અવકાશ અને અણુક્ષેત્રે ભારતની ઉપલબ્ધિઓ
- પ્રવીણ ક. લહેરી
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ૨૩મી ઑગસ્ટ ૨૦૨૩ બુધવારે સાંજે બરાબરબ ૬.૦૪ કલાકે ચંદ્રયાન-૩ સહી-સલામત ઉતર્યું ત્યારે સમગ્ર દેશમાં સ્વાભાવિક રીતે આનંદ-ઉત્સાહનું મોજું ફરી વળ્યું. દરેક ભારતીયને તેના વૈજ્ઞાનિકોની આ અનુપમ સિદ્ધિ માટે ગૌરવ છે. ‘‘હમેં નાજ હૈ હિંદ પર જો આસમાંમેં ભી બેજોડ સિદ્ધિ હાંસિલ કર સકતા હૈ.’’ ૧૯૬૯માં ડૉ. વિક્રમ સારાભાઈના આગ્રહથી તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ઈન્ડીયન સ્પૅસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનની ‘ઈસરો’ની સ્થાપના કરી ત્યારથી પ્રારંભ થયેલી એક યાત્રા બરાબર ૫૪ વર્ષે એક એવા મુકામે પહોંચી છે કે ભારતનું માન ટૅકનોલોજી ક્ષેત્રે વધતું રહેશે. કોરોના બાદ સમગ્ર વિશ્વને પ્રતિકારક રસી પૂરી પાડવાની હોય, તેજસ લડાકુ વિમાનનુું નિર્માણ હોય, બ્રહ્માસ્ત્ર મિસાઈલનો વિકાસ હોય, સમુદ્ર પર લાંબા બ્રિજનું નિર્માણ હોય કે પૂર્વોત્તરમાં વિશ્વના સૌથી ઊંચા બ્રિજનું બાંધકામ હોય - ભારતના ઈજનેરોએ તેમનું કૌશલ્ય અને બુદ્ધિમત્તા દ્વારા અનેક વિક્રમ સર્જક કામગીરી કરી છે.
ઘણીવાર લોકોને પ્રશ્ન થાય કે આટલા દૂર ચંદ્ર પર યાન મોકલવાથી કંઈ લાભ થાય ? મારો ઉત્તર સ્પષ્ટ છે કે અનેકવિધ લાભો અવશ્ય થાય. સૌથી પ્રથમ તો એ વાત સમજવી જોઈએ કે અણુ વિજ્ઞાન, અવકાશયાત્રા વગેરે ખૂબ સૂક્ષ્મ ગણતરીઓ માંગે છે. નર્મદા યોજનાના અમલમાં અનેક ટૅકનિકલ મુશ્કેલીઓ આવી હતી. લગભગ ૨૦૦ જેટલા જટીલ પ્રશ્નો આપણા ઈજનેરોએ જે દક્ષતાથી સુલઝાવ્યા હતાં તેનું દસ્તાવેજીકરણ ઉપલબ્ધ છે. અમેરિકાએ સ્પૅશ ટૅકનોલોજી થકી જે વસ્તુઓ વિકસાવી તેનો ઉપયોગ ધંધાકીય ધોરણે સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે. જાણીતા ધનકુબેર અને ઉદ્યોગ સાહસિકમ એલન મસ્કની કારકિર્દી શિખરે પહોંચી તેમાં તેણે અનેક સર્જનાત્મક ટૅકનોલોજીના સહારે અદ્ભૂત કહી શકાય તેવી કામગીરી કરી દેખાડી છે. અબજો ડોલરોની કમાણી પણ કરી છે. ભારતે વિકસીત દેશો સહિત અનેક દેશોના ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂકી આપી ખાસ્સી કમાણી કરી છે. અણુ અને અવકાશ ક્ષેત્રે ભારત પ્રતિસ્પર્ધી તરીકે ન ઉભરી શકે તે માટે અમેરિકાએ જે કાવાદાવા અને ગુન્હાહિત કામાો કર્યાં છે તેનો ઈતિહાસ લાંબો છે. આપણા દેશના અણુ અને અવકાશ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારા ૭૦૦ જેટલાં વૈજ્ઞાનિકોના મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયા છે. સી.આઈ.એ.ના એક નિવૃત્ત અધિકારીએ ઈન્ટરવ્યૂમાં વટાણા વેરી નાખતા, ડૉ. હોમી ભાભાના આલ્પસ પર્વતમાળાના મોંબ્લા શિખર પર અથડાઈ તૂટી પડેલ વિમાની અકસ્માત કોઈ અકસ્માત નહોતો એ તો એક બેરહેમીથી કરેલો અપરાધ હતો.
