હિન્દુ ધર્મમાં વર્તમાનનું મહત્ત્વ

                                                                      - પ્રવીણ ક. લહેરી

વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓના અનેક અવશેષો આપણને પ્રાપ્ત થાય છે. બેબીલોન, મીસર, ચીનમાં લોકોએ અવશેષોના નિર્માણમાં અને સાચવવામાં કાળજી કરી છે. મિસર (ઈજિપ્ત)માં તો મૃતદેહોની જાળવણી માટે મૃત શરીરમાં મસાલા ભરી, અનેક વસ્તઓ સાથે તેને વિશાળ પિરામીડોમાં સુરક્ષિત રાખવા માટે ભગીરથ પ્રયત્નો કર્યાં છે. પિરામીડો ખોલીને ઈતિહાસ સંશોધકોએ આ સઘળું નિહાળ્યું ત્યારે સૌ આશ્ચર્યચકિત રહી ગયા. એક પ્રાચીન સંસ્કૃતિની ઝીણામાં ઝીણી વિગતો પૂરાવા સહિત મળે ત્યારે ઈતિહાસના લેખનમાં કેટલી સરળતા રહે ? આ કાર્યમાં એક આશા છૂપાયેલી હતી. ઈશ્વર આ મૃતદેહોને નવજીવન આપશે. અનેક દેવ-દેવીઓ, પ્રતિકો અને સૃષ્ટિમાં સર્વશક્તિમાન ભગવાનમાં ભરોસા રાખતી મિસરની સંસ્કૃતિની વિવિધતા કે ભવ્યતા સ્વીકારવામાં ખ્રિસ્તી માન્યતા ધરાવતા સંશોધકોને અવઢવ થઈ. ‘પગાન’ (પ્રકૃતિના તત્ત્વોને ભજનાર) આઈડોલેટર (મૂર્તિપૂજકો) જેવા શબ્દો હીન ભાવના સાથે જોડીને પશ્ચિમના ખ્રિસ્તી ધર્મ અને પરંપરા જ સાચા છે તેવા વહેમમાં પ્રાચીન સંસ્કૃતિઓને પછાત ગણાવી. જો કે કૅલેન્ડર, કૃષિ, હુન્નર ઉદ્યોગ, કલા, સાહિત્ય, પહેરવેશ, રાચરચીલા સહિત અનેક પાશ્ચાત્ય સંસ્કૃતિના પાયામાં રહેલા રૉમન સામ્રાજ્યની ઘેરી અસર યુરોપ અને અમેરિકા પર છે. ઈજિપ્તનું પેપીરસ (કાગળ પર) અને દિવાલો પર જે લખાણો છે તે ઉકેલવામાં વિદ્ધાનો ગોથા ખાતાં હતાં ત્યારે ‘રોઝેટાસ્ટોન’ તરીકે જાણીતા એક અવશેષ ઈજિપ્તની હેલીઓગ્રાફ્રી અને ગ્રિક ભાષાઓના મૂળાક્ષરોની સરખામણી શક્ય બનતાં આપણને ઈજિપ્તના સામ્રાજ્યોનો સિલાસિલાબંધ ઈતિહાસ લખવાનું કાર્ય શક્ય બન્યું છે. સિંધુ સંસ્કૃતિની ભાષા માટી ટીકડીઓ અને ધોળાવીરના એક બોર્ડમાં જોવા મળે છે.તેના અર્થઘટનના અનેક પ્રયત્નો બાદ હજી સર્વસ્વીકૃત અર્થઘટન થઈ શક્યું નથી તે હકીકત છે. જો કે મિસરની જેમ કાગળ કે ભીંતો પરના પ્રચુર લખાણો નથી તેથી તે લિપી ઉકલે તો પણ સળંગ ઈતિહાસ લખવા માટે પૂરતી માહિતી ઉપલબ્ધ થશે નહીં.

