ભારતનો આર્થિક વિકાસ


                                                                   પ્રવીણ ક. લહેરી

આ વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી હોવાથી કેન્દ્ર સરકાર કામચલાઉ બજેટ રજૂ કરી જૂન કે જુલાઈ સુધીના ખર્ચ માટે સંસદની મંજૂરી મેળવશે. જૂન માસમાં નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ થશે તેના અમલ માટે ૮ થી ૯ માસનો સમય જ ઉપલબ્ધ રહેશે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કેન્દ્ર સરકારે રૂા.૧૦ લાખ કરોડ અને મહત્ત્વના રાજ્યોની રૂા.૫ લાખ કરોડ જેટલી જંગી રકમ આંતરમાળખાકીય સુવિધાઓ માટે ફાળવવામાં આવી છે. આ મૂડીરોકાણના કારણે ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ દર વિશ્વના અન્ય તમામ દેશોથી વધારે છે. આટલો મોટો મૂડી ખર્ચ કરવા માટે સંરક્ષણ માટે અનેક પ્રકારની સહાય (સબસીડી) અપાતી હોય જે નાણાંકીય ખાદ્ય છે તે પૂરી કરવા જાહેર દેવું કરવું પડે છે. હાલમાં જ કેન્દ્ર સરકારના જાહેર દેવાની રકમ રૂા.૨૦૫ લાખ કરોડ સુધી પહોંચી છે. ભારતીય અર્થતંત્ર વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં આ અર્થતંત્રનું કદ અમેરિકી ડૉલર પાંચ ટ્રિલીયન થવાની સંભાવના અને વિશ્વમાં ત્રીજા નબંરનું અર્થતંત્ર બને તેનું ગૌરવ સૌ ભારતીયોને હોય જ. આ નાણાંકીય વર્ષમાં જી.એસ.ટી.નું કલેકશન ખૂબ સારું રહ્યું છે. જી.એસ.ટી.ની. ઊંચી આવક સ્પષ્ટ રીતે એ દર્શાવે છે કે લોકો ઉપભોગ માટે પૈસા ખર્ચી રહ્યા છે. વાહનોની ખરીદી, નવા આવાસો, ધંધાકીય પ્રવૃત્તિ માટેની દુકાનો-ઑફિસોના બાંધકામમાં થઈ રહેલો વિકાસ નજર સામે છે. પ્રવાસ, રેસ્ટોરન્ટમાં ભોજન, આનંદપ્રમોદના કાર્યક્રમો, ભભકેદાર લગ્નો, રંગેચંગે ઉજવાતા ઉત્સવો અંગેનો ખર્ચ અરે, છેતરપિંડી અને લોનના પૈસા ચાઉં કરી જવાની રકમો પણ જંગી હોય છે. સરકારની દૃષ્ટિએ આઝાદીના અમૃતકાળને અંતે ભારતની સ્વતંત્રતાની શતાબ્દિના ૨૦૪૭ના વર્ષે ભારત વિશ્વની એક મહાસત્તા હશે તેવી હૈયાધારણ આવે છે. દેશની ૧૪૬ કરોડ જેટલી વસ્તીના ૬૮  ટકા જેટલા લોકો કામકાજની ઉંમર ધરાવે છે. (૧૮ વર્ષથી ૬૦ વર્ષ) આ વયજૂથની તાકાત અંદાજી ન શકાય તેટલી છે. આજે અસંતુલિત વિકાસ અને મૂડીના એકાધિકારના કારણે આપણે ચીન જેમ હરણફાળ ભરી શકતા નથી. વિશ્વનું પાંચમા ક્રમાંકનું અર્થતંત્ર હોય તેમ છતાં માથાદીઠ આવકમાં આપણે તળિયાની નજીક છીએ તે વરવી વાસ્તવિકતા છે. ભારત સરકારન નિઃશુલ્ક અનાજ, કિસાન સન્માન યોજના, વૃદ્ધ પેન્શન, જનધન, આયુષ્યમાન કાર્ડ, આર્થિક રીતે પછાત કુટુંબોને આવાસ-શિક્ષણ માટે સહાય આપે છે. આપણો પ્રશ્ન એ છે કે આવી સહાયને પાત્ર જે લોકો છે તેની સંખ્યા ૪૦ થી ૮૦ કરોડ વચ્ચે હોય છે. બેફામ વસ્તી વધારાના કારણે આપણા વિકાસના ફળો છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાયા નથી તે હકીકત છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર, વિલંબ જેવા સરકારી તંત્રના દૂષણોનો ભાગ ગરીબો પ્રથમ બને છે.

