કચ્છ : ગુજરાતની કામધેનુ અને કલ્પવૃક્ષ
- પ્રવીણ ક. લહેરી
ગુજરાતીનો એક પ્રચલિત દૂહો કચ્છની વિશેષતાનો મહિમા કરે છે. ‘‘શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષામાં વાગડ ભલો, કચ્છડો બારે માસ’’ કચ્છનો પ્રદેશ અનેક રીતે અનોખો છે. એક સમયે સિંધુ નદીના જળથી પલ્લવિત કચ્છ સૂકો, દુષ્કાળગ્રસ્ત પ્રદેશ બની ગયો. કર્કવૃત પસાર થતાં આ વિસ્તારે ઉપરાછપરી દુષ્કાળો જોયા, અરબી સમુદ્રમાં ઉદ્ભવતા વાવાઝોડાઓએ ક્યારે કચ્છની દિશા પકડી અને વિનાશ વેર્યો. પાણીની તીવ્ર તંગી, ખેતીમાં પાકની નિષ્ફળતાએ કચ્છના લોકો માટે સૈકાઓથી હિજરત કરી ગુજરાન ચલાવવાની નોબત આવી. પૂર્વ આફ્રિકાના કમ્પલા, નૈરોલી શહેરો હોય કે દૂરદરાજના ગામડાંઓ. કચ્છી લોકોએ ત્યાં વતન બનાવ્યું. ઇંગ્લેન્ડમાં પણ પૂલોના બાંધકામમાં કચ્છી કડિયા-કારીગરોનું પ્રદાન નોંધપાત્ર હતું. વેલ્સ પ્રાંતની રાજધાની કારડીફમાં આજે આ કારીગરોની ચોથી પાંચમી પેઢી ઘરમાં કચ્છી બોલી બોલે છે. તેઓને ગુજરાતી લિપી વાંચતા નથી આવડતી પણ નવરાત્રિ, મકરસંક્રાંત, જન્માષ્ટમી, રામનવમી જેવા ઉત્સવો રંગેચંગે ઉજવે છે. ૧૯૮૫ની કારડિફની નવરાત્રિના સ્મરણો આજે ૩૯ વર્ષ બાદ પણ મારા માનસપટલ પર તાજા જ છે. મુંબઈમાં અનાજ-કરિયાણાની દુકાન હોય કે કાપડ - તૈયાર કપડાંનો વેપાર, બાંધકામ કે સિનેમા, કચ્છીઓની હાજરી સર્વત્ર વર્તાય.
કચ્છમાં એક સમય એવો હતો કે કચ્છમાં વસતી પ્રજાની સંખ્યા ૬.૫ લાખ હતી. તે સામે લગભગ ૮ લાખ કચ્છી મૂળના લોકો દેશના અન્ય ભાગોમાં અને વિદેશોમાં વસતાં હતાં. દુષ્કાળની સ્થિતિમાં પણ કચ્છના માલધારીઓએ મહેસાણા નસલની ભેંસો અને કાંકરેજી નસલની ગાયોનું પાલન-પોષણ કરી જે સંવર્ધનની કામગીરી કરી છે તેની યોગ્ય નોંધ લેવાાં આવી નથી. ૧૯૬૦-૧૯૭૦ના દાયકામાં કચ્છમાં પાણી અને છાસના અભાવે માલધારીઓ પશુઓ સાથે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર્ના કોંકણ વિસ્તાર સુધી પગપાળા જતાં હતાં. ક્યારેક સારો વરસાદ કે ક્યારેક ફરી પાછો દુકાળ. કચ્છના માલધારીઓએ પશુપાલન માટે જે અગવડો ભોગવી છે, સંઘર્ષ કર્યો છે અને સતત પુરુષાર્થ કર્યો છે તેના સાક્ષી તરીકે હું નિઃસંકોચ કહી શકું કે કુદરતના કહેર સામે કેમ ઝીંક ઝીલવી અને મન મજબૂત તેમજ પ્રસન્ન રાખીને મુશ્કેલીઓમાંથી બહાર આવવું તેનું સાચું જ્ઞાન મેળવવું હોય તો આ માલધારીઓ પાસેથી મળી શકે. ઊંટ પર લાદેલા સામાન અને પરિવાર સાથે ભરઉનાળે કાળા કામળા ઓઢીને હાઈવે પર પશુઓ સાથે જતાં