ઑકટોબર : એક આગવો ઐતિહાસિક મહિનો (૨)

                                                                                     - પ્રવીણ ક. લહેરી

ઑકટોબરનો અંતિમ દિવસ : એકત્રીસમી ઑકટોબર ૧૯૮૪ સુધી સરદાર સાહેબની જન્મજયંતિ તરીકે ઉજવાતો હતો. સરદારની સાચી જન્મ તારીખ કઈ છે તે કોઈ જાણતું નથી. પોતાની મેટ્રિકની પરીક્ષામાં ફોર્મમાં સરદારે જન્મ તારીખ સામે તા.૩૧ ઑકટોબર ૧૮૭૫ લખ્યું તે તારીખ સ્વીકારીને જન્મદિન મનાવીએ છીએ. સરદાર એક એવું વ્યક્તિત્વ છે જે ગુણોનો ભંડાર છે. તે આદર્શોમાં દૃઢ શ્રદ્ધા રાખે છે પણ સંજોગાનુસાર આદર્શ છોડીને વ્યવહારિક થવામાં સરદારે કદી ક્ષોભ કે સંકોચ અનુભવ્યો નથી. સરદારમાં નેતૃત્વના ઉમદા ગુણો છે પણ સાથે સાથે એક સૈનિક જેવી શિસ્ત અને સમર્પણ છે. સરદારની છાપ લોખંડી પુરુષની છે પણ યરવડા જેલમાં ગાંધીજી સાથે રહ્યા ત્યારબાદ ગાંધીજી લખે છે, હું સરદારની અનેક શક્તિઓથી પરિચીત છું પણ જેલમાં તેમણે જે મમતાભરી કાળજી કરી ત્યારે મને મારી માની સતત યાદ આવતી હતી. સરદારની વાણી એક ઘા ને બે કટાકા કરી નાખે તેવી હતી. પરંતુ પરિવાર, સાથી અને મિત્રો સાથે તેમનો પ્રેમ અદ્‌ભૂત હતો. સરદાર અન્યાય સામે લડતાં હતાં પણ તેના જીવનનું લક્ષ્ય દેશભક્તિ સિવાય કશું ન હતું. વકીલાત કરતાં કરતાં ઇંગ્લેન્ડ જઈ સારી રીતે બેરિસ્ટર બન્યા પછી ધૂમ કમાણી કરી વૈભવી જીવન જીવતાં સરદારને ગાંધીજીમાં વિશ્વાસ બેઠો કે તેમણે જીવનની તમામ સુવિધા છોડી સાદગી, સંયમ અને સેવાનો માર્ગ અપનાવ્યો. એક રીતે જો જોઈએ તો ગાંધીમાર્ગના કપરાં ચઢાણો સહેલાઈથી ચડીને ગાંધી આદર્શોને સાકાર કરવામાં સરદારને ગાંધીના શ્રેષ્ઠ અનુયાયી તરીકે ઓળખી શકાય છે. ગાંધીજીના વ્યક્તિત્વમાં અવિચળ શ્રદ્ધા ધરાવતાં સરદાર ગાંધીજીના વિચારોની મર્યાદા સમજી તેમનાથી અલગ મંતવ્ય ધરાવી કામ ૫ણ કરી શકે. તેઓનું જાહેરજીવન લોકસેવાની કાંટાળી કેડીએ મક્કમ ડગલે કેમ ચાલવું તેનું સચોટ ઉદાહરણ છે.

અખિલ ભારતીય કોંગ્રેસના દેશવ્યાપી સંગઠ્ઠન પર મજબૂત પકડ ધરાવનાર સરદાર કોઈને પણ સત્તાનો દુરુપયોગ કરતાં કે વિશ્વાસઘાત કરનાર આગેવાનોને શિસ્તનો કડક પાઠ ભણાવવામાં સરદાર પાછી પાની કરતાં, ભારત સરકારના ગૃહમંત્રી, દેશી રજવાડા, માહિતી પ્રસારણના મંત્રીની સાથે નાયબ વડાપ્રધાન તરીકે તેની શાસન પદ્ધતિ એવી અસરકારક હતી કે દિલ્હીમાં લોકવાયકા હતી કે કેન્દ્રીય મંત્રાલયમાં ખુરશી પર સરદારનું આબેહૂબ પૂતળું પણ બેસાડીએ તો તંત્ર સુચારુરુપે કામ કરે.