ભારતીય તંત્રના ઉજળા પાસાઓને સ્વીકારવાનો ઈન્કાર કરનારા તજ્‌જ્ઞોની સંખ્યા પણ નોંધપાત્ર છે. વર્ષ ૨૦૦૮માં વૈશ્વિક મંદી આવશે તેવી અમંગળ આગાહી કરનારા પૂર્વ ગવર્નર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના શ્રી રઘુરામ રામન વર્તમાન આર્થિક પરિસ્થિતિને વર્ણવતાં કહે છે કે ભારતીય અર્થતંત્ર તૂટીને વેરણ છેરણ થવાની કગાર પર છે. અગાઉ ૨૦૦૮માં એક અમંગળ આગાહી સાચી પડી તેનાથી સ્થપાયેલ આબરુના જોરે ભારત વિશે અમંગળ આગાહી કરવાની તેમને ટેવ પડી ગઈ છે. તેઓ જે અર્થતંત્રને બરબાદીના માર્ગે છે તેમ કહે છે તે વાત સાથે વાસ્તવિકતાનો મેળ પડતો નથી. ભૂતકાળમાં સોનું ગીરવે મૂકવું પડે કે ચીજ વસ્તુઓની તીવ્ર તંગી હોય, વૃદ્ધિ દર સાવ નીચો હોય તેવા જોખમી લક્ષણો દૂર સુધી જોઈએ તો પણ દેખાતા નથી. સરકારના બીજા આલોચક છે જાણીતા વકીલ કપિલ સિબ્બલ. કોંગ્રેસમાં વર્ષો સુધી અગ્રણી રહ્યા બાદ ‘આપ’ના સહારે રાજ્યસભામાં પહોંચ્યા બાદ તે ટી.વી. કાર્યક્રમ થકી અનેક નિષ્ણાતોને ભારતીય અર્થતંત્ર કેવું કંગાળ છે તે દર્શાવવા અનેક આધારહીન વિધાનો કરે છે. તેમની પક્ષીય મતભેદ આધારિત ટિપ્પણીઓ છાપવાની તસ્દી હવે અખબારો પણ લેતાં નથી. પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ્‌ દર સપ્તાહે કટાર લેખક તરીકે સરકારને ચિંટીયા ભરવાની કોશિષ કરે છે. જે વ્યક્તિની પાકિસ્તાનને બનાવટી ભારતીય નોટો છાપવામાં મેળાપીણાનો જાહેર આક્ષેપ થઈ રહ્યો છે. જેમના નાણાંમંત્રી તરીકેના અનેક નિર્ણયો ચોક્કસ હેતુસર સ્વાર્થ માટે લેવાયા હોય તેમના મંતવ્યોની વિશ્વસનીયતા મરી પરવારી છે. ભારતીય જનતા પક્ષના જ અને પોતાના ઊંડા અભ્યાસ અને આગવી શૈલી માટે જાણીતા ડૉ. સુબ્રમણ્યમ્‌ સ્વામી સરકારની આર્થિક નીતિઓ અને કાર્યક્રમોથી ખાસ્સા નારાજ છે. જો કે તેઓ સમગ્ર અર્થતંત્ર કંગાળ છે તેવું સ્વીકારતા નથી. તેમનો આગ્રહ છે કે વધારે નાણાંકીય સંસાધનો ઉભા કરીને રોજગારી વધારે અને ખાદ્ય ઘટાડે તેવાં પગલાં લેવા આવશ્યક ગણે છે. સરકારમાં આર્થિક નિર્ણયો પૂરતી સમજણ કે કાળજી વિના થાય છે તેથી ભવિષ્યે દેશને સહન કરવું પડશે તેવી તેમને દહેશત છે.

