સ્મરણની સુગંધ
- પ્રવીણ ક. લહેરી
એક વિશાળ અને ભવ્ય ઈમારતના દર્શન કરી આપણે આશ્ચર્ય અને આનંદની લાગણી અનુભવીએ ત્યારે કદાચ જ આપણને આ ઈમારતનો ભાર ઝીલીને ભૂતળમાં પડેલા પાયાના પત્થરોનું સ્મરણ થાય. વિવિધ પ્રતિભા ધરાવતા એક લોકસેવકની જન્મશતાબ્દી તેમનો પરિવાર ઉજવે ત્યારેતેમની ચિંતા સ્મરણ ગ્રંથના શિર્ષકમાં ઉજાગર થાય છે. આ શતાબ્દી મહોત્સવના ઉત્સવમૂર્તિ છે. જૂનાગઢના શ્રી દિવ્યકાંત નાણાંવટી : સ્મરણિકાના શિર્ષકમાં ‘‘ભૂલાય તે પહેલા’’નું વાક્ય આપણને ઢંઢોળે છે. આજે તો દર પળે પળે માહિતીની આપ-લેનું પ્રમાણ એટલું વધ્યું છે કે તેને માહિતીનો વિસ્ફોટ કહેવો તે સ્થિતિનું અઘરું વર્ણન ગણાય. સોશ્યલ મિડીયાના વિવિધ મંચો પર આપણે સૌ મચી પડ્યા છીએ કે મારા ગ્રુપમાં રમુજ, ભક્તિ, જ્ઞાન, આશ્ચર્ય, અજાણ્યું કાંઈક એવું પીરસું કે મારા જૂથના સભ્યો લાઈક પર ટીક કરે કે મારા પર પ્રસંશાના પુષ્પો વરસાવે. આ ‘દે ધનાધન’ જેવી સ્થિતિમાં મહત્ત્વનું કે ઉપયોગી, સત્ય કે સુંદર વિષયવસ્તુ રજૂ થવાના બદલે ક્ષણિક પણ જેનું મૂલ્ય નથી તેવી માહિતી, અફવાઓ, ચિત્રવિચિત્ર વિચારો અને ઘટનાના અહેવાલો સુનામી જેમ સર્વત્ર ફરી વળે છે.
આજકાલ જેમનું નામ વાંચતા અમુકના પેટમાં શૂળ જેવી પીડા ઉપજે છે તેવા યુગપુરુષ મહાત્મા ગાંધીના પ્રભાવે ૨૦મી સદીમાં અનેક લોકસેવકોએ આપણા દેશ અને સમાજની સ્થિતિમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું તેમાંના એક એટલે શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી. ઊંચો, પડછંદ દેહ, તેજસ્વી આંખો સાથે છલકતો આત્મવિશ્વાસ, ખાદીના વસ્ત્રો અને ઘેઘૂર અવાજ સાથે શ્રી દિવ્યકાંતભાઈની હાજરી માત્ર સૌનું ધ્યાન તેના તરફ આકર્ષવા માટે પર્યાપ્ત હતી. તેમની જન્મ શતાબ્દીએ તેમના હોનહાર પુત્રો શ્રી નિરૂપમ નાણાવટી અને શ્રી હેમંત નાણાવટીના આપણે સૌ ઋણી છીએ કે તેમણે તેમના પ્રતાપી પિતાના વિરલ વ્યક્તિત્વના અંશો આપણા સમક્ષ મૂક્યા. આ સ્મરણગ્રંથ હકીકતમાં તો જે તો સમયના તથ્યોનું સચોટ દસ્તાવેજીકરણ છે. નાણાવટી પરિવાર એટલે મારા પિતાશ્રી કનુભાઈ લહેરીનું જૂનાગઢનું સરનામું. આજે પણ જૂનાગઢમાં હેમંતભાઈને ત્યાં જાઉં, જમું કે તેમને મળું ત્યારે જે આત્મિયભાવ થાય તે વર્ણવવા મારા પાસે શબ્દો નથી. સામાન્ય રીતે પુત્રોની ઓળખાણ વર્ષો લગી પિતાને નામે થાય તે સહજ બાબત છે. કોઈપણ પિતા માટે તેની ઓળખ પુત્રો થકી થાય ત્યારે પિતાને જે ગૌરવ થાય છે તે અનોખું હોય છે. દિવ્યકાંતભાઈના બંને પુત્રોએ નિરૂપમભાઈ અને હેમંતભાઈએ વ્યવસાયિક વારસામાં વકીલાતમાં નોંધપાત્ર સફળતા તો મળી જ છે. આ ઉપરાંત તેમણે કલા, સાહિત્ય, સમાજસેવા, વગેરે ક્ષેત્રોમાં પણ અનેરી નામના મેળવી છે. દિવ્યકાંતભાઈના બહુઆયામી વ્યક્તિત્વનો વારસો તેમણે વધારે ઉજળો બનાવ્યો છે. જન્મશતાબ્દી મહોત્સવના મુખ્ય મહેમાન ભારતના ગૃહમંત્રી આદરણીય શ્રી અમીતભાઈએ કબુલ્યું કે તેમને દિવ્યકાંતભાઈનો પ્રત્યક્ષ પરિચય ન હતો પણ નિરૂપમભાઈની કાયદાકીય મદદથી તેઓ પ્રભાવિત છે. દિવ્યકાંતભાઈનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો પણ જૂનાગઢના વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાન હેમાબહેન આચાર્ય શ્રદ્ધાંજલિમાં લખે છે; ‘‘દિવ્યકાંતભાઈ પાસે વિકાસલક્ષી દૃષ્ટી હતી અને સૌને સાથે લઈને ચાલવાની અદ્ભૂત આવડત હતી.’’ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના, નરસિંહ મહેતાના સ્મારક ટ્ર્સ્ટની રચના કે શહેરના વિકાસના પ્રશ્ને વિરોધીઓ પણ એક સાથે કામ કરે તેવા માહોલનું સર્જન કરનાર દિવ્યકાંતભાઈની કુશળતાની જરૂર આજે સમાજના અનેક ક્ષેત્રોમાં જણાય છે. નિરૂપમભાઈ નાણાવટી શ્રી દિવ્યકાંતભાઈની રાજકીય કારકિર્દીનું સુરેખ આલેખન કરે છે ત્યારે તેમાં રાજકારણના કાદવ અને ગંદકીની વાત આવે તે સ્વાભાવિક છે. ચીમનભાઈ પટેલના મંત્રીમંડળમાં શ્રી રતુભાઈ અદાણીના જૂથના પ્રતિનિધિ તરીકે કાયદામંત્રી બન્યા બાદ શ્રી દિવ્યકાંતભાઈએ પોતાની વફાદારી કાયમ જાળવી રાખી. ગુજરાતના રાજકારણમાં મુખ્યમંત્રી ન બન્યા પરંતુ અનેક મુખ્યમંત્રીઓ તેમનું નેતૃત્વ, તાલીમ અને આવડતને યાદ કરે તેવા આરઝી હકૂમતના સરસેનાપતિ અને આઝાદીના લડવૈયા શ્રી રતુભાઈ અદાણી દિવ્યકાંતભાઈ માટે મુરબ્બી, માર્ગદર્શક અને આત્મિય રહ્યા. શ્રી રતુભાઈ અદાણી એટલે શિસ્ત, સબંધ અને લાગણીના માણસ. ગુજરાતના અનેક રાજકીય આગેવાનોએ સ્વેચ્છાએ અને હોંશેહોંશે જેમનું નેતૃત્વ સ્વીકારેલું તેવા રતુભાઈ અદાણીના સમર્થકોના એક આગવા જૂથે ગુજરાતના જાહેર જીવનમાં અને વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ ગ્રુપમાં દિવ્યકાંતભાઈ સૌથી યુવાન હતાં. તેમના માર્ગદર્શક રતુભાઈ અને તેમના સહકાર્યકરોના સંસ્મરણો ઉપલબ્ધ થયા હોત તો સંભવ છે કે આપણને આ ગ્રંથ દ્વારા દિવ્યકાંતનભાઈનો વધારે ઘનિષ્ઠ પરિચય થયો હોત. ગુજરાતના જાહેરજીવનમાં જેમણે ક્ષમતા, નિષ્ઠા, પ્રમાણિકતા અને સંવેદનશીલતાનો જે ઊંચેરો માપદંડ સ્થાપ્યો છે તે દિવ્યકાંતભાઈના જીવનની સાફલ્ય ગાથા છે. સૌ સાથે રહીને કામ કરવું, સૌ પાસેથી યથાશક્તિ કામ કરાવવું અને પોતાની તમામ શક્તિ અને કાબેલિયત લોકોના કલ્યાણ માટે સમર્પિત કરવાનું કામ દિવ્યકાંતભાઈના જીવનને સદાય પ્રેરણારૂપ બનાવે છે.