સરદાર ન હોત તો બ્રિટીશરોની હિંદ-પાકિસ્તાન જ નહીં પણ દેશી રજવાડાઓને સ્વતંત્રતા આપી દેશના ટૂકડે ટૂકડા કરવાની નીતિ અમલી બની હોત. સરદાર અને નહેરુએ ગાંધીજીની ઈચ્છા અવગણીને વિભાજનની દરખાસ્ત સ્વીકારી. કોંગ્રેસની કારોબારીએ પણ ગાંધીજીનો વિભાજન ન સ્વીકારવાનો પ્રસ્તાવ ખારીજ કર્યો. ગાંધીજીએ મિટીંગ છોડી. અસહ્ય માનસિક વ્યથા અનુભવી, પોતાના ત્રણ દાયકાના સાથીઓના મંતવ્ય વિરૂદ્ધ શું કરવું તેની વિમાસણમાં તેઓ હતાં. પૂર્વ બંગાળમાં કેમો આગ ઠારવાના કામને અગ્રતા આપી. દિલહી આવ્યા ત્યારે ભાગલા રદ થાય તેવા વાતાવરણના નિર્માણ માટે પ્રયત્નો કર્યાં. વિભાજન અને કરૂણાંતિકા વાસ્તવિકતા બની ચૂક્યા હતાં, મહાત્માની દુરંદેશી, અસ્પૃશ્યતા નાબૂદી, કોમી એકતા માટેના પ્રયત્નોથી નારાજ એવા ઝનૂની હિન્દુ યુવાને ગાંધીજીની હત્યા કરી. સરદારે ત્યારબાદ ત્રણ વર્ષ પંડિત નહેરુની અનેક હરકતો અવગણી પોતાનું કર્તવ્ય બજાવ્યું. અહંકાર, અપેક્ષા, વિના તેમણે જે એક ભારતનું નિર્માણ કર્યું છે તે કોઈની અખંડ ભારતની કલ્પનાથી ઓછું હોય શકે. સરદારે ૫૪૨ રજવાડાને ભારતમાં ભેળવીને જે મજબૂત રાષ્ટ્ર્‌નું ઘડતર કર્યું છે તેનું ઋણ ભારતવાસીઓ કદી ચૂકવી શકશે નહીં. સરદારની ગગનચુંબી પ્રતિમા કરતાં ભારતની એકતા, સ્વતંત્રતા અને ગૌરવની જાળવણી તે જ સરદારનું સાચું સ્મારક ગણી શકાય.

તા.૧૧ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ તાશ્કંદમાં ભારતના વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના અણધાર્યા અવસાન બાદ દેશમાં એક શુન્યાવકાશ પેદા થયો. કોંગ્રેસના આગેવાનો એક બાજુ કામરાજ અને બીજી બાજુ મોરારજી દેસાઈના જૂથમાં વહેંચાયેલા હતા. ‘‘આ વખતે હું સમજૂતિ સ્વીકારીશ નહીં પણ વડાપ્રધાન પદ માટે સ્પર્ધા કરીશ’’ તેવા મોરારજીભાઈના પડકાર બાદ ચૂંટણી અનિવાર્ય બની હતી. મોરારજીભાઈને વડાપ્રધાનપદે ન ઈચ્છતાં આગેવાનોએ પંડિત નહેરુની પુત્રી ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા. ગુંગી ગુડિયાના નામે ઓળખતા ઈન્દિરા ગાંધીને આ આગેવાનો તેના ૧૯૫૯ના કોંગ્રેસના પ્રમુખપદની કાર્યવાહીથી વાકેફ હતાં પણ તેની શક્તિનું આકલન કરવામાં ભૂલ કરી બેઠા હતાં. ઈન્દિરાએ મોરારજીભાઈને સહેલાઈથી હરાવ્યા. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં કેન્દ્ર અને અનેક રાજ્યોમાં કોંગ્રેસનું વર્ચસ્વ ઘટવા માંડ્યું. મોરારજીભાઈને નાયબ વડાપ્રધાન બનાવી નાણાં ખાતું સુપરત કર્યું.

બેંકોના રાષ્ટ્ર્‌ીયકરણના મુદ્દે નારાજ થયેલા મોરારજીભાઈએ ૧૯૬૯માં રાજીનામું આપ્યું. કોંગ્રેસનું વિભાજન થયું. જૂના જોગીઓનું જૂથ સિન્ડીકેટ તરીકે અને નવા ઉભરતા નેતાઓનું ગ્રુપ ઈન્ડીકેટ તરીકે ઓળખ પામ્યું. ૧૯૭૧માં ગરીબી હટાવોના નારા સાથે નિયત સમય કરતાં એક વર્ષ વહેલી ચૂંટણી યોજી ઈન્દિરાએ પક્ષ અને સરકાર પરતી પોતાની પક્કડ મજબૂત બનાવી. અનેક લોકોને ગમે તેવા પગલાંઓ લઈ સમાજવાદી સમાજ રચનાના નારા સાથે અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી. આમ છતાં અન્નની તંગી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું. રાજકારણથી અલિપ્ત સમાજવાદી-સર્વોદયવાદી વરિષ્ઠ સ્વાતંત્ર્ય સેનાની જયપ્રકાશ નારાયણે ઈન્દિરાની સત્તા અને કામ કરવાની શૈલીને પડકારી. જયપ્રકાશજીની વધતી લોકપ્રિયતાથી ડરીને ઈન્દિરાએ રાષ્ટ્ર્‌ીય કટોકટી જાહેર કરી. પોતાના ઉદ્દંડ પુત્ર સંજય ગાંધી અને અનેકની હરકતોએ દેશને ગુલામીના અંધકારમાં ધકેલી દીધો હતો. નિયત સમય કરતાં એક વર્ષ મોડી માર્ચ-૧૯૭૭ની સંસદની ચૂંટણીમાં ઈન્દિરાની કોંગ્રેસ સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતમાં એક પણ બેઠક જીતી ન શકી. મોરારજીભાઈ જનતા પક્ષના નેતા અને વડાપ્રધાન બન્યા. ચૌધરી ચરણસિંહે મોરારજીભાઈને હટાવીને વડાપ્રધાન થવાનું સ્વપ્ન સાકાર કર્યું. કટોકટી પહેલાં ઈન્દિરા ગાંધીએ ૧૯૭૧માં પાકિસ્તાનના બંગાળ પ્રાંતના અત્યાચારોના કારણે થયેલી હિજરત બાદ યુદ્ધ લડીને બાંગ્લાદેશનું સર્જન કર્યું. પાકિસ્તાનના બે ટૂકડા કરી ઈન્દિરા ગાંધીએ જે સફળતા મેળવી તેની પ્રશંસા કરતાં જનસંઘના નેતા અટલબિહારી વાજપેયીએ તેમને દુર્ગા તરીકે નવાજ્યા હતાં. ૧૯૮૦માં ફરી સંસદની ચૂંટણી થઈ, ઈન્દિરા ગાંધી પુનઃ વડાપ્રધાન બન્યા. તેમના પુત્ર સંજય ગાંધીનું વિમાન ઉડાડતા અકસ્માતે નિધન થયું. વિદેશી પ્રેરણાથી પંજાબમાં ભિંદરાયણવાળાના નેતૃત્વ હેઠળ ખાલિસ્તાનના નામે બળવા જેવી સ્થિતિ સર્જાઈ. સુવર્ણ મંદિરમાં આશ્રમ લઈ સતત ઉપદ્રવ કરતાં દેશદ્રોહી તત્ત્વોને લશ્કરી કાર્યવાહીથી પરાસ્ત કર્યાં. શીખ સમુદાયની જાણીતી નારાજગી વચ્ચે શીખ સૈનિકોને અંગત સુરક્ષામાં ચાલુ રાખ્યા. આ જ સંરક્ષકોએ ૩૧મી ઑકટોબર ૧૯૮૪ના રોજ ગોળીબાર કરી ઈન્દિરાની હત્યા કરી. ભારતના ઈતિહાસના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી, પાકિસ્તાનના ફાડીયા કરનાર, ગરીબી નિવારણ માટે પ્રતિબદ્ધ એવી લોખંડી મહિલાની હત્યાથી વિશ્વભરમાં આઘાતની લાગણી થઈ.

મહાત્મા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રીની બીજી ઑકટોબરની જન્મ જયંતિ અને એકત્રીસમીની સરદારની જન્મ જયંતિ અને ઈન્દિરાજીની પૂણ્યતિથી આપણા ઈતિહાસના મહાન પાત્રોના યોગદાનનું સ્મરણ કરવાનો અવસર છે. આધુનિક અને એક ભારતના નિર્માણ કરનારા આ મહાનુભાવોને શ્રેષ્ઠ ભારત બનાવીને જ સાચી સ્મરણાંજલિ આપી શકીએ.

Comments

Post a Comment

Popular posts from this blog