માનવીની આગવી વિશેષતા : સર્જનાત્મકતા
- પ્રવીણ ક. લહેરી
આ પૃથ્વી પર સજીવોની ઉત્પત્તિ થઈ અને ઉત્ક્રાંતિ દ્વારા કે અન્ય રીતે જીવસૃષ્ટિમાં જે વિવિધતા આવી, દરેક જાતિ-પ્રજાતિનો ચોક્કસ માત્રામાં વિકાસ થયો તે ઘટના આશ્ચર્ય પમાડે તેવી છે. જગત પર પોતાનું આધિપત્ય સ્થાપનાર માણસની પ્રગતિ માટે તેની બુદ્ધિમત્તાને યશ આપવામાં આવે છે. બુદ્ધિનું મહત્ત્વ અને તેની અગત્યની ભૂમિકા નકારી શકાય તેમ નથી. વિશ્વની ૮ અબજની વસ્તીમાં દરેક પાસે બુદ્ધિ-ચાતુર્ય હોય છે તો પણ મોટાભાગના લોકો તેના થકી પોતાની રોજિંદી જિંદગી જીવે છે. તેમના જીવનનો સાર જન્મ્યા, ઉછર્યા, ખાધું-પીધું, લગ્ન કર્યા, પરિવારનું પોષણ કર્યું, નોકરી-ધંધો કર્યો, નિવૃત્ત થયા અને મૃત્યુ પામ્યા. આ તો જીવનની ઘટમાળ છે. સુખ અને દુઃખની કડીઓથી બનેલી જીવનની સાંકળ આપણને માયાના છ પ્રકારના ભાવોથી એક અદૃશ્ય બંધનમાં રાખે છે. મોહ, લોભ, કામ, ક્રોધ, મદ અને ઈર્ષ્યા તેમજ સત્વ, રજસ્્ અને તમસ્ ગુણોથી પ્રેરિત આપણામાંના ઘણાં લોકો ચીલાચાલુ જીવન જીવે છે.
માનવજાતિના વિકાસમાં - સશક્તિકરણમાં અને અનેકવિધ સિદ્ધિઓમાં બુદ્ધિમતા સાથે સર્જનાત્મક શક્તિનો ફાળો અનન્ય છે. માનવીની સર્જનાત્મક શક્તિના કારણે માણસે અનેક જટીલ મુશ્કેલીઓ હલ કરી વિકાસના માર્ગે યાત્રા ચાલુ રાખી છે. સર્જનાત્મકતાની સામાન્ય રીતે સ્વીકૃત વ્યાખ્યા એ છે કે વ્યક્તિમાં વિશેષ પ્રકારની રુચિ, શક્તિ દ્વારા આપણને એક મૌલિક અને ઉપયોગી વસ્તુ કે પદ્ધતિની ભેટ મળે છે. મુનિ પતંજલિએ અષ્ટાંગ યોગ દ્વારા માનવશરીર અને મનને સ્વસ્થ રાખવા જે યોગ પદ્ધતિનું નિરુપણ કર્યું તે સર્જનાત્મકતાનો એક ઉત્તમ દાખલો છે. ભારતમા મંદિર નિર્માણમાં માત્ર ચોક્કસ પ્રકારની આકૃતિ અને પત્થરોની ગોઠવણીથી (કોઈ અન્ય પદાર્થના ઉપયોગ વિના) હજારો ટન પત્થરો એકમેક સાથે સેંકડો વર્ષ જોડાયેલા રહે તે કાર્ય આજે પણ આપણને વિસ્મય પમાડે છે. આપણા દેશની અનેક વિરાસતો છે જેના બાંધકામનો આપણે અભ્યાસ કરીએ ત્યારે સ્પષ્ટ રીતે જણાય છે કે આપણા પૂર્વજોએ અનેક ક્ષેત્રમાં સંશોધન, ગણતરી અને સર્જનાત્મકતા દ્વારા અદ્ભૂત નિર્માણ કર્યું છે. આપણે ગુજરાતીઓ પાટણના પટોળા માટે ગૌરવ લઈએ છીએ. કહેવત છે; ‘‘પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં’’ વસ્ત્ર પર રંગકામ, ભરતકામ વગેરે થાય છે. વણાટ થકી નીતનવી ડિઝાઈનો બનાવી શકાય છે પણ પાટણના પટોળાનું નિર્માણ એટલું સહેલું નથી. વણાટમાં તાણો (ઉભા તાર) અને વાણો (આડા તાર) હોય છે. તાણાંની વચ્ચેથી વાણો સાદી રીતે પસાર થાય તો આપણને સાદું વણેલું કાપડ મળે છે. પાવડી દ્વારા ડોબી દ્વારા આપણે વણાટની અનેક ડિઝાઈનોનું નિર્માણ કરી શકીએ છીએ. પાટણના પટોળામાં વાણાના તારને ચોક્કસ અંતરે અને તાણાના તારને ચોક્કસ જગ્યાએ એવી રીતે રંગવામાં આવે છે કે વણાટથી હાથી, ફૂલ, સ્વસ્તિક સહિત અનેક પ્રતિકો આપોઆપ ઉપસી આવે છે. આ કામ કરવા અગાઉ જાપાન, અમેરિકા, યુરોપના ડિઝાઈનરોએ મહેનત કરી હતી પણ તેની નકલ કે વિકલ્પ શોધી શકાયો ન હતો. જો કે આજે ડિજીટલ ટૅકનોલોજી બાદ તાણા-વાણાને ચોક્કસ જગ્યાએ રંગવાનું શક્ય છે. તાણા અને વાણાથી ગુંથાયેલી ડિઝાઈનવાળું કાપડ ફાટે ત્યારે જ નષ્ટ થાય છે અન્યથા તે જળવાય રહે છે. આપણે જેમને વિશ્વકર્માના વારસો માનીએ છીએ તેવા અનેક કસબીઓ, માટી, લાકડાં, ધાતુ અને પત્થર થકી જે સર્જન કરે છે તે આપણા અર્થતંત્રમાં હાથ કલાકારીનું મહત્ત્વ દર્શાવે છે. કમનસીબે આમાંની ઘણી કલાકારીઓ આધુનિક ટૅકનોલોજીની સુનામીમાં લુપ્ત થઈ રહી છે.
