ભારતને મહાસત્તા બનાવવા માટે નાગરિકો શું કરી શકે ?

                                                                            - પ્રવીણ ક. લહેરી

આઝાદીનો અમૃત મહોત્સવ ૧૫મી ઑગસ્ટ ૨૦૨૧ના રોજ શરું થયો ત્યારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આહ્‌વાન કર્યું હતું કે અમૃત જયંતિના વર્ષમાં ઑગસ્ટ-૨૦૨૧-૨૦૨૨ વચ્ચે દરેક નાગરિક અને સંસ્થા સંકલ્પ કરીને દેશના વિકાસ કે પ્રજાકલ્યાણનું કાર્ય કરે. આપણો દેશ અને સમગ્ર વિશ્વ આ સમયે કોરોના મહામારીમાંથી બહાર આવીને જનજીવન સામાન્ય બને, આર્થિક ગતિવિધીઓ સામાન્ય બને, વિકાસ દરમાં વૃદ્ધિ થાય અને વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં જે હાનિ થઈ હતી તે ભરપાઈ થાય તે માટે પ્રયત્ન કરતું હતું. સદ્‌નસીબે વર્ષ ૨૦૨૨થી માનવજાત કોરોનાની કાળમુખી ચુંગાલમાંથી બહાર આવી ફરી પ્રગતિના પંથે ચાલવા લાગ્યું હતું. કોરોના સામેના જંગમાં ભારતની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ રહી હતી.

ભારતે કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ સાથે કોરોનાની રસી બનાવી દેશના તમામ નાગરિકોને નિઃશુલ્ક આપી. ૨૫૦ કરોડ ડોઝ આપી ભારતે રસીકરણ ક્ષેત્રે જે વિક્રમજનક કામગીરી કરી છે તેનાથી સમગ્ર વિશ્વમાં ભારતની વિજ્ઞાન-ટૅકનોલોજીની ક્ષમતા ઉજાગર થઈ છે. ૧૦૦ જેટલા વિકાસશીલ દેશોને નિઃશુલ્ક કે રાહતદરે રસી પૂરી પાડીને જે મિત્રતા અને સન્માન મેળવ્યા છે તે બેજોડ છે. આપણા દેશના ૮૦ કરોડ લોકોને સસ્તા અનાજ વિતરણ પ્રણાલી હેઠળ નિઃશુલ્ક અન્ન ત્રણ વરસ જેટલા સમય માટે આપીને અન્નની સલામતિનો આદર્શ હાંસલ કર્યો છે. આના કારણે ભૂખમરાની પરિસ્થિતિ નિવારી શકાઈ છે. દેશના ૨૦ કરોડ જેટલા કિસાન પરિવારોને વર્ષે રૂા.૬,૦૦૦/-ની સન્માન રાશી આપી તેઓને દેવાના બોજામાંથી બચવામાં અને ખેતીમાં થતાં નુકશાન સામે અસરકારક રક્ષણ આપ્યું છે. રોજગારી, કૌશલ્ય નિર્માણ, ગૃહનિર્માણ, સ્વરોજગારી, શિક્ષણ માટે શિષ્યવૃત્તિ, વૃદ્ધોને પેન્શન સહિત અનેક યોજના દ્વારા લોકકલ્યાણ માટે અનોખી પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ઉત્પાદન અને નિકાસક્ષેત્રે અનેક અંતરાયો વચ્ચે ભારતે અન્ય દેશોની સરખામણીમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આંતરમાળખાકીય સુવિધાઓ, નવી શૈક્ષણિક અને આરોગ્ય સેવાની સંસ્થાઓ તેમજ નવા સરકારી ભવનોના નિર્માણ થકી દેશનો કાયાકલ્પ કરવાનો અભિગમ અપનાવ્યો છે. આ વર્ષના બજેટમાં આંતરમાળખાકીય વિકાસ માટે રૂા.૧૦ લાખ કરોડ જેવી માતબર રકમ ફાળવી દેશના દરરોજ ૬૫ કિ.મી.ના નવા માર્ગના બાંધકામ સહિત સમુદ્રમાં ૨૫ કિ.મી.ના બ્રિજ બનાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટો પૂરા કર્યાં છે. અંતરિક્ષ ક્ષેત્રે એકી સાથે ૧૦૪ ઉપગ્રહોને અલગ અલગ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરીને અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાનનું સફળતાપૂર્વક ઉતરાણ કરી ચંદ્રની અજ્ઞાત સપાટીનો અદ્યતન વૈજ્ઞાનિક સાધનો અને પદ્ધતિઓથી અભ્યાસ કરી વિશ્વને સાબિત કરી દેખાડ્યું છે કે ભારત અંતરીક્ષ ક્ષેત્રે અન્ય રાષ્ટ્ર્‌ોની કામગીરી પૂરી ક્ષમતા અને ઓછા ખર્ચ કરી શકવા સમર્થ છે. સૂર્યના અભ્યાસ અને મંગળ ગ્રહના અભ્યાસ માટે અંતરીક્ષ સ્ટેશનો/ઉપગ્રહો ગોઠવ્યા છે. સંરક્ષણના સાધનોના ઉત્પાદનમાં લડાકુ વિમાન તેજસ, એરક્રાફટ કેરિયર, સબમરીન, બ્રહ્મોસ્ત્ર મિસાઈલ સહિત અનેક અત્યાધુનિક શસ્ત્રોના નિર્માણમાં અને નિકાસમાં હરણફાળ ભરી છે. ડિજીટલ ઈન્ડિયાના નારા સાથે આજે વિશ્વમાં સૌથી વધારે ડિજીટલ નાણાંકીય વ્યવહારો કરતાં દેશોમાં ભારતે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આપણને એ વાતનું ગૌરવ થાય કે આજે શાકભાજી વેચતો રેંકડીવાળો પણ પેટીએમ દ્વારા પોતાના પૈસા સ્વીકારે છે. આપણી યુવાપેઢી અનેક સ્ટાર્ટ અપ અને યુનિકોર્ન સાહસો દ્વારા નીતનવા આવિષ્કારો કરી રહી છે. દેશમાં શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. કોરોનામાં જે ક્ષેત્રો પ્રવાસ અને હૉટલો સૌથી બુરી રીતે અસરગ્રસ્ત થયા હતાં તે આજે અભૂતપૂર્વ કમાણી કરી રહ્યા છે.