ભરવાડો/રબારીઓને જતાં જોવાનો લ્હાવો હવે જવલ્લેજ મળે છે. આ વિચરતી પ્રજા સાથે ગામનું પણ સ્થળાંતર થતું રહે. એક માત્ર કચ્છમાં જ આવો પ્રશ્ન થાય કે ફલાણું ગામ હાલ ક્યાં બેસે છે ? બન્નીના વિશાળ ઘાસીયા મેદાનો, મહાજનના દાનથી બનેલા ગ્રામીણ તળાવો, અનેક પ્રકારના વૃક્ષો, ખજૂર અને તાડના ઝાડો, વાવાઝોડા સામે રક્ષણ આપે અને હવામાનની ઓછામાં ઓછી અસર થાય તેવા ગોળ મકાનો - ભુંગાઓ, ઉનાળાની ધગધગતી ગરમીમાં કચ્છના રણમાં થતી ભ્રાંતિ અને ઝાંઝવાના જળ જેમ સાવ કાલ્પનિક પણ વાસ્તવિક લાગતા દૃશ્યો, રણના વિંછીઓ, સાપ અને વન્ય જીવો વગેરે નિહાળીએ ત્યારે અભિભૂત થઈને બોલી ઉઠીએ : ‘‘કચ્છમાં છે તેવું બીજે ક્યાંય નથી.’’ પ્રવાસન માટેનું અમિતાભ બચ્ચનને મોંઢે બોલાયેલું સૂત્ર : ‘‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’’ અનકે રીતે સાર્થક છે. એક સમયે એક અંગ્રેજે જયપુરની ગુલાબી નગર જોઈને કહ્યું હતું કે જેમણે જયપુર નથી જોયું તેમનું જીવન વ્યર્થ છે. તેમ કચ્છનો અનુભવ નથી લીધો તેણે જિંદગીમાં ઘણું ખોયું છે. હવે તો ધોરડા પાસેનું સફેદ રણ ઠંડીની ઋતુમાં પ્રવાસીઓની અવરજવરથી ધમધમી ઊઠે છે. અફાટ મીઠું ભરેલો રણનો વિસ્તાર દિવસે અને રાત્રે એક રંગબેરંગી ભાત પાડે છે. સૂર્યોદય હોય કે સૂર્યાસ્ત, પૂનમની ચાંદની હોય કે અમાસની અંધેરી રાત. આ સફેદ રણની અનુભૂતિ કરવા માટે તક મળે તો ઝડપી લેવી.
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો કચ્છનું મહત્ત્વ અનેરું છે. સિંધમાં રેલ્વે લાઈન નાખવા માટે અંગ્રેજોની કંપનીને ‘‘બેલાસ્ટ’’ (કપચી)ની જરૂર હતી. તે ન મળતાં નજીકમાં ખોદકામ કરતાં મળેલી ઇંટોના ટૂકડા વાપરી રેલ્વેના પાટા ગોઠવ્યા તેમાં સિંધુખીણની પ્રાચીન સંસ્કૃતિના અનેક દુર્લભ અવશેષો નામશેષ થઈ ગયા. ઈશ્વરની કૃપા કે ‘‘હડપ્પા’’ અને ‘‘મોહેનજો દરો’’ના શહેરોનું ખોદકામ સારી રીતે થયું. વિશ્વમાં નદી કાંઠે વિસ્તરેલી અતિ પ્રાચીન સંસ્કૃતિઓમાં સિંધુખીણની સંસ્કૃતિનું સ્થાન અગ્રીમ હરોળમાં છે. ૧૯૫૫થી ૧૯૬૦ વચ્ચે અમદાવાદથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલું ધોળકા તાલુકાનું લોથલનું (અર્થ : મડદાંનો ઢગલો) ૧૯૫૫માં શ્રી શિકારપુર રંગનાથન્ નામના પુરાત્વવિદે ઉત્ખન્ન કરવાનું શરું કર્યું તે ૧૯૬૦માં પૂર્ણ થયું. આ સિંધુ સંસ્કૃતિ ઈ.સ. પૂર્વે ૨૫૦૦ થી ૧૫૦૦ વચ્ચે વિકસેલું આ બંદર ગુજરાતમાંથી સમુદ્ર મારફત થતો વેપાર કેટલો જૂનો છે તેનો સચોટ પૂરાવો આપે છે.
