કચ્છ : વિકાસના માર્ગે કે પ્રગતિના પંથે

                                                                 - પ્રવીણ ક. લહેરી

ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત અને આંતરરાષ્ટ્ર્‌ીય અર્થશાસ્ત્રની શિબિરો, સંશોધનો અને પુસ્તકોમાં જેમના નામની નોંધ લેવાય છે તેવા શ્રી પ્રવીણ વિસારીઆનું ૯મું સ્મૃતિ વ્યાખ્યાન તાજેતરમાં યોજાયું હતું. આજે આપણે ભૌતિક વિકાસની ચકાચોંધમાં છીએ ત્યારે કયાં વિકાસ ? કોનો વિકાસ ? કોને ફાયદો ? કોને નુકશાન ? જેવા સરળ પ્રશ્નો પૂછતા પણ મુંઝાઈ જઈએ છીએ. વિકૃત મૂડીવાદના દુષ્પ્રભાવોને ઉજાગર કરવા તે અપરાધ હોય તેવા વાતાવરણમાં સ્મૃતિ વ્યાખ્યાન માટે આયોજકોએ કચ્છના જાણીતા કાર્યકર શ્રી લાલજી ગડા (અધા)ને નિમંત્રણ આપ્યું. શ્રી લાલજી ગડાનું સૌમાં જાણીતું અને વ્હાલસોયુ સંબોધન એટલે ‘અધા’ કિશોરાવસ્થામાં નાટકમાં (અદાની) (દાદા, પિતામહ) ભૂમિકા કરી ત્યારથી તેમની ઓળખ ‘અધા’ નામના બે શબ્દોમાં સમાઈ ગઈ છે. કચ્છમાં ‘અધા’ શબ્દનો અર્થ માત્ર વડીલ જેવો નથી રહ્યો. ‘અધા’ એટલે નોખી માટીના નોખા માણસ. ‘અધા’ એટલે માનવતા, સંવેદના અને ન્યાયપ્રિયતાનો ત્રિવેણીસંગમ. અધા એટલે કચ્છીઓ માટે અડધી રાત્રે આફત આવે તો હોંકારો કરીને બોલાવી શકાય તેવા સ્વજન. ગુજરાતની લોકસેવાની પરંપરાને ઉજાળના અનેક જનસેવકોમાં અધાનું નામ મોખરે આવે કારણ કે તેમણે નરસિંહ મહેતાની પંક્તિ ‘‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.; પરદુઃખે ઉપકાર કરે તો ય મન અભિમાન ના આણે રે’’ ને સાર્થક કરી છે. કચ્છ એટલે સૌથી અનોખો પ્રદેશ. ગુજરાતનો ૨૫ ટકા જેટલો ભૂભાગ અને કેરાલા રાજ્ય જેટલો વિસ્તાર ધરાવતો આ જિલ્લો આજે ગુજરાતમાં એક વિકસીત જિલ્લો ગણાય છે.

અધાએ ૧૯૫૦ થી આજસુધીના ૭૩ વર્ષના કચ્છના ઈતિહાસનું વર્ણન કરતાં ચાર મુદ્દાઓ ઉજાગર કર્યાં છે.

૧. કચ્છનું અર્થતંત્ર અગાઉ ખેતી, પશુપાલન અને હસ્તકલા-હાથસાળ પર અવલંબતું હતું.

૨. દસ વર્ષમાં ૬-૭ દુષ્કાળો, ક્યારેક તો ત્રણ-ત્રણ વર્ષ ઉપરાછાપરી દુષ્કાળોના કારણે કચ્છની પ્રજા માટે સ્થળાંતર કરવાનો એક જ વિકલ્પ હતો. પશુઓ માટે પાણી-ચારો મેળવવા ૧૨૦૦ થી ૧૫૦૦ કિ.મી. યાત્રા કરતાં માલધારીઓ, ખેતી-મજૂરી માટે હિજરત કરતાં ખેડૂતો, ધંધાના અભાવે મુંબઈની વાટ પકડતાં નાના વેપારીઓની સ્થિતિનું સંવેદનાસભર વર્ણન જ્યારે ‘અધા’ના શબ્દોમાં અને તેમની આગવી શૈલીમાં ઉજાગર થાય ત્યારે આપણને ઝાકમઝોળ દેખાતી પ્રગતિ અને માનવીના સાચા વિકાસની જરૂરિયાતો વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાય છે.