‘‘દિવ્યકાંતભાઈ નાણાવટી, ભૂલાય તે પહેલા’’માં જૂનાગઢના અગ્રણીઓ, મિત્રો, સ્નેહીઓ, પરિવારજનોએ જે સંસ્મરણો વાગોળ્યાં છે તેના વાંચનથી આપણને વ્યક્તિત્વ વિકાસના અનેક મુદ્દાઓ સમજવામાં અને તેને આચરણમાં મૂકવા માટે પ્રેરણા મળે છે. દિવ્યકાંતભાઈ જૂનાગઢ નગરપાલિકાના પ્રમુખ રહ્યા, વિધાનસભ્ય રહ્યા, મંત્રી બન્યા અને સ્વમાનભેર નિવૃત્તિ લીધી પણ ક્યારેય કશું અનુચિત કરવાનો વિચાર સુદ્ધાં ન કર્યો. રતુભાઈને બે-ચાર વરિષ્ઠ સાથીઓ સત્તાની લાલસામાં વફાદારી છોડીને છેહ દીધો હતો પણ દિવ્યકાંતભાઈએ નિવૃત્તિ વહાલી ગણી અને અંગત વફાદારી અને આત્મિયતાના ભાવને દૃઢપણે વળગી રહ્યા. કોઈને પ્રશ્ન થાય કે શું દિવ્યકાંતભાઈ તેમની ક્ષમતા ઉજાગર થાય તેવા પદથી વંચિત રહ્યા ? ના, એ પેઢીના ગાંધીજનો માટે કર્તવ્ય જ મહત્ત્વનું હતું. ફળની અપેક્ષા રાખવી કે વ્યક્તિગત ફાયદો ઉઠાવવાની વૃત્તિ તેમનામાં હતી જ નહીં. આજે આપણે ઘડીભર પણ માની શકતા જ નથી કે રાજકારણમાં આવા સિદ્ધાંતનિષ્ઠ, નિઃસ્પૃહી અને નીડર આગેવાનો હોય શકે !
આ સ્મરણગ્રંથનું અધ્ધયન કરતાં મને એક વાતની પ્રતિની થઈ કે મૂલ્યોની માવજતમાં સદાય જાગૃત અને સમર્પિત લોકસેવકો ન હોત તો આપણે જે પ્રગતિ કરી શક્યા છીએ તે ન જ કરી શક્યા હોત. ભાઈ નિરૂપમે અને હેમંતે સ્મરણગ્રંથના માધ્યમથી પિતાને શ્રદ્ધાંજલિ આપી તેટલું જ નહીં પણ તેમણે એક યુગના આદર્શ પ્રતિનિધિના જીવનને આપણી સમક્ષ મૂક્યું છે.જે જે લેખકોને દિવ્યકાંતભાઈનો પ્રત્યક્ષ પરિચય હતો તેમની કલમે તેની સાથેની અનેક ઘટનાઓ વર્ણવી છે. તેમની લાક્ષણિકતા દર્શાવી છે. આ પુસ્તકનું અવલોકન લખતાં લખતાં મને ફાગણ સુદ ચોથ (કાગ ચોથ) પ્રસંગે પૂજ્ય દુલા કાગ (ભગત બાપુ)ની પૂણ્યતિથી પ્રસંગે મજાદર (કાગધામ)માં યોજાયેલ ‘કાગને ફળીયે - કાગની વાતુ’માં વક્તા તરીકે જવાનું થયું. ૭૦ વર્ષ પહેલાંનો એ માહોલ, એ અનુભવો, તેમના અનોખા જીવનની અનુભૂતિનું વર્તન કરતાં મને અનોખો રોમાંચ થયો હતો. રૂપાયતન ટ્ર્સ્ટ જૂનાગઢમાં દર વર્ષે આદરણીય રતુભાઈ અદાણી સ્મૃતિ વ્યાખ્યાન યોજે છે. આજ રીતે દર વર્ષે શ્રી દિવ્યકાંતભાઈના બહુઆયામી વ્યક્તિત્વને ન્યાય મળે તેવી વ્યાખ્યાનમાળા શરુ કરી, શક્ય હોય તો સમાજના અગ્રણીઓની મહત્તમ હાજરી સાથે સૌને ઉપયોગી થાય તેવા વિચારોનો પ્રસાર કરીએ તો દિવ્યકાંતભાઈને ભૂલવાનો તો પ્રશ્ન ન આવે પણ તેની સ્મૃતિને આપણે હમેંશ માટે પ્રેરણાનું ઝરણું બનાવી શકીએ. આજે ક્ષુબ્ધ વાતાવરણમાં ગાંધીયુગના લોકસેવકના જીવનનું વર્ણન આપણને બળબળતા બપોરે સાવ અચાનક એક શીતળ લહેર આવીને શાતા પહોંચાડે તેમ આ સ્મરણગ્રંથ આપણને આશા આપે છે કે દુનિયામાં લોકોના ભલા માટે જાત ઘસીને ઉજળા થનારા સેવકોની કદી અછત નથી રહી. આપણે ગુણાનુરાગી બનીને તેમની જીવનસરિતા - શબ્દદેહ અને અનુભવોમાંથી પ્રેરણાની પીયૂષ પીવાની જરૂર છે. ગાંધી આકાશ ગંગાના આ ઝળહળતા સિતારાની અંગત સ્મૃતિઓ વાગોળનારો વર્ગ પણ ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો છે. અંતમાં કલાપીની પંક્તિના સ્મરણ સાથે આ પુસ્તકને આવકારીએ; ‘‘માણ્યું તેનું સ્મરણ કરવું, એય જે એક લ્હાવો.’’
Comments
Post a Comment