અકસ્માત અને આપધાત
જીવ પર વધતું જોખમ
- પ્રવીણ ક. લહેરી
તાજેતરમાં પોતાના બંગલા પાસે ચાલવા નીકળેલા ઔદ્યોગિક ગૃહના સંચાલકનું કૂતરાઓ પાછળ પડતાં કે અન્ય કારણસર પડી જતાં માથામાં ઈજા સાથે રક્તસ્ત્રાવ (હેમરેજ)ના કારણે આઘાતજનક રીતે દુઃખદ અવસાન થયું. શહેરોમાં જ નહીં પણ હવે તો ગામડાંઓમાં પણ રખડતાં ઢોરોને કારણે દરરોજ એક-બે વ્યક્તિઓના મોત અને ૧૦-૧૨ જણાને ઈજા થવાના પ્રસંગો રોજ અખબારોમાં ચમકે છે. છેલ્લાં ૧૫ દિવસોમાં સાવ અચાનક ૪૮ જેટલાં યુવાન-યુવતીઓના હૃદય બંધ પડતાં કરુણ અવસાન થયા. યાત્રાએ પરત આવતાં વાહનચાલકની ભૂલે રસ્તા પર પાર્ક કરેલા વાહન પાછળ અથડાતાં ૧૨ યાત્રિકોમાંથી ૭ના મરણ. સ્કૂટર ચાલકને બસે અડફેટે લેતાં યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ. નિર્માણાધીન પૂલનો સ્લેબ તૂટી પડતાં બે શ્રમિકોના મરણ. આ સઘળા પ્રસંગોમાં ક્યાંય બેકાળજી અને ઉતાવળ જવાબદાર છે. માર્ગ અકસ્માતની સંખ્યા નિરંતર વધતી જાય છે. સરકારે ટ્ર્ાફિક નિયમોના ભંગ માટેની દંડની રકમમાં ખાસ્સો વધારો કર્યા બાદ પણ રસ્તા પરના વાહન ચાલકોના વલણમાં રજમાત્ર સુધારો જોવા મળતો નથી. આપણે શા માટે આવી જોખમી બેદરકારી દાખવીએ છીએ તે પ્રશ્નનો ઉત્તર મળતો નથી. તમે કાર ચલાવતાં હો અને ગમે તે દિશામાંથી કોઈ સ્કૂટર કે બાઈક ચાલક એસ આકારના વળાંક સાથે તમારી કારના ટાયરની સાવ નજીકથી પસાર થાય ત્યારે તમારો શ્વાસ અધ્ધર થઈ જાય. ન કરે નારાયણ અને જો તેની સાથે તમારી કાર ટકરાઈ જાય તો તેનો સંપૂર્ણ દોષ તમારી માથે નાખી જનતા તમને મેથીપાક આપે અને ભૂલ કરનાર ચાલકને પૈસા પણ આપવા પડે તેવી ઘટનાઓથી વાચકો વાકેફ જ હશે. રસ્તે ચાલતા કે વાહન ચલાવતાં ડગલને પગલે જાનનું જોખમ છે.
