આપણું ભાતીગળ ભારત
- પ્રવીણ ક. લહેરી
એક ખંડ જેટલો વિશાળ દ્વિકલ્પ - ઉપખંડ જે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે અનુક્રમે બે ઓફ બેંગાલ, અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે. ઉત્તરે હિમાલયના ગગનચુંબી શિખરો, શિવાલિક, અરવલ્લી, સાતપુરા, સહયાદ્રી, નિલગીરી, પૂર્વઘાટ અને મધ્યમાં વિદ્યાંચલની પહાડીઓ સાથે અનેક રાષ્ટ્ર્ીય વનઉદ્યાનો, વન્યજીવો અને અદ્ભુત વનરાજીથી સુશોભિત આપણો દેશ વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે. ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, નર્મદા, મહાનદી, રાવિ, સતલજ, ચિનાબ, સિંધુ અને બ્રહ્મપુત્રા જેવી લાંબી અને વિશાળ નદીઓના ખળખળ વહેતાં પાણી થકી દેશની ભૂમિ જળ પલ્વિત છે. આ નદીઓ અને તેમાં ભળતી નદીઓના કાંઠે હજારો વર્ષથી વિકસેલી સંસ્કૃતિનો અભ્યાસ કરવા અને આ દેશનું આગવું સૌદર્ય માણવા માટે તો સાત-સાત જન્મો પણ ઓછા પડે તેવી સ્થિતિમાં, ચાલો, આપણે ભારતની અનેક વિવિધતાઓ અને વિશિષ્ટતાઓને માણવાનો પ્રયાસ કરીએ. કવિ બંકીમ ચટ્ટોપાધયાયે રાષ્ટ્ર્ીય ગાન ‘વંદે માતરમ્’માં આ ભૂમિને ‘‘સશ્ય શ્યામલામ્’ સુજલામ્, સુફલામ્, મલય જ શિતલામ્ જેવી ઉપમાઓથી નવાજી છે. ‘જનગણમણ’ રાષ્ટ્ર્ીય ગીતમાં કવિવર રવિન્દ્રનાથે ભારતના પ્રદેશોના ઉલ્લેખ સાથે અને પહાડો, નદીઓના નામો સાથે જનજાગૃતિનો સંદેશો આપ્યો છે.
૧૯૫૦ના દાયકામાં જાણીતી લોકપ્રિય ફિલ્મ ‘જાગૃતિ’ના ઘણાં ગીતો અનેક પ્રસંગોએ લોકમુખે ગવાતાં હતાં. આમાંનું એક ગીત તેના ઈતિહાસ સાથે ભારત દર્શન કરાવી આપણામાં રહેલી દેશભક્તિને ઢંઢોળતું હતું. ‘‘આઓ બચ્ચો, તુમ્હે દિખાયેં ઝાંખી હિન્દુસ્તાન કી, ઈસ મિટ્ટિસેં તિલક કરો, યે ધરતી હૈ બલિદાન કી, વંદે માતરમ્, વંદે માતરમ્.’’ રાષ્ટ્ર્ભાવના જેમની કલમમાં ભારોભાર ભરેલી છે તેવા કવિશ્રી પ્રદીપજીના સ્વરમાં શ્રી હેમંત કુમારના સ્વરાંકનમાં ગવાયેલું આ ગીત સાત-સાત દાયકા પછી પણ આપણા સમગ્ર શરીરમાં ઝણઝણાટી પેદા કરી દે છે. અનેક જૂની ફિલ્મો આધારિત નવી ફિલ્મો તે જ કથાંકન સાથે બને છે. ઘણી બ્લેક અને વ્હાઈટ ફિલ્મોનું ખાસ સૉફટવેર દ્વારા મૂળ પ્રતના આધારે રંગીન ચલચિત્ર તૈયાર થાય છે. આપણા ફિલ્મ નિર્માતાઓને ‘જાગૃતિ’ જેવી બાળકોમાં દેશભક્તિના સંસ્કારનું સિંચન કરતી ફિલમ રંગીન બનાવીને કે તેના આધારિત નવી ફિલ્મ નિર્માણ કરવાનું કેમ સુઝતું નથી ?
