સમાનતા અને જ્ઞાતિવાદ
પ્રવીણ ક. લહેરી
‘‘ ભારતના કોઈપણ પ્રદેશમાં રાજ્ય કોઈપણ વ્યક્તિને, કાયદા સમક્ષ સમાન ગણવાનો અથવા તો તેને કાયદાનું સમાન રક્ષણ આપવાનો ઈન્કાર કરી શકશે નહીં. કોઈ નાગરીક સામે ફક્ત ધર્મ, જાતિ,જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહિ. રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા પર નિમણૂંક અંગેની બાબતમાં તમામ નાગરીકો માટે તકની સમાનતા રહેશે. કોઈ નાગરીક ફક્ત ધર્મ,જાતિ,જ્ઞાતિ,લિંગ,,કુળ, જન્મસ્થાન,નિવાસ અથવા એમાંના કોઈપણ કારણે રાજ્ય હેઠળની નોકરી કે હોદ્દા માટે અપાત્ર ગણાશે નહી અથવા તેની સામે ભેદભાવ કરી શકાશે નહિ.
આ શબ્દો છે ભારતના બંધારણના સમાનતાના મુળભુત અધિકારો માટે સમાવિષ્ટ કલમો ૧૪,૧૫,૧૬ અક્ષરઃ આપની સામે છે. તારીખ ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ થી અમલમાં આવેલા બંધારણને આજે ૭૩ મું વર્ષ ચાલે છે. આપણું બંધારણ ‘‘ ન્યાય’’, ‘‘સમાનતા’’ ‘‘ સ્વતંત્રતા’’ને ‘‘ ભાઈચારા’’ના ચાર પાયા પર રચાયેલું છે તેમ આમુખ કહે છે. જો કે આ આમુખ કાયદો નથી., માત્ર ભાવના છે. કલમ ૧૪ થી ૧૮ તો મુળભુત કાયદો છે. તેનો અનાદર કે ભંગ તે બંધારણનું ઉલ્લંઘન છે. બંધારણની કલમ ૩૨ અને ૨ર૬ હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ મુળભૂત અધિકારોના ભંગ સામે તમામ નાગરીકોને રક્ષણ આપવા બંધાયેલી છે. આપણી બંધારણીય લોકશાહી ૭૩ વર્ષના સમયગાળામાં આપણે જો કોઈ મુળભૂત અધિકારની હાંસી કરી હોય, તેના અમલની વિરૂધ્ધ દિશામાં કાર્યો કર્યા હોય અને હજી જે અધિકાર મનથી સ્વીકારવા રાજકીય પક્ષો કે સમાજ જરા પણ તેયાર નથી તે છે સમાનતાનો હક્ક.
આપણા બંધારણના ઘડવૈયાઓ આઝાદી સમયની વાસ્તવિકતાથી સુપેરે પરિચિત હતાં. સમાનતાના અધિકારની ૧૪ થી ૧૮ કુલ પ કલમો હેઠળ ખાસ કરીને કલમ ૧૫ અને ૧૬ હેઠળ અનેક અપવાદો મુક્યા છે. આઝાદી સમયે આપણો સમાજ નિરક્ષર,પછાત,ગરીબ અને અનેક પૂર્વગ્રહોથી પીડિત હતો. ભારતમાં ખાસ કરીને હિન્દુ સમાજે પુરાણોમાં વિકૃત અને કાલ્પનિક વાતો દ્વારા જન્મ આધારિત જ્ઞાતિ વ્યવસ્થા અને અસ્પૃશ્યતા જેવા અમાનવીય કલંકિત પ્રથાને ‘કર્મના ફળ’ ના નામે વ્યાજબી ઠેરાવ્યું હતું. એક બાજુ અદ્વૈતનું તત્વજ્ઞાન અને બીજી બાજુ જડ અને વિકૃત સમાજ વ્યવસ્થા વર્ણ કે જ્ઞાતિ વિષે સંશોધન લેખ ઈખાય તો તેમાં એક વાત અચૂક આવે. ફલાણ ફલાણા ઉત્પન્ન થયો તેનું માથું તે બ્રાહ્મણ છાતી તે ક્ષત્રિય , પેટ તે વૈશ્ય અને પગ તે શુદ્ર આનાથી સમાજરચના માટેની કોઈ વધારે વિકૃત બાબત મારા ધ્યાનમાં નથી. શું યજ્ઞ પુરુષનું પ્રગટવું શક્ય છે ? ધૂમાડાના આકારમાં કોઈ પુરુષના દર્શન કરનાર યજ્ઞ-પુરોહિત કાં તો નિદ્રામાં હશે કે કાં તો નશામાં.