સમગ્ર વિશ્વમાં માર્ગ અકસ્માતના કારણે થતાં મૃત્યુનો આંક ૧.૭૦ કરોડનો છે જેમાં ભારત ૧૫ લાખ માર્ગ અકસ્માતના મૃત્યુ સાથે પ્રથમ ક્રમાંક ધરાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મૃત્યુના કારણોની યાદીમાં માર્ગ અકસ્માત ૮મું સ્થાન ધરાવે છે. પ વર્ષથી ૩૦ વર્ષના બાળકો અને યુવાનોનો ભોગ સૌથી વધુ લેવાય છે. વિશ્વમાં દર ૨૪ સેંકડે એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવે છે. બ્રેસિલા સમજૂતિ હેઠળ વિશ્વના દેશોએ હાલનો માર્ગ અકસ્માત મૃત્યુ દર વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા ઘટાડવાનો નિર્ધાર કર્યો છે. જો કે ભારતમાં માર્ગ અકસ્માત મૃત્યુનો આંક ઘટવાનો હજી કોઈ અણસાર આવતો નથી. વાહનોની સંખ્યા ૧૫ થી ૨૦ ટકાના દરે વધી રહી છે. રસ્તાઓની સંખ્યા, લંબાઈ અને ગુણવત્તા જોતાં ટ્ર્ાફિકમાં અરાજકતા વધવાની સંભાવના છે. આ સંજોગોમાં સમગ્ર દેશ માટે માર્ગ વાહન વ્યવહાર સલામત બનાવવાના કાર્યને અગ્રતા આપવાની આવશ્યકતા છે. આપણા દેશમાં અકસ્માતે મૃત્યુ પામતાં લોકોની સંખ્યા તો ઘણાં દેશોની વસ્તી કરતાં વધારે છે. રસ્તા પર રખડતાં ઢોર હોય, ખાડાઓ હોય, અડચણો હોય અને વાહનોની હાલત નબળી હોય ત્યાં અકસ્માતની શક્યતાઓ અનેકગણી વધે છે. જો કે અકસ્માત માટે સૌથી મોટું કારણ વાહનચાલકોની બેદરકારી અને ઉતાવળ છે. યુરોપ-અમેરિકા, યુ.એ.ઈ. સિંગાપોર વગેરે સ્થળોએ જે શિસ્ત અને નિયમપાલનની ટેવ છે તેની આપણામાં સંપૂર્ણ ઉણપ છે. વાહન ચલાવવું તે કોઈ સાહસનું પ્રદર્શન નથી પણ જવાબદારી છે. વાહન ચલાવતાં મોબાઈલ ફોન પર વાત કરવી, સ્ટીયરીંગથી હાથ છોડવા, પાન-ગૂટકાની પીચકારી મારવી, ઉલ્ટી દિશામાં વાહન ચલાવવું, ચાર રસ્તે રોકાયા વિના વળાંક લેવા, સ્પીડ વધારે રાખવી વગેરે બાબતોમાં બેદરકારી ચિંતાજનક છે. વાહન ચાલકને જ્યાં સુધી કડક હાથે કાર્યવાહી કરી શિસ્તપાલન કરવા મજબૂર નહીં કરાય ત્યાં સુધી સુધારાને અવકાશ નથી.
ગરીબી, દેવું, બેરોજગારી, સ્પર્ધામાં નિષ્ફળતાનો ડર, એકલતા, બિમારી, અપમાન કે નિરાશાના કારણે અનેક વ્યક્તિઓ આપઘાત કરવા પ્રેરાય છે. વર્તમાન સમયમાં અભૂતપૂર્વ આર્થિક વિકાસ બાદ અનેક પરિવારો માટે મોંઘવારીને કારણે તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી શકાતી નથી. શાહુકારી દેવું કરનારા તો ઊંચા વ્યાજની ભરપાઈ સાથે માફિયાના કારસ્તાનમાં ફસઈા જાય છે. અગાઉ કિસાનોના આપઘાતોનો આંકડો ખૂબ વધારે હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીની રકમ મળતાં અનેક કિસાન પરિવારોની જિંદગી બચી છે. તેમને મળતી રકમ ભલે અલ્પ જણાય પણ તમામ ગરીબોને તે રકમ મળતાં તેઓ દેવામુક્ત થઈને સ્વાવલંબી થવા તરફ પ્રયાણ કરી શકે છે.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે અંદાજિત દર વર્ષે ૮ લાખ લોકો આપઘાત કરે છે. વર્ષ ૨૦૨૧માં ભારતમાં કુુુલ ૧.