૨૬મી મે - અમારા માટે અનેરો દિવસ 

                                                                            - પ્રવીણ ક. લહેરી

આજથી બરાબર ૧૦ વર્ષ પહેલાં આ તારીખે સાંજે નવી દિલ્હીના રાષ્ટ્ર્‌પતિ ભવનના પ્રાંગણમાં ૩૦ વર્ષ બાદ પૂર્ણ બહુમતિ સાથે નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદે નવી સરકારની રચના થઈ હતી. આ દિવસ ઈતિહાસમાં ‘મોદી યુગ’ના પ્રારંભ દિન તરીકે અંકિત થયો છે. ૨૦૨૪ની ચૂંટણીના પરિણામોની પ્રતીક્ષા સમગ્ર વિશ્વ ઇન્તેજારીથી કરી રહ્યું છે. જનાદેશ ભારતનું ભાવિ નક્કી કરશે. જ્યારે તા.૨૬ મે ૨૦૧૪માં મોદી સરકારની સોગંદવિધી થઈ રહી હતી ત્યારે મારો પરિવાર મારા પિતાશ્રી કનુભાઈ લહેરીની જન્મશતાબ્દી વતન રાજુલામાં ઉજવી અમદાવાદ પરત આવી રહ્યો હતો. આ બંને ઘટનાઓ વચ્ચે સીધો કોઈ સબંધ નથી પણ મારા પિતાશ્રી સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની, ધોલેરા મીઠા સત્યાગ્રહ (૧૯૩૦)માં છ માસ મીઠા સત્યાગ્રહ કરી વારંવાર ધરપકડ, સાબરમતી જેલ અને માત્ર ૧૬ વર્ષની ઉંમર એટલે ચેતવણી સાથે છૂટી ફરી એ જ મીઠાની ગેરકાયદે ફેરી અને વેચાણ. આવા કાર્ય દરમિયાન એક દિવસ માથાફરેલ ગોરા અમલદારનું સિપાહીઓ સાથે આવવું. મીઠાની મુઠ્ઠીઓ વાળી ઉભા રહેલા સત્યાગ્રહીઓને મુઠ્ઠી ખોલો અને મીઠું ફેંકી દો.  ધમકીથી એમ ડરી જાય તો ગાંધીજીના સત્યાગ્રહી થોડા કહેવાય ? ‘વંદે માતરમ્‌’, ‘ઈન્કલાબ ઝીંદાબાદ’ના નારાઓથી વધારે ઉશ્કેરાયેલા ગોરા પોલીસ અધિકારીઓ હિન્દી સિપાહીઓને હૂકમ કર્યો. મુઠ્ઠી ન ખોલે અને મીઠું ન ફેંકે ત્યાં સુધી લાઠીથી હાથ, પગ, પીઠ અને જરૂર પડે માથે ફટકારો. સત્યાગ્રહીઓના જૂથને ઘોડેસવારોથી ઘેરીને નેતરના ચાબૂક મારો, ઘોડા ટોળા પર દોડાવો. આ અત્યાચારોના પરિણામે અનેક સત્યાગ્રહીઓ ઈજાગ્રસ્ત થયાં. મારા પિતાશ્રી ગંભીર ઈજા પામતાં, બેશુદ્ધ થતાં તેમને ધંધુકાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દર્દ અને ઘાવ સાથે અર્ધ તંદ્રાવસ્થામાં જ રાત પડી. મધરાતે એક ખાદીના લેંઘો, કફની, ટોપી પહેરેલો માણસ ફાનસ સાથે તેને ઓળખવા કોશિષ કરતો હતો. તેમનો ચહેરો નિહાળી તે બોલ્યો; ‘‘ભૈયા, આપકો લાઠી સે પીટનેવાલા મૈં હૂં, મેરા નામ રામપ્યારે હૈ, પૂરા દિન મેં સોચતા રહા કી પાપી પેટ કે લીએ મેં ક્યા કર રહા હૂં ? આપને કોઈ પ્રતિકાર ન કીયા ઔર ‘વંદે માતરમ્‌’, ‘મહાત્મા ગાંધી કી જય’ બોલતે બોલતે બાહોશ હોકે ગીર ગયે. મેં બહૂત શરમિંદા હૂં, મેં ઐસી નોકરી સે ઈસ્તફા દેકર કલસે બમ્બઈ ચલા જાઉંગા. કૂછ ભી કર કે દો રોટી કમા લૂંગા, મુઝે માફ કર દેના’’ મારા પિતાશ્રી કાંઈ બોલે તે પહેલાં અંધારામાં ઓગળી ગયો. વર્ષો વિતી ગયાં. ૧૯૪૨માં ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈ ચોપાટીની અને સભામાં મારા પિતા હાજર હતાં. સભા વિખેરવા ફરી એ જ પદ્ધતિ. ઘોડે સવારો, હિન્દી સૈનિકો દ્વારા આડેધડ લાઠી ચાર્જ અને નાસભાગ. આવા સમયે સાવ અચાનક એક માણસે દોડી આવીને મારા પિતાશ્રીને ભેટીને તેમને સલામત સ્થળે ઉભા રાખી દેતાં આ અજાણ્યો માણસ મારા પિતાશ્રીનો ચહેરો ભૂલ્યો ન હતો. નામની ખબર ન હતી પણ બોલ્યો : ‘‘બાબુજી, મેં ધોલેરાવાલા રામપ્યારે હૂં. યહાં માલિશ કરકે ગુજરાન ચલાતા હું. થોડી દેર રૂકીયે, મેં આપકો અચ્છા માલિશ કર દૂંગા તો મુઝે બહોત ખુશી હોગી.’’ મારા પિતાશ્રીએ પોતાનું નામ જણાવ્યું અને કહ્યું; ‘‘રામ પ્યારે તુમ મેરે સેં બઢીયા સ્વાતંત્ર્ય સેનાની હો. તુમ્હારે દીલમેં દેશભક્તિ હૈં, મેરી વજહસે તુમે સચ્ચી રાહ મિલી. યહી સેં મેરા જીવન સાર્થક હો ગયા હૈ’’

