આત્મવિશ્વાસ
- પ્રવીણ ક. લહેરી
સમાજમાં દરેક વ્યક્તિ સફળ અને સુખી થવા ઈચ્છે છે. દરેક માણસને જીવનમાં સતત સુખની અનુભૂતિ થાય અને તેના કાર્યોની સફળતાથી તેમનો પ્રભાવ સૌ પર પડે તેવી આશા હોવી સ્વાભાવિક છે. જીવનમાં કે કોઈ કાર્યમાં સફળતા મેળવવા માટે ઘણી બાબતો જરૂરી છે. આ તમામ જરૂરિયાતોમાંથી આપણે સૌથી મહત્ત્વનો મુદ્દો પસંદ કરવાનો હોય તો તે છે આત્મવિશ્વાસ. આપણે જ્યારે કોઈપણ જવાબદારી સંભાળીએ છીએ કે કામ કરીએ છીએ ત્યારે તેમાં પ્રશ્નો તો સામે આવીને ઉભા રહેશે, અંતરાયો કામગીરી વિલંબ કરાવશે. સંજોગો એવા વિકટ થશે કે સફળ થવા માટે જે આશા સાથે કામ કરીએ છીએ તે નિષ્ફળતામાં ફેરવાઈ જશે. જીવનનો પર્યાય જ પડકારો છે. આપણા સુખ માટે ઈચ્છાપૂર્તિ જરૂરી લાગે છે પણ તેમાં સતત કાંઈકને કાંઈક વિધ્નો આવતાં રહે છે. આવા પ્રસંગોએ જે વ્યક્તિ મુંઝાય જાય છે તો તેના મનમાં ડર પેસી જાય છે. ભવિષ્યમાં શું થશે તેની કલ્પના માત્રથી તે નાસીપાસ થાય છે. અભ્યાસ કરતો વિદ્યાર્થી, નવા ઉદ્યોગ-ધંધા કરતાં યુવા-સાહસિકો, નવા ઘરે આવેલી ગૃહિણી, નવી નોકરીએ લાગેલ કર્મચારી, નવા નિમાયેલા શિક્ષક કે નવા નવા બનેલા મંત્રી માટે હું મારી જવાબદારી કેમ પાર પાડીશ તેની મનમાં સતત ચિંતા થતી હોય છે.
શ્રીમદ્ ભાગવત ગીતાનો પ્રથમ અધ્યાય કે જેનું શિર્ષક છે ‘અર્જુનનો વિષાદયોગ’. આ અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સામસામે ઉભેલી વિશાળ સેનાઓ, તેની વિનાશકારી શક્તિ, સગા-સબંધી અને અગાઉના મિત્રો સાથે યુદ્ધ, હિંસા, સંહાર આ સઘળી સંભાવનોથી અર્જુન હિંમત હારી જાય છે. ‘‘મારે લડવું નથી.’’ ‘‘આ યુદ્ધ સાવ અર્થહીન છે.’’ ‘‘મારે આપ્તજનોની હત્યાનું પાપ કરવું નથી.’’ ‘‘આ યુદ્ધમાં મારી અને સૌની અવગતિ જ થશે.’’ ‘‘મારું મન લડવાનું ના કહે છે.’’ વગેરે વગેરે કૌરવો-પાંડવો વચ્ચે હસ્તિનાપુર રાજ્ય પર કોઈનો વારસાગત હક્ક એ મુદ્દે દીર્ઘ વિવાદ, પ્રપંચો અને વેરઝેર બાદ સમાધાન માટે માત્ર પાંચ ગામ માગવા માટે મધ્યસ્થી કરતાં શ્રી કૃષ્ણના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે. અભિમાન કે ઈર્ષ્યાથી પીડિત દુર્યોધન ‘‘તસુભાર જમીન નહીં આપું’’ અમે કહીને પોતે તાકાતવાર છે અને અન્યાય કરે તો પણ કોઈ તેનો વાળ વાંકો ન કરી શકે. આ સ્થિતિમાં પાંડવોએ ન્યાય માટે યુદ્ધ કરવું એ એક માત્ર વિકલ્પ છે ત્યારે પોતાની વર્તમાન જવાબદારીમાં છટકવાની અર્જુનની ઈચ્છા યોગ્ય નથી. શ્રીકૃષ્ણ આ ઘટનાને નિમિત્ત બનાવી જે ઉપદેશ આપે છે, જે સ્પષ્ટતાઓ કરે છે, જે અનુભૂતિ કરાવે છે, જે શંકાઓનું સમાધાન કરે છે તેનાથી અર્જુનનો આત્મવિશ્વાસ પુનઃ સ્થાપિત થાય છે. અર્જુન ન્યાય માટે, સ્વમાન માટે, ક્ષાત્રધર્મના પાલન માટે યુદ્ધ કરવા તૈયાર થાય છે. આ શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદો પર તો અનેક ભાષ્યો લખાયા છે. આપણી જરૂર પૂરતી સમજણ માટે ૧૦ મુદ્દાઓ મહત્ત્વના છે. (૧) આત્મા સર્વનાશી છે માટે મૃત્યુનો ડર ન રાખવો. (૨) કર્મ-કર્તવ્ય-ફરજ અદા કરવી તે વ્યક્તિનો ધર્મ છે. (૩) જીવન એટલે પ્રવૃત્તિ, પ્રમાદ એ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. (૪) કર્મ કરતી સમયે શું થશે - શું પરિણામ આવશે તેની ચિંતા કરવાથી સફળતામાં અવરોધ પેદા થાય છે. (૫) ઈશ્વર સર્વવ્યાપ્ત, સર્વશક્તિમાન છે અને તેની ઈચ્છા મુજબ બ્રહ્માંડમાં અનેક ઘટનાઓ બને છે. મનુષ્ય માટે કોઈ ઘટનાનો શોક કે હર્ષ નિરર્થક છે. (૬) જ્ઞાન થકી ઈશ્વર સશક્તિમાન હોવાની સમજણ કેળવાય છે. શ્રદ્ધા રાખવી તે જીવન સંઘર્ષમાં ટકી રહેવા માટે ખૂબ જરૂરી છે. (૭) ભક્ત ઈશ્વરમય જીવન જીવે છે, તે કર્મ ક રે છે પણ તેમાં આસક્તિ નથી હોતી. કર્તવ્યબોધથી કરેલી કામગીરીમાં આસક્તિ ન હોય તો કાર્ય કર્યાનો આનંદ અને સંતોષ મળે છે. (૮) જીવનમાં જ્ઞાન-ભક્તિ સાથે કર્મયોગ ખૂબ જરૂરી છે. સૌ માટે નિયત અને જરૂરી કર્મો કરવા જ જોઈએ. (૯) કર્મમાં કુશળતા, એકાગ્રતા, સમર્પણ અનાસક્તિ એ યોગના પ્રકાર છે. તેનાથી વ્યક્તિ પોતાની માનસિક અને શારીરિક ક્ષમતાને મહત્તમ સ્તરે લઈ જઈ શકે છે. (૧૦) ઈશ્વરમાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસ હોય તો ચિંતામુક્ત થઈ કર્તવ્ય સારી રીતે બજાવી શકાય છે. ભગવત્ ગીતાનો એક શબ્દમાં ઉલ્લેખ કરવો હોય તો તે છે; ‘‘આત્મવિશ્વાસ.’’ સુખ અને સફળતાનું રહસ્ય છે; ‘‘આત્મવિશ્વાસ.’’ સંઘર્ષમાં ટકી રહેવાની ગુરુચાવી છે; ‘‘આત્મવિશ્વાસ.’’ તમે સઘળું ગુમાવ્યું હશે પણ આત્મવિશ્વાસ બુલંદ હશે તો તે સઘળું પુનઃ પ્રાપ્ત થશે. જો આત્મવિશ્વાસ ગુમાવશો તો સંઘર્ષમાં તમે પરાજય સ્વીકારી લીધો હશે અને સફળતાની શક્યતા શૂન્ય બરાબર હશે.
આપણે જે કરી શકતા નથી - આપણી જે મર્યાદાઓ છે તે આપણી ક્ષમતા પર હાવી ન થવી જોઈએ. હરકોઈ વ્યક્તિ દરેક કાર્ય કરી જ શકે તે શક્ય ન થાય પરંતુ દરેક માણસમાં અમાપ ક્ષમતા છે. આ ક્ષમતાને યથાસમયે ઉજાગર કરવાની કાળજી આપણે કરવી જોઈએ. દલાઈ લામા માને છે કે જો કોઈ પણ વ્યક્તિ પોતાની પૂરી ક્ષમતા અને આત્મવિશ્વાસથી કાર્ય કરે છે તો તે દુનિયામાં પરિવર્તન લાવી શકે છે. અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકનનું જીવન મુશ્કેલીઓ અને નિષ્ફળતાની લાંબી યાદી સમાન હતું. તેમણે કદી નિરાશ થયા વિના સાતત્યપૂર્ણ આગળ વધવાના પ્રયાસો જારી રાખી ઈતિહાસમાં ગુલામોના મુક્તિદાતા તરીકે પોતાનું નામ અમર કરેલ છે. ઈલિયોનેર રૂઝવેલ્ટ કહે છે; ‘‘આપણને જે કાર્ય કરતાં ડર લાગતો હોય તે કામ આપણે કરવા પ્રયત્ન કરવો જ જોઈએ.’’ અનેક દિવ્યાંગતાથી પીડિત હેલન કેલર કહે છે; ‘‘ તમે કદી નિરાશ થઈને માથું ઝૂકાવશો નહીં. મુશ્કેલીઓનો આત્મવિશ્વાસથી સામનો કરો.’’
