‘‘ચાલો નડીઆદ’’ 

                                                                      - પ્રવીણ ક. લહેરી

ખૂબ ઝડપથી પરિવર્તન પામતા આજના સમયમાં એક બાજુ વિરાસત અંગે જાગૃતિ વધતી જાય છે તો બીજી તરફ વિરાસતના સંરક્ષણ અને સંવર્ધન અંગે સરકાર અને સમાજમાં જે ઉપેક્ષા થઈ રહી છે તે ચિંતાનો વિષય છે. ઘણીવાર આપણે ફરિયાદ કરીએ છીએ કે શહેરના ધમાલીયા જીવનથી કંટાળીને શનિવાર-રવિવાર કે અન્ય રજામાં પરિવાર સાથે ક્યાં ફરવા જવું ? શહેરી જીવનશૈલીથી કંટાળેલા હજારો લોકો સાબરકાંઠાના જંગલમાં એકસાથે જવા લાગતાં સરકારે તેની સંખ્યા નિયંત્રીત કરવી પડે છે. ઑકટોબરથી જૂન સુધીના સમયમાં સિંહદર્શન માટે ગીરમાં જે ભીડ ઉમટે છે તે માટે સફારીની ટ્રિપો પર અંકુશ મૂકવો અનિવાર્ય બન્યો છે. સોમનાથ, દ્વારકા, દીવ, અંબાજી, ડાકોર, પાલીતાણા, પાવાગઢ, દમણ, માઉન્ટ આબુ, સાપુતારા, તિથલ વગેરે સ્થળો પ્રવાસીઓ અને યાત્રિકો માટે ખૂબ લોકપ્રિય છે. હવે આ સ્થળોએ વર્પના ૩૬૫ દિવસ ભીડ રહે છે. મોઢેરા, વડનગર, પાટણ, સિદ્ધપુર, ધૂમલી, અડાલજ, ગોપનાથ, ખંભાળીયાના રક્ષિત સ્મારકો જોવા દેશ-વિદેશથી લોકો આવે છે. આમ છતાં ગુજરાતના અનેક સ્થળો એવા છે કે ત્યાં આપણા ઈતિહાસના મહત્ત્વના સ્થાનો-ઘટનાઓની સ્મૃતિ સચવાયેલી છે. કમનસીબી એ વાતની છે કે આ સ્થળોએ જરૂરી સુવિધાઓ અને તેનું યોગ્ય દસ્તાવેજીકરણ કરવું બાકી છે.

