શ્રી રામ મંદિર
પુનઃનિર્માણ અને પ્રાણ-પ્રતિષ્ઠા
- પ્રવીણ ક. લહેરી
‘‘રામસભામાં અમે રમવાને ગ્યાં’તા પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો’’ કવિ નરસિંહ મહેતાના ભજનની આ પંક્તિનો રસ આપણે સૌએ તારીખ ૨૨મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ચાખ્યો. શ્રી રામજન્મભૂમિ પર નવા મંદિરના નિર્માણની ઘટના ભારતના ઈતિહાસની એક અનન્ય અને અદ્ભૂત ઘટના છે. આપણા દેશ પર ઈસ્વીસન પૂર્વ ચારસો વર્ષ લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં થયેલું. આક્રમણ સાવ અધવચ્ચે રોકાયું. સિકંદરની સેનાના સૈનિકો થાકેલા કે હારેલા, કંટાળેલા કે ડરી ગયેલા, જે હોય તે સિકંદરે પોતાના વતન ગ્રીસ-મેસે ડોનિયા તરફ પાછા વળવાનું કર્યું. ત્યારબાદ ઉત્તર પશ્ચિમેથી પ્રવેશેલા જૂથો ક્રમશઃ ભારતની ભાતીગળ સંસ્કૃતિમાં ભળી ગયા. મૌર્ય સામ્રાજ્યે ભારતીય ઉપખંડના ખૂબ મોટા હિસ્સા પર આધિપત્ય જમાવ્યું હતું. સમ્રાટ અશોકના બુદ્ધ ધર્મના અંગીકાર સાથે બુદ્ધ ધર્મ દૂર પૂર્વના એશિયાઈ દેશોમાં ફેલાયો. ચીન, જાપાન, કોરિયા, શ્રીલંકા, લાઓસ સહિત અન્ય દેશોમાં વાયવ્ય દિશામાં અફઘાનિસ્તાન સુધી પ્રસર્યો હતો. મૌર્ય સામ્રાજ્યના અંત બાદ સમયાંતરે વિવિધ સામ્રાજ્યો મધ્ય ભારત, દક્ષિણ ભારતમાં પાંગર્યા હતાં. ભારતમાં શંકરાચાર્યના અદ્વૈતવાદના પ્રચાર-પ્રસાર બાદ હિન્દુ અને બુદ્ધ સાધુઓ વચ્ચે ઉગ્ર ચર્ચા અને હિંસક ઘટનાઓ બાદ બુદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્ાય ખૂબ ઓછી રહી. ભગવાન બુદ્ધની કરુણા, સદ્વર્તન અને માનવીય મૂલ્યોના પ્રદાનને સ્વીકારતાં હિન્દુ ધર્મમાં તેને ભગવાન વિષ્ણુના નવમાં અવતાર તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા.
ઈસ્વીસન ૭૧૨માં મહમદ-બિન-કાસિમ નામના આરબ સેનાપતિએ ત્રીજા પ્રયત્ને સિંધના રાજા દાહિરની યુદ્ધમાં થયેલી શહિદી બાદ સિંધમાં મુસ્લિમ શાસનની શરુઆત કરી ત્યારથી આજસુધી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ, યુદ્ધો, સમાધાનો ભાગીદારીઓનો ૧૪૦૦ વર્ષનો લાંબો ઈતિહાસ છે. ભારતની બ્રિટીશ શાસનમાંથી મુક્તિ સમયે મુસ્લિમો માટે અલગ રાજ્યની માંગણી અને પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ની રચના બાદ અખિલ ભારતીય રાષ્ટ્ર્ીય કોંગ્રેસે ઘડેલા બંધારણમાં લઘુમતિઓને સમાન અધિકારો આપ્યા અને તેમની આગવી ઓળખ અને ધર્મ પ્રચાર, શિક્ષણ અને સંસ્કૃતિ માટે વિશેષ અધિકારો પણ આપ્યા. ધર્મ આધારિત વિભાજન બાદ દેશના તમામ મુસ્લિમોએ તેમના અલગ થયેલા દેશમાં જવું જોઈએ તેવી માન્યતા અનેક હિન્દુ સંગઠ્ઠનો અને કોંગ્રેસના અમુક આગેવાનો ધરાવતા હતાં. કોંગ્રેસના નેતાઓએ ધર્મ નિરપેક્ષ રાજ્યનો આદર્શ સ્વીકાર્યો પણ અનેક ભારતીયો માટે ઈસ્લામના અનુયાયીઓની વફાદારી દેશ પ્રત્યે નહીં પણ ધર્મ પ્રત્યે પ્રથમ છે તે હકીકત વાંધાજનક હતી અને આજે પણ છે.