આત્મવિશ્વાસને વિપરીત અસર કરનારા પાંચ પરિબળો છે.
(૧) ચિંતા : આપણા મનમાં આશા અને નિરાશાનો હિંચકો બે બાજુ ફંગોળાતો રહે છે. ચિંતા કરવાથી કોઈ કામ થતું નથી પણ કામ બગડે છે. આપણા ચિંતાતુર મનની અસર આપણી શારીરિક સ્વસ્થતા અને ક્ષમતા પર અવળી થાય છે. એક જમાનામાં ખૂબ વંચાયેલું અને વખણાયેલું ડેન કાર્નેગીનું પુસ્તક ‘‘ચિંતા છોડો, સુખથી જીવો’’ આજે પણ યુવાનો માટે વાંચવું જરૂરી છે. હું ચિંતા કરતો નથી, મને કોઈનો ડર નથી, મને કોઈના અભિપ્રાયની પડી નથી તેવો આત્મવિશ્વાસ છેતરામણો છે. મન ક્યારે નિરાશ થઈને ચિંતામાં સરી પડે તે કોઈ જાણતું નથી.
(૨) ડર (ભય) : આપણને મનમાં કશું અમંગળ થવા માટે - નુકશાન થવા માટે ડર હોય છે. આપણે સમાચાર વાંચીએ કે યુવાન-યુવતીઓને સાવ અચાનક જ હૃદયરોગનો હૂમલો થાય છેઅ ને કસમયે મોત પામે છે. આ સમાચાર વાચ્યા બાદ મનમાં એટલી ભયની લાગણી જન્મ છે કે વ્યક્તિ ડૉકટરને પોતાના હાર્ટની સ્થિતિ દર્શાવવા પહોંચી જાય છે.
(૩) નાણાં અને સાધનોનો અભાવ : આ યુગમાં એક બાજુ મોંઘવારી અને ભ્રષ્ટાચાર અને બીજી બાજુ ગરીબી અને બેરોજગારી છે ત્યારે સામાન્ય માણસ માટે યોગ્ય શિક્ષણ મેળવવામાં કે માંદગી સમયે સારાવર મેળવવામાં જે અગવડો આવે છે તેનાથી અનેક પરિવારો મુંઝાય છે. તેમાના ઘણાં કિસ્સામાં વ્યક્તિગત કે સામૂહિક આપઘાતોના બનાવો વધતાં જાય છે. સમાજ અને સરકારે સંયુક્ત પ્રયાસથી લોકોને લઘુત્તમ જરૂરિયાતો માટે ટેકો રાખવો જોઈએ.
(૪) ધાકધમકી - હિંસા : માફિયાઓ, ઊંચા વ્યાજે નાણાં ધીરનારાઓ, ગુન્હેગારો પોતાના સ્વાર્થ માટે સામેની વ્યક્તિને ગમે તેવું નુકશાન પહોંચાડી શકે છે. આવા ખંડણીના, અપહરણના, વેરથી બળાત્કાર સહિના અનેક ગુન્હાઓના કારણે અનેક શહેરો-ગામડામાં ત્રાસદાયક સ્થિતિ હોય છે.
(૫) અન્યાય : શોષણ-ભેદભાવના કારણે જ્યારે વ્યક્તિને પોતાની લાયકાત અને મહેનત પ્રમાણે લાભ મળતાં નથી ત્યારે તે નિરાશ થઈ જાય છે. આત્મવિશ્વાસ માટે આપણે આપણામાં શ્રદ્ધા રાખવાની છે. અન્યા સાથે સરખામણી કરવાની નથી. આળસ અને ચિંતા છોડીને પુરુષાર્થ કરવાનો છે. નિરાશા એ નિષ્ફળતાનો માર્ગ છે. ડર આપણી શક્તિઓ કુંઠિત કરી દે છે. ટીકા આપણને વિહ્ળ-ચલિત કરી દે છે. સંકલ્પ આપણને માનસિક શક્તિ પ્રદાન કરે છે. ધીરજ આપણને સ્થિરતા આપે છે, નકારાત્મક પરપિડન કરનારા અને ઈર્ષાળુ વ્યક્તિઓથી દૂર રહી તમે તમારા સંકલ્પો સાકાર કરવામાં વ્યસ્ત રહેશો તો આત્મવિશ્વાસરુપી નાવ તમને સફળતાના કિનારે ઉતારશે તે નક્કી છે.
Comments
Post a Comment