પુરાતત્વમાં રસ અને જ્ઞાન ધરાવતાં શ્રી કપિલ ઠાકર, કિન્નરી અને તેમના મિત્રોએ અડાલજ વાવ જેમ ગાંધીનગરથી ૯ કિ.મી. દૂર ઉંવારસદમાં પ્રાચીન વાવની સફાઈ કરી ત્યાં ચા-નાસ્તાની પાર્ટી ઉજવી તે સ્થળે પ્રવાસીઓને આવવું ગમે તેવો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. આપણી યુવાપેઢી આમાંથી પ્રેરણા લઈ અનેક ગામડાંઓમાં સચવાયેલ સાંસ્કૃતિક અવશેષોનું જતન કરવાનું કામ શોખથી હાથ ધરે તો ગુજરાતની અસ્મિતા સોળે કળાએ ખિલી ઉઠે તેમાં શંકા કરવાનું કારણ નથી. ગુજરાત સરકારે ૨૦૧૨માં જિલ્લાઓની પુનઃરચના કરી જેમાં જૂનાગઢ જિલ્લાના વિભાજન સાથે વેરાવળ, તલાલા, સુત્રાપાડા, કોડિનાર, ઉના અને ગીર-ગઢડા એમ છ તાલુકાનો નવો ગીર-સોમનાથ જિલ્લો રચ્યો. તે સમયે શ્રી સોમનાથ ટ્ર્‌સ્ટે કપિલ ઠાકર અને કિન્નરીને પુરાતત્વ સલાહકાર નીમીને નવા જિલ્લાના અનેક પ્રાચીન સ્થળોનું સચિત્ર દસ્તાવેજીકરણ કરાવ્યું. પ્રભાસપાટણમાં ‘હેરિટેજ રૂટ’ પણ નક્કી કરી આપ્યો. જો કે હાલના ફેરફારોને કારણે હેરિટેજ રૂટનો વપરાશ શક્ય નથી રહ્યો. ગુજરાતના અનેક યાત્રાધામો-પ્રવાસન સ્થળોએ આવતાં પ્રવાસીઓની સંખ્યા એક વર્ષમાં ૧ કરોડને પાર કરી ગઈ છે ત્યારે તેની આસપાસના સ્થળોનો વિરાસત અને પ્રવાસન, જ્ઞાન અને મનોરંજન, સુવિધા અને સ્વચ્છતાનો સુમેળ સાધી વિકાસ કરવો તે સૌના લાભમાં છે. અમદાવાદની વિશાળ વસ્તી માટે માત્ર ૫૭ કિ.મી. દૂર આવેલું જિલ્લાનું મુખ્ય મથક નડીયાદ ફરવા માટેનું સૌથી સાનુકૂળ શહેર છે. ૨૦૨૪માં અંદાજિત ૩ લાખની વસ્તી ધરાવતું આ નગર લોકસભાની સામાન્ય ચૂંટણી બાદ મહાનગરનો દરજ્જો ધારણ કરશે તે નક્કી છે. વડોદરાથી ૬૩ કિ.મી., ડાકોરથી ૩૦ કિ.મી. અને આણંદથી માત્ર ૨૧ કિ.મી. અંતર ધરાવતું નડીયાદ અગાઉના લેખમાં જોયું તેમ અનેક ઐતિહાસિક, ધાર્મિક, શૈક્ષણિક અને સાહિત્યક ધરોહર સાથે નડીયાદને પ્રવાસન સ્થળ તરીકે વિકસવાની પૂરી ક્ષમતા ધરાવે છે. પ્રશ્ન છે કે આ કામ કોણ કરશે ? આ કામ ગુજરાત પ્રવાસન નિગમ અને સરકાર કરે તેવી પરાવલંબી ધારણા છોડીને જો અમદાવાદ, વડોદરા, આણંદ વગેરેની લોકો નડિયાદને યાત્રા અને પ્રવાસન માટે વિકસાવવાનો સંકલ્પ કરે તેમજ નડિયાદની મુલાકાતોની વ્યવસ્થા ગોઠવે તો આપણા રાજ્યની સાંસ્કૃતિક ધરોહરોને લોકોમાં પ્રિય થાય તેમ કરવું આવશ્યક છે. જ્યારે નડિયાદમાં નવી મહાનગરપાલિકાની રચના થાય ત્યારે તેની સાંસ્કૃતિક સમિતિએ સંકલ્પ કરવો જોઈએ કે દર માસે નડિયાદમાં યાત્રા ઉપરાંત પ્રવાસન માટે એક લાખ માણસો આવે તે માટેની વિકાસ યોજના ઘડી તેનો ઝડપી અમલ કરીશું. સ્થાનિક લોકો જાગૃત થઈને સક્રીય બને તો નડિયાદમાં અનેક પ્રવાસીઓ આવે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસો યોજાય તેવા પ્રયત્નો કરવાની જરૂર છે. સ્થાનિક મહિલા કૉલેજના પ્રિન્સીપાલ અને સમર્પિત કાર્યકર શ્રી હસિત મહેતાના પ્રયત્નોથી આદરણીય મોરારીબાપુ અને અન્ય લોકોના સહયોગથી તેમણે જે રીતે ગોવર્ધન સ્મૃતિ મંદિરનું નિર્માણ કર્યું છે તે નિહાળવું તે દરેક ગુજરાતી માટે જીવનનો લ્હાવો બની શકે છે. ગુજરાતી સાહિત્યના સાક્ષર/પંડિત યુગના સ્પંદનો માણવા હોય તો નડીયાદના નાગરવાડાને ‘સાક્ષરભૂમિ’ જાહેર કરી ત્યાં ગુજરાતી સાહિત્યના મહામૂલા વારસાને, ગુજરાતી વર્તમાનપત્રો, સામાયિકો, પુસ્તકો વગેરેનું ડિજીટલ દસ્તાવેજીકરણ હોય અને અભ્યાસુ કે જિજ્ઞાસુ માટે આધારભૂત માહિતી પ્રાપ્ત કરવાનું ઉત્તમ સ્થળ હોય ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાત વિશ્વકોશ અને વિશ્વ ગુજરાતી સમાજના સહિયારા પ્રયત્નોથી વિશ્વમાં ક્યાંય ન હોય તેવી સાહિત્ય વિરાસતનું સ્થળ નડીયાદમાં બની શકે. ડાહીલક્ષ્મી લાયબ્રેરી નડીયાદનું ૧૨૫ વર્ષથી કાર્યરત છે. તેનું વિરાસતનું પ્રદર્શન પણ જોવાલાયક છે. ડાહીલક્ષ્મી પુસ્તકાલયના ટ્ર્‌સ્ટીઓ નડીયાદનો સાહિત્ય વારસો શોધી શોધીને ગુજરાતને ચરણે ધરવા કાર્યરત છે.

