મને એ નથી સમજાતું કે આવું શાને થાય છે ?
દરરોજ સવારે વર્તમાનપત્રો વાંચતા જ આપણને પ્રશ્ન થાય કે કેમ આવું થાય છે ? ગુન્હાહિત કૃત્યો, અકસ્માતો, બેફામ વાણી વિલાસ, હિંસા અને ક્રુરતાથી ભરેલા યુદ્ધો અને આત્મહત્યાઓની ઘટનાઓ આપણને વિહ્વળ કરી મૂકે છે. કોઈક કહેશે કે વિશ્વની વસ્તી ૮ અબજ છે. ભારતની વસ્તી ૧.૪ અબજ છે. તેમાં આવી ઘટનાઓ તો બનવાની. જ્યાં સુધી માણસમાં માયાનો પ્રભાવ છે ત્યાં સુધી મદ, મોહ, કામ, ક્રોધ, લોભ અને ઈર્ષ્યા થકી પ્રેરિત અન્યને નુકશાન કરવાની વૃત્તિ ગુન્હાઓ કરવા માટે જવાબદાર છે. એક બાજુ માણસની પ્રકૃતિ સમૂહમાં રહેવાની છે તો બીજી બાજુ સમૂહમાં રહે છે તયારે વિવિધ પ્રસંગોએ તે પ્રેમને બદલે ધિક્કાર, સહયોગની જગ્યાએ વિરોધ અને સંવેદનાની જગ્યાએ ઉપેક્ષા સાથે અયોગ્ય વર્તન કરે છે. શિક્ષણ, સંસ્કાર, સામાજિક બંધનો, પરિવાર અને મિત્રો દ્વારા આપણે વ્યક્તિની વર્તણૂક સુધારી શકીએ છીએ. તેને સંયમ અને શાંતિ રાખવાની આદત વિકસાવવામાં મદદ કરી શકે છે.
કમનસીબે આપણા સમાજનું પોત નબળું પડ્યું છે. જ્ઞાતિ, ધર્મ, ભાષા, વિસ્તાર એમ અનેક બાબતો વિભાજનનું કારણ બની રહી છે. પરિવારની હુંફ અને સ્નેહમાં આપણે અનુભવી શકીએ તેવો ઘટાડો થયો છે. શાળા-કૉલેજમાં શિક્ષણ માત્ર કારકિર્દી માટે છે તેવી ધારણ દૃઢ થઈ છે. સંસ્કાર કે ચારિત્ર્ય ઘડતરની જવાબદારી નિભાવવા શાળા-કૉલેજો તૈયાર નથી. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ માટે તો શિક્ષણ એ મોટો નફો રળી આપતો ધંધો છે. પરિવારમાં વ્યક્તિઓ સ્વકેન્દ્રી બનતાં સૌ પોત-પોતાનામાં વ્યસ્ત રહે છે. એક છત નીચે રહેતા માણસો ક્યારેક તો એકમેકથી અજાણ્યા હોય તેવો માહોલ છે. મોબાઈલને દોષ દઈએ કે શહેરજીવનની દોડધામને એ હકીકત છે કે પરિવારોનું વાતાવરણ વ્યક્તિના જીવનને સાર્થક કરવામાં અપ્રસ્તુત બન્યું છે. ધર્મમાં આસ્થાની જગ્યાએ કર્મકાંડ અને અંધશ્રદ્ધામાં વધારો થયો છે. કથાકારો, ધર્મગુરુઓની કથણી અને કરણીમાં આસમાન જમીનનું અંતર છે. જ્ઞાતિવાદે કે સમાજની એકતના છિન્નભિન્ન કરી છે. જ્ઞાતિની તાકાત સામે રાજકીય પક્ષોએ મોંમાં તરણું લઈને શરણું સ્વીકારી લીધું છે. કાયદાના શાસનની જગ્યાએ માફિયાગીરી, ગોકળગાય ગતિએ ચાલતી