યુદ્ધ, આતંકવાદ અને આપણું ભવિષ્ય ?

                                                                        - પ્રવીણ ક. લહેરી

આપણે ઈતિહાસનો અભ્યાસ કરીએ તો સૌથી વધારે આંખે ઉડીને વળગે તે વાત છે માનવીઓ વચ્ચે સતત લડાયેલા યુદ્ધોની બાબત. યુદ્ધની વાર્તાઓ રસપ્રદ હોય છે. આપણા મહાકાવ્ય ‘મહાભારત’માં યુદ્ધ સાથે છળકપટ અને વ્યૂહરચનાની અનેક બાબતો જોડાયેલી છે. ખાસ કરીને યુદ્ધ મેદાન વચ્ચે જ યુદ્ધના ભયાનક પરિણામોનો વિચાર કરીને અર્જુન કે જે એક મહાવીર યોદ્ધો છે, શ્રેષ્ઠ ધર્નધુર છે, પાંડવ સેનાનો સેનાપતી છે, યુદ્ધ લડવાનો ઈન્કાર કરે છે. તેના રથના સારથી એક દીર્ઘ સંવાદને અંતે અર્જુનને સમજાવી શકે છે કે સાંપ્રત સંજોગોમાં યુદ્ધ એ એક માત્ર વિકલ્પ છે. અન્યાયને નિવારવા માટે લડવું એ ધર્મ છે. ગીતામાં અનેક દર્શનોની છણાવટ છે પણ ગુજરાતીની એક પંક્તિ ગીતાસારને સારી રીતે ઉજાગર કરે છે; ‘પાર્થને કહો હવે ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’ શું યુદ્ધ કલ્યાણકારી હોઈ શકે ? શું વિનાશ વેરતી લડાઈઓ કશું સુખ આપી શકે ? મહાભારતના યુદ્ધના અંત ભાગે ભીમ અને દુર્યોધન વચ્ચેના ગદાયુદ્ધમાં ભીમ ગદાયુદ્ધના નિયમોનો ભંગ કરીને દુર્યોધનની જાંઘ પર પ્રહાર કરે છે. દુર્યોધનના રક્તથી વાળ સિંચીને અંબોડો બાંધતી દ્રૌપદી યુદ્ધે કરેલા નુકશાનનો, સ્વજનોના મૃત્યુનો વિચાર કરતાં ખૂબ ગ્લાનિ અનુભવે છે. તે કૃષ્ણને પૂછે છે; ‘હે સખા, આવું કેમ થયું ? શું મહાભારતના યુદ્ધ માટે મારી હઠ જવાબદાર છે ?’ શ્રી કૃષ્ણ પ્રત્યુત્તર આપે છે; ‘હે દ્રૌપદી, તારી જાતને આવું મહત્ત્વ આપવું જરૂરી છે. નીયતિ તેની રીતે આગળ વધે છે. કાળના ચક્રને કોઈ રોકી શકતું નથી. જે થવાનું છે, જે અગાઉથી નિર્મિત છે તેના માટે તો આપણે સૌ ‘નિમિત્તમાત્ર’ છીએ.

તાજેતરમાં ઈરાને ઇઝરાયેલ પર હવાઈ હૂમલો કર્યો. ઈઝરાયેલે જાગૃત રહીને તેનાથી થતાં નુકશાનને ઓછામાં ઓછું કરી પોતાની શસ્ત્ર સજ્જતાનો પ્રભાવ દર્શાવ્યો. ઈઝરાયેલ અને આરબો વચ્ચે૧૯૪૮ થી એટલે કે ૭૫ વર્ષથી સંઘર્ષ ચાલે છે. લાખો લોકોની હત્યા, ઈજા, વિસ્થાપન સાથે આ દીર્ઘ યુદ્ધને આધુનિક સમયનું મહાભારત કહી શકાય. યહુદી લોકોનો દાવો છે; ‘આ અમારા પૂર્વજોની પવિત્ર ભૂમિ છે. અમે અહિં વતનમાં જ રહેવા માંગીએ છીએ.’ આરબોની દલીલ છે કે કશા દેખીતા કારણ વિના અમને વિસ્થાપિત કરી અમારી કબ્જાની જમીનમાં ઈઝરાયેલની સ્થાપના એ તો શક્તિશાળી નાટો દેશોનું કાવતરું છે. આ વિવાદમાં અનેક સમાધાનો થયા પણ મૂળ મુદ્દાનો કોઈ ઉકેલ આપી શકે તેમ નથી. આમ જોઈએ તો ૧૯૭૦ થી આંતરરાષ્ટ્ર્‌ીય કક્ષાએ જે આતંકવાદ વક્યો છે તેની શરુઆત મધ્યપૂર્વના આરબ-યહુદીઓ વચ્ચે થઈ હતી.

