પ્રોજેક્ટ ‘‘સાક્ષર ભૂમિ’’ નડીઆદ 

                                                          - પ્રવીણ ક. લહેરી

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ વિવેચકોએ યુગોમાં વહેંચી રાખેલ છે. સર્જનને કોઈ ચોગઠામાં બંધ બેસાડવાની ક્રીયા મને અનાવશ્યક અને ભૂલભરેલી લાગે છે. કોઈક કાળખંડમાં થયેલા સર્જનોની સામ્યતા શોધી તેને સુધારક, સાક્ષર (પંડિત) કે ગાંધીયુગના નામો આપવાથી સર્જનના મૂલ્યાંકનમાં શું લાભ થાય તે પણ મને સમજાયું નથી. ૧૭૫ વર્ષ પહેલાં એક અંગ્રેજ અધિકારી એલેકઝાન્ડર કિનોક ફાર્બસે વઢવાણથી કવિશ્રી દલપતરામ સાથે સહયોગ કરી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલનું નામ ગુજરાત વિદ્યાસભા) સ્થાપી ભાષા-સાહિત્યના વિકાસ માટે જે વ્યવસ્થા કરી તે સમય ગુલામીનો, શોષણનો, અસમાનતાનો, અંધશ્રદ્ધા અને વહેમોનો હતો. આવી સામાજિક સ્થિતિમાં સુધારણા લાવવા માટે કવિ દલપતરામ અને કવિ નર્મદે જે ભગીરથ પુરુષાર્થ કર્યો તે માટે આપણે તેમના સદૈવ ઋણી છીએ. ગુજરાતી સાહિત્યમાં સર્જનની પરંપરા તો સેંકડો વર્ષો પહેલાં પણ હતી. આધુનિક યુગના બે સૈકામાં ગુજરાતી ભાષામાં સર્જનાત્મકતાએ હરણફાળ ભરી છે. પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરના શબ્દોમાં ‘‘નર્મદની પેઢી અસ્ત પામી તે પહેલાં તેના કરતાં વધુ સત્વશાળી, એટલું જ નહીં સમગ્ર ગુજરાતી સાહિત્યમાં માન અપાવે એવી પ્રતિભાશાળી, ઉચ્ચ આદર્શો અને અનોખી સાહિત્ય છટા સાથે ઉદય પામી હતી. તે પેઢી એટલે ‘પંડિત યુગ.’ આ યુગનો સાક્ષરયુગ, ગોવર્ધન યુગ જેવા નામાભિધાન થયા છે. સરદારનું જન્મસ્થાન. મહાગુજરાત ચળવળના મોભી અને અનોખા સમાજસેવક ઈન્દુલાલ યાજ્ઞિકનું વતન. ગોવર્ધનરામ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બાલાશંકર કંથારીયા, મનસુખરામ ત્રિપાઠી, દોલતરામ પંડ્યા, છગનલાલ પંડ્યા, ઝવેરીલાલ યાજ્ઞિક અને અંબાલાલ બુલાખીરામ જાનીની ગણના ગુજરાતી ભાષાના ૯ ‘સાક્ષર રત્નો’ તરીકે થાય છે. સાક્ષર ભૂમિનું નામ લેતાં જ ગુજરાતી માણસના મનમાં નડિયાદ જેવા મધ્યમ નગરમાંથી (હવે સરકાર તેની સીમાઓ વધારી તેને મહાનગરનો દરજ્જો આપે છે.) ૨૪૦ જેટલા સાહિત્યકારો તેની આગવી શૈલી અને અભ્યસાથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવે તેવી ઘટના અસામાન્ય લેખાય. આ નવરત્નો ઉપરાંત નવ ભાગોળો, નવ દરવાજા, નવ તળાવ ધરાવતાં નડિયાદ શહેરની ઓળખ સંતરામ મંદિરથી પણ થાય છે. એક એવું શહેર કે જ્યાં લોકો એકબીજાનું અભિવાદન ‘જય મહારાજ’ના સંબોધનથી કરવાની પરંપરાનું કાળજીપૂર્વક જતન કરે છે. આપણા મહાન રસ કવિ ન્હાનાલાલે કહ્યું છે; ‘‘ગુજરાત આખું નડીયાદને આંગણે સાક્ષરત્વ શોધતું હતું.’’ ઈન્દુલાલ યાજ્ઞિકે તેમની આત્મકથામાં લખ્યું છે; ‘‘મનસુખરામ ત્રિપાઠી, મણિભાઈ જશભાઈ, હરિદાસ વિહારીદાસ દેસાઈ (ભાઉં સાહેબ) અને રણછોડરામ ઉદયરામ (ચારેય મિત્રો)એ મુત્સદીઓનો લાભ લઈને પોતપોતાની આવડત, અભ્યાસ અને મુત્સદીગીરીના જોરે મુંબઈથી કચ્છ સુધીના અનેક રજવાડાંઓમાં સત્તા ભોગવી શ્રીમંત થયા હતાં.’’ આ રીતે લક્ષ્મી, સરસ્વતી અને રાજસત્તાના ત્રિવિધ તેજે ચમકતા નડીયાદના સાક્ષરોએ ભારતીય અને અંગ્રેજી સંસ્કૃતિનો જેટલો વિશદ્‌ અભ્યાસ કર્યો છે તેવો ગુજરાતમાં બીજે ક્યાંય એ સમયગાળામાં થયો ન હતો. નડીયાદની બીજી ધ્યાનપાત્ર બાબત એ છે કે માત્ર દેસાઈઓ, નાગરો, બ્રાહ્મણો, પટેલો અને વણિકો જ નહીં પણ ખ્રિસ્તી, દલિત, પાટીદાર, સહિત તમામ જ્ઞાતિઓનું ગુજરાતમાં વિશેષ પ્રદાન છે. નડીયાદના ભાતીગળ પ્રદાનનું કાયમી પ્રદર્શન ડાહીલક્ષ્મી લાયબ્રેરીએ યોજીને આપણા સૌ પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે.

