આપણું વલણ, આપણું ભાવિ

                                                                    - પ્રવીણ ક. લહેરી

કોરોના બાદ વિશ્વમાં દરેક જગ્યાએ તણાવ, નિરાશા, આત્મહત્યા, ઉગ્રતા અને માનસિક બિમારીઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. એક બાજુ માનવજાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. અનેક અકલ્પ્ય ભૌતિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ છે. માનવીના સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો છે. આમ છતાં સમાજમાં કાંઈક ખૂટે છે, કશાકની કમી છે, એકલતા અને ચંચળતાના કારણે સૌના મનમાં વ્યક્તિ પોતે ન સમજી શકે તેવી બેચેની છે. ગરીબ, બેરોજગાર, વંચિત, રોગીષ્ઠ, દેવાદાર કે ઉપેક્ષિત વ્યક્તિ સહેલાઈથી નિરાશા-હતાશાનો શિકાર થાય છે. હકીકતમાં વ્યક્તિગત વલણનું મહત્ત્વ સમજવું જરૂરી છે. જીવનમાં સુખ-દુઃખની ઘટનાઓ તો બનવાની જ છે, દુઃખના સમયે ધીરજ ખૂટે, ચિંતાના વમળો સર્જાય અને ભવિષ્ય અંધકારમય જણાય ત્યારે ઘણાં લોકો દુઃખ અને માત્ર દુઃખની લાગણીનો જ અનુભવ કરી શકે છે. તેમને જો કોઈ ભૂલેચૂકે સલાહ આપે તો તેમના મગજની કમાન છટકે છે. સલાહ આપનારને ન કહેવાના વેણ કહે છે. જેમનો આત્મવિશ્વાસ ડગી ગયો છે તેમને પોતાના પ્રયત્નો સફળ થશે તેવી શ્રદ્ધા હોતી નથી. જીવન સંઘર્ષમાં જ્યારે મનમાં વિષાદના કાળાં ડિબાંગ વાદળો ઘેરાય છે ત્યારે વ્યક્તિનું વલણ નકારાત્મક બને છે. તેને કશું કરવાનું મન નથી થતું. વીસમી સદીની શરુઆતમાં અમેરિકાએ ભૌતિક પ્રગતિમાં હરણફાળ ભરી પણ લોકોમાં ચિંતાનું પ્રમાણ ભયજનક કહી શકાય તે હદે વધ્યું. ડેલ કાર્નેગીએ મિત્રો બનાવવાની કળા અને ચિંતામુક્ત જીવન માટે જે પ્રેરણાદાયી પુસ્તકો લખ્યા તે અમેરિકામાં જ નહીં પણ વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય થયા. વર્ષ ૧૯૧૩માં એમરિકી લેખિકા ઈલિયોનરન એચ. પોર્ટરે બાળવાર્તા જેવી નવલકથા લખી જેનું શિર્ષક હતું; ‘‘પોલિયાના’’ આ વાર્તાની નાયિકા ૧૧ વર્ષની એક અનાથ બાળકી છે. પોલિયાના તેની માસીને ત્યાં ઉછરે છે. તેની માસી પોલી હેરીંગ્ટન સ્વભાવે રૂક્ષ, કડક અને વાતે વાતે વાંકુ પડે તેવી પ્રકૃતિ ધરાવે છે. પોલી માસી પોલિયાનાને ધમકાવે છે, નાની નાની ભૂલ કે મસ્તી માટે સજા કરે છે. સદ્‌નસીબે પોલિયાનાએ તેમના પિતા પાસેથી ખુશીની રમત શીખી હતી. આ સાવ સાદી અને સરળ રમતમાં તમારે અનેક કાલ્પનિક મુશ્કેલીઓ વિચારીને તેમાંથી કેમ આનંદ પ્રાપ્ત કરવો તે શોધવાનું છે. પોલિયાનાનું વલણ એટલું હકારાત્મક બને છે કે તેની માસીની હરકતો વચ્ચે પોતે તો આનંદમાં રહે છે. સાથે સાથે આડોશ-પાડોશ અને સમગ્ર ગામમાં વાતાવરણ પ્રફુલ્લિત રહે તેવું કાર્ય કરતી રહે છે. ગુજરાતીમાં આનંદી કાગડાની વાર્તા છે. આ બાળવાર્તામાં એક રાજા ગુસ્સે ભરાયને આનંદ કાગડાને જુદી જુદી સજાઓ કરે છે. કાદવ કીચડમાં નાખે છે તો કાગડો ગાય છે. લપસણાં કરતાં શીખીએ છીએ. ભાઈ....રાજા કૂવામાં ફેંકી દે છે તો મોજીલા ગાય છે; કૂવામાં તરતાં શીખીએ છીએ. ભાઈ હવે રાજા તેને કાંટાવાળા પાંજરામાં પૂરે છે તો કાગડો ગાય છે કૂણા કાન વિંધાવીએ છીએે....હવે થાકીને રાજા કાગડાને ખીર ખવડાવે છે...રાજાને એમ કે દુઃખમાં સુખી રહેનાર કાગડો કદાચ સુખમાં દુઃખી થાય પણ જેમણે સુખ-દુઃખ સમકૃત્વા કર્યા છે તેવો કાગડો ગાય છે; ‘‘મીઠી ખરી ખાઈએ છીએ ભાઈ.......પોલિયાના હોય કે આનંદી કાગડો હોય અથવા આપણે પોતે હોઈએ તો એક વાત કાયમ ગાંઠે રાખવા જેવી છે. આનંદ કે સુખનું કારણ પરિસ્થિતિ નથી પણ આપણું વલણ છે. ’’ અંગ્રેજીમાં કહ્યું છે; ‘‘ઈટ ઈઝ ઓલ એબાઉટ એટિટયુડ’’ વલણ જ સૌથી મહત્ત્વનું પરિબળ છે. કઠોપનિષદનો નચિકેતા પણ દૃઢ મન અને શાશ્વત સુખની શોધનું ઉત્તમ ઉદાહરણ છે. પિતાના શ્રાપને અનુસરી યમદ્વારે પહોંચી ત્રણ ત્રણ દિવસની ભૂખ-તરસ સાથે તે યમને મળવાની પ્રતીક્ષા કરે છે. યમ પાસે અમર થવાની ચાવી માગે છે પણ યમ ત્રણ વરદાન આપી તેની અમરત્વની હઠ છોડાવે છે.