આઝાદી સમયે જે. બી. ક્રિ્પલાણી અને રામ મનોહર લોહીયાએ હિન્દુ અને મુસ્લિમ માનસિકતાનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે હિન્દુઓ માટે મુસ્લિમોએ ધર્મસ્થાનોનો કરેલ વિનાશ, સ્ત્રીઓ-બાળકોને ગુલામ બનાવવા, શિક્ષણ સંસ્થાઓ જલાવી દેવાથી માંડીને તલવારના જોરે ધર્મપરિવર્તન કરાવવાના અપરાધો ભૂલી જવા કે માફ કરવાનું શક્ય ન હતું. આઠસોથી હજાર વર્ષના શાસન બાદ મુસ્લિમો માટે હિન્દુ ધર્મ પ્રત્યે આદર કેળવવો કે કુરાનની કાફિરો માટેની ક્રુર વર્તનની ભલામણ છોડીને, જેહાદની ધર્માંધતાના સૂચિતાર્થો સમજવાની તૈયારીનો અભાવ હોવાથી કહેવાતી ગંગા-યમુનાની તેહઝીબ કે કોમી ભાઈચારા માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થઈ શક્યું નથી. પોતાના ધર્મની અગ્રતા જ નહીં પણ અન્ય લોકોના અધિકારો સ્વીકારવામાં મુસ્લિમ વિદ્ધાનોની નિષ્ફળતાએ ક્રમશઃ હિન્દુઓમાં આક્રોશ પેદા કર્યો.
આ આક્રોશના ત્રણ પ્રતિકો ચૂંટણીમાં રાજકીય મુદ્દા તરીકે ઉપસી આવ્યા. પ્રથમ રામમંદિરનું પુનઃનિર્માણ, બીજું જમ્મુ-કાશ્મિર માટેની વિશેષ જોગવાઈ કરતી કલમ ૩૭૦ રદ કરવા અંગે અને ત્રીજો મુદ્દો સમાન નાગરિક ધારાનો મુદ્દો મહત્ત્વનો બન્યો. સાથે સાથે મુસ્લિમોની કટ્ટરતા અને સરકાર દ્વારા તેમના તૃષ્ટિકરણના કિસ્સાઓએ હિન્દુઓમાં ભયની લાગણી જાગૃત કરી. ભારતીય ફોજદારી કાર્ય પદ્ધતિ હેઠળ શાહબાનો નામની મુસ્લિમ મહિલાને પ્રતિ માસ નજીવી રકમનું ભરણપોષણ આપવાના ફોજદારી કોર્ટના ચૂકાદા સામે લઘુમતિના આગેવાનોએ ધાર્મિક સ્વાતંત્ર્યના નામે જે કાગારોળ મચાવી તેનાથી ભારત સરકારે તે ચૂકાદો રદ કર્યો. આ અઘટિત નિર્ણય કર્યો ત્યારથી બહુમતિમાં એ લાગણી જન્મી કે જે ફોજદારી કાયદાએ ૧૦૦ વર્ષમાં અગાઉ ક્યારેય (બંધારણ અસ્તિત્વમાં પણ ન હતું ત્યારે પણ) કદી કોઈપણ ફોજદારી કેસમાં ધર્મના નામે કોઈ અપવાદ કર્યો ન હતો. આમ છતાં મુસ્લિમ પસર્નલ લો બોર્ડે જે રીતે અર્થઘટનો શરું કર્યા અને દેવબંધની મુદ્રેસાએ જે ફતવા/ફરમાનો બહાર પાડ્યા ત્યારે એ સ્પષ્ટ થયું કે લઘુમતિ માટે દેશ, ન્યાય કે સમાનતાની જગ્યાએ તેમના ધર્મની આજ્ઞાઓ મહત્ત્વની છે. વફક બોર્ડ જેવા એક તરફી કાયદાઓએ પણ બળતામાં ઘી ઉમેર્યું. જમ્મુ-કાશ્મિરમાં હિન્દુ પંડિતો પર હત્યા, બળાત્કાર, આગજની દ્વારા તેમને ખીણના વતનના ગામો ખાલી કરવા પડ્યા ત્યારે પણ અન્ય દેશોએ મૌન પાળીને ભારતમાં ધર્માંધતા અને કટ્ટરવાદને સમર્થન આપ્યું.