વર્તમાન સમયમાં જેમના જ્ઞાન, સંઘર્ષો, કળા અને સર્જનાત્મક કામોથી ગુજરાતની અસ્મિતાનું એક મજબૂત પડ બંધાયું છે તે માટે આપણે શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક, જશવંત ઠાકર, મગનભાઈ દેસાઈ, પ્રબોધ પરીખ, પૂજ્ય મોટા, દીવાન બહારદુર, ગોવિંદભાઈ દેસાઈ, દેસાઈભાઈ નાથાલાલ પટેલ, મહેશ ચંપકલાલ, શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિક, પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી (દાદાજી)ને જેટલો યશ આપીએ તેટલો ઓછો છે. નડીયાદ એટલે ખેડા સત્યાગ્રહનું વડુ મથક. સરદાર માટે પ્રથમ સત્યાગ્રહ અને ભવ્ય સફળતા. ગાંધીજીની દાંડી કૂચનો સંતરામ મંદિરમાં રાતવાસો, મહાગુજરાત અને નવનિર્માણ આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા નડીયાદ શહેરને કોની નજર લાગી ગઈ હશે ? છેલ્લાં વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ જેવા મહાન રાજકીય નેતાઓના મોસાળ અને જન્મસ્થાન નડીયાદનું સ્થાન બાબુભાઈ જશભાઈ પટેલ બાદ રાજકારણમાં ઘસાતું ગયું. શ્રી દિનશા પટેલની સંન્નિષ્ઠ, પ્રમાણિક અને સમર્પિત વ્યક્તિની છાપ પછી પણ નડીયાદમાં નેતૃત્વનો દુષ્કાળ પડ્યા જેવી સ્થિતિ છે. શિક્ષણક્ષેત્રે તેજસ્વિતાની જગ્યાએ પરીક્ષાઓમાં ખુલ્લેઆમ ચોરી અને દાદાગીરી માટે જાણીતું થયેલ નડીયાદ, કેન્દ્ર અને રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લગભગ સંપૂર્ણ ગેરહાજરી નોંધાવતું શહેર. અલબત્ત ધર્મેન્દ્રસિંહ દેસાઈ કૉલેજ અને હવે યુનિવર્સિટીએ આગવી નામના મેળવી છે. કિડની, હૃદયરોગની સારવારની ઉત્તમ વ્યવસ્થા છે. આયુર્વેદ કૉલેજ પણ યુનિવર્સિટી બની છે પરંતુ ભૂતકાળનો નડીયાદનો સાક્ષર અને સંસ્કાર ભૂમિ તરીકેનો જે દબદબો હતો તે દૂર ક્ષિતિજ પર પણ દૃષ્ટિગોચચર થતો નથી.