ઈસરો દ્વારા હવામાનની આગામી ક્ષેત્રે, રીમોટ અભ્યાસ બાબત, કૃષિ, કુદરતી આપત્તિના સચોટ ફોટોગ્રાફસ, સંદેશા વ્યવહારમાં જે ઉપયોગી પ્રદાન થયું છે તેના કારણે જ આપણે અનેક સવલતો (જેવી કે મોબાઈલ) ખૂબ વાજબી દરે વાપરીએ છીએ. સંરક્ષણની બાબતે અણુ અને અવકાશ ક્ષેત્રે કરેલો વિકાસ જ રાષ્ટ્રને મહાસત્તા બનાવે છે કે પછાત રાખે છે. જો આપણે આટલી વિશાળ વસ્તી સાથે વિશ્વમાં સ્પર્ધાત્મક બનવું હોય તો અણુ અને અવકાશ ક્ષેત્રે વિશેષ રોકાણ, આયોજનો કરવા જરૂરી છે. જે રાષ્ટ્ર્ સંશોધનમાં પાછળ પડે છે તે અનેક બાબતોમાં પણ વિકાસથી વંચિત રહે છે. દેશના ગરીબો અને શોષિતોની ચિંતા જરૂર કરીએ. આ ચિંતા કરતી વખતે એક વાતનું સ્મરણ રાખીએ કે જો આપણે વિજ્ઞાન-ટૅકનોલોજીમાં પછાત રહેશું તો આર્થિક વિકાસ રૂંધાશે અને ગરીબી હટાવવામાં પણ વિલંબ થતો રહેશે. સરકારે તેના બજેટમાં અનેક ક્ષેત્રોનું મહત્ત્વ પિછાણી અગ્રતાક્રમ નક્કી કરવાનો હોય છે. સમાજવાદી સમાજરચનાના સ્વપ્નો આપણે ૧૯૫૨ થી ૧૯૯૦ પૂરાં ૩૮ વર્ષ જોયા.
ભારત દેશ નાદારીના આરે આવ્યો. અનામત સોનું ગીરવે મૂકીને વિદેશી દેવું ચુકવવામાં ચૂક ન થાય તે માટે નાલેશી વહોરીને દુઃખી થયા ત્યારે સત્ય સમજાયું કે લાયસન્સ, કવોટા, પરમીટ રાજ નુકશાનકર્તા છે. ભલુ થાય વિચક્ષણ રાજપુરુષ અને અકસ્માતે વડાપ્રધાન બનેલા શ્રી નરસિંહરાવ અને તેણે પસંદ કરેલા નાણાંમંત્રી અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું કે તેમણે ઉદારીકરણ અને વૈશ્વિકરણ દ્વારા દેશની સાચી આર્થિક ક્ષમતા ઉજાગર કરી. કોઈ વિચારવંત વ્યક્તિ જ્યારે અણુ-અવકાશ ક્ષેત્રની કામગીરી પાછળ શું કામ ખર્ચ કરવો તેવું કહે ત્યારે દુઃખ થાય છે કે જે પ્રત્યક્ષ છે તે કેમ નહીં સમજાતું હોય ? ખેર, અણુ અને અવકાશ ક્ષેત્રે ભારતને બે એવા દુરંદર્શી વૈજ્ઞાનિકો મળ્યા કે તેમના સંકલ્પ અને સમર્પણ વિના આપણા દેશે આવી હરણફાળ ભરી ન હતી. ડૉ. હોમી ભાભા, વિક્રમ સારાભાઈની જોડીએ કેવા વિપરીત સંજોગોમાં આ કાર્યનો આરંભ કર્યો. કેવી કેવી મુશ્કેલીઓ અને વિટંબણાઓનો સામનો કર્યો ? કેટલા કેટલા સંઘર્ષો બાદ સરકારી તંત્રમાં આ બંને ક્ષેત્રની સાચી ભૂમિકા સમજાણી અને સ્વીકાર થયો. આ ઈતિહાસનું રસપ્રદ નિરુપણ ‘રોકેટ બોટ્ઝ’ નામની ટેલીવિઝન સિરીયલમાં જોઈએ ત્યારે આપણને અહેસાસ થાય કે દેશ કેવો નસીબદાર કે આવા ઝુઝારુ વૈજ્ઞાનિકોએ તન, મન અને ધનથી ઘસારો વેઠીને આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે ભોગ આપ્યો છે. હોમી ભાભા અને વિક્રમ સારાભાઈની એ સિદ્ધિની પણ નોંધ લેવી જોઈએ કે તેમણે જે તંત્ર ગોઠવ્યા, પ્રયોગશાળાઓ વિકસાવી, જે રીતે યુવાનોને તાલીમબદ્ધ કર્યા કે તેની પરંપરા આજ સુધી અકબંધ જળવાઈ છે.