ન્યાય પ્રક્રિયા, ગોટાળા અને ભ્રષ્ટાચારે બિહામણું દૃશ્ય નિર્માણ કર્યું છે. મોંઘવારી, બેરોજગારી અને આર્થિક અસમાનતાએ અજંપો સર્જ્યો છે. પ્રચાર-પ્રસાર માધ્યમો ખાસ કરીને સોશ્યલ મિડીયાના પ્લેટફોર્મનો મનઘડંત જુઠ્ઠાણાંઓ ફેલાવવામાં અને સમાજમાં અરસપરસમાં અવિશ્વાસ અને ધૃણાની લાગણી ફેલાવવામાં અતિ વ્યસ્ત છે. આ પરિપેક્ષ્યમાં જોઈએ તો એટલી વાત જરૂર સમજાય છે કે સમાજ આજે સ્વસ્થ નથી. વિકૃતિઓ અને વિચિત્રતાઓ સાથે વર્તતા માણસોએ ભય અને અસાલમતીનું વાતાવરણ નિર્માણ કર્યું છે. સૌથી પ્રથમ આપણે ગુન્હાહિત પ્રવૃત્તિઓ પર દૃષ્ટિપાત કરીએ. વર્તમાનપત્રમાં એક જ દિવસે નીચેના ૨૧ સમાચારો વાંચ્યા ત્યારે મને ખરેખર ચિંતા અને મુંઝારા સાથે પ્રશ્ન થયો કે ‘‘મને એ નથી સમજાતું કે આવું શાને થાય છે ?’’
૧. બાથરૂમમાં મૂકબધીર અને માનસિક બિમાર યુવતીની છેડતી.
૨. કેફી પીણું પીવડાવી બળાત્કાર કરનાર આરોપીના જામીન રદ.
૩. લાખો રૂપિયાનો દારુનો જથ્થો પકડાયો.
૪. રૂપિયાની ઉઘરાણીમાં મારામારી કરી શબ્દોએ ધમકી આપી.
૫. દંપતિનો ઝઘડો પોલીસમાં પહોંચ્યો. રાત્રે પરણિતાનો આપઘાત.
૬. વકીલના એક્ટિવાને આગ ચાંપી.
૭. પુત્રીને બહાર જવા દેવાના વિવાદમાં પતિએ પત્નીના માથામાં થાળી મારી.
૮. મકાનમાંથી ઘરેણાં, રોકડ મળીને રૂા.૭ લાખની મત્તા ચોરાઈ.
૯. લાલપર ગામમાંથી એમ.ડી. ડ્રગ્ઝ સાથે એક ઝડપાયો.
૧૦. રાજકોટમાં લાપત્તા બાળકીનું માથું છુંદેલી અને નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો.
૧૧. લાઈટ, ચેકીંગના બહાને ચોરી કરનારો ઘરફોડિયો ઝડપાયો.
૧૨. એક શખ્સ પાસેથી ૫.૧૫ લાખનું હિરોઈન મળી આવ્યું.
૧૩. એલ.પી.જી. રિફીલનું કૌભાંડ પકડાયું.
૧૪. ફાર્મ હાઉસમાં આધેડ પર હૂમલો કરી હત્યા કરાઈ.
૧૫. અમેરિકનોને છેતરવા ગેરકાયદે ચલાવતું કોલ સેન્ટર ઝડપાયું.
૧૬. પરણિતા સાથે દુષ્કર્મ આચરતા પાંચ સામે ફરિયાદ.
૧૭. રીક્ષામાં બેઠેલા વૃદ્ધાની સોનાની બે બંગડીઓ ચોરાઈ.
૧૮. ખલવાડ ગામના રહીશ સાથે રૂા.૧૨.૫૫ લાખની છેતરપિંડી.
૧૯. પક્ષ પ્રમુખના નામે પાર્સલ મોકોલી રોકડી કરવાનો પ્રયાસ
૨૦. હાઈકોર્ટનો પ્રશ્ન : ‘‘પોલીસ સત્તાનો દુરુપયોગ કરે અને કાયદો-વ્યવસ્થાનો ભંગ કરે છે તે અટકાવવાનું શું કરશો ?