આ પૂર્વ ભૂમિકાને સમજ્યા વિના દેશની સાંપ્રત પરિસ્થિતિ વાસ્તવિક રીતે સમજવી કઠિન છે. જે રાજકીય પક્ષો બંધારણ, ધર્મનિરપેક્ષતા, સહિષ્ણુતા અને ભાઈચારાને ટાંકીને કોમી તનાવ દૂર કરવાની વાત કરે છે તેઓ લઘુમતિની ભૂલો દર્શાવવા તૈયાર નથી. લોકશાહીમાં બહુમતીની સ્થિતિ મજબૂત રહે તે સ્વભાવિક છે. જે જે રાજકીય પક્ષોએ મુસ્લિમ મતબેંક સાચવવા કટ્ટરવાદને સ્વીકૃતિ આપી છે તે આજે નથી રહ્યા ઘરના કે નથી રહ્યા ઘાટના. ભારતીય જનતા પક્ષે ૨૦૧૪માં નરેન્દ્રભાઈના સબળ નેતૃત્વ નીચે પૂર્ણ બહુમતવાદી સરકાર ૩૦ વર્ષના સમયગાળા બાદ રચી. આ ચૂંટાયેલી સરકારની ટીકા જરૂર કરવી જોઈએ પણ તે હકીકત આધારિત હોવી જોઈએ - પૂર્વગ્રહ આધારિત નહીં. આ ઉપરાંત હિન્દુ-મુસ્લિમ માટે અલગ અલગ માપદંડનો ઉપયોગ કરી ભેદભાવને સમર્થન આપ્યું. હિન્દુ કટ્ટરવાદની વાત સાવ નિરર્થક છે. મોદી સરકારે અન્ય ઈસ્લામિક દેશોના કાયદાઓ જેમ ટ્રિ્પલ તલાકની પ્રથા રદ કરતો કાયદો કર્યો જેને શાંત રીતે મુસ્લિમ મહિલાઓએ સ્વીકાર્યો-આવકાર્યો. આવાસ, આયુષ્માન કાર્ડ, શિક્ષણનો હક્ક, ગરીબોને નિઃશુલ્ક અનાજ, નિઃશુલ્ક રસીકરણ, કિસાન સન્માન યોજનાના લાભો મળતાં લઘુમતિનો એક વર્ગ સરકારની કદર કરવામં હવે ક્ષોભ અનુભવતો નથી. પાકિસ્તાનની કથળેલી આર્થિક હાલાત, ચીજ-વસ્તુઓની તંગી, વિદેશી દેવાની ચૂકવણીમાં નાદારીને આરે છે અને મોંઘવારીના કારણે પ્રજા હેરાન-પરેશાન છે. અનેક વર્તમાનપત્રો અને સામાન્ય લોકો નીડરતાપૂર્વક મોદી સરકારની અને નરેન્દ્રભાઈની વ્યક્તિગત પ્રશંસા કરીને સ્વીકારે છે કે ભારતમાં રહેલા મુસ્લિમો કહેવાતા ‘હોમ લેન્ડ’ કરતાં વધારે સુખી છે.
શ્રી રામ જન્મભૂમિ પરની બાબરી મસ્દિદના સ્થાને શ્રી રામ લલ્લાના મંદિરનું પુનઃનિર્માણ અને મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાએ એક મહત્ત્વનો સંદેશ આપ્યો છે. ભારતમાં લઘુમતિઓને જે લાડ લડાવ્યા તે સમય હવે પૂરો થયો છે. લઘુમતિના નામે કે બંધારણ-ધર્મનિરપેક્ષતાની દુહાઈ દઈને હવે કોઈ ગેરવાજબી-ગેર-બંધારણીય માંગણી સ્વીકારશે નહીં. બંધારણ મુજબ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારા માટે મુસ્લિમ સમાજે પોતાની પ્રવર્તમાન માન્યતા બદલીને જરૂરી અને વાજબી સુધારાઓ સ્વીકારવા પડશે. હિંદુઓને કાફિર કહી, જેહાદની માટે ઉગ્ર ભાષામાં ઉશ્કેરણી કરીને કે આતંકી કૃત્યોથી કોઈ લાભ નહીં થાય. કાળચક્ર ફરી રહ્યું છે. આજે તો ‘‘રામનામ કી લૂટ હૈ, લૂટ શકે તો લૂટ, અંતકાળ પછતાયેંગા જબ પ્રાણ જાયેંગે છૂટ.’’
Comments
Post a Comment