વર્તમાન સમયમાં સહસ્ત્રાદીના વિશ્વનાયક મહાત્મા ગાંધીએ કહ્યું હતું; ‘‘જો મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો મેં ક્યારનોય આપઘાત કરી લીધો હોત.’’ આપણા સંત કવિ મૂળદાસે સલાહ આપી છે; ‘‘આત્મજ્ઞાનીએ કોઈને કાંઈ ન કહેવું, આઠે પહોર આનંદમાં રહેવું.’’ આપણી પરંપરામાં ભગવાનને સત્‌, ચિત્ત આનંદ સ્વરુપે ‘સચ્ચિદાનંદ’ તરીકે જોવામાં આવે છે. શાયર ‘મરીઝ’ તેની એક ગઝલમાં કહે છે; ‘‘રહસ્ય છે આ કુદરતનું જણાવું, સુખી જીવનનો હું નુસ્ખો બતાવું, આ ઈર્ષ્યા, લોભ, આ નિંદા, મત્સર બસ આ બે ચારથી આગળ વધી જા.’’ શબનમ્‌ ખોજા સુખ-દુઃખ ક્ષણિક છે તે સમજાવતાં કહે છે; ‘‘ઘડી બે ઘડીમાં ફરી જશે પાનું, હો સુખ કે હો દુઃખ, બસ ઘડી, બે ઘડી છે.