૨૧. બનાવટી વેબસાઈટ દ્વારા હોટેલોના ખોટા બુકીંગ કરી લાખો રૂપિયા ચાઉં કરી જતાં સાયબર ક્રિમીનલો.
આ તો નોંધાયેલા ગુન્હાની વિગતો છે. જે ગુન્હાઓ નોંધાતા નથી કે અપરાધીઓના ડરથી કોઈ કશું બોલી શકતું નથી કે કરી શકતું નથી તેની સંખ્યા કલ્પનાનો વિષય છે. સમાજમાંથી ગુન્હાખોરી નાબૂદ ન થઈ શકે પણ તેમાં ચોક્કસ ઘટાડો કરવા માટે સહુએ શાંતચિત્તે વાસ્તવિકતાનું વિશ્લેષણ કરી સામુહિક સહયોગથી સમાજને આ ત્રાસદીઓમાંથી મુક્ત કરવાનો પડકાર આપણા સૌ સામે છે.
સમાજમાં જે ગુન્હાહિત, અનૈતિક અને ક્રુર કર્મો થઈ રહ્યા છે તે રોકવામાં આપણે વિલંબ કરીશું તો સંભવ છે કે ભવિષ્યે આપણો દેશ એક અસલામત દેશ તરીકે બદનામી વહોરશે. જાપાન, જર્મની, સ્કેન્ડેનેવીય દેશો, અમુક આરબ દેશોમાં શિસ્તના કારણે અને અચૂક ઝડપી અને કડક શિક્ષાના ભયને કારણે ગુન્હાહિત માનસ અંકુશમાં રહે છે. આપણે ત્યાં ન્યાયતંત્રનો વિલંબ આજે અનેક સમસ્યાઓનું મુળ બન્યો છે. કાયદાના શાસનને દૃઢ કરવાને બદલે સાવ ઢીલું પાડવામાં ન્યાયતંત્રે સેવેલી સ્વકેન્દ્રીત વૃત્તિ સીધી રીતે જવાબદાર છે. વર્ષોથી કેસ ચાલવાની રાહ જોતાં, ગરીબ અને જામીન ન આપી શકે તેવા લાખો લોકો વર્ષોથી જેલમાં સબડે છે. ભારતના રાષ્ટ્ર્પતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન અને મુખ્ય ન્યાયમૂર્તિની હાજરીમાં જાહેરમાં કરેલી ટકોર બાદ એવી આશા હતી કે સુપ્રિમ કોર્ટ આદેશ કરશે કે તામ જ્યુડિશીયલ મેજિસ્ટ્ર્ેટે દરરોજ ૨ કલાક આ કામ માટે અનામત રાખીને ૬ માસ કરતાં વધારે સમયના કાચા કામના કેદીઓના (અન્ડર ટ્ર્ાયલ)ના કેસો તપાસી તેમને મુક્ત કરશો. આટલી નાની અને સરળ બાબત પણ થઈ શકી તે આપણી લોકશાહી પદ્ધતિની મોટી ઊણપ દર્શાવે છે. સમાજમાં બંધારણે પ્રબોધેલા ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના આદર્શો સ્થાપિત થાય તે માટે આપણે હજી ઘણું કરવાનું છે. ૧૯મી નવેમ્બરે બંધારણના ઘડતરની ૭૪મી વર્ષગાંઠ આટલા લાંબા સમયગાળા બાદ આપણે ક્યાં છીએ ? તે પ્રશ્ન વિચારવો અનિવાર્ય છે. ન્યાય માટે કાયદાનું શાસન સુદૃઢ હોવું, સમાનતા માટે જ્ઞાતિ-વર્ણ જેવા ઉચ્ચ નીચના ભેદ અને આર્થિક અસમાનતા ઘટાડવી અનિવાર્ય છે. સ્વતંત્રતા જાળવવા માટે તો દરેકના સતત જાગૃત રહેવાની પૂર્વ શરત છે.
આપણે આશા રાખીએ કે સમાજમાંથી ગુન્હાહિત કૃત્યો પર નિયંત્રણ લાવવા માટે સૌ સહિયારો પ્રયત્ન કરશે.
Comments
Post a Comment