ભારતીય અર્થતંત્રની ટીકાઓના મુખ્ય મુદ્દાઓ છે.

૧. ભારત સરકારના જાહેર દેવામાં ઝડપી વધારા સાથે રૂા.૨૦૦ લાખ કરોડથી વધુ દેવું થતાં પેદા થયેલા જોખમો.

૨. ૮૦ કરોડ જેટલા લોકોને વર્ષો સુધી નિઃશુલ્ક અનાજ પૂરું પાડવાની જરૂરિયાત દર્શાવે છે કે અર્થતંત્રના કદના વધારાને કારણે નિમ્નસ્તરના લોકોને યોગ્ય લાભ મળતો નથી.

૩. કૃષિ ક્ષેત્રે વિકાસ દરમાં અલ્પ વધારો થયો છે. ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવામાં અનેક ગંભીર પડકારો છે.

૪. શિક્ષિત બેરોજગારો અને અતિ ધનિકો પોતાના ભવિષ્ય માટે વિદેશ સ્થાપી થવામાં સલામતિ અનુભવે છે. આ દેશનું ભાવિ ઉજ્જવળ નથી તેવી માન્યતા વ્યાપક બનતી જાય છે.

૫. ટૅકનોલોજીના ભરપૂર ઉપયોગ બાદ પણ વહીવટી અને ન્યાયતંત્રમાં જે સડો પેઠો છે તે દૂર કરી લોકભોગ્ય સુધારા કરવાાં સબંધિત સૌ કોઈ ઉપેક્ષા સેવે છે. આનાથી વિદેશી રોકાણકારો અને પ્રવાસીઓ ભારત સાથે વ્યવહાર કરવામાં ચિંતા અનુભવે છે.

૬. દેશમાં અકસ્માત, આપઘાતો, સ્ત્રીઓ, દલિતો, આદિવાસીઓ સામેના ગુન્હાઓમાં વધારો અને મણિપુર જેવી જૂથ-હિંસાના કારણે દેશમાં સલામતિના વાતાવરણની જગ્યાએ ભયનો માહોલ છે.

૭. દેશમાં ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નકલી ઘી, દૂધની બનાવટો, દવાઓ, મસાલા, અનાજ સહિત અનેક વસ્તુઓ નકલી કે ભેળસેળવાળી આવતી હોવાથી કૅન્સર જેવી બિમારી ઝડપથી વધી રહી છે. ભેળસેળ એક એવું દૂષણ છે જેમાં લાલચને કારણે ખૂબ જ જોખમી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

૮. વિકાસની પ્રક્રિયાને કારણે પ્રદૂષણ વધે છે. વસ્તીના અસહ્ય ભારથી પૃથ્વિની ક્ષમતા કરતાં અનેકગણું શોષણ થઈ રહ્યું છે. જળ, જમીન, વાયુ સહિત કુદરતી સંસાધનોનો ભારે દુરુપયોગ થતો રહેશે તો અનેક ગંભીર સમસ્યાઓનું નિર્માણ થશે.

આટલી શંકા-કુશંકામાં આંશિક તથ્ય જરૂર છે પણ તેના કારણે જરૂર છે પણ તેના કારણે ભારતના અર્થતંત્રના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું યોગ્ય નથી. ૧૯૯૦ થી જે ઝડપથી આર્થિક પ્રગતિ થઈ છે તેમણે સામાન્યમાં સામાન્ય માણસની જીવનશૈલી બદલી છે. આજે ગરીબમાં ગરીબ પરિવાર અનકે સુવિધાઓ ભોગવી શકે છે કારણ કે વિજ્ઞાન અને ટૅકનોલોજીએ તે શક્ય બનાવ્યું છે. લોકલાડીલા વડાપ્રધાનનું અમૃતકાળમાં અભૂતપૂર્વ વિકાસનું સ્વપ્ન અવશ્ય સાકાર થશે તેમાં શંકાને સ્થાન નથી. ભારતનું ભવિષ્ય ઉજળું છે. શ્રી નરેન્દ્ર મોદીની નેતાગીરીએ વિકાસની ગતિ ઝડપી બનાવી અર્થતંત્રને સુદૃઢ કર્યું છે.

Comments

Popular posts from this blog