સર્જનાત્મકતા એટલે કશુંક નવું જ, આગવી રીતે કરેલું કામ. સ્થપતિઓ, ગણિતશાસ્ત્ર, વૈજ્ઞાનિકો, શિક્ષકો વગેરે માટે સર્જનાત્કમતા જ તેમને વિશિષ્ટ કક્ષામાં મૂકે છે. ભારત સહિત ઈરાન, ઈરાક, ગ્રીસ, ઈજિપ્ત, ચીન વગેરેમાં નદીઓના કાંઠે જે સભ્યતાઓ પાંગરી છે તેમાં તે સમયના લોકોની સર્જનાત્મકતા મહત્ત્વનું પરિબળ હતી. રોમન સામ્રાજ્યમાં તો અનેક નવા નવા આવિષ્કારોએ તેમજ રોમન લોકોની સજ્જતા અને સર્જનાત્મકતાએ વિશ્વના ઈતિહાસમાં નોંધપાત્ર વિકાસના સોપાન સર કર્યાં હતાં. ભારતમાં મૌર્ય શાસન, ચીનના સમ્રાટો અને ઈજિપ્ત-ઈરાન-ઈરાકના શાસકોએ શોધખોળને પ્રોત્સાહિત કરી હતી.
કમનસીબે મધ્યગુગમાં યુરોપ રુઢિવાદી ખ્રિસ્તી પાદરીઓની અંધશ્રદ્ધા અને દુરાગ્રહોએ અનેક વૈજ્ઞાનિક શોધોને રુંધી નાખી અને તે સંશોધકો પર અમાનુષી અત્યાચાર કરી તેમની સર્જનાત્મકતાને કચડી નાખી હતી. નવજાગરણથી અને ધર્મને બુ્દ્ધિની કસોટીએ ચડાવીને યુરોપે જે વિજ્ઞાન-ટૅકનોલોજી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેના મીઠાં ફળો આજે સમગ્ર માનવજાત માણી રહી છે. ૧૮મી સદીથી શરુ કરીને ૨૧મી સદી સુધીમાં યુરોપ-અમેરિકાએ જે ટૅકનોલોજી વિકસાવી તેના કારણે માનવજાતિની જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. છેલ્લા ૪૦૦ વર્ષનો ઈતિહાસ અનેક પરિવર્તનો દ્વારા થયેલી અકલ્પ્ય સિદ્ધિઓનો સાક્ષી છે. આજે આપણે આપણા ઘરમાં અનેક સાધનો વાપરીએ છીએ. ફ્રીજ હોય કે ઓવન, કાર હોય કે બાઈક, નેઈલકટર હોય કે મિકસર, ડિટર્જન્ટ પાવર હોય કે ઘરઘંટી. આની યાદી કરવા બેસીએ તો ખ્યાલ આવે કે આપણી નાનામાં નાની જરૂરિયાતો માટે વિજ્ઞાન-ટૅકનોલોજીએ કેટલી મોટી મદદ કરી છે.
આપણું જીવન અનેક ઉપકરણોના કારણે સરળ અને આનંદદાયક બન્યું છે. હવે તમે કોઈપણ વસ્તુઓ ઉપયોગ કરો તો તે વસ્તુ કોણે, ક્યારે શોધી તે ગુગલ મહારાજને પૂછી લેજો. અનેક સર્જનાત્મક લોકોના પુરુષાર્થે આપણને જીવનમાં સવલતો આપી છે, વૈભવી લાગણીઓ આપી છે, શક્તિ આપી છે, શ્રમનો બચાવ કર્યો છે. વિશ્વમાં અંતર ઓછામાં ઓછા સમયમાં પાર કરી સંચાર માધ્યમો, પ્રવાસ, સંવાદ અને અરસપરસના વ્યવહારમાં જે ત્વરા અને ચોકસાઈથી કામ થઈ શકે છે તે ટૅકનોલોજીને આભારી છે.
