જાહેર સ્થળોએ સલામતિ
પ્રવીણ ક. લહેરી
માનવજાત દ્વારા પૃથ્વી પરની તેમની ઉત્ક્રાંતિના સમયમાં પોતાની સલામતિની કાળજી કરીને સુરક્ષા સાથે પ્રગતિના સોપાન સર કર્યાં છે. હકીકતમાં જીવમાત્રમાં પોતાના જીવનની રક્ષા માટેની વૃત્તિ અને પ્રવૃત્તિ આપણે નિહાળી શકીએ છીએ. કમનસીબે સાંપ્રત સમયમાં આપણે સલામતિના મુદ્દે અક્ષમ્ય બેદરકારી અને બેજવાબદારી દર્શાવી અનેક લોકોના અકુદરતી અને કરુણ મૃત્યુઓના પ્રસંગો જોઈ રહ્યા છીએ. તાજેતરમાં માત્ર બે દિવસમાં ત્રણ ઘટનાઓ એવી બની કે આપણને હતપ્રભ કરી મૂકે. દક્ષિણ કોરિયાના પાટનગર સીઓલમાં એક નાની ગલીમાં આયોજિત હેલોવિન પાર્ટીમાં ભગદડ મચી અને ૧૫૦ જેટલાં લોકોએ જાન ગુમાવ્યા. સુદાનમાં એક આતંકી હુમલામાં બોંબ બ્લાસ્ટ સાથે ૧૦૦ થી વધારે લોકોના મૃત્યુ થયા. આપણે ત્યાં મોરબીમાં આવેલા સસ્પેશન બ્રીજ - ઝૂલતા પૂલ પર એકઠાં થયેલા સહેલાણીઓની ભીડનું પરિણામ એ આવ્યું કે ૧૪૦ વર્ષ જૂનો બ્રીજ ધડાકાભેર તૂટી પડ્યો. મહિલા, બાળકો અને પુરુષો સહિત ૧૩૫ લોકોએ જાન ગુમાવ્યા. આ તમામ કુદરતી ઘટનાઓ તો ન હતી પરંતુ માનવ દ્વારા થયેલા કૃત્યોનું ફળ હતું. આપણા મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે કેમ આપણે સલામતિ અંગે આવશ્યક કાળજી નથી કરતા ?
આપણા દેશમાં રસ્તાઓ પર નિયમો અને શિસ્તના પાલનના અભાવે તેમજ રસ્તા-પૂલની નબળી ગુણવત્તાના કારણે દરરોજ ૪૫૦ જેટલી વ્યક્તિઓ જાન ગુમાવે છે. આગથી, પડી જવાથી, ભીડભાડમાં, ડૂબી જવાથી, સર્પદંશથી, કારખાનામાં થતી હોનારતથી દર વર્ષે સવા લાખ જેટલી વ્યક્તિઓના મૃત્યુ થાય છે. આપણે સલામતિની ઉપેક્ષા એટલી હદ સુધી કરીએ છીએ કે કોઈ બેદરકાર માણસને રોકટોક કરો તો તેનો જવાબ હોય છે; ‘‘ચિંતા શાને કરો છો, ભાઈ, પાંચમ માંડી હશે તો છઠ્ઠ થોડી થવાની છે ?’’ મૃત્યુ ક્યારે થશે તે સાવ અનિશ્ચિત છે પણ યમદૂતને સામે ચાલીને આમંત્રણ આપીને તેમાં કશું ડહાપણ નથી. આપણા તહેવારોની ઉજવણી હોય, કુંભમેળા હોય, પરિક્રમા હોય, યાત્રા-પ્રવાસ હોય કે મોટી સભા સરઘસ હોય, ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે. સરકાર ગમે તેટલા નિયમો બનાવે કે ગમે તેટલા અંકુશો મૂકે પણ લોકો તેની પરવા કર્યાં વિના એવી વર્તણૂક કરે છે કે આપણે આશ્ચર્યચકિત રહી જઈએ. અકસ્માતો માટે લોકો જવાબદાર છે તે વિધાન અર્ધસત્ય છે. આપણી વ્યવસ્થાની ત્રૂટીઓ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને કારખાનામાં થતા અકસ્માતો કે આગના બનાવોનું વિશ્લેષણ કરીએ તો જણાય છે કે કામગીરી માટે નિશ્ચિત રૂપરેખાનો અભાવ હોય છે.