૩. કચ્છની મૂળ સમસ્યા પાણીનો અભાવ, વરસાદનું અલ્પ પ્રમાણ અને અનિયમીતતા, ઓછી આવક અને વ્યાપક ગરીબીને કારણે લોકોને પડતી મુશ્કેલી અને કચ્છીઓએ વિપરીત સંજોગોમાં કરેલ સંઘર્ષની ગાથા અનોખી અને ગૌરવવંતી છે.

૪. ૧૯૯૦ સુધી કચ્છના વિકાસ માટે સરકારે કંડલા બંદરમાં મૂડીરોકાણ, હાથસાળ-હસ્તકળાના માલના વેચાણ માટે કરેલ યોજના સિવાય ખાસ કશી વિકાસલક્ષી કામગીરી થઈ ન હતી.

૧૯૯૦માં સમગ્ર દેશમાં થયેલ ઉદારીકરણ અને વૈશ્વિકરણની પ્રક્રિયાનો પ્રભાવ કચ્છના અર્થતંત્ર પર પડ્યો છે. મુન્દ્રા પોર્ટ, ફ્રી ટ્રેડ ઝોન અને સીમેન્ટ કંપની સાથે કચ્છના ઔદ્યોગિકરણની શરુઆત થઈ હતી. ૨૦૦૧માં આવેલા મહાભૂકંપ બાદ કચ્છમાં આંતરમાળખાકીય વિકાસ, ઉદ્યોગોની સ્થાપના, ખનીજની નિકાસ સહિત આર્થિક વિકાસનો દર ઊંચો રહ્યો છે. કમનસીબે આ ઔદ્યોગિકરણે ચોક્કસ સમસ્યાઓ પણ પેદા કરી છે. વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છમાં જમીનોની કિંમત ઓછી હતી. વિકાસ સાથે જમીનોની કિંમત આભને આંબી છે. સામાન્ય સ્થાનિક માણસ માટે જમીન ખરીદવાનું કામ હવે દિવાસ્વપ્ન સમાન બની ગયું છે. કચ્છમાં ઉદ્યોગોના વિકાસ સાથે સમાજમાં જબરજસ્ત ફેરફારો આવ્યા છે તેની વિગતો સમજાવતાં ‘અધા’એ અફસોસ વ્યક્ત કર્યો કે દેશના અન્ય ભાગોમાંથી પેટીયું રળવા માટે આવેલા મજૂરોની-શ્રમિકોની સ્થિતિ દયનીય છે. શોષણ, કાયદાના પાલનમાં ઢીલાશ અને કાળજીના અભાવે આ શ્રમિકો અનેક અધિકારો અને સવલતોથી વંચિત રહ્યા છે. આપણા બંધારણે બક્ષેલા મુળભૂત અધિકારોનો મૂડીવાદીઓ દ્વારા થતો ખુલ્લો અનાદર અને તેમના શોષણ, સલામતિ, શિક્ષણ, આવાસ, આરોગ્ય અંગે સરકાર અને સમાજ આંખ આડા કાન કરે છે અને કોઈના પેટનું પાણી હલતું નથી. આ સ્થિતિ ચિંતાજનક છે. ગમે તેટલી પ્રગતિ આંકડામાં રજૂ થાય, કચ્છનું ગુલાબી ચિત્ર આપણી સમક્ષ આવે પણ વાસ્તવિકતાનો જો વિચાર જ ન કરવાના હોઈએ તો તે શાહમૃગી નીતિ જ ગણાશે.