આવા અનન્ય ગાંધીભક્ત, દેશપ્રેમી, સમાજસેવક, નીડર અને સમર્પિત પિતાના પુત્ર હોવાનું ગૌરવ હોવું સ્વાભાવિક છે. આજે જ્યારે તેના જન્મના ૧૧૦ વર્ષ પૂરાં થાય છે અને ૧૧૧મી જન્મજયંતિ પ્રસંગે તેના ૮૧ વર્ષની (૧૯૧૪-૧૯૯૫) અનેક ઘટનાઓનું સ્મરણ થાય તે સહજ છે. પડછંદ દેહ અને અમરેલીની વ્યાયામ શાળામાં સેંકડો દંડ-બેઠકોથી કસાયેલું શરીર, ભીનો વાન, ધોતીયું, કફની અને ટોપીનો સદાયનો એક સરખો પહેરવેશ. વિશાળ ભાલ, પ્રભાવશાળી ચહેરો અને તેજસ્વી આંખો સાથે અસ્સલ કાઠિયાવાડી ઘેઘૂર અવાજ. નિષ્ઠા, નીડરતા અને નિખાલસતાનો ત્રિવેણી સંગમ, સ્વાર્થ, લોભ-લાલચ તો ક્યારે ય નજીક જ ન આવ્યા તેવું પ્રામાણિક જીવન. લોકસેવાની કેડીને જીવનનો રાજમાર્ગ બનાવીને દૃઢ સંકલ્પ સાથે સાદગી, સેવા, સમર્પણ અને સ્પષ્ટ વિચારો સાથેના તેના જીવન પર નજર કરીએ ત્યારે અ વાતનું જરૂર આશ્ચર્ય થાય. ગાંધીમાં એવું તો શું હતું કે તેના એક આહ્‌વાને મારા પિતા જેવા લાખો યુવાનોએ દેશ અને દેશના ભાઈ-બહેનોની સેવા માટે જીવન અર્પણ કરવામાં આનંદ અને સંતોષ માણ્યા.

દર ઑકટોબરમાં ગાંધી જયંતિએ કે રેંટીયા બારસે ચાર ધોતીયા, ચાર કફની અને ત્રણ ટોપી પૂરતી ખાદીની ખરીદી તે એનો પૂરો ‘વોર્ડરોબ’ એક ખાદીના થેલામાં કપડાં, દાઢી કરવાનું રેઝર (માત્ર પાણી વાપરીને -  સાબુ-ક્રીમની કોઈ જ રૂર નહીં) એક થેલીમાં ડાયરી, પોસ્ટકાર્ડ, લેટરપેડ, કવરો, પેન, ટપાલ ટિકીટો એ જ એમની જરૂરિયાતો. કપડાં ધોઈને સૂકવીને હાથથી કરચલીઓ દૂર થાય તે કરીને પહેરવાના - તેને ધોબી કે ઈસ્ત્રીવાળાની ક્યારેય જરૂર પડી ન હતી. સવારે ચાર વાગે ઉઠીને દરરોજ ૧૦ થી ૧૫ પત્રોના પોસ્ટકાર્ડથી કે લાંબા પત્રોથી જવાબ કરવાના. પૈસે પૈસાનો હિસાબ અને બાકી કામની યાદી ડાયરીમાં નોંધવાની. છ કે સાડા છ વાગે અડધો ફરી કલાક સારી ઉંઘ કરીને કામે લાગવાનું. અમારું ઘર એટલે હક્કથી કોઈપણ કામે વિના રોકટોક આવવાની સંપૂર્ણ છૂટ. કવિ દુલા કાગના ‘‘આવકારો મીઠો દેજે’’ કાવ્યના દરેક મુદ્દાનું ચુસ્ત પાલન કરવાનું. આવેલ વ્યક્તિ અરજદાર છે તેમ નહીં પણ સ્વજન છે. તેનું કામ કરવું એ કર્તવ્ય છે, જવાબદારી છે તેવી દૃઢ ભાવના. કબીરના ભજનો, સાખીઓના જીવન પર પ્રભાવ. ગાંધીજીના ચિંધ્યા માર્ગે ચાલવામાં જ જીવનનું શ્રેય છે તેવી માન્યતા આત્મસાત્‌ કરેલ હતી. કામ કરતી વખતે કે લોકો સાથેના સંવાદમાં કહેવતોના હવાલા સાથે સૌને સમજાવવાનો પ્રયત્ન અને કોઈ નિરાશ ન થાય તેની સતત જાગૃતિ અને કાળજી. અનેક લોકોના પ્રશ્નો, આંટીઘૂંટી ભરેલી સમસ્યાઓનો સમાધાનપૂર્વક ઉકેલ લાવવાની તેની શક્તિમાં રાજુલા-જાફરાબાદ અને ખાંભા પંથકના લોકોને અતૂટ વિશ્વાસ. આરોગ્ય, શિક્ષણ, ઘરખર્ચ કે કોઈપણ કામે સહાય માંગનાર માટે તુરત જ નાણાંની સગવડ કરી મુંબઈ સ્થિત સુખી રાજુલાવાસીને પોસ્ટકાર્ડ લખી જણાવી દે કે આજે જરૂરિયાતમંદને આ હેતુ માટે આટલી રકમ આવી છે જે મુંબઈ આવું ત્યારે આપની પાસેથી લઈ લઈશ. તેની ૩૫ વર્ષની સેવાના સમયમાં ત્યારના રૂા.૨ કરોડ જેટલું દાન અનેક દાતાઓએ હોંશથી આપ્યું તેથી તેઓ અનેકની આંખના આંસુ લુછી શક્યા અને તેના ચહેરા પર મુસ્કાન લાવી શક્યા. તેની સેવાની કામગીરીમાં મારા દાદી, મારી બા અને મારા કાકા-કાકીનો સંપૂર્ણ ટેકો. પિતાશ્રી પર પરિવારની કોઈ જવાબદારી નહીં. એ સતત પ્રવાસમાં હોય. રાજકોટ, મુંબઈ, ભાવનગર તેમના હોદ્દાની રૂએ કામગીરી માટે જવાનું થાય ત્યારે સવારના