આજની વાસ્તવિકતાએ વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિ આપણો સમગ્ર સમાજ ઘેરી નીંદર અને ચિત્તભ્રમ અવસ્થામાં છે. જન્મથી પરિવારમાં નામ પછી સૌથી મજબૂત ઓળખ બાળકના મનમાં સ્થપાતી હોય તો તે જ્ઞાતિની છે. અટકથી, રહેણાંકથી, પહેરવેશથી એમ જ્ઞાતિની ઓળખ માટે અનેક ચિન્હો અપનાવવામાં આવ્યા છે. સામાજિક, આર્થિક અને ધાર્મિક પ્રસંગો કે વ્યવહારમાં જ્ઞાતિજનોની હાજરી નોંધપાત્ર અને અનિવાર્ય હોય છે. શૈક્ષણિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, સાંસ્કૃતિક મંડળોના સંચાલક મંડળની યાદી વાંચો તો સૌથી ઉડીને આંખે વળગે તેવી બાબત હોય તો તેમાં અપનાવાયેલો જ્ઞાતિવાદ છે. સમાજના અનેક દાનવીરોનો વણલખ્યો નિયમ છે કે અમે દાન તો જ્ઞાતિના લાભાર્થે જ આપીએ. જો કે તે સામે માત્ર ધાર્મીક કાર્યમાં જ દાન આપીએ તેવા દાતાઓ છે. અમુક દાતાઓ જ સાર્વજનિક, સૌના લાભ માટે દાન આપે છે. ધંધો હોય કે નોકરી, લગ્ન હોય કે બેસણું યાત્રા હોય કે ઉત્સવ, જ્ઞાતિ એ જ ‘મારો સામાજ’ એવી ભાવના વધારે ને વધારે મજબૂત બનતી જાય છે. શાળા-કોલેજના અભ્યાસક્રમમાં ક્યાંય સમાનતા માટે જ્ઞાતિવાદનો અંત જરૂરી છે તેવું સ્પષ્ટ વિધાન જોવા મળે તો સૌ લોકોની જાણ માટે પ્રસિદ્ધ કરવા વિનંતી છે.
ગુજરાતનું પ્રદાન જ્ઞાતિવાદમાં અનેરું છે. દલપતરામ-નર્મદ, મહિપતરામ, કરશન મૂળજી સહિતના સુધારકોએ સ્ત્રીઓના ભણતર માટે, શિક્ષણ અને વહેમમુક્તિ માટે શરુઆત કરી. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ હેઠળ અનેક લોકોએ આજીવન ભેખ ધારણ કરી ગામડે ગામડે સમાજને પ્રગતિશીલ બનાવવા ધૂણી ધખાવી હતી. તેના દ્વારા શિક્ષણ અને જાગૃતિ વધ્યા. અમુક જ્ઞાતિઓને તેનો વિશેષ લાભ થયો તો અન્ય જ્ઞાતિઓ આવા લાભથી વંચિત રહી. વર્ષ ૧૯૮૦ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષાની વરિષ્ઠતા અને પ્રભાવના ધોરણે ઉમેદવારની પસંદગી થતી હતી. કોંગ્રેસ દ્વારા ૧૯૭૧ની ચૂંટણીમાં આસામના દેવકાંત બરુઆ (ઈન્દિરા ઈઝ ઈન્ડીયા એન્ડ ઈન્ડીયા સૂત્રના ઘડવૈયા)એ ‘‘જ્ઞાતિ આધારિત ચૂંટણી લડીએ તે સફળતાની ગુરુચાવી છે’ તેવું પ્રતિપાદિત કર્યું. ઉમેદવારની જીતવાની તકમાં તેની જ્ઞાતિનું સૌથી વિશેષ મહત્ત્વ છે તે આધારે તેમણે પક્ષ પ્રમુખ તરીકે કામ કર્યું. સફળ પણ થયા.
ગુજરાતમાં સૌથી સમૃદ્ધ ‘‘પટેલ-પાટીદાર’’ જ્ઞાતિઓ રાજકારણમાં ન છવાય જાય તે માટે ‘‘ક્ષત્રિયનો દ્ભ હરિજનનો ૐ આદિવાસીનો છ અને મુસ્લિમનો સ્ = દ્ભૐછસ્ થિયરીને ચૂંટણીની વ્યૂહરચના બનાવી. ક્ષત્રિય (૬ ટકા), હરિજન (૭ ટકા), આદિવાસી (૧૪ ટકા), મુસ્લિમ (૧૧ ટકા) અંદાજિત મતદાતાઓ કુલ ૩૮ ટકા થાય પણ બહુપાંખીયા જંગમાં ખામ થિયરીએ કોંગ્રેસનું સ્થાન સુદૃઢ કર્યું.