આવી સ્થિતિમાં મારા કૉલેજ સમયના મિત્રો અરુણા અને પ્રદીપ પંડ્યાએ વાત કરી કે અરુણાબહેન અને તેમના મોટાભાઈ પીયૂષભાઈના નામે તેમના પૂર્વજોનું મકાન નાગરવાડામાં આવેલું છે. આ મકાન તેઓ સારા કાર્ય માટે નિઃશુલ્ક વાપરવા આપવા માંગ છે. વતન જોડે એક મજબૂત કડી તરીકે સાચવેલી આ મિલ્કત અવાવરી પડી રહે તેના બદલે તેમાં લોકોપયોગી પ્રવૃત્તિ થઈ તેવી ઉદાત્ત ભાવના સાથે મારે તે કામ માટે નડીયાદ જવાનું થયું. ડાહી-લક્ષ્મી લાયબ્રેરીના ટ્ર્‌સ્ટી, મહિલા કૉલેજના પ્રિન્સીપાલ અને નડીયાદના સાંસ્કૃતિક વારસાના સંરક્ષક તેમજ સંવર્ધન માટે સમર્પિત એવા શ્રી હસિતભાઈ મહેતાના ભગીરથ પુરુષાર્થનો હું લાંબા સમયથી સાક્ષી છું. શ્રી હસિતભાઈએ ગોવર્ધનરામ ત્રિપાઠીના રહેઠાણને પુનઃસ્થાપિત કરી ત્યાં હસ્તપ્રતો, જૂના વર્તમાનપત્રો, સામાયિકોના મૂળ અંકોની જાળવણી સાથે જે ભગીરથ કાર્ય કર્યું છે તે કાબીલેદાદ છે. તેમના અવિરત પ્રયત્નોના કારણે આજે ગોવર્ધન સ્મૃતિ મંદિરની મુલાકાતે સેંકડો લોકો આવે છે. ગોવર્ધનરામની હિચકે બેસાડેલી પ્રતિમા પાસે બેસીને ફોટો પડાવીએ તો જે ધન્યતાની લાગણી થાય છે તેવી અન્યત્ર ભાગ્યે જ થાય. ઇંગ્લેન્ડના પ્રવાસે જઈને આપણે અમદાવાદીઓ ‘સ્ટ્રેફોર્ડ ઓન એવોન’ શેક્સપિયરના રહેઠાણે જવામાં કેટલો સમય વ્યતિત કરીએ છીએ ? કેટલો ખર્ચ કરીએ છીએ ? અમદાવાદથી નડીયાદ માત્ર ૫૭ કિ.મી. પ્રવાસ કરીને ગુજરાતના સાક્ષરવર્ય, સરસ્વતીચંદ્રના લેખક અને સાક્ષરયુગના શિરમોર એવા ગોવર્ધનરામના સ્મૃતિમંદિરની મુલાકાત માટે આપે ૬ થી ૭ કલાકનો સમય ન કાઢી શકીએ ત્યારે એવું લાગે કે આપણને ગુજરાતી હોવાનું ગૌરવ અપૂર્ણ અને ઉપરછલ્લું છે. ગુજરાતી પ્રજા માટે નવ સાક્ષરરત્નોની સાક્ષરભૂમિ, સંતરામ મંદિરની સંસ્કાર નગરી, વલ્લભાઈ, વિઠ્ઠલભાઈ, ઈન્દુલાલ યાજ્ઞિક, બાબુભાઈ જશભાઈ પટેલ, દિનશા પટેલ અને ધર્મસિંહ દેસાઈ જેવા ધુરંધર રાજકીય આગેવાનો, ૨૪૦ થી વધારે સાહિત્ય સર્જકો જ્ઞાતિઓ સાથે ‘ખડાયતા’ શબ્દ જોડીને આગવી ઓળખ જાળવવા મથતા અનેક સમાજ અગ્રણીઓના આ નગરમાં નવજાગરણ થાય અને ગુજરાતી ભાષા, સાહિત્યનો અમૂલ્ય ખજાનો સાચવીને બેઠેલા આ નગરમાં આપણે અનેક વસ્તુઓનું રક્ષણ કરવાનું છે, તેનો વિકાસ કરી તે વિરાસતને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત વિશ્વકોશ, સાક્ષરોનો વંશ-વારસો સહિત સૌ સહિયારો પુરુષાર્થ કરે તો વિસરાતા વારસાને જાળવી રાખવાનું કામ સરળ છે. સૌથી પ્રથમ શરત એ છે કે આ ભવ્ય વારસાથી સૌને પરિચિત કરીએ. ગુજરાતી તરીકે સાક્ષરયુગનો અદ્‌ભૂત અક્ષરદેહ તરોતાજો કરીને ૭ કરોડ ગુજરાતીઓ સુધી પહોંચાડીએ. નડીયાદના પ્રાચીન ઈતિહાસથી શરુ કરી વર્તમાન સુધીની મહત્ત્વની ઘટનાઓ, વ્યક્તિઓ અને સર્જનોનો સચોટ પરિચય થાય તે માટે આધુનિક ટૅકનોલોજીના ઉપયોગ સાથે યુવાપેઢીને આકર્ષણ થાય તેવા વાતાવરણનું નિર્માણ કરીએ.

