કૃત્રિમ બુદ્ધિમત્તા આપણને ક્યાં લઈ જશે ? (૨)
- પ્રવીણ ક. લહેરી
કોઈપણ ટૅકનોલોજીની શરુઆત થાય છે ત્યારે આપણામાં રહેલો અજ્ઞાતનો ભય સામે આવે છે. વર્ષો પહેલાં ગામડાંઓમાં જો કોઈ ટ્રક કે કારના મશીનનો અવાજ સાંભળે તો ઢોર ડરથી નાસભાગ કરતાં, માણસો કે પોતાને નુકશાન કરતા. આજે તો અમદાવાદ જેવા ટ્ર્ાફિકથી ધમધમતાં શહેરોના રસ્તા પર બરાબર વચ્ચે આરામ ફરમાવતી ગાયોનું ટોળું કે ગામડાં રખડતાં ભટકતાં ભૂંડોના ટોળા જોઈએ ત્યારે લાગે કે તેમનામાંથી પણ અજ્ઞાતનો ડર સાવ નીકળી ગયો છે. કમ્પ્યૂટરના ઉપયોગની શરુઆતના તબક્કે અનેક કામદાર મંડળોએ તેના ઉપયોગ સામે વિરોધ નોંધાવી આંદોલનો કર્યાં હતાં. કમ્પ્યૂટરો આપણી રોજગારી છીનવી લેશે તેવા ભયને કારણે તેની સામે વિરોધ હતો. આજે તો નાના બાળકો પણ કાચી ઉંમરે માતા-પિતા મોબાઈલ અપાવી દે તેવો આગ્રહ રાખે છે. કમ્પ્યૂટર તો તમામ કચેરીઓ, દુકાનો અને ઘરનો અનિવાર્ય ભાગ બન્યું છે. કમ્પ્યૂટરે શ્રમિકોની સંખ્યા અને કામગીરીમાં ઘટાડો કર્યો પણ સાથે સાથે અનેક નવી રોજગારીનું સર્જન કર્યું. ઔદ્યોગિક ક્રાંતિના આ ત્રીજા તબક્કામાં અર્થતંત્રમાં કૃષિનો ફાળો ૧૫ થી ૨૫ ટકા જ રહ્યો. ઉત્પાદન ક્ષેત્રનો ફાળો પણ ૨૫ થી ૩૦ ટકા વચ્ચે રહ્યો. જ્યારે સેવાક્ષેત્રનો ફાળો ૫૦ ટકા ઉપર નોંધાયો છે. કમ્પ્યૂટરના કારણે અનેક વ્યવહારો ઝડપી, ચોક્કસ અને સરળ બન્યા છે. આપણી યુવાપેઢી માટે તો મોબાઈલ-કમ્પ્યૂટર વિનાના વિશ્વની કલ્પના કરવી તે એક અશક્ય વસ્તુ લાગે છે. સૌથી પ્રથમવાર છૂક-છૂકના અવાજ સાથે ધૂમાડા કાઢતા રેલ્વે એન્જિનનો કાળો ડિબાંગ રંગ અને વિશાળ કદ જોઈને લોકો તે રાક્ષસરૂપી લાગતું હતું. અજાણ્યું શું છે અને શું કરશે તેની ચિંતા સ્વાભાવિક ગણીએ તો કૃત્રિમ બુદ્ધિમત્તા માણસજાતનો વિનાશ કરશે તેવી આગાહી સહેલાઈથી અનેક લોકો માની લે છે. કોઈ રોબોટ કહે છે કે જો માણસ મારું નહીં માને તો હું તેનો વિનાશ કરીશ. ટૅકનિકલી આ પ્રકારનો પ્રોગ્રામીંગ કરવું શક્ય છે પણ માણસ જ્યારે વિવેકબુદ્ધિથી સર્જન કરે છે ત્યારે તેમાં રહેલી નુકશાનની સંભાવના નિવારી શકાય છે. એક ધારદાર ચપ્પુથી આપણે અન્યની હત્યા કરી શકીએ છીએ પણ એવા જ સાધનથી વાઢકાપ કરીને કુશળ સર્જન માણસની જિંદગી બચાવી શકે છે. પ્રશ્ન ટૅકનોલોજીનો નથી પણ માણસ પોતે સર્જેલા સાધનનો કેવો ઉપયોગ કરે છે તે છે. અણુશક્તિ ઉર્જા આપી શકે છે તો વિનાશ પણ વેરી શકે છે. ઉપગ્રહ સંચાર વ્યવસ્થામાં ક્રાંતિ કરી શકે છે તો સ્પેસવોર માટેનું નિમિત્ત પણ બની શકે છે. ટૅકનોલોજી સારી પણ નથી કે ખરાબ પણ નથી. ટૅકનોલોજીએ માનવજાતના વિકાસમાં, વિશ્વભરની સમગ્ર સૃષ્ટિ પર પ્રભુત્વ સ્થાપવામાં ખૂબ સહાય કરી છે. માનવે સર્જેલા સાધનોનો રચનાત્મક ઉપયોગ કરવો કે વિનાશક તેનો નિર્ણય વિવેકબુદ્ધિથી કરી શકે તેવી આવડત પણ ભગવાને માનવીને આપી છે. તાજેતરમાં અણુ બોમ્બના સર્જનમાં જેનો નોંધપાત્ર ફાળો છે અને જેઓ વૈજ્ઞાનિક હોવા સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અભ્યાસુ હતાં તેવા ઓપેનહેમર પર ફિલ્મ બની છે. ઓપન હેમર જ્ઞાની છે. સર્જનાત્મક શક્તિ ધરાવે છે. આઈન્સ્ટાઈનની ફોર્મ્યુલાને સાકાર કરી શકનાર ઓપનહેમર હિરો છે કે વિલન તે નક્કી કરવું તે મુશ્કેલ છે. એક વર્ગ એવો મત ધરાવે છે કે અણુબોમ્બના પ્રયોગ વિના જાપાન કદી શરણે આવત નહીં અને વિશ્વયુદ્ધ લંબાતા ખૂબ મોટી ખાનાખરાબી થાત. આ લોકો માટે અમેરિકા અને સાથી રાષ્ટ્ર્ો માટે ઓપનહેમર હિરો હોય શકે પણ અણુશક્તિના વિનાશક ઉપયોગનો વિરોધ કરનારા અનેક માટે ઓપનહેમરને શોધ માનવજાતિના અસ્તિત્વને મીટાવી દેવાની સંભાવના ધરાવે છે તેથી ઓપનહેમર ખલનાયક છે. તટસ્થ રીતે વિચારીએ તો વૈજ્ઞાનિક તરીકે તેની સિદ્ધિ અવિસ્મરણીય રહેશે. કોઈ પાગલ શાસક કે આતંકવાદી અણુશક્તિનો બેફામ ઉપયોગ કરી માનવજાતિને સમાપ્ત કરી નાખે તો ઓપન હેમરને યાદ કરવા પણ કોઈ બચ્યું નહીં હોય. સંશોધન અને સાધનો બેધારી તલવાર છે. તેનો ઉપયોગ કરનાર પર તેનું પરિણામ અવલંબે છે.
કૃત્રિમ બુદ્ધિમતાના મુખ્ય ફાયદાઓ એ છે કે જે કામ માણસ સતત પરિશ્રમ બાદ, લાંબા સમય બાદ નથી કરી શકતો તે કામ ડેટાબેઝ અને સોફટવેર થકી નવું યંત્ર સહેલાઈથી કરી શકશે. આ સામે માણસને શ્રમ કરવાની જરૂર ઘટતાં બેકારી, આળસ વધશે. માણસ વધારાના સમયને વેડફશે કે તેના થકી નુકશાનકર્તા કામો કરશે. સારા અને સાચા કામો સમયસર થાય તેની ક્ષમતાવાળું યંત્ર જો રચના સમયે નકારાત્મક શક્તિ સાથે વિકસાવવામાં આવશે તો તે અકલ્પ્ય નુકશાન કરશે. કૂતરા માટેની કહેવત છે; ‘રીઝે ચાટે અને ખીજે કરડે’ શ્વાન પાળવામાં આ બંને ઘટના બની શકે છે પણ શ્વાનપ્રેમીએ માટે તે બાબતો ક્ષુલ્લક છે. અન્ય લોકો શ્વાનથી ડરે છે કારણ કે ક્યારે કરડે તે નક્કી નથી. દર વર્ષે દેશમાં કૂતરા કરડવાના લાખો કેસો નોંધાય છે. પણ તેનાથી કૂતરા પાળવાવાળા લોકોની સંખ્યામાં ઘટાડો થતો નથી. આજ રીતે ટૅકનોલોજીના ઉજળા સામે અંધારા પાંસાઓ છે.