આના સામે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની ઓળખ કરવા જસ્ટીસ બક્ષીના પ્રમુખપદે કમિશન રચાયું હતું. તેમણે ૮૬ જેટલી જ્ઞાતિઓને નોકરીમાં અનામત આપવાની ભલામણ કરી. શ્રી બાબુભાઈ પટેલની સરકારે ૧૯૭૮માં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાત જ્ઞાતિઓની (ઓ.બી.સી. - અન્ય પછાત જ્ઞાતિ તરીકે પણ ઓળખવામાં આવી) વ્યક્તિને તે સમયે કોઈ જ્ઞાતિ પૂછે તો જવાબ મળતો ‘‘બક્ષીપંચના છીએ’’ અનામતે ૮૬ જ્ઞાતિઓની એક ઓળખ ઉભી કરી તે માત્ર ઔપચારિકતા. બાકી તો જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓનો પ્રભાવ ઘટાડી શકે કે પકડ ઢીલી કરી શકે તેવો દીર્ઘ દૃષ્ટિવાળો આગેવાન પ્રાપ્ત થાય તેવો માહોલ જ નથી. ત્યારબાદ શ્રી માધવસસિંહની સરકારે ૧૯૮૦ થી ૧૯૮૪ વચ્ચે ઓ.બી.સી.ની નોકરીની અનામત વધારીને ૨૭ ટકા કરી. અનુસૂચિત જાતિ/જનજાતિ માટે રોસ્ટર, કેરી ફોરવર્ડની જોગવાઈઓ કરી તેનો નોકરી અને શિક્ષણમાં અમલ શરુ કર્યો. સમાજની કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓના યુવાનોએ અનામત વિરોધી આંદોલન કર્યું. ત્રણેક તબક્કામાં આંદોલન ચાલ્યું પણ તેનાથી સરકારની અનામત નીતિમાં કોઈ ફેરફાર થયો નહીં.
ભારત કક્ષાએ ઓ.બી.સી. અનામતના મુદ્દે ‘મંડલ કમિશન’ રચાયું હતું. ૧૯૯૦માં તે કમિશનની ભલામણથી શ્રી વી.પી. સિંહની સરકારે નોકરીમાં અનામતની જાહેરાત કરતાં દિલ્હી અને અન્ય સ્થળોએ હિંસક આંદોલન, સ્વ અગ્નિદાહ જેવા બનાવોએ વી. પી. સિંહની સરકારની મુદત પહેલાં જ પૂર્ણાહુતિ થઈ. જનતા દળથી અલગ થયેલ અગાઉના જનસંઘનું નવું નામ ભારતીય જનતા પાર્ટી
(ભાજપા) સાથે દેશમાં ધર્મ હિન્દુત્વના મુદ્દે અને લઘુમતિના તૃષ્ટિકરણને અન્યાયી લખાવી હતી.
સનાતન ધર્મની અવગણનાના મુદ્દાઓ મહત્ત્વના બન્યા. પોતાની અલગ વિચારધારા સાથે ભાજપા ઝડપથી આગળ વધી ત્યારે અખબારોએ ૧૯૯૦ની સંસદની ચૂંટણીને ‘મંડળ વિરુદ્ધ કમંડળ’ના નામે વર્ણવી હતી. ૧૯૯૦માં રચાયેલી મીશ્ર સરકારના વડા જૂના જોશી કોંગ્રેસી અને બહુશ્રૂત શ્રી નરસિંહરાવ હતા. અગાઉના પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખરના સમયમાં વિદેશી દેવાની ચૂકવણીમાં ચૂક ન થાય તે માટે સોનું ગીરવે મૂકવાની નોબત આવી હતી. ૧૯૯૦ થી ડૉ. મનમોહનસિંહે જે ઉદારીકરણ અને વૈશ્વિકરણની શરુઆત કરી હતી તેનાથી કટોકટીના સમયે ૧૯૭૬માં બંધારણના સુધારાથી ‘સમાજવાદી અને ધર્મનિરપેક્ષ’ શબ્દો ઉમેરાયા હતાં તેનાથી વિપરીત વિકાસ કરવામાં અસમાનતા સર્જાય અને બહુમતિ ધાર્મિક વસ્તીની ઓળખ મજબૂત બને તો તેમાં કશું ખોટું નથી તેવી માન્યતાઓ સાથે દેશના ઈતિહાસે કરવટ બદલી હતી. (ક્રમશઃ)
Comments
Post a Comment