જીવનમાં દરેક પરિસ્થિતિમાં મનની સમતા જાળવવી ખૂબ જરૂરી તેમજ ઉપયોગી છે. આદિ રામાયણના રચયિતા કવિ વાલ્મિકી તેના પૂર્વાશ્રમમાં લૂંટફાટ કરીને પરિવારનું પોષણ કરતાં હતાં. નારદમુતિ સાથેના વાર્તાલાપે તેમનું વલણ બદલાયું. તેમણે ઘોર તપ કરીને અનેરી સિદ્ધિઓ મેળવી. પોતે જે ડાળી પર બેઠા છે તે ડાળી કાપતાં કાપતાં કાલિદાસ નીચે પડે છે ત્યારે લોકો તેને સંભળાવે છે કે બુદ્ધિ વગરનો ફૂવડ છે. કાલિદાસનો અંતરાત્મા જાગી જાય છે તે પરિશ્રમ કરી સંસ્કૃત ભાષામાં ઉત્તમોત્તમ સર્જનો કરે છે. આલબર્ટ આઈન્સ્ટાઈન કહે છે; ‘‘જીવન એક સાયકલની સફર જેવું છે. તમે ચાલતા રહો ત્યાં સુધી જ સંતુલન રહે છે. નિષ્ફળતાથી મુંઝાયા વિના, નિરાશ થયા વિના પ્રયત્નમાં રહેવાથી સફળતા પ્રાપ્ત થાય છે. જો આપણું વલણ જ નકારાત્મક થઈ જાય તો સફળતાની સંભાવના ઘટી જાય છે. માર્ક ટ્‌વેઈન લખે છે; ‘‘આપણા જીવનમાં બે દિવસો મહત્ત્વના છે. એક તો જે દિને જન્મયા અને બીજો દિવસ એ કે જ્યારે આપણને જીવનનો હેતુ સમજાયો.’’ અમુક લોકોનું વલણ અકર્મનું - કશું જ ન કરવાનું હોય છે. પ્રમાદ કે આળસ આપણાન સૌથી મોટા શત્રુઓ છે. શ્રી ભગવદ્‌ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે આ બ્રહ્માંડમાં મારે કશું કરવાપણું નથી પરંતુ હું સતત કર્મમાં વ્યસ્ત છું કારણ કે મારામાં ઉદાહરણ લઈને સૌ કાર્યરત રહે તે જરૂરી છે.’’ ભગવદ્‌ ગીતામાં વિષાદના વલણમાંથી બહાર આવી યુદ્ધ માટે તૈયાર થતાં અર્જુનની વાત આપણને સૌને યથાતથા લાગુ પડે છે.

જીવનમાં આપણું વલણ સકારાત્મક બને તે માટે સૌથી પ્રથમ આપણે લક્ષ્યાંકો નક્કી કરવાં જોઈએ. લક્ષ્યાંકો ક્યારેક ભલે અવાસ્તવિક લાગે પણ જેમણે દુનિયામાં પરિવર્તન આણ્યું છે તેમણે મુશ્કેલીઓ કરતાં પરિણામલક્ષી મહેનતને મહત્ત્વ આપ્યું છે. બીજું લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની વ્યુહરચના ઘડવી અનિવાર્ય છે. માત્ર અકસ્માતે જ કોઈને અવસર મળતો નથી કે કોઈનો વિકાસ થતો નથી. દરેક સફળ વ્યક્તિએ ભગીરથ પુરુષાર્થ કર્યો છે. સફળતા માટે સંઘર્ષ કરીએ ત્યારે સંભવ છે કે અનેક પડકારો આપણી સમક્ષ આવે જ. આ ચુનોતીઓનો સામનો કરવામાં ધીરજ, સમજણ અને મનોબળ મહત્ત્વના છે. અનેક અંગો કાર્યરત ન હોવા છતાં હેલન કેલરે જીવનમાં જે સિદ્ધિઓ હાંસલ કરી તેના કારણે વિશ્વભરમાં દિવ્યાંગો માટે તે આદર્શ બની શક્યા.

