વાઈબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ
પ્રવીણ ક. લહેરી
ઈ.સ. ૨૦૨૪ના વર્ષનો શુભારંભ ગુજરાત માટે ધમાકેદાર રીતે થયો. જાન્યુઆરી માસની ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૪માં રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’નું ૧૦મું અધિવેશન મળ્યું હતું. વિશ્વમાં મૂડીરોકાણના ક્ષેત્રે આવો ભવ્ય પ્રસંગ ભારતનું એક રાજ્ય યોજી શકે તે ઘટનાની દુનિયાભરમાં નોંધ લેવામાં આવી. રાજકીય અસ્થિરતા, દુષ્કાળ, વાવાઝોડા, મહાભૂકંપ અને કોમી હુલ્લડોના કારણે વર્ષ ૧૯૯૪થી ૨૦૦૩નો દસકો ગુજરાત માટે વસમો સમય રહ્યો હતો. ફેબ્રુઆરી ૧૯૯૪માં તત્કાલિન મુખ્યમંત્રી ચીનભાઈ પટેલનું અચાનક અવસાન થયા બાદ ૧૯૯૪ થી ૧૯૯૮ના ચાર વર્ષના સમયમાં છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશચંદ્ર મહેતા, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ એમ પાંચ પાંચ મુખ્યમંત્રીશ્રીઓનો શાસનકાળ અલ્પ સમયનો રહ્યો. નર્મદા યોજના સુપ્રિમ કોર્ટના મનાઈ હુકમ હેઠળ સ્થગિત થઈ હતી. ગુજરાતે ૧૯૫૦ થી ૧૯૯૪ વચ્ચે ચીમનભાઈના ગતિશીલ નેતૃત્વ હેઠળ ઉદારીકરણનો લાભ લઈને રિફાઈનરીઓ, બંદરો, પેટ્ર્ોકેમિકલ્સ સંકુલો, કાપડ અને હિરા ઉદ્યોગમાં જંગી મૂડીરોકાણ આકર્ષયું હતું. તેની જગ્યાએ ગુજરાતના આર્થિક વિકાસ સામે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. ૧૯૯૮ થી ૨૦૦૧ના લગભગ ચાર વર્ષના કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીપદે ભારતીય જનતાપક્ષે સ્થિર શાસન સાથે ગુજરાત ૨૦૨૦ના દસ્તાવેજ સાથે ભાવિ આયોજન તૈયાર કર્યું પણ કુદરતી આપત્તિઓએ કેશુભાઈને સિદ્ધિઓથી વંચિત રાખ્યા. ઓકટોબર-૨૦૦૧માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાસનની ધૂરા સંભાળી. મે-૨૦૧૪ સુધી ૧૨ વર્ષથી વધારે રાજકીય સ્થિરતા, અભૂતપૂર્વ લોકપ્રિયતા અને સુશાસન માટે નામના મેળવી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે વિકાસની ગુરુચાવી રૂપે ‘પંચશક્તિ’ના વિકાસની વ્યૂહરચના રજૂ કરી હતી. જળશક્તિ, ઉર્જાશક્તિ, જ્ઞાનશક્તિ, જનશક્તિ અને રક્ષાશક્તિ હેઠળ રાજ્યનો સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ થાય તે માટે તેમણે દૃઢ નિર્ધાર જાહેર કર્યો હતો. આ વિચાર હેઠળ લાખો ખેતતલાવડીઓ, ચેકડેમો, બોરીબંધો, સૌની યોજના, પીવાના પાણી માટે નર્મદાના પાણી આધારિત વિતરણ વ્યવસ્થા, નર્મદા ડેમ-કૅનાલોના નિર્માણમાં ઝડપ સાથે ગુજરાત પાણીની તીવ્ર તંગીમાંથી બહાર આવ્યું. અનેક વિસ્તારોએ સેંકડો વર્ષો બાદ જીવનની પ્રાથમિક જરૂરિયાત જેવા પાણીની પ્રાપ્તિ કરી. કચ્છના મુન્દ્રામાં ટાટા અને અદાણી જૂથો દ્વારા મેગા પાવર પ્રોજેક્ટ (થર્મલ) કાર્યરત થતાં ગુજરાત તેની સ્થાપના બાદ પ્રથમ વખત ઉર્જાક્ષેત્રે જરૂરિયાતથી વધારે ઉપલબ્ધિ ધરાવતું રાજ્ય બન્યું. અન્ય રાજ્યોને વીજ વેચાણ દ્વારા દેશની ઉર્જાની ઘટ કમી કરવામાં પ્રદાન કર્યું. શ્રી નરેન્દ્રભાઈએ ‘‘જ્યોતિગ્રામ’’ યોજનાના માધ્યમથી તમામ ગામોને ૨૪ ટ ૭ વીજ પૂરવઠો પૂરો પાડીને ગ્રામીણ અને વિકેન્દ્રીત સુક્ષ્મ, લઘુ અને મધ્યમકદના ઉદ્યોગો માટે આદર્શ સ્થિતિનું નિર્માણ કર્યું. જ્ઞાનશક્તિ હેઠળ રાજ્યમાં ખાનગી શિક્ષણ સંસ્થાઓ (શાળા કૉલેજ અને યુનિવર્સિટીઓ)ને પ્રોત્સાહન આપી સેંકડો કરોડ રૂપિયાનું ખાનગી મૂડીરોકાણ શિક્ષણક્ષેત્રે શક્ય બન્યું. રાજ્યની વિશાળ યુવાશક્તિને શિક્ષણ અને કૌશલ્ય નિર્માણ માટે ઠેર ઠેર જરૂરી સવલતો ઉપલબ્ધ કરાવી યોગ, ફોરેન્સિક, ઓઈલ અને ગૅસ, બંદરો સહિત અનેક ઉભરતાં ક્ષેત્રોના વ્યવસ્થાપન માટે વિશિષ્ટ ક્ષેત્રોના યુનિવર્સિટીઓની સ્થાપના કરી. આના પરિણામે ગુજરાતમાં દેશના સૌથી વધારે સ્ટાર્ટઅપ અને યુનિકોન આવેલા છે. નરેન્દ્રભાઈની વિકાસની કલ્પનામાં જનશક્તિ-જનભાગીદારીનું અનેરું મહત્ત્વ રહ્યું છે. દરેક ક્ષેત્રમાં ખાનગી મૂડીરોકાણ કરનાર સાહસિકો મારફત ઝડપી વિકાસ થાય તે માટે ઑકટોબર-૨૦૦૩માં તેમના શાસનના બે વર્ષ બાદ રાજ્યમાં મૂડીરોકાણ માટે ખાસ ઝુંબેશ હાથ ધરી. તેના વિગતવાર આયોજન સમયે અગાઉ ‘ઈન્વેસ્ટમેન્ટ સમિટ’, ‘રોડ શો’, ‘મૂડીરોકાણ સેમિનાર’, ‘ગુજરાતમાં ઉદ્યોગ’ જેવા શિર્ષકો નરેન્દ્રભાઈને ફિક્કા લાગ્યા. ગુજરાતની ક્ષમતા અને વિશ્વાસનો પરિચય આપે તેવા બ્રાન્ડ નેઈમની શોધ દરમિયાન તેમની નજર ગુજરાત પ્રવાસનના સાહિત્ય પર પડી. તેમને પ્રવાસનક્ષેત્રનો લોગો વાઈબ્રન્ટ ગુજરાત પસંદ આવ્યો. શબ્દકોશ મુજબ ઉત્સાહ-ઉમંગની લાગણી દર્શાવતો આ શબ્દ રંગની દૃષ્ટિએ ઘેરા ભડક રંગોને અને બહુરંગી ચિત્ર માટે વપરાતો હતો. આજે વાઈબ્રન્ટ ગુજરાત શબ્દ શબ્દકોશના અર્થથી વિસ્તાર પામી વૈશ્વિક કક્ષાએ ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતનો પર્યાય બન્યો છે. ૨૦૦૨ના કોમી હુલ્લડો બાદ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શાંત અને સલામતિ માટે અનુકૂળ રહી છે.
ગુજરાતના ઝડપી વિકાસ માટે જુદા જુદા ‘બ્રાન્ડ નેમ’ હેઠળ નરેન્દ્રભાઈએ અનેક ઝુંબેશોનો આરંભ કર્યો જેમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કૃષિ મહોત્સવ, લોકકલ્યાણ મેળા, જ્યોતિગ્રામ, માં, સાગરખેડૂ, વનબંધુ, કન્યા કેળવણી, રાષ્ટ્ર્ીય તહેવારોની જિલ્લાકક્ષાએ ઉજવણી, જળસંચય, સૌની યોજના હેઠળ નદીઓ-તળાવોનું જોડાણ, સુજલામ્, સુફલામ સહિત વિવિધ યોજનાના અમલ સાથે ચિંતન શિબિરો અને કર્મયોગી તાલીમ દ્વારા વહીવટીતંત્ર ચેતનવંતુ બનયું. ચોક્કસ દિશા નિર્દેશો, ઝડપી નિર્ણયો, અધિકારી પર વિશ્વાસ અને સતત લોકસંપર્ક દ્વારા ગુજરાતને અનેક વર્ષો શ્રેષ્ઠ રાજ્ય - શ્રેષ્ઠ મુખ્યમંત્રીના અગણિત માન-સન્માન મળ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વૈશ્વિક સ્તરે ગુજરાતની છાપ ઉજળી કરવામાં જો કોઈ એક ઘટનાને પસંદ કરવાની હોય તો તે છે ‘વાઈબ્રન્ટ ગુજરાત.’
વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૯માં યોજાયું. આ નવ અધિવેશનો દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગ ઉપરાંત કૃષિ, બંદરો, શિક્ષણ, આરોગ્ય, વંચિતો, જિલ્લા વિકાસ, દૂધ ઉદ્યોગ, સેવાક્ષેત્ર સહિત અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં મૂડી રોકાણ થાય, રાજ્યનું ઘરેલું ઉત્પાદન વધે, અદ્યતન ટૅકનોલોજી અપનાવાય, ઉત્પાદકતા વધે, રોજગારીનું નિર્માણ થાય તે માટે કાળજી કરવામાં આવી હતી. કમનસીબે ૨૦૧૯ બાદ કોરોના મહામારી, રાજ્ય વિધાનસભાની ચૂંટણી વગેરે કારણોસર વાઈબ્રન્ટ ગુજરાતનું અધિવેશન યોજી ન શકાયું. પાંચ વર્ષ બાદ વર્ષની શરુઆતમાં મળેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (૧૦ અધિવેશન)ની સિદ્ધિઓ, તેની ટીકાઓ અને વાસ્તવિકતા તપાસીએ તો સત્ય ઉજાગર થાય. (ક્રમશઃ)
Comments
Post a Comment