લોથલના ઉત્ખનન બાદ ૧૯૮૨માં હું ગુજરાતના સાંસ્કૃતીક વિભાગો - મ્યુઝિયમ, આર્કાઈવ્ઝ, પુરાતત્ત્વ, વગેરેના સંયુક્ત સચિવ તરીકેની કામગીરી જોતો હતો ત્યારે બનેલી એક ઘટના મને સારી રીતે યાદ છે. ભારતના પુરાતત્ત્વ સંસ્થાના નાયબ નિયામક શ્રી જગતપતી જોશી મને મળવા આવ્યા. તેમની મુલાકાતનો હેતુ કચ્છના ખડીર ટાપુમાં આવેાલ ધોળાવીરા ગામ પાસ સંશોધન માટે ઉત્ખનન કરવા રાજ્ય સરકારની સહમતિ જોઈતી હતી. આ મંજૂરીની પ્રક્રીયા ચાલતી હતી ત્યારે મેં શ્રીમાન જોશીને પૂછયું કે, ‘‘આ સ્થળ તમે શા માટે પસંદ કરો છો ?’’ તેમનું કહેવું હતું કે સિંધના મોહેનજોદરો હડપ્પા અને લોથલ સમકાલિન છે. સિંધુ નદી સંસ્કૃતિના સિંધના શહેરો લોથલ બંદરનો ઉપયોગ કરતા જ હશે. આમ જોઈએ તો હડપ્પાથી લોથલનું સીધી લીટીનું અંતર ૯૦૦ કિ.મી. જેટલું છે. શ્રી જગતપતિ જોશીને પૂરો વિશ્વાસ હતો કે આ ૯૦૦ કિ.મી.ના માર્ગ પર અનેક નગરો વસ્યા હશે. તેમણે ખડીર ટાપુમાં ફરીને સૌથી વધારે સંભાવના ધરાવતા ‘ધોળાવીરા’ની પસંદગી કરી. તેઓને ગુજરાત સરકારે મંજૂરી આપી પણ શ્રી જોશી પર કુદરત રૂઠી. તેમના જ વિભાગના અધિકારીએ શ્રી જોશી અશિસ્ત આચરે છે. વિભાગની આગોતરી મંજૂરી મેળવ્યા વિના કામ કરે છે. તેઓ મનસ્વી છે તેવા આક્ષેપો સાથે તેમને ફરજમોકૂફી પર મૂકી તેમના સામે ખાતાકીય તપાસ શરુ કરી. પરિણામ સ્વરુપ અન્ય પુરાતત્ત્વ અધિકારી શ્રી ટી. એસ. બિસ્ટને આ ઉત્ખનની જવાબદારી મળી. આજે સર્વત્ર શ્રી બિસ્ટની ધોળાવીરા નિષ્ણાત તરીકે ખ્યાતિ છે અને શ્રી જગતપતી જોશી જેવા દીર્ઘદૃષ્ટાને વિસ્મૃતિની ખીણમાં ધકેલી દેવામાં આવેલ છે. વર્ષો પહેલાં કચ્છના વન વિભાગના અધિકારીએ ઊંટ અને બળદગાડાથી પગપાળા આખા કચ્છમાં ફરીને આપણને જે ઉત્તમ પુસ્તક આપ્યું છે તેવા શ્રી રામસિંહ રાઠોડ જેટલો કચ્છનો ઊંડો અભ્યાસ ભાગ્યે જ કોઈએ કર્યો હશે. તેમનું ‘કચ્છ સાંસ્કૃતિક દર્શન’ પુસ્તક ‘કુમાર’ સામાયિકમાં હપ્તામાં પ્રસિદ્ધ થયું હતું અને તેમને વર્ષ ૧૯૬૨નો સાહિત્ય માટેનો શ્રેષ્ઠ પુરસ્કાર ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પ્રદાન થયો. શ્રી રામસિંહની રાઠોડના આ પુસ્તકનો ગુજરાત વિશ્વકોશ માટે જાણીતા સાહિત્યકાર પ્રવીણ દરજીએ કરેલું અવલોકન એટલું સંક્ષિપ્ત અને સરળ છે કે તેના દ્વારા આપણને કચ્છની ઓળખ સુપેરે પ્રાપ્ત થાય છે. પ્રવીણ દરજીનું અવલોકન : ‘‘કચ્છનું સંસ્કૃતિ દર્શન (૧૯૫૯) : કચ્છની સંસ્કૃતિનું સર્વગ્રાહી દર્શન કરાવતો ગ્રંથ્. લેખક : રામસિંહજી કા. રાઠોડ, તેનાં ૨૭૮ જેટલાં પૃષ્ઠોમાં અને ૩૧ પ્રકરણોમાં કચ્છના ઈતિહાસ અને સંસ્કૃતિનું પ્રમાણમો શ્રદ્ધેય કહી શકાય તેવું ચિત્ર મળે છે. એ માટે લેખકે પ્રાચીન ગ્રંથો, વિદેશીઓના લેખો, તામ્રપત્રો, સિક્કા, શિલાલેખો, લોકકથાઓ, પાળીયાઓ, મંદિરો, કળાના નમૂના વગેરેનો અહિં સમુચિત આધાર લીધો છે. પરિણામે ઈતિહાસ, પુરાતત્ત્વ, કળા, સમાજ, વિજ્ઞાન ઉપરાંત કચ્છની ભૂ-સંપત્તિ, પ્રકૃતિ, રણ, પ્રાણીઓ, ભાષાબોલી, પેદાશ, ઉદ્યોગો એ વિશે જાણવા યોગ્ય માહિતી અહીં મળી રહે છે.
ગુજરાતના ભૂ-ભાગરૂપ આ પ્રદેશની સંસ્કૃતિને એની આગવી વિશિષ્ટતાઓ અને દેશ તેમજ ગુજરાતમાં આ પ્રદેશના કેવાં આગવા સ્થાન-સન્માન છે તે પણ અહીં વિગતે દર્શાવ્યું છે. આ સંદર્ભમાં કચ્છ પ્રદેશના સંગીતની, ભાષા લાવણ્યની, દેહાતી લોકોની, દિનચર્યાની, કચ્છી, દુહા, ભજન, કાફીઓની, લંગા જાતિની ‘કમાંગરી’ને ભીંતચિત્રની મણીમેખલા નામની તમિલ કથા સૂચવે તેમ કચ્છના સ્થપતિઓ છેક દેશના દક્ષિણમાં મંદિરો બાંધવા જતાં તેની એ વિગતો કચ્છ વિશે નવો પ્રકાશ પાડે છે. લેખકે કચ્છના ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વેપારવણજમાં અગ્રસ્થાને રહેલાં સ્થળવિશેષનો પણ અહિં વિગતે ખ્યાલ આપ્યો છે. નારાયણ સરોવર, કોટેશ્વર, માતાનો મઢ, ગેડી, ભદ્રેશ્વર, ભૂખડ, ગુંતરી, કંથકોટ, કેરાકોટ, પુંઆરાનો ગઢ, ધીણોધર, રિયાણ, અંજાર, ભૂજ, કંડલા જેવા પ્રકરણો આ પ્રકારની માહિતીથી સભર છે. કચ્છની સંસ્કૃતિના કેટલાંક પ્રણેતાઓ અને ઐતિહાસિક પાત્રો વિશે પણ પરિચય મળી રહે છે. ૫૪ જેટલાં પરિશિષ્ટ-પૃષ્ઠો ઉપરાંત ચિત્રો, નકશા, ફોટોગ્રાફ વગેરે ગ્રંથની ઉપયોગિતા અને પ્રમાણભૂતતા વધારે છે. કચ્છના ભાતીગળ ઈતિહાસ અને ભવ્ય સંસ્કૃતિનું સંક્ષિપ્તમાં વર્ણન કરવાનો મારો ઈરાદો છે. કાચબા જેવો આકાર ધરાવતા આ ટાપુને કચ્છ કહીએ છીએ પણ કુર્માવતાર જેમ કચ્છે આજે નવો અવતાર ધારણ કર્યો છે.
Comments
Post a Comment