નડિયાદની મુલાકાત તો સંતરામ મંદિરના દર્શનથી જ થાય. નવ તળાવો, નવ ભાગોળો, નવ દરવાજાની મુલાકાત, ડાહીબા લાયબ્રેરી, સરદાર પટેલનું જન્મ સ્થળ, હિન્દુ અનાથ આશ્રમ, આર્યુવેદ યુનિવર્સિટી, ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી, પ્રાચીન મંદિરો, જૂની બજાર સહિત અનેક સ્થળોની મુલાકાતો લેવામાં દિવસ ખૂબ ઝડપથી પસાર થઈ જાય તેવું છે. ખેડા જિલ્લામાં આ ઉપરાંત નડીઆદની નજીક અનેક મહત્ત્વના સ્થળો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર્‌, કચ્છ, ઉત્તર ગુજરાત માટે પ્રવાસન સર્કિટો નક્કી થઈ છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ સિવાય અન્ય જગ્યાઓએ પ્રવાસન માટે પ્રોત્સાહન આપવાની જરૂર છે.

નડીઆદમાં મૂળજીભાઈ પટેલ કિડની હૉસ્પિટલ, નિઃશુલ્ક સેવા આપણી હાર્ટની હૉસ્પિટલ અને આર્યુવેદ કૉલેજમાંથી યુનિવર્સિટી બનેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં અમદાવાદથી જ નહીં પણ મુંબઈ તેમજ વિદેશથી અનેક લોકો આવે છે. નડીયાદનો ઔદ્યોગિક વિકાસ પ્રમાણમાં અલ્પ છે પરંતુ નડીઆદની વિરાસત ખૂબ મૂલ્યવાન છે. નડીઆદનો ભાતિગળ ઈતિહાસ, રાજકીય આગેવાનો, સાહિત્યકારો, સમાજ સેવકો વગેરેના કારણે નડીઆદ ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતા સાચવીને બેઠું છે. નડીઆદ શહેરનું મહાનગરપાલિકામાં રૂપાંતરણ થઈ રહ્યું છે ત્યારે નડીઆદ ખૂબ ઝડપથી વિકસે અને અમદાવાદ નજીકનું એક ઉત્તમ મહાનગર બને તેવી સંભાવના છે. નડીઆદને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કરવાની ક્રમશઃ કામગીરીની યાદી કરીને જો તેનો કાળજીપૂર્વક અમલ કરવામાં આવે તો નડીયાદના જ નહીં પણ ગુજરાતના અર્થતંત્રને મોટો લાભ થશે.