પત્રલેખનમાં સૌ પરિવારજનો માટે (અમે ૧૯ વ્યક્તિઓના સંયુક્ત કુટુંબમાં રહેતા હતાં) યાદ સાથે જરૂરી સલાહ-સૂચનો અચૂક લખ્યા હોય. મુલાકાતીઓની અવિરત અવરજવર વચ્ચે જ સવારના શિરામણમાં દૂધ-રોટલો, બપોરે દાળ-ભાત-શાક રોટલી કે રોટલાનું સાદું ભોજન. સાંજે ખમણ, ભજીયા, બટાટાવડા જેવો સ્વાદિષ્ટ નાસ્તો. રાત્રે ભાખરી-શાક દૂધ કે ખીચડી-કઢી. શિરામણ હોય કે સાંજ-બપોરનું ભોજન જે હાજર હોય તે સૌને જમાડવાના જ. દરરોજ બહારગામથી આવેલા ૮-૧૦ મહેમાનો હોય તો પણ તેઓ ઘરે ન હોય પણ મહેમાનોનો ઉતારો ઘરે જ હોય. મારા પિતાશ્રી ૧૯૫૫ થી ૧૯૫૯ ભાવનગર જિલ્લા  લોકલ બોર્ડના પ્રમુખ રહ્યા. સરકારી આવાસ ન લેતાં તેના મિત્ર શ્રી દેવેન્દ્રભાઈ દેસાઈના બંગલે જ પૂરા પાંચ વર્ષનો મુકામ. આજે પણ દેવેન્દ્રભાઈના સંતાનો ‘પેલા કનુભાઈના રૂમમાં જઈને જો’ જેવા વાક્યો સહજતાથી બોલે. જિલ્લાઓની ૧૯પ૯માં પુનઃરચના થઈ ત્યારે અમારો રાજુલા તાલુકો અમરેલી જિલ્લામાં સમાવાયો. ત્યાં રાજરત્ન (વડોદરા રાજ્ય) મોહનલાલ વીરજીભાઈ પટેલના પિતાશ્રી, પોતે અને પુત્ર દ્વારકાદાસ (દકુભાઈ) પ્રમુખ હતાં. શ્રી મોહનભાઈ પટેલે પુત્ર દ્વારકાદાસને પ્રમુખપદેથી રાજીનામું આપી મારા પિતાશ્રીને ચૂંટાવવા માટેની સભ્યોની સભામાં કહ્યું; ‘‘કનુભાઈ મારા સૌથી મોટા પુત્ર છે. તે ભાવનગર હતાં, હવે અમરેલી ઘરે આવ્યા છે તો દ્વારકાદાસને બદલે તેમની પસંદગી કરવા વિનંતી છે. શ્રી મોહનબાપાનો બોલ એટલે સર્વાનુમતી. મોહનબાપાના પરિવારના સભ્ય તરીકે ફરી બીજા પાંચ વર્ષ મહેમાન તરીકે તેમના ઘરે રહ્યા.

મારા જીવન ઘડતરમાં જેની પ્રેરણા અને પ્રોત્સાહને અનેરી ભૂમિકા ભજવી છે તેવા મારા પ્રતાપી પિતાનું સ્મરણ કરું ત્યારે એક ખ્યાલ અચૂક આવે મેં તેમને જીવનમાં નથી કદી ચિંતા કરતાં કે નિરાશ થતા જોયા. ડર કે વહેમનો  તેમણે કદી અનુભવ જ નહોતો કર્યો. ભોજન, ઊંઘ, થોડો નાસ્તો અને કામ મળે એટલે જીવનપ્રવાહ વહેતો રહે. ફિલ્મોનો શોખ - વી. શાંતારામના ચાહ. ‘ઝનક ઝનક પાયલ બાજે’ ફિલ્મ ભાવનગરના રૂપાલી થિયેટરમાં ૨૫-૩૦ દિવસ મિત્રો આવે તેની સાથે જોઈ હતી. તેમના જીવનનો સંદેશ એટલે ‘દો આંખે બારાહ હાથનું’ ગીત : એ માલિક તેરે બંદે હમ, નેકી પર ચલે, બદી સે ટલે, તાકી હંસતે હુએ નીકલે દમ.’’

Comments

Popular posts from this blog