આજે આંતકવાદની સમસ્યા વૈશ્વિક ચિંતાનો વિષય બની છે. અમેરિકામાં છાશવારે શાળા, કૉલેજ, મોલ, રસ્તે કે કાફેમાં અંધાધૂધ ગોળીબાર સાથે અનેક નિર્દોષ લોકોના મૃત્યુ નીપજે છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સિરીયા, ઈરાક,  યમનના પ્રદેશોમાં હિંસા અને વિનાશ રોજિંદો ક્રમ બની ચૂક્યા છે. રશિયાનું યુક્રેન પરનું આક્રમણ નથી સફળ થતું કે નથી પૂરું થતું. ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીના હમાસ વચ્ચેના યુદ્ધને પણ ૬ માસ થઈ ગયા. ૧૯૪૫માં પૂર્ણ થયેલ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ સેંકડો યુધ્ધો, હજારો આતંકની ઘટનાઓ બની છે. વિશ્વશાંતિના મંત્રોનો પોપટીયો પાઠ થાય છે પરંતુ શસ્ત્રોના ઉત્પાદકો માટે યુદ્ધમાં જ ઘી-કેળાં છે. આ શસ્ત્રોના સોદાગરો માટે ધંધો મહત્ત્વનો છે. વિશ્વની આઠ અબજની વસ્તીનું અસ્તિત્વ તેમના માટે એક નગણ્ય ચીજ છે.