આજનો યુગ ‘ડિજીટલ યુગ’ તરીકે ઓળખાય છે. અગાઉ ટેલીગ્રામ (તાર)ની આપ-લેમાં અક્ષરો ‘‘કડ, કટ’’ના અવાજથી સંદેશો પાઠવતાં હતાં. આજે ઊં અને ૦ ના બાયેનરી ગણિતથી શબ્દો જ નહીં પણ અવાજ અને ચિત્રની આપ-લે શક્ય બની છે. તેનાથી ડિજીટલ વ્યવહારોની સંખ્યા રાજકુમારી જેમ ‘‘દિવસે ન વધે તેટલી રાત્રે વધે અને રાત્રે ન વધે તેટલી દિવસે વધે’’ તેવો ઘાટ થયો છે. આપણી યુવાપેઢી માટે તો ટેલીવિઝન, અગણિત ચેનલો, કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઈલ અને તેની અગણિત એપ્લીકેશનો વિનાની દુનિયાની કલ્પના કરવી અશક્ય છે. અગાઉ ટૅકનોલોજીની શોધોનો ઉપયોગ મર્યાદિત રહેતો હતો. ઉદાહરણ તરીકે આજથી ૪૦ કે ૫૦ વર્ષ પહેલાં કેટલા લોકો વિમાની પ્રવાસ કરી શકતા હતાં ? આજે તો દરરોજ લાખો લોકો આપણાં દેશમાં વિમાનની મુસાફરી સહજ રીતે કરે છે. વિમાની મથકે વરિષ્ઠ નાગરિકો, સાધુ-સંતો, મુલ્લાઓ, કિસાનો, પરંપરાગત પહેરવેશમાં ગ્રામીણ પ્રજાને, મહિલાઓ અને બાળકોને મોટી સંખ્યામાં જોઈએ ત્યારે આપણે ક્યાં હતાં અને ક્યાં પહોંચી ગયા તેની સરખામણી કરવાનું મન અવશ્ય થાય.
સર્જનાત્મકતાનો અભાવ આજે યુરોપની પ્રગતિને રુંધી રહ્યું છે. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર જેવા દેશોમાં ઉત્પાદનોની વિવિધતા, ઓછો ખર્ચ, કાર્યકુશળતા માટે અનેક લોકોની સર્જનાત્મકતા કારણભૂત છે. ભારત માટે પણ સર્જનાત્મકતા ક્ષેત્રે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે નવા સ્ટાર્ટઅપ અને યુનિકોર્નની સફળતાએ વિશ્વનું ધ્યાન દોર્યું છે. કોરોનાના પ્રતિકારમાં ભારતે વિકસાવેલી ‘રસી’ દ્વારા દવા ક્ષેત્રે ભારતે જે હરણફાળ ભરી છે તેનો સૌને સાચો અંદાજ આવ્યો છે. ચંદ્રયાન, મંગળયાન અને સૂર્યની સપાટીના સંશોધન માટે અવકાશ વિભાગે જે સિદ્ધિ હાંસલ કરી છે તેમાં આપણા મહિલા વૈજ્ઞાનિકો સહિત અનેક લોકોની સર્જનાત્મકતા ઉજાગર થઈ છે. અણુ અને પરમાણુ સંશોધનમાં, સૉફટવેર વિકસાવવામાં અને મિસાઈલે તૈયાર કરવામાં જે સફળતા મેળવી છે તેની ઈર્ષ્યા વિકસીત દેશોને થાય છે.
સર્જનાત્મકતા એ માત્ર ઈશ્વરની દેણ નથી. દરેક વ્યક્તિમાં સર્જનાત્મકતા સુષુપ્ત સ્વરુપે મોજુદ છે જ. તેને ઓળખીને વિકસાવવાનો પડકાર મહત્ત્વનો છે. ૧૪૫ કરોડની વસ્તી સાથે આપણે જ્યારે વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બન્યા છીએ. ૬૦ ટકા જેટલી કામ કરવાની ઉંમરમાં છે ત્યારે માનવધન - માનવશક્તિ અને માનવી સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ થાય તો ભારત વિશ્વ માટે અનેક ચમત્કારો સર્જી શકવાની ક્ષમતા ધરાવે છે. આપણા દેશની વસ્તીનો દરેક માણસ કે તેના વતી આપણે એક એક ફળાઉં વૃક્ષ વાવીએ, થોડો વિસ્તાર ચોખ્ખો ચણાક કરીએ, ઉત્પાદનમાં કાર્યક્ષમતા વધારીએ, એક કલાક વધારે પરિશ્રમ કરીએ, દરરોજ નાની નાની બચત કરીએ તો તેનો પ્રભાવ કેટલો મોટો પડે તે વિચાર જ રોમાંચિત કરે તેવો છે.
Comments
Post a Comment