એક મહત્ત્વની ઘટના એ છે કે ૨૦૨૩માં ચીન કરતાં ભારતની વસ્તી વધારે થતાં આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બન્યો છે. આ પ્રથમ સ્થાન બાબતે ગૌરવ કરવું કે ચિંતા સેવવી તેની અવઢવમાં હું છું. સૌથી યુવા વસ્તી ધરાવવા સાથે આપણે ત્યાં બેરોજગારીનું પ્રમાણ ગંભીર ચિંતાનો વિષય છે. વસ્તી નિયંત્રણ વિના આપણા માટે માથાદીઠ આવક, માનવ વિકાસ સૂચકાંક વગેરેમાં પછાત રહીએ તેવી પ્રબળ સંભાવનાઓ છે.આ ઉપરાંત વિકાસના ફળો ખૂબ મોટી વસ્તીમાં વહેંચાય જતાં આપણી માથાદીઠ ઉપલબ્ધિઓમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આપણે આપણા દેશના કિસાનોના ઋણી છીએ કે તેમના ભગીરથ પુરુષાર્થથી આજે આપણે અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવીએ છીએ. અન્ન સ્વાવલંબન ઉપરાંત આપણે અનેક ચીજોની નિકાસ પણ કરીએ છીએ. તાજેતરની રશિયા અને યુક્રેનની યુદ્ધ પરિસ્થિતિની સમગ્ર વિશ્વમાં અવળી અસર પડી છે. ભારતે ચોખા અને ઘઉંની નિકાસ પર નિયમન કરતાં વિશ્વના અનેક દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આઝાદી સમયે પાકિસ્તાન પાસે વિશાળ જળરાશી અને સારી સિંચાઈની સગવડ હોવા છતાં ત્યાં અન્નની કારમી તંગી છે. પાકિસ્તાનના આમ આદમી પાસે તો જે તકલીફો છે તેનાથી સામાન્ય લોકો ખુલ્લે આમ કહે છે કે અમે ભારતમાં હોત તો ૧૦૦ રૂપિયે લીટર પેટ્ર્‌ોલ, ૩૦ રૂપિયે કિલો ઘઉં, ૧૫૦ રૂપિયે કિલો મટન કે ચિકન મેળવી શકતા હોત. ડેરી પોલ્ટ્ર્‌ી અને ફિશરીઝ ક્ષેત્રના વિકાસ માટે અલગ મંત્રાલયની રચના કરી ભારત સરકાર આ ક્ષેત્રોનો ઝડપી વિકાસ કરી દેશની જનતાની પોષણ, પ્રોટિન અને વિટામિનોની ઉણપ પૂરી કરવા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરી રહી છે.