નડીયાદના વતનીઓનો ફિલ્મ ઉદ્યોગ સાથે દીર્ઘ અને અર્થસભર રહ્યો છે. ‘નડીયાદવાળા’ કુટુંબ દ્વારા અનેક ફિલ્મોનું નિર્માણ થયું છે. આશ્ચર્ય એ વાતનું છે કે મહાગુજરાતના શિલ્પી ઈન્દુચાચાએ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવી ૧૦ ચલચિત્રોનું નિર્માણ કરેલું. મોગલે આઝમના લોકપ્રિય ગીત ‘માહે પનઘટ પે નંદલાલ છોડ ગયો રે’ના ગીતકાર નડીયાદના શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ હતાં. તેના આ ગીતની ઉઠાંતરી કે આસિફ અને તેના ગીતકારોએ કરેલી. કોપીરાઈટનો કેસ રઘુનાથ બ્રહ્મભટ્ટ જીતી ગયા હતાં. રાજકપૂરની ખૂબ લોકચાહના મેળવનાર ‘બોબી’નું ગીત ’જૂઠ બોલે કૌવા કાટે’ના કવિ વિઠ્ઠલભાઈ પટેલ મધ્યપ્રદેશના નિવાસી પણ મૂળ નડીયાદના ૧૯૧૭માં ગુજરાત રાજકીય પરિષદના ગોધરા અધિવેશનમાં બાલ ગંગાધર ટિળક, મહમદઅલી ઝીણા અને મહાત્મા ગાંધી એક મંચ પર હતાં. પરિષદના મંત્રીઓમાં બે નડીયાદી શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક વરિષ્ઠ હતા અને તેમના જુનિયર હતા શ્રી વલ્લભાઈ ઝવેરભાઈ પટેલ. શ્રી ઈન્દુલાલે મતભેદ થતાં ગુજરાત રાજકીય પરિષદમાંથી રાજીનામું આપ્યું ત્યારે તેમની પ્રશંસા કરતાં વલ્લભાઈને ગળે ડૂમો ભરાયો હતો અને આંખોમાંથી અશ્રુ વહ્યા હતાં. હવે નડીયાદ મહાનગર બની નૂતનપંથે સતત વિકસતું રહે તેવી અભ્યર્થના...

Comments

Popular posts from this blog