ઈજિપ્તમાં નાઈલ નદીના કાંઠે પાંગરેલી સંસ્કૃતિ અનેક મહાલયો, દેવાલયો, સ્મારકો, પિરામડમાં સચવાયેલી છે. ભારતમાં કાળનો પ્રવાહ એટલો તીવ્ર છે કે તેની વિનાશકારી શક્તિ તરીકે શાશ્વત રીતે કશું બચી શકે નહીં તેવી આપણી દૃઢ માન્યતા છે. આપણા પૂર્વજોએ ઈતિહાસની આધારભૂત જાળવણી માટે ઉપેક્ષા સેવી છે. જે કોઈ ઉપલબ્ધ છે તે વેદોની મૌખિક પરંપરા અને ગુરુકૂળમાં અભ્યાસ દ્વારા ઋષિ-મુનિઓના જ્ઞાનની જાળવણી શ્લોકોમાં થઈ છે. ભારતીય લોકો વેદો, ઉપનિષદો, પૂરાણો અને મહાકાવ્યોની કલ્પના સહિતની વાર્તાઓમાં ઈતિહાસ છુપાયેલો છે તેવી દૃઢ માન્યતા ધરાવે છે. અમુક વર્ગ સનાતન ધર્મની તમામ બાબતો અંગે બુદ્ધિગમ્ય વિચાર-ચકાસણી કરીને જ સત્ય હોય તેટલું જ સ્વીકારવું તેવો મત ધરાવે છે. ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની વાર્તાઓ કે ઉપદેશ અથવા કોઈ પણ માન્યતાને બુદ્ધિથી અને વિવેકથી ચકાસીને જ યોગ્ય લાગે તો સ્વીકારવામાં શ્રદ્ધા રાખે છે. ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધી ‘શાસ્ત્રનો શબ્દ, શાશ્વત સત્ય’ એમ માનવાની ભૂલ ન કરવા આગ્રહ કરે છે.

ભારતના ભવ્ય ભૂતકાળના ગુણગાન સર્વત્ર થઈ રહ્યા છે. ભૂતકાળનો વૈભવ પુનઃસ્થાપિત થશે. ભારતની વિમાન, મિસાઈલ, સર્જરી, ખગોળ, સ્થાપત્યની શોધો વિશ્વ સ્વીકારશે. ભારત વિશ્વગુરુ બનશે. ૨૧મી સદી ભારતની છે એવા અનેક વિધાનો વચ્ચે આપણે એ વાત સ્વીકારવી જોઈએ કે આપણા પૂર્વજો માટે ભૂતકાળની જાળવણી મહત્ત્વની ન હતી તેમજ ભવિષ્યની ચિંતા પણ જરૂરી ન હતી. ‘દેહ નશ્વર છે અને આત્મા અમર છે’ તેવો ભગવદ્‌ ગીતાનો ઉપદેશ પ્રજાની નસેનસમાં વહી રહ્યો છે. સ્થિતપ્રજ્ઞની અવસ્થા જ સુખનો ધોરીમાર્ગ છે. ભક્તિ અને પ્રભુશરણ જ આપણને મોક્ષના અધિકારી બનાવે છે. આવી માન્યતાઓના કારણે આપણા માટે તો આજની ઘડી જ રળિયામણી છે. ‘‘જે ગમે જગદ્‌ગુરુ જગદીશને તે તણો ખરોખરો ફોક’’ કરવો. આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે અંતરે એક ઉદ્વેગ ધરવો’’ કવિ નરસિંહ મહેતાની આ પંક્તિએ જ આપણને અનેક દુઃખદ પ્રસંગે કે આપત્તિમાં ધીરજ અને હિંમત આપ્યા છે. આપણી આશાઓ જીવંત રાખી છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના બીજા અધ્યાયમાં ૨૮મા શ્લોકમાં કહે છે; ‘‘હે ભરતવંશી, દરેક પ્રાણી જન્મ પહેલાં અપ્રગટ છે. મૃત્યુ બાદ અપ્રગટ થાય છે. માત્ર વચ્ચેના સમયમાં પ્રગટ થાય છે ત્યારે તે અંગે (તેના મૃત્યુ અંગે) શોક શા માટે કરવો ?’’ જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. શ્રીકૃષ્ણ ગીતાના દસમા અધ્યાયમાં કહે છે; ‘‘સઘળાં ભૂતોનો આદિ, મધ્યમ અને અંત હું જ છું.’’ વર્તમાનની દરેક ક્ષણ મૂલ્યવાન છે. આ સમયનો અવિરત પ્રવાહ છે. ભૂતકાળની પિષ્ટપેશણ કર્યા વિના, ભવિષ્યની નકામી ચિંતા કર્યા વિના, વર્તમાનમાં, સંજોગાધીન જે કર્તવ્ય છે, ધર્મ છે, જવાબદારી છે, ફરજ છે તેનું પાલન કરવું જ જોઈએ. આપણે આમ કરવામાં ચૂક કરીએ તો તે અધર્મના આચરણ સમાન છે. શું કરવું કે શું ન કરવું તેનો સ્વસ્થ મને વિચાર કરવો પણ મુંઝાવું નહીં. જે સ્થિતિ છે તેનો સામનો કરવામાં શું થશે, કેમ થશે તેવા વિચારોમાં અટવાઈને નિષ્કર્મની અવસ્થા ખૂબ જોખમી છે.