કચ્છના લાઈમસ્ટોન, લિગ્નાઈટ, બોકસાઈટ, બેન્ટોનાઈટ જેવા ખનીજની વૈશ્વિક માંગ છે. નિકાસની રકમ પણ ખૂબ મોટી છે પણ સ્થાનિક લોકોને તેનો લાભ નથી. ૧૯૩૦ની દાંડી કૂચ બાદ બ્રિટીશ ઈજારાશાહી હેઠળનું મીઠું સામાન્ય માણસને ઉત્પન્ન કરવાની છૂટ મળી. ગુજરાતનો મીઠા ઉદ્યોગ વિશ્વનું ૫૦ ટકા મીઠું પકવે છે. અનેક ઉદ્યોગો, વેપારીઓ, વાહન માલિકો અને વચેટીયાઓ મીઠામાંથી સારી કમાણી કરે છે. મીઠાના અગરમાં નાના પ્લોટ ધરાવતા કે મજૂરી કરતાં ‘અગરિયા’ની હાલત છેલ્લા ૯૦ વર્ષમાં સુધરી નથી તે હકીકત છે. અગરિયાની હાલતનું ભાવવાહી વર્ણન કરતાં અધાએ આપણા વિકાસ પ્રતિના અભિગમમાં રહેલો વિરોધાભાસ અને આર્થિક વિકાસના માપદંડમાં માનવીય સ્થિતિની ઉપેક્ષા અંગે વેધક પ્રકાશ પાડ્યો. અધાની પ્રવચનશૈલીમાં અનુભવનો રણકો છે, સંવેદનાની સ્નિગ્ધતા છે અને પ્રતિબદ્ધતાનો પડકાર છે. અધા પ્રવચનમાં ગળે ડૂમા ભરાતા જે વાક્યો અડધા છોડી દે છે તે બ્રહ્મમોસ મિસાઈલ જેમ શ્રોતાના દિલ અને દિમાગ સુધી સચોટ રીતે પહોંચે છે.

ધોળાવીરાના પ્રવાસન સ્થળે પુરાતત્ત્વ ખાતાએ પાણીના મૂલે સંપાદન કરી બેરોજગાર બનેલા ખેડૂતોની વ્યથા હોય કે એક કારીગર રૂપિયા એક લાખની લોન માટે ટળવળીને બેંકોની જડતાનો ભોગ બની હતાશ થઈને સ્થળાંતર કરતો હોય, પાણીના કૂવા માટે સરકારી જમીનનો અરજદાર હોય કે સરકારી તળાવના રીપેરના અભાવે નોંધપાત્ર આવક ગુમાવનાર ખેડૂત હોય, અધા તો ભાંગ્યાના ભેરુ છે. પ્રવચનમાં જ અસરગ્રસ્તોને હાજર રાખી શ્રોતાઓને તેનો પરિચય આપતા અધાની વાત સૌને ગળે ઉતરી જાય છે. સિવાય કે સરકારી તંત્ર, બેંક કે મૂડીવાદી ઉદ્યોગપતિઓ, અધાએ ઉદ્યોગ-પ્રવાસનમાં અંગે કચ્છમાં થયેલી પ્રગતિને આવકારતાં સાથે સાથે એ પ્રશ્ન કર્યો કે આર્થિક પ્રગતિના ફળો કોને મળ્યા ? કોણે જહેમત કરી અને કોણે દૂધની મલાઈ તારવી લીધી ? આપણે શું મેળવ્યું ? છેવાડાના માનવીએ શું ગુમાવ્યું ? આ પ્રશ્નો અગવડભર્યા તો છે પણ તેનો ઉલ્લેખ ટાળવો તે તો કદરુપા દેખાવાના ભયે અરીસામાં મોંન જોવા જેવી હરકત છે. અધા એટલે જમીન સાથે જોડાયેલા માણસ. સામાન્ય જનની વ્યથા સહજતાથી આત્મસાત્‌ કરતા અધા ગુજરાતના સેવાક્ષેત્રનું આભૂષણ છે. વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ૭૫૦૦ ગરીબોને આત્મનિર્ભર થવા દસ કરોડનું ફરતું ફંડ ઉભું કરવાની સિદ્ધિ હોય કે સખાવતી વ્યક્તિઓ દ્વારા જનકલ્યાણના કામમાં સહયોગ હોય, અધા ઉમળકાભેર તેનો ઉલ્લેખ કરે છે. અધાનો લોકો સાથે સીધો સંવાદ છે. લોકોને એક વાતનો ભરોસો છે કે અધા તેમને અધવચ્ચે છોડી નહીં દે. અધા પોતાની તમામ શક્તિથી મદદરૂપ થશે જ. સામાન્ય લોકો સાથે ‘અધા’ની આત્મિયતાની સરખામણી ડાંગના ઘેલુભાઈ નાયકની, ડૉ. નવનીત ફોજદારની કે ઠક્કરબાપાની આદિવાસીઓ સાથેની આત્મિયતાનું સ્મરણ કરાવે છે. અધાનો સંવેદનાનો સંવાદ ગાંધીયુગ હજી જિવંત છે તેનો સચોટ પૂરાવો આપે છે.