કૃત્રિમ બુદ્ધિમતાને કારણે અનેક જોખમી કામો આજે માણસે કરવા પડે છે. ખાણમાંથી કોલસો કાઢવો, ગટરમાં ઊંડે ઉતરીને સફાઈ કરવામાં ઝેરી ગેસથી થતી હાનિ કે મરણ, સરહદે સંરક્ષણમાં જાન ગુમાવતા સૈનિકોના જવીન, અણુમથકના રેડીએશન વિસ્તારમાં મરમ્મત, માનવસહજ ભૂલોના કારણે થતાં માર્ગ, વિમાની કે રેલ્વે અકસ્માતો નિવારવામાં કૃત્રિમ બુદ્ધિમતા ખૂબ મોટું યોગદાન કરી શકે તેમ છે.
આરોગ્ય ક્ષેત્રે તો આજે અનેક સર્જરીના કામમાં કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા સલામત રીતે અને અસરકારક રીતે કામ થઈ શકે છે. દૂર દૂરના ગામડાં અને વસાહતોમાં પણ કૃત્રિમ બુદ્ધિમત્તાના આધારે નિદાન અને સુશ્રૂષાની નવી ક્ષિતિજો ખુલી રહી છે. કોરોના મહામારીમાં વેક્સિન વિકસાવવામાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગના કારણે સમય બચાવી ખૂબ સારી રીતે રસીકરણની કામગીરી સમગ્ર વિશ્વમાં સફળતાપૂર્વક થઈ રહી છે. આજે ઘણાં દર્દીઓને મોનીટરીંગ વોચ (સ્માર્ટ ઘડિયાળ) દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તાના યંત્ર દ્વારા રોગો અંગે સમયસર સજાગ કરવામાં આવે છે.
કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણે અનેક લોકોનો અભ્યાસ ચાલુ રખાવ્યો. અનેક કચેરીઓમાં ઓનલાઈન કામગીરી દ્વારા ખર્ચ ઘટ્યો અને કામની ગુણવત્તા પણ જળવાઈ. હવે કૃત્રિમ બુદ્ધિમત્તા કદાચ શિક્ષકના વ્યવસાયનો અંત લાવે. રોબોટમાં જે જ્ઞાનનો ભંડાર અને ઝડપી વિશ્લેષણ શક્તિ વિકસાવી શકાય છે. તેની સામે હોશિયારમાં હોશિયાર શિક્ષક ઝાંખો પડે તેમ છે. આવું યંત્ર ગુજરાતીના તમામ કાવ્યો વાંચી શકે, યોગ્ય રાગમાં ગાઈ શકે અને તેનો રસાસ્વાદ કરાવી શકે. આ કામ કરવામાં શિક્ષક માટે સમગ્ર જીવનની સાધના પણ ટૂંકી પડે.
મોબાઈલ જેમ આ કૃત્રિમ બુદ્ધિમત્તાના યંત્રો માણસોને સમય વ્યતિત કરવામાં નવા નવા વિકલ્પો આપશે. ૩૦ વર્ષ પહેલાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર એકસ કે વૉટસએપની કલ્પના ન હતી. કૃત્રિમ બુદ્ધિમત્તાનું યંત્ર વિશ્વના ચેસ ચેમ્પિયનને હરાવી શકે પણ માણસની જરૂરિયાતોને સંતોષી શકે તેવા નવા પ્રોગ્રામો માટે તો માનવની સર્જનાત્મક શક્તિની જરૂર રહેશે. માણસ તેની અગાધ અને અમાપ બુદ્ધિમત્તામાં ટૅકનોલોજીથી પાછળ પડતો જણાય ત્યારે યાદ રાખવું કે ભગવાન ભસ્માસુરનો અંત ભસ્માસુર પાસે જ કરાવે છે. આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા આપણી પર હાવી થાય ત્યારે તેને રૂક જાનો આદેશ આપવાની વ્યવસ્થા રાખવી અનિવાર્ય છે. સૌ દેશો આ માટે સમજૂતિ સાધવા પ્રયત્નશીલ છે.
Comments
Post a Comment