નડીઆદના મહત્વ માટે સંતરામ મહારાજ, ગોવર્ધન ત્રિપાઠી ઉપરાંત બે વ્યક્તિઓના નામો ખૂબ મહત્ત્વના છે. આપણે મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’થી પરિચિત છીએ. બાઈબલ પછી સૌથી વધારે ભાષામાં સૌથી વધારે નકલોના વેચાણો વિક્રમ ધરાવતી આ આત્મકથાની નિખાલસતા, સરળતા અને ઉચ્ચ આદર્શોની સાધના માટે ભરપૂર પ્રશંસા થાય છે. આપણે આત્મકથાને સાહિત્યના પ્રકાર તરીકે મૂલવીએ તો બે નડીયાદી વ્યક્તિઓની આત્મકથાને ‘સત્યના પ્રયોગ’ કરતાં આગળ મૂકવી પડે. પ્રથમ છે સાક્ષરયુગના પ્રભાવશાળી વિદ્વાન શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી. તેમના જ્ઞાન અને સમજણનો લાભ લેવા અમેરિકા જતાં પહેલાં સ્વામી વિવેકાનંદ જેમનું માર્ગદર્શન લેવા નડીઆદ આવ્યા હતાં તેવા આ પ્રખર વિદ્ધાને ગાંધીજીની આત્મકથા પ્રગટ થઈ તે પહેલાં લખી રાખેલી આત્મકથા નિખાલસતાના મુદ્દે આત્મકથા સાહિત્યનું ગુરુશિખર છે. આજની પેઢી સ્વતંત્ર હોવાનું માને કે અહેસાસ કરે તેમાં કોઈ વાંધો નથી. પરંતુ જીવનમાં આવેગો, ઈચ્છાઓ અને કર્મોનો નિખાલસપણે સ્વીકાર કરવો અને કશા આવરણ વિના પોતાના જીવનને પ્રજા સમક્ષ મૂકવામાં કેટલી નિખાલસતા જોઈએ - ગુજરાતી ભાષાની સૌથી દળદાર અને નિઃશંક રીતે શ્રેષ્ઠ આત્મકથાનું બિરુદ જેમને આપવું જ પડે તે આત્મકથા એટલે મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકની ૬ ભાગોમાં લખાયેલી આત્મકથા એટલે મહાગુજરાત ચળવળના માોભી ઇંદુલાલ યાજ્ઞિકની ૬ ભાયોમાં લખાયેલી આત્મકથા. પૂર્વ નાણાંમંત્રી શ્રી સનત મહેતાએ તેનું અંગ્રેજી ભાષાંતર કરાવ્યું છે. આ આત્મકથા એટલે ગુજરાતના ઈતિહાસ અને સમાજની એક સૈકા જેટલા સમયનું સચોટ અને આધારભૂત દસ્તાવેજીકરણ. સ્વભાવથી સંવેદનશીલ, લાગણીશીલ અને ઉતાવળીયા સ્વભાવવાળા ઇંદુલાલ યાજ્ઞિકના જીવન અંગે નીચેનો પેરાગ્રાફ વાંચીને તમે જ નક્કી કરી શકશો કે તેઓ કેવું અનેરું વ્યક્તિત્વ ધરાવતા હશે ? જાણીતા નાટ્યવિદ્‌ જશવંત ઠાકરે ઇંદુચાચાના જીવનચરિત્રમાં નોંધ્યું છે; ‘જન્મભૂમિ’ જૂથનું સ વારનું દૈનિક પ્રગટ કરવાનું કામ અમૃતલાલ શેઠે ઇંદુલાલ યાજ્ઞિકને સોંપ્યું હતું. ઇંદુલાલે સરદાર સામે ઝુંબેશ ચલાવી અને સરદાર હચમચી ગયા. અમૃતલાલ શેઠ શરુઆતમાં સરદારના દબાણને વશ થયા નહીં પણ છેવટે અનિવાર્ય દબાણ સામે તેમને નવું પડ્યું અને ઇંદુલાલ યાજ્ઞિક પાસે રાજીનામું લખાવી લીધું. આ જ સરદાર ઇંદુલાલ વિશે કહે છે; ‘‘ઇંદુલાલ મારા નાના ભાઈ છે. અમે આજદિન સુધી એ જ રીતે રહ્યા છીએ અને આજે આ રાજીનામાના પ્રસંગે હું શું કહું ? મારાથી કશું નથી બોલાતું. હું વધારે બોલી શકીશ નહીં. સરદારના સજળનેત્ર સામે ઇંદુલાલની આંખમાં ઝળહળીયાં હતાં. આવા નડીયાદના મહાનુભાવોને સમજવા ‘‘ચાલો નડીઆદ’’ 

Comments

Popular posts from this blog