આઝાદી બાદ જન જનના માનસમાં જે વાત હતી, જે વાસ્તવિકતા હતી, જે પ્રશ્નો હતા, જે પડકારો હતા ત્યારે કેટલા કેટલા કવિઓએ મહાત્મા અંગે દેશની તમામ ભાષાઓમાં કાવ્યો લખ્યા હતાં. ત્યારે આ કવિઓ પર કોઈનો અંકુશ ન હતો, તેેઓમાં કોઈ વેપારીવૃત્તિ ન હતી, સંવેદના હતી, સમજણ હતી, રાષ્ટ્ર્ પ્રેમ અને દેશભક્તિ હતાં. તેઓએ ગાંધીજી અંગે જેટલા કાવ્યો લખ્યાં છે તે દેશની જનતાના ધબકારાઓનો વારસો છે. તેની હાંસી ઉડાડીને સત્યને વિકૃત કરીને જે દ્વેષ અને ધૃણા પેદા કરવાના કાવતરાંઓ અમલમાં છે તેઓના સૂત્રધારોને એક જ પ્રશ્ન પૂછવાનો છે. ‘‘શા કારણે દેશના હજારો કવિઓ, લેખકો, પત્રકારો અને તંત્રીઓએ અન્ય કોઈ સ્વાતંત્ર્ય સેનાની કે ક્રાંતિકારી કરતાં મહાત્મા ગાંધીના પ્રદાનને દિલ ખોલીને નવાજ્યું છે ?’’ ન તો તેઓને કશો ડર હતો, ન તો તેઓને કશી લાલચ હતી. સાહિત્ય સાંપ્રત સમયનો અરીસો હોય તો વિધ્ન સંતોષીઓને મારી નમ્ર વિનંતી કે સૂરજની સામે ધૂળ ઉડાડવાનું બંધ કરો. તે ધૂળ તમારી આંખોની દૃષ્ટિને વધારે ધૂંધળી બનાવશે. જે કોઈએ આ દેશને આ ઊંચાઈએ પહોંચાડવામાં મદદ કરી છે તેવા તમામ મહાનુભાવો આપણા આદરના અધિકારી છે. તેમને વિશે તદ્દન કલ્પિત અને જૂઠી વાતો લખીને આપણી જાતને છીછરી અને મુરખ સાબિત કરીએ છીએ. ચાલો, તેમાંથી બહાર આવીને આ દેશની ભવ્યતા અને દિવ્યતાને જાણીએ.
ઈશ્વરે આપણને સૌને ભારતીય હોવાનો ગૌરવપ્રદ અવસર આપ્યો છે. વિશ્વ સમક્ષ આપણા ભવ્ય વારસાને અને વર્તમાન સિદ્ધિઓને ઉજાગર કરી અધિકારપૂર્વક કહી શકીએ. ‘‘સૂનો ગૌરસે, દુનિયા વાલોં, બુરી નજર ના હમે પે ડાલો, ચાહે જિતના જોર લગા લો, સબસે આગે હોંગે હિન્દુસ્તાની.’’ આપણા પૂર્વજોને હલકા ચિતરીને આપણે દેશની છબી વિના કારણ ખરાબ કરીએ છીએ. દેશના વિકાસમાં નેતાઓનું જ નહીં પણ સૌથી મહત્ત્વનું યોગદાન તો કિસાનોનું, મજદૂરોનું, ચિંતકોનું, લેખકોનું અને દેશની સુરક્ષા કરતાં જવાનોનું છે તેને નજરઅંદાજ ન કરીએ. સૌથી પ્રથમ તો ભારત આજે સૌથી વધારે વસતી ધરાવતો દેશ છે. વિશ્વના માત્ર ૨.૪ ટકા ભૂભાગ પર ૧૬ ટકા વસ્તી હોવી તે પર્યાવરણની દૃષ્ટિએ ઉચિત નથી. વસ્તી નિયંત્રણનો પ્રશ્ન ધાર્મિક જૂથોની હૂંસાતુંસી વચ્ચે અટવાયો છે. ગરીબી, બેરોજગારી, શોષણ, અસમાનતાના નિવારણ માટે આપણી વસ્તી ૭૦ થી ૮૦ કરોડથી વધારે તો ન જ હોવી જોઈએ. હવે જે છે તેનો મહત્તમ લાભ મળે તેવી અર્થવ્યવસ્થા ગોઠવવાનો પડકાર મુખ્ય છે. આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન પદ્ધતિ ધરાવે છે. આ પદ્ધતિ નક્કી કરતું આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. તેની ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાની ચાર બુનિયાદી આસ્થાઓ માનવીય મૂલ્યોનું સચોટ ઉદાહરણ છે. અફસોસ એ વાતનો છે કે બંધારણની ઉદાત્ત ભાવનાઓ અને ઉચ્ચ મૂલ્યો સામેની વાસ્તવિકતા ચિંતાજનક છે. સમગ્ર સમાજ જ્ઞાતિઓમાં સંગઠ્ઠિત છે. જ્ઞાતિવાદે જનમાનસ પર એવી મજબૂત પક્કડ બનાવી છે કે હવે તેનો વિરોધ કરવાની હિંમત ધરાવતા અલ્પ માણસો જ છે. જ્ઞાતિપ્રથા, ઉચ્ચનીચના જન્મથી નક્કી થતાં ભેદભાવ-અન્યાય, અસ્પૃશ્યતા અને અમાનવીય વ્યવહાર બંધાણીય વિભાવના સાથે સુસંગત નથી. આપણે બંધારણીય વિભાવના સાથે સુસંગત નથી. આપણે બંધારણીય આદર્શો અને લોકતંત્રનું ગૌરવ ત્યારે જ લઈ શકીએ જ્યારે આપણે તેમાં અતૂટ શ્રદ્ધા કેળવીએ અને હાલની વિચિત્ર સ્થિતિમાંથી મુક્તિ મેળવીએ. સતત ૭૪ વર્ષ સુધી બંધારણ પ્રમાણે (કટોકટી ૧૯૭૫-૭૭ના અપવાદ બાદ) જે શાસન ચાલ્યું છે તેની મર્યાદાઓ વચ્ચે ભારતે લગભગ અશક્યને શક્ય કરી દેખાડ્યું છે તે વાત નિર્વિવાદ છે.
ભારતની વિવિધતાનો વિચાર કરીએ ત્યારે દેશના અલગ અલગ ભાગોમાં બોલાતી ૧૬૦૦ જેટલી ભાષાઓ અને બોલીઓ સાથે જે ભિન્નતા છે તેવી અન્યત્ર ક્યાંય નથી. વિશ્વના અનેક ધર્મો, હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, ધર્મના ઉદ્ભવ ઉપરાંત દેશમાં મુસ્લિમ, પારસી, યહુદી સહિત અનેક ધર્મો અને સંપ્રદાયના લોકો સાથે જીવે છે તે હકીકત ભારતને સૌથી પંચરંગી પ્રદેશ બનાવે છે. અહિં ભાષા ઉપરાંત પહેરવેશ, આહાર, રીતરિવાજો અને કૃષિ તેમજ હુન્નરમાં જે વૈવિધ્ય છે તેવું બીજે ક્યાંય જોવા મળતું નથી. આ ઉપરાંત ભારતમાં દરેક દિવસ કોઈને કોઈ ઉત્સવનો હોય છે. દર બાર વર્ષે ભરાતા પૂર્ણ કુંભમેળામાં ૬ કરોડ લોકોની મુલાકાત વિશ્વ વિક્રમજનક ઘટના છે. ન કોઈને આમંત્રણ, ન કોઈને ફરજ પરંતુ દરેક હિંદુ માટે કુંભસ્નાન એ એક ઈચ્છા છે. ગુજરાતમાં નવરાત્રિની નવ રાત્રિઓમાં જે મોટી સંખ્યા અને જે જુસ્સાથી યુવા-યુવતીઓ દરરોજ કલાકો સુધી રાસ-ગરબા રમે છે તે વિશ્વનો સૌથી લાંબો અને સંખ્યાની રીતે મોટો નૃત્ય મહોત્સવ છે. નવરાત્રિના પરંપરાગત પોષાકમાં હજારો ખેલૈયાને શિસ્તબદ્ધ રીતે નાચના જોઈએ તો જ તેની ભવ્યતાનો ખ્યાલ આવે. દિવ્ાળીની રોશની અને મિઠાઈ, ઈદના સેવૈયા, નાતાલ અને નવાવર્ષની ઉજવણી, પતંગોત્સવ અને હોળીનો રંગીન તહેવાર ઉજવાતા રહે છે. દરેક ધર્મના લોકો પોતાના પવિત્ર દિવસ કે મહિનામાં પરંપરાગત ઉપવાસ, પ્રાર્થના ભક્તિ, દર્શન-પૂજા કરે છે અને આ ઉજવણી એટલે લોકોની અતૂટ શ્રદ્ધાનો પૂરાવો.