દેશના વડાપ્રધાને ૨૦૨૩ના આઝાદી દિને ભારતને આઝાદીના શતાબ્દિ વર્ષ ૨૦૪૭માં એક વિકસીત રાષ્ટ્ર્‌ બનાવવાનો સંકલ્પ કરી આગામી ૨૫ વર્ષના સમયને અમૃતકાળ જાહેર કર્યો છે. ભારતને મહાસત્તા બનાવવા માટે હવે પ્રશ્ન એ છે કે ભારતીય અર્થતંત્ર આજે વિશ્વનું સૌથ મોટું પાંચમાં ક્રમાંકનું અર્થતંત્ર બન્યું છે. ત્રણ ટ્રિ્‌લિયન યુએસ ડોલરની કિંમતનું આપણું અર્થતંત્ર ૨૦૨૭માં પાંચ ટ્રિ્‌લિયન યુ.એસ. ડૉલરનું બનશે. આમ છતાં હજી વિકાસશીલ દેશમાંથી વિકસીત દેશની કક્ષામાં પ્રવેશ કરવા માટે આપણે માથાદીઠ આવક હાલ જે ૨૪૦૦ યુએસ ડોલર આસપાસ છે તે ૪૦૦૦ યુએસ ડોલર સુધી પહોંચાડવાની છે. કોરોના કાળ બાદ ૨૨ ટકા ગરીબી વધીને આજે ૩૫ થી ૪૦ ટકા સુધી પહોંચી છે. મોંઘવારીના મારના કારણે મધ્યમવર્ગના પરિવારોના આવક-ખર્ચના છેડા મળતાં નથી. શિક્ષણ અને આરોગ્ય સેવાના ખાનગીકરણ અને વ્યાપારીકરણને કારણે સામાન્ય લોકોની હાલાકી વધી છે. સરકાર આરોગ્યક્ષેત્રે સારવાર નિઃશુલ્ક મળે તે માટે નવી યોજના ‘‘આયુષ્યમાન ભવ’’ દ્વારા ભગીરથ પ્રયાસો કરી રહી છે પણ ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ સેવા મજબૂત કરવા માટે તાકીદે કાર્યવાહી કરવી જરૂરી છે. ઉદાહરણરૂપ ગુજરાતમાં પછાત તાલુકાઓમાં ૬૦ થી ૬૫ ટકા શિક્ષકો, ડૉકટરો અને અન્ય સહાયક સ્ટાફની જગ્યાઓ ખાલી છે. અનેક ગામડાંઓમાંથી યુવાવર્ગ હિજરત કરી ગયો છે. ખેતી માટે એક બાજુ મજૂરો મળતાં નથી. મજૂરીના દરો મોંઘવારી સાથે વધ્યાં છે. ખેડૂતોની આવક ખૂબ ધીમે ધીમે વધે છે. ખેતીમાં વધતો જતો ખર્ચ ખેતીને પોષણક્ષમ રહેવા દેતો નથી. પશુપાલન મત્સ્ય ઉદ્યોગમાં મહેનતના પ્રમાણમાં વળતર નથી.

આપણા દેશ આર્થિક રીતે વિકસીત અને લશ્કરી-રાજદ્વારી રીતે મહાસત્તા બનવાનું સ્વપ્ન સાકાર કરવું હોય તો માત્ર સરકાર દ્વારા તે કામ થાય તેવી અપેક્ષા ઉચિત નથી. દેશના વિકાસ માટે તો સરકાર, સમાજના તમામ વર્ગો, કિસાનો, કામદારો અને ખાસ કરીને યુવા વર્ગ માટે સખ્ત પરિશ્રમ કરવાનો સમય છે. એક કવિએ કહ્યું છે તેમ, ‘‘કામ કરે ઈ જીતે રે માલમ, કામ કરે તે જીતે. આપણ મુલક એવડો મોટો એ બદલે બીજી કઈ રીતે ?    

                                                                            (ક્રમશઃ)

Comments

Popular posts from this blog