલ સ્થાપી સ્ટાર્ટઅપની તમામ કામગીરી સુચારું રીતે ચાલે તેવો પ્રબંધ કરવો જોઈએ. સરકારની બજેટ જોગવાઈ પર્યાપ્ત રહે તે માટે ખાસ ધ્યાન આપીને જરૂર જણાયે પૂરક માંગણીઓ દ્વારા સ્ટાર્ટઅપને સમયસર અને ધોરણ પ્રમાણે સહાય મળે તે માટે તકેદારી રાખવી જોઈએ.
આ ઉપરાંત ઉદ્યોગો-સેવાક્ષેત્રના મોટા એકમો સાથે ઓપન હાઉસ યોજીને તેમને જે જે બાબતોમાં અગવડો છે તેની યાદી તૈયાર કરી તેના પ્રશ્નોમાં નવા સ્ટાર્ટઅપ કેમ મૌલિક ઉકેલ શોધી શકે તેની કોશિષ કરવી જોઈએ. સ્ટાર્ટઅપ માટે મારા મતે પાંચ બાબતો ખૂબ આવશ્યક છે. ૧. નવો અને આગવો વિચાર ૨. આ વિચાર દ્વારા વેચાણ કે સેવા થકી સસ્તા અને ઝડપી વ્યવહારો મોટી સંખ્યામાં કરવા ૩. બિઝનેસ પ્લાન. વાસ્તવિકતાની નજીક અને ખોટી ધારણાઓથી મુક્ત હોવો જોઈએ. ૪. કાર્યનો પ્રારંભ, સફળતા, વિસ્તરણ એમ કામગીરી આગળ વધતાં જે નાણાંકીય ભંડોળ જોઈએ તેની ભરોસાપાત્ર વ્યવસ્થા. ૫. સફળ માર્કેંટીંગ. આપણા દેશનું બજાર વિશાળ છેે પણ સ્પર્ધા પણ એટલી તીવ્ર છે. ઘરેલું બજાર અને વિદેશ સુધી સહેલાઈથી વિસ્તારી શકાય તેવા વેચાણ/સેવા માટે સફળતાની સંભાવના વધુ છે. સેવા સંસ્થાએ ‘બનાસ’, ‘રૂડી’, વગેરે બ્રાન્ડ નામો સાથે ડિજીટલ માર્કેટીંગમાં દેશ-વિદેશમાં સફળતા મેળવી અનેક પરિવારની મહિલાની કુશળતા અને જહેમતને સાર્થક કરી છે. આપણે યાદ રાખવું જોઈએ કે સ્ટાર્ટઅપ એ ૧૦૦, ૨૦૦ કે ૪૦૦ મીટરની દોડ નથી. એ તો મેરેથોન સ્પર્ધા છે જેમાં ઝડપ સાથે સ્ટેમિના, ધીરજ સાથે સ્વસ્થતા અને દૃઢ નિશ્ચય સાથે ક્ષમતા હોવા જરૂરી છે. ગુજરાત માટે સ્ટાર્ટઅપની સફળતા એ એક મોટો પડકાર છે. સાથે સાથે તેમાં ઝડપી વિકાસની સંભાવના રહેલી છે.
Comments
Post a Comment