ગુજરાતી સાહિત્યમાં અનેરું પ્રદાન કરનાર શ્રી જોસેફ મેકવાને દલિતોની સ્થિતિ, સમસ્યા અને સંઘર્ષનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. પોતાના જીવનમાં જેમની માતા-પિતા તૂલ્ય હુંફ મેળવીને ગૌરવ અનુભવનાર જોસેફ મેકવાનનું અધાનું શબ્દચિત્ર અને પ્રસંગોનું વર્ણન અધાની સાચી ઓળખ આપે છે. અધા અને તેમના અર્ધાંગિનીનું જીવન એટલે સંવેદનાનો શાંત સમુદ્ર અને માનવતાના મૂલ્યોનો મહાસાગર છે. ‘‘હું સેવા કરું છું’’,  ‘‘હું અન્યને મદદરુપ થાઉં છું.’’, ‘‘મારા કામની કદર થવી જોઈએ’’ આવા વાક્યો અને અધા વચ્ચે જોજનોનું અંતર છે. નમ્રતા, નિરાભિમાન, નીડરતા, નિખાલસતા અને નિઃસ્વાર્થનું પંચામૃત એટલે અધાનું વ્યક્તિત્વ.

શ્રી પ્રવીણ વિસારીઆએ અર્થશાસ્ત્રમાં આધારભૂત અને અંત્યોદયમાં ઉપયોગી તેવા તેમના સંશોધનોથી ગુજરાત અજાણ રહ્યું છે. તેમને વિસરી જવા સહેલા છે પણ એ વિસ્મૃતિની ખૂબ મોટી કિંમત આપણી ભાવિ પેઢીએ ચૂકવવી પડશે. જ્ઞાની, અનુભવી અને નિસ્બત ધરાવતા લોકો આજે હાંસિયામાં ધકેલાય રહ્યા છે. ‘સૂંઠના ગાંગડે ગાંધી’ થવાની કહેવત સાર્થક કરતાં બનાવટી હોદ્દેદારો, બહુરૂપિયાઓ અને સત્તા અને સ્વાર્થમાં લપસેલાં લોકો ભલે સફળ દેખાય. યુવાપેઢીને ક્યારેક રોલ મૉડેલ તરીકે દેખાય પણ પ્રવીણ વિસારીઆ અને અધા જેવી પ્રતિબદ્ધતા વગરના આપણે ક્યાંક આપણું કર્તવ્ય ચૂકીએ છીએ. એક પ્રેરક વ્યક્તિના નિખાલસ પ્રવચને નવમા સ્મૃતિ વ્યાખ્યાને એક નવી ઊંચાઈ બક્ષી છે તેમ કહેવામાં મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે.

Comments

Popular posts from this blog