૪૬ લાખ લોકોના આપઘાતનો આંક ચિંતાજનક છે. ભારતમાં મહિલાઓના આપઘાતનું પ્રમાણ ૧૮ વર્ષથી ૩૦ વર્ષની વયમાં લગ્ન બાદ દહેજની માંગ અને અન્ય ત્રાસના કારણે મહિલાઓના આપઘાતનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. પુરુષોના આપઘાતનું પ્રમાણ ૨૧ થી ૪૫ વર્ષના વયજૂથમાં સવિશેષ છે. બેકારી, ગરીબી અને હતાશાના કારણે આવી ઘટનાઓ બને છે. તાજેતરમાં રાજસ્થાનના કોટા શહેરમાં સ્પર્ધાત્મક/પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાંથી એક જ વર્ષમાં ૨૬ વ્યક્તિઓએ ખુદકુશી કરી લીધી. તેના અનુસંધાને આવી તીવ્ર અને કોચીંગના દબાણ અંગે ચર્ચા શરુ થઈ છ ે. નીટની પરીક્ષામાં નાપાસ થયા બાદ ગત વર્ષે ૧૩ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા હતા. ભારતમાં આપઘાતના કારણોમાં માનસિક અસ્વસ્થતા, નિષ્ફળતા, ઘરેલુ ઝઘડા અને દેવાનો બોજ મુખ્ય કારણો છે. બળાત્કાર બાદ કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓના આપઘાતના કિસ્સા પણ વધતા જાય છે. વૃદ્ધો માટે સંતાનો દ્વારા થતી ઉપેક્ષા, એકલતા અને માનસિક મુંઝારાને કારણે આપઘાતના બનાવો બને છે. એક દૃષ્ટિએ જોઈએ તો યોગ્ય સામાજિક વ્યવસ્થા હોય તો આપણે મોટાભાગના આપઘાતો નિવારી શકીએ. ભારતમાં મહારાષ્ટ્ર્માં ૨૦૨૧માં ૨૨,૨૦૭, તામિલનાડુમાં ૧૮,૯૨૫, મધ્યપ્રદેશમાં ૧૪,૯૬૫, પશ્ચિમ બંગાળમાં ૧૩,૫૦૦ અને કર્ણાટકમાં ૧૩,૦૫૬ સાથે આ પાંચ રાજ્યોમાં ભારતના આપઘાતોના ૫૦ ટકા આપઘાતો નોંધાયા છે. લેન્સેટ નામના પ્રતિષ્ઠ મેડિકલ જનરલનો અંદાજ છે કે ૨૦૧૦માં ભારતમાં નોંધાયેલા ૧.૩૫ લાખ આપઘાત સામે ૨૦૨૧માં ૧.૮૭ લાખ આપઘાત થયા હતાં. મોટા શહેરોની સંખ્યા ૫૩ની છે તેમાંથી ૨૦૨૧માં દિલ્હીમાં ૨,૭૬૦, ચેન્નાઈમાં ૨,૬૯૯, બેંગ્લુરુમાં ૨,૨૯૨ અને મુંબઈમાં ૧,૪૩૬ આપઘાતો નોંધાયા હતાં. ભારતમાં દર વર્ષે ૧૨૦૦૦ જેટલાં કિસાનો પાકની નિષ્ફળતા, દેવું ભરવાની અશક્તિ અને ખેતીમાં થતી આકસ્મિક ખોટના કારણે આપઘાત કરે છે. આ આંકડાઓ મહત્ત્વના છે પરંતુ આપઘાતની સમાજ અને પરિવાર પર જે વિપરીત અસરો પડે છે તેનાથી એક મોટી સમસ્યા પેદા થઈ છે. આપઘાત કરનાર વ્યક્તિ પાછળ પતિ કે પત્ની, સંતાનો, માબાપ નિરાધાર બને છે. તેમના માટે આપઘાતના કારણનું નિવારણ કરવું શક્ય નથી રહેતું. આથી અનેક કિસ્સામાં સમગ્ર પરિવાર સામૂહિક આપઘાતનો માર્ગ અપનાવે છે તે ખરેખર આપણને કંપાવી દે છે.
આપઘાત નિવારવા માટે સરકાર, સમાજ અને પરિવારે સંયુક્ત રીતે મુંઝાયેલી વ્યક્તિને સહારો આપાવો અનિવાર્ય છે. મોટાભાગના આપઘાતના કિસ્સામાં વ્વયક્તિ પોતાના પરના માનસિક બોજાનો નથી તો કોઈ સાથે ચર્ચા કરી શકતી કે નથી સહાય માટે સ્પષ્ટ વાત કરી શકતી. સમાજમાં સબંધો મતલબી બની રહ્યા છે. વ્યક્તિઓ સ્વકેન્દ્રી બની રહી છે ત્યારે આપઘાતોની સંખ્યા ઘટાડવા માટે સંકલિત સહિયારા પ્રયત્નો શરુ કરવામાં વિલંબ કરવા જેવું નથી.
Comments
Post a Comment