ભગવદ્‌ ગીતા હોય કે આપણી સંત પરંપરા હોય, સૌનો આગ્રહ છે કે માનવજીવનને સાર્થક કરવા માટે કર્તવ્યપાલન અનિવાર્ય અને આવશ્યક છે. સાકારભક્તિ અને નિરાકાર ભક્તિ, શ્રદ્ધા કે નાસ્તિકતા કરતાં ઈશ્વર અનાદિ છે, સર્વ શક્તિમાન છે,  અજ્ઞાત છે અને બ્રહ્માંડના નિર્માણ, સંચાલન અને સંહારનું એક માત્ર કારણ ઈશ્વર હસ્તક છે તેવી માન્યતા - શ્રદ્ધા મહત્ત્વના છે. કમનસીબે આજે સનાતન ધર્મની સાચી સમજણને બદલે અનેક ક્ષુલ્લક બાબતો અંગે ચિત્ર-વિચિત્ર મંતવ્યો રજૂ કરી તદ્દન અર્થહીન વિવાદો ચાલે છે. ધર્મનો અર્ક પામવો દુર્લભ નથી. ગંગાસતી પાનબાઈને કહે છે તેમ ‘‘વીજના ઝબકારે મોતી પરોવવાનું છે.’’ કવિ હરિહર ભટ્ટની યાચના એટલે જ છે કે, ‘એક જ દે ચિનગારી, મહાનળ  એક જ ચિનગારી.’ સત્યરુપી તણખો પામે તેના સઘળા બંધનો છૂટી જાય અને સઘળાં સંશયોનો નાશ થાય. આ માટે શ્રદ્ધા, ધૈર્ય, સુચિતા, કરુણા, યથાર્થ જ્ઞાન, સંયમ, ક્ષમા, પરિશુદ્ધ સમાજ, અભય, સમતા અને સંતોષ જેવા ગુણો હોય તેમના માટે જીવન સાર્થક રીતે જીવવું જરૂરી છે. માયાના છ નિર્ણાયક અને દુષ્કર એવા પરિબળો : કામ, ક્રોધ, મદ,  મોહ, લોભ અને ઈર્ષ્યાને અંકુશમાં રાખવા જરૂરી છે.

સનાતન ધર્મમાં જે લચીલાપણું છે તેના કારણે તે સતત પ્રવાહિત રહે છે. અન્ય ધર્મો ગ્રંથ આધારિત કે પયગંબર આધારિત હોવાથી તેમાં ચોક્કસ વસ્તુઓમાં પરિવર્તન લાવવાનું કામ ખૂબ મુશ્કેલ છે. હિન્દુધર્મમાં ચર્તુપુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો સમાવેશ થાય છે. સનાતની માટે મોક્ષ એ અંતિમ ધ્યેય છે. ‘‘જીવનની લખચોરાસી (ચોર્યાસી લાખ) યોનિમાંથી આત્માને મુક્ત કરવો તે લક્ષ્ય ખૂબ ઊંડી સમજણ અને સાધના માંગે છે. હિન્દુઓ સ્થાનિક પરિસ્થિતિને ખૂબ સારી રીતે સાનુકૂળ થાય છે. મધ્યપૂર્વમાં યુનાઈટેડ આરબ એમિરાટ અથવા તો ઓમાન જેવા દેશો પાકિસ્તાનના મુસલમાનો કરતાં ભારતના હિન્દુઓને પ્રથમ પસંદગી આપે છે. કશા ઉપદ્રવ વિના સહયોગ સાથે નિવાસ કરતાં હિન્દુઓ પોતાની ઓળખ મીટાવ્યા સિવાય અનેક બાબતોમાં સ્થાનિક લોકોની લાગણી ન દુભાય તે માટે ચુસ્ત રહેલું સાઉદી અરેબિયાનું રાજ ક્રમશઃ વર્તમાન જરૂરિયાતોને પ્રાધાન્ય આપવા લાગ્યું છે. કવિ ઈકબાલના શબ્દોમાં ‘‘કુછ બાત હૈ ઐસી કી, મિટતી નહીં હસ્તી હમારી’’ સાચી છે. હિન્દુ ધર્મના હજારો વર્ષના ઈતિહાસમાં અનેક ચઢાવ-ઉતાર બાદ આજે હિન્દુ-હિન્દુ હોવાના ગૌરવ સાથે ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત પર છે. સનાતન ધર્મ માટે અચ્છે દિનનો શુભારંભ થઈ ચૂક્યો છે. હવે એ જોવાનું કે સનાતન ધર્મ એક બાજુ આત્મમંથન કરી જે ત્રૂટિઓ છે તે દૂર કરે છે કે નહીં. વર્તમાન સમયને અનુરુપ જીવનદર્શન અને જીવનશૈલી સાથે પોતાનો અને સમગ્ર વિશ્વનો વિકાસ કરે. જો આમ થશે તો આપણી ખૂબ જૂની ઉક્તિ ‘‘વસુધૈવ કુટુંબકમ્‌’’ સાર્થક થશે.

Comments

Popular posts from this blog