રશિયન ચિંતક લીઓ ટોલ્સટોય યુદ્ધ અંગે લખે છે; ‘યુદ્ધ એક ખૂબ અન્યાયી અને કદરૂપી ઘટના છે. જે યુદ્ધની શરુઆત કરે છે તેમણે સૌથી પ્રથમ પોતાના અંતરાત્માના અવાજની હત્યા કરવી પડે છે.’ ટોલ્સટોયના મતે ‘આપણામાં માનવી તરીકે જે સંવેદના, પ્રેમ, ક્ષમા અને સમજણ છે તેના થકી આપણે હિંસા અને યુદ્ધ નિવારી શકીએ છીએ. ’ ભગવાન બુદ્ધે અને ભગવાન મહાવીરે અહિંસાનો જે ઉપદેશ આપ્યો તેની વ્યાપક અસર થઈ હતી. આમ છતાં અનેક દેશો વચ્ચેની લડાઈઓ તો અવિરત ચાલતી જ રહી. અનેક  ઈતિહાસકારો માને છે કે ભારતની સેંકડો વર્ષની ગુલામીનું કારણ સમાજનો મોટો વર્ગ હિંસાનો પ્રતિકાર કરવાને બદલે શત્રુઓને શરણે જવાનું ઉચિત માને છે. ઈસુ ખ્રિસ્તે પણ અહિંસા અને પ્રેમનો બોધ આપ્યો તેમાં ‘તને જો કોઈ એક ગાલે તમાચો મારે તો તું બીજો ગાલ ધરજે.’ ગાંધીજીના સત્યાગ્રહના મૂળમાં વિરોધીને પ્રેમથી વશ કરવાની વાત છે. એ જાણવું રસપ્રદ થશે કે પ્રખર બ્રિટીશ તત્ત્વચિંતક બન્ટ્ર્‌ાડ રસેલ આજીવન ‘યુદ્ધ કદાપિ નહીં, સર્વકાળ-સર્વત્ર શાંતિ’ના પુરસ્કર્તા રહ્યા. પ્રથમ વિશ્વયુદ્ધમાં ૧૯૧૬ની સાલથી તેમણે બ્રિટનને જર્મની સાથે ન લડવાની સલાહ આપી. આને સરકારે દેશદ્રોહી પ્રવૃત્તિ ગણી તેમને કેદની સજા પણ કરી. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે પણ તેમણે કહ્યું; ‘ભલે જર્મની ઇંગ્લેન્ડમાં આવે. આપણે તેને અતિથિ ગણી તેમનું સ્વાગત કરીએ, તેમની સાથે ભોજન લઈએ, તેમને યુદ્ધની નિરર્થકતા સમજાવીએ.’ જો કે હિટલરે જ્યારે સમગ્ર યુરોપને રગદોળી કબ્જો કર્યો ત્યારે રસેલને અપવાદરુપે યુદ્ધ એ જ સાચો અને એકમાત્ર વિકલ્પ છે તે સમજાયું. જો કે અમેરિકાએ ઑગસ્ટ ૧૯૪૫માં જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુબોંબ ઝીંક્યા ત્યારનો વિનાશ જોઈને સમગ્ર માનવજાત ચિંતામાં ડૂબી ગઈ. શીતયુદ્ધના સમયમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, ઇંગ્લેન્ડ વગેરે દેશોએ જે મોટી સંખ્યામાં અણુ અને પરમાણુ બોમ્બોનો ભંડાર ભર્યો ત્યારે શાંતિચાહકોએ તમામ અણુ-પરમાણુ શસ્ત્રોનું વિઘટન કરવા ઝુંબેશ ચલાવી હતી. સદ્‌નસીબે અણુ-પરમાણુ બોમ્બનો ઉપયોગ ન કરવો જોઈએ તેવા પ્રબળ લોકમતને કારણે અને સમગ્ર માવજાતનું અસ્તિત્વ મિટાવી દે તેવા અણુયુદ્ધથી સૌ દૂર રહેવા ઈચ્છે છે. પાકિસ્તાને ‘ઈસ્લામિક બોમ્બ’ જ ઈસ્લામની રક્ષા કરશે તેમ કહીને અણુશસ્ત્રોનો ભંડાર ભર્યો છે. ન કરે નારાયણ ને જો કોઈપણ દેશમાં આવા અણુ શસ્ત્રોનો કબ્જો કોઈ આતંકવાદી જૂથ કરી લે તો શું થાય તેની કલ્પના કરવી મુશ્કેલ છે. હા, એ વાત નક્કી છે કે આપણે જ માનવજાતના સર્વનાશ માટેના જ્વાળામુખીની ટોચ પર બેઠા છીએ.

તિબેટના આધ્યાત્મિક વડા દલાઈ લામાએ ‘યુદ્ધની વાસ્તવિકતા’નામના નિબંધમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે યુદ્ધ ભલે રોમાંચકારી લાગે, જવાનોના ડ્રેસ અને સ્ફૂર્તિ જોઈને પ્રભાવિત થવાય પરંતુ યુદ્ધ તો એક અગ્નિ સમાન છે. તેમાં જીવતાં માણસોની આહૂતિ અપાય છે. આગની જેમ યુદ્ધ ફેલાઈને નાશ વેરે છે. યુદ્ધ કદી કોઈને લાભ કરતું નથી. મહાત્મા ગાંધીનો સ્પષ્ટ મત છે; ‘આ દુનિયામાં જે નિર્માણ થયું છે, જે સુખ છે તે શાંતિપ્રિય લોકોને કારણે છે. માનવજાતનો વિકાસ પરસ્પરના વિશ્વાસ, પ્રેમ અને સહયોગના કારણે થયો છે. સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા તેના ‘ફેર વેલ ટૂ આમ્સ’ (શસ્ત્રોને વિદાય)માં તેમની યુવાનીમાં તેમણે યુદ્ધને એમ્બ્યુલન્સના ડ્ર્‌ાયવર તરીકે નજીકથી નિહાળ્યું હતું. તેની ઘેરી શારીરિક અને માનસિક અસરો તેના જીવનમાં કાયમી રહી હતી. સૈનિક જ્યારે પ્રથમ વખત યુદ્ધમાં જાય છે ત્યારે તેનો હોસલો બુલંદ હોય છે. તેને લાગે છે કે તે શત્રુઓને મારી નાખશે પણ જ્યારે તેને ગંભીર ઈજા થાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે યુદ્ધ તેના મુત્યુ કે ઈજાનું નિમિત્ત બની શકે છે. 