ભારતીય રેલ્વેનો ઈતિહાસ પણ અનેરો છે. સૌથી લાંબુ રેલ્વે નેટવર્ક દરરોજ દોઢ કરોડ માણસો અને લાખો ટન સામાનની હેરફેર કરે છે. રેલ્વે ભારતમાં સૌથી વધારે લોકોને ૧૪ લાખ લોકોને સીધી અને આડકતરી રીતે અનેક ગણા લોકોને રોજગારી પૂરી પાડે છે. હવે અતિ સુંદર અને સુવિધાયુક્ત હાઈવેનું નિર્માણ તેમજ પ્રવાસન સ્થળોએ અને ધાર્મીક સ્થાનોએ ઉભરતી ભીડના કારણે સમગ્ર દેશ ધમધમતો લાગે છે. વિદેશ ભણવા જનારા અને ફરવા જનારા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. હિમાલયમાં આવેલો સૌથી ઊંચો રસ્તો ૫૮૮૨ મીટરની ઊંચાઈએ આવેલો છે. અહિં હવામાં પ્રાણવાયુ (ઓક્સિજન)નું પ્રમાણ સામાન્ય કરતાં અડધું છે. અનેક શહેરોમાં મેટ્રો રેઈલના નિર્માણ સાથે મહાનગરોની સૂરત બદલાઈ ગઈ છે.
ભૂતકાળમાં તક્ષશિલા વિશ્વ વિદ્યાલય, વિશ્વનું પ્રાચીનત્તમ વિશ્વ વિદ્યાલય (યુનિવર્સિટી) છે. દર્દીઓ માટે નિદાન અને સારવાર માટે સુગ્રંથિત અને સર્જરી સહિત અનેક શાખાઓ ધરાવતું આયુર્વેદ સૌથી પ્રાચીન સ્વાસ્થ્ય પ્રણાલી છે. આમ વિચાર કરીએ તો ભારતનું મકાન-મંદીર નિર્માણ, શિલ્પકામ, ખગોળશાસ્ત્ર, ગણિત સહિત અનેક ક્ષેત્રોમાં મહત્ત્વનું પ્રદાન છે. વિશ્વની સંસ્કૃતિઓનો લોપ થયો છે ત્યારે ભારતમાં સંસ્કૃતિના મહત્ત્વના અંશો અને પરંપરાનું જતન થઈ રહ્યું છે.
ભારતમાં આવેલો કૈબુલ લામજાઓ રાષ્ટ્ર્ીય ઉદ્યાન તરતું છે. આવા ઉદ્યાનમાં જીવસૃષ્ટિ અને વન્ય સંપદાની વિવિધતા આશ્ચર્યજનક છે. મણિપુર રાજ્યમાં આવેલ આ રાષ્ટ્ર્ીય ઉદ્યાનના અસ્તિત્વથી બહુ ઓછા ભારતીયો પરિચિત છે તે ઘટના આપણા દેશની વિશેષતા પ્રતિ આપણી ઉપેક્ષા દર્શાવે છે. આવી જ રીતે કાશ્મિરના શ્રીનગરના ડાલ સરોવરમાં તરતી પોસ્ટ ઑફિસ પણ વિશ્વ માટે અજાયબી છે. વિશ્વમાં ક્રિકેટનું ઊંચામાં ઊંચું મેદાન ચૈલ હિમાલય પ્રદેશમાં ૨૪૪૪ મીટરે આવેલું છે. ભારતની શેરીની લોકપ્રિય રમત કબ્બડી (હુ તુ તુ)માં તમામ વિશ્વકપો ભારત જીત્યું છે. અમૃતસરનું સુવર્ણમંદિર શીખો માટે સૌથી મહત્ત્વનું આસ્થા સ્થળ છે. અહિંની ‘લંગર’નો (નિઃશુલ્ક ભોજનાલય) લાભ દરરોજ સરેરાશ એક લાખ લોકો લે છે.
(ક્રમશઃ)
Comments
Post a Comment