અનેક વિધ્નસંતોષી દેશોએ આપણા અણુ અને અવકાશ ક્ષેત્રમાં રોડા નાખ્યા છે. ૧૯૭૪માં આવી દાદાગીરીની ઉપરવટ જઈને ઈન્દિરા ગાંધીની સરકારે પ્રથમ પરીક્ષણ કર્યું. શ્રી અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન બનતાં સાથે જ શ્રી નરસિંહરાવ સાથે પરામર્શ કરી ૧૯૯૮માં બીજા અણુ પરીક્ષણને પાર પાડ્યું. આ વખતે અમેરિકાએ ભારત પર આર્થિક પ્રતિબંધો નાખ્યા. ભારતે ક્રમશઃ તેમાંથી બહાર આવવા અણુશક્તિના મુદ્દે કરાર કર્યો. જો કે અનેક વ્યૂહરચનાકારોનું માનવું છે કે અણુ-અવકાશ ક્ષેત્રે ભારતે સાર્વભૌમત્વ રાષ્ટ્ર્ તરીકે કોઈની શેહ કે દબાણમાં આવ્યા વિના સતત આગળ વધતા રહેવું જોઈએ. હોમી ભાભાને મળવાનો અને તેમની પાસેથી અપ્સરા અને ઝરલીના રીકેટરો અંગેની માહિતી સાંભળવાનો અવસર મને મે ૧૯૬૩માં મળ્યો હતો. ૧૯૬૩માં જે અશક્ય જણાતું હતું, ઘણાંને બીનજરૂરી જણાતું હતું અને ઘણાંનો વિરોધ હતો તેવા સમયે ભારતે હોમી ભાભાના ચિંધ્યા માર્ગે આગળ વધવાનું સ્વીકાર્યું. આજ રીતે રોકેટ અને અવકાશ ક્ષેત્રે વિક્રમ સારાભાઈનું સ્વપ્ન અપનાવ્યું તેના કારણે જ ૨૩મી ઑગસ્ટ ૨૦૨૩ની સાંજે આપણે એક રોમાંચ અનુભવ્યો. આવો ઉત્સાહ આવકાર્ય છે. સાથે સાથે આપણે એ પણ સમજવું પડશે કે આધુનિક વિશ્વમાં વિકાસનો આધાર વિજ્ઞાન અને ટૅકનોલોજી પર છે. ડિજીટલ ક્ષેત્રે સોફટવેરમાં આપણા તજજ્ઞોની સિદ્ધિઓ જાણીતી છે. ભારતના ડિજીટલ અને સ્પેસ વૈજ્ઞાનિકે વિના સિલિકોન વેલી કે નાસા મુંઝારો અનુભવે તેવી સ્થિતિ છે.
આજે આપણે ‘‘સબ સે આગે હોંગે હિન્દુસ્તાની’’ પંક્તિ સાથે આપણી વિકાસયાત્રા ઝડપી બનાવીએ. રસ્તે આવતા અવરોધો હટાવીએ અને સિદ્ધિના સોપાનો સર કરી સૌથી ઊંચા લક્ષ્યાંકે આપણો તિરંગો લહેરાવીએ.
ચંદ્રયાન-૩ પછી આપણે આદિત્ય-૧ દ્વારા સૂર્યનો અભ્યાસ કરવાના છીએ. આધુનિક વિજ્ઞાનની ક્ષિતિજો સતત વિકસતી રહેવાની છે. આપણી યુવાપેઢીને આપણે ખાસ અનુરોધ કરવાનો કે જરા પણ ગફલત રાખ્યા વિના વિજ્ઞાન-ટૅકનોલોજીમાં સતત આગળ વધતાં રહો. આપણે ૨૦૪૭માં આઝાદીની શતાબ્દી પહેલાં ઘણાં અવરોધો પાર કરવા માટે આ અમૃતકાળનો ઉપયોગ કરીએ.
Comments
Post a Comment