ચીનના એક વિચિક્ષણ લેખક સુનત્ઝુની યુદ્ધની કળા અંગેનું પુસ્તક ખૂબ જાણીતું છે. સુન ત્ઝુ પણ હિંસા અને વિનાશને બદલે માનસિક રીતે યોગ્ય વ્યૂહરચના સાથે યુદ્ધમાં વિજય કેમ મેળવવો તેનું જ્ઞાન આપે છે. મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઈન્સ્ટાઈન સહિત અનેક શાંતિપ્રિય અગ્રણીઓની સ્પષ્ટ માન્યતા છે કે યુદ્ધમાં જે મૃત્યુ થાય છે તે એક રીતે જોઈએ તો માણસ-માણસનું ખૂન કરે છે. લડાઈના નામે અનેક નિર્દોષ લોકોએ સહન કરવું પડે છે. તાજેતરના સિરિયા, લેબેનોન, યુક્રેન, અફઘાનિસ્તાન યુદ્ધની ફળશ્રૂતિ જુઓ તો ચારેકોર મૃત્યુ, ઈજા, યાતના અને ઘરવિહોણાં નિરાશ્રિતોના ટોળા સિવાય કશું નથી. આતંકવાદ અને યુદ્ધ વચ્ચે સીધો સબંધ છે. આતંકવાદ એ એક પ્રકારનું છૂપું  યુદ્ધ છે જેમાં વિરોધીઓનો યેનકેન પ્રકારે સફાયો કરવાનો ઉદ્દેશછે. જ્યોર્જ બનાર્ડ શો તેના ઉગ્ર શાંતિવાદ તરીકે જાણીતા છે. તેમણે નવલકથા, નાટકો, લેખો વગેરે દ્વારા યુદ્ધની નિરર્થકતા અને વિનાશલીલાનું વિગતે નિરુપણ કર્યું છે. તે કહે છે; ‘યુદ્ધ એક મોટું અનિષ્ટ છે. શાંતિ સૌ ઈચ્છે છે પણ તે પામવા માટે આપણે ભગીરથ પુરુષાર્થ કરવો પડે તેમ છે.’ કોઈપણ દેશના શાસક માટે દેશવાસીઓનો વિશ્વાસ જીતવા માટે યુદ્ધના નગારા વગાડવા જ પૂરતા છે. લોકોની દેશભક્તિને ઉન્માદમાં ફેરવવાનું કામ સહેલું છે.

પ્રશ્ન એ છે કે શું માનવજાત કદી પણ યુદ્ધના શ્રાપમાંથી છૂટકારો મેળવી શકશે ? દલાઈ લામા સહિત અનેકોને કહેવું છે કે તમામ દેશો શસ્ત્રોના ઉત્પાદકથી દબાયેલા છે. શાંતિ ક્ષિતિજ પર પણ નજરે આવતી હતી. મહાભારતનું શાંતિપર્વ અને વેદો-ઉપનિષદોના શાંતિમંત્રો આપણી શાંતિની ઝંખના સાકાર કરવા માટે યોગ્ય માર્ગે દોરી જાય છે. દુઃખના ત્રણ પ્રકાર છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણેને નિવારવા ૐ શાંતિઃ, ૐ શાંતિઃ, ૐ શાંતિઃ, એમ ત્રણ વખત શાંતિમંત્ર ઉચ્ચારવાની પરંપરા છે. આપણે પણ પ્રાર્થના કરીએ; સર્વત્ર શાંતિ વ્યાપો, સૌ સુખી થાઓ, ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે તેમ અશાંત મનને કદી સુખ પ્રાપ્ત નથી થતું તેથી આપણે શાંતિનો આદર્શ નજરઅંદાજ ન કરીએ.

Comments

Popular posts from this blog