હકારાત્મક વલણની કસોટી સૌથી મુશ્કેલ સમયમાં થાય છે. ગુરુ તેગ બહાદૂરજી, મહારાજ સંભાજીએ અકથ્ય, અસહ્ય ત્રાસ ભોગવીને પણ ધર્મ પરિવર્તન ન જ કર્યુુ તે તેમના ચરિત્રની દૃઢતા દર્શાવે છે. જેલમાં જન્મ, પરઘેર ઉછેર, નાની વયથી જીવ પર સતત જોખમ અને મહાભારતના યુદ્ધ સુધી હમેંશા પડકારોનો સામનો કરતાં શ્રીકૃષ્ણનું જીવન એટલે પૂર્ણ પુરુષોત્તમનું જીવન ગણાય છે કારણે તેમણે કદી તે અંગે નથી ફરિયાદ કરી કે નથી રોદણાં રોયા. તેમણે કર્મને-કર્તવ્યને અને ન્યાયને મહત્ત્વ આપી અનેક જોખમી કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી

વલણ ત્યારે જ સકારાત્મક ગણાય જ્યારે વ્યક્તિમાં દૃઢ સંકલ્પશક્તિ હોય, વિચારોની સ્પષ્ટતા હોય, જીવનના હેતુઓ અંગે સમજણ હોય અને નિષ્ફળતાના પ્રસંગે ફરી શરુઆત કરવાની, ઝઝુમવાની તૈયારી હોય. સાચા વલણમાં નીડરતા હોવી જરૂરી છે. આપણામાં ડરની લાગણી કુદરતી છે પણ ડરને જીતીએ તો જ જીવન સાર્થક થાય. હિન્દીની ઉક્તિ; ‘જો ડર ગયા વો મર ગયા’ અનુભવનો નિચોડ છે. વલણ આપણી પ્રતિક્રીયાનો અરીસો છે. જ્યારે આપણને અણગમતી ઘટના બને કે કોઈના શબ્દો કે કામથી આપણી લાગણી ઘવાય ત્યારે ચિત્તને શાંત અને પ્રસન્ન રાખવાની કળા કોઈપણ સહેલાઈથી કેળવી શકે છે. બરાક ઓબામાનું જીવન અનેકને પ્રેરણા પૂરી પાડે છે. તેના સંઘર્ષોની યાદી લાંબી છે. તેનો આત્મવિશ્વાસ, નિખાલસતા, નીડરતા, સાદગી અને ક્ષમતાના કારણે જે વસ્તુ શક્ય ન હતી તેને ઓબામાએ શક્ય બનાવી. અમેરિકન માતા, અશ્વેત કેન્યાના મસાઈ જાતિના પિતાના આ સંતાનનો ઉછેર તેમના દાદીએ કર્યો. નશીલા પદાર્થની લતે ચડેલા ઓબામાએ જીવનમાં અનેક વિક્રમજનક કામગીરી કરી. સ્ટીવ જોબ જેમણે આપણને ખૂબ કાર્યક્ષમ મોબાઈલની ડિઝાઈનમાં સિંહફાળો આપ્યો છે તે પણ નિરાશાના પ્રવાહમાં ખેંચાયા હતા. સ્વબળે અને મજબૂત મન રાખીને તેમણે એક મહત્ત્વના સંશોધક તરીકે પોતાનું નામ ઈતિહાસમાં અમર કર્યું છે.

અંતમાં, એક અજ્ઞાત કવિ કહે છે તેમ; ‘‘આ દુનિયામાં સંપૂર્ણ સુખી તો કોઈ નથી, એક આંખ એવી તો બતાવો જે ક્યારેય રોઈ નથી. બસ એટલું જ કહેવું છે કે જિંદગીની દરેક ક્ષણ દિલથી માણો, નસીબથી મળી છે જિંદગી એને જીવી જાણો.’’

Comments

Popular posts from this blog