સલામતિએ આપણા સૌની સહિયારી જવાબદારી છે. નૌકામાં એક મુસાફર નાવમાં કાણું પાડે તો તે સૌ યાત્રિકોને ડૂબાડી શકે છે. જાહેર સ્થળોએ જ્યારે અકસ્માત થાય છે ત્યારે મૃત્યુઆંક ઘણો ઊંચો હોય છે. આપણા દેશમાં ૧૪૦ કરોડ જેટલા લોકો, વસ્તીની ગીચતા અને સુવિધાઓના અભાવના કારણે વારંવાર દુર્ઘટના ઘટે છે પણ આયોજન કરતાં નથી. આજની સ્થિતિમાં સલામતિના મુદ્દાઓ અંગે ખૂબ વિગતે અભ્યાસ અભ્યાસ કરીને, અગાઉની દુર્ઘટનાઓના કારણો નક્કી કરીને, વ્યવસ્થિત આયોજન કરીએ અને તમામ સબંધિત વ્યક્તિઓને સમજાવી, તાલીમ અને ચુસ્ત નિરીક્ષણની વ્યવસ્થા કરીએ તો લાખો અપમૃત્યુ નિવારી શકાય તેમ છે. કોઈપણ કામમાં સલામતિને સર્વોચ્ચ અગ્રતા આપવી જોઈએ.
વ્યાપાર, ઉદ્યોગ કે અત્ય કામ કરતી સમયે નફો, કાર્યોદક્ષતા, ચોક્કસ પરિણામની અપેક્ષા વાજબી છે પણ સલામતિના ભોગે તો નહીં જ. હા, આતંકી હુમલા, આગ, પૂર જેવા પ્રસંગોએ બચાવ કામગીરફી કરનારી વ્યક્તિઓ જીવને જોખમમાં મૂકીને અન્યને સુરક્ષા પ્રદાન કરે છે. બચાવ કામગીરી કરનારાઓને યોગ્ય તાલીમ મળી હોય, સાધન-સુવિધા હોય તો ઓછા જોખમે તે વધારે ઝડપી અને અસરકારક કામગીરી કરી શકે છે. આપણું ઘર હોય, શાળા હોય, કારખાનું હોય, રસ્તો હોય, વીજ સાધનો હોય તે દરેક બાબતે ઉપયોગ કરનારમાં સલામતિ જાળવવા માટેની જાગૃતિ હોવી અનિવાર્ય છે. અમદાવાદમાં એક શિક્ષિત પરિવારે રસોડામાં જવલનશીલ પ્લાસ્ટિક જેવું આવરણ વાપર્યું હતું. આગના પ્રસંગે તે પદાર્થમાંથી છૂટેલા ઝેરી ગેસથી સમગ્ર પરિવાર મોત પામ્યો હતો. અનેક દેશોમાં ‘સેફટી ઓડિટ’ના માધ્યમથી અકસ્માતો નિવારવા માટે સતત તકેદારી રાખવામાં આવે છે. આપણે ત્યાં કોર્ટના આદેશ બાદ પણ અગ્નિશામક વ્યવસ્થા, રખડતાં ઢોર, રસ્તાની ખરાબ હાલત કે વાહન ચલાવવાના નિયમોના પાલનમાં ઘોર ઉપેક્ષા જોવા મળે છે. વહીવટી તંત્ર અને પ્રજા જો આવી બેકાળજી રાખશે તો તેનો અંજામ દુઃખદાયક જ હોય છે.
સલામતીના આયોજનમાં નીચેના મુદ્દાઓ પરત્વે ખાસ કાળજી કરવાની જરૂર છે. દરેક પરિસ્થિતિમાં ક્યાં ક્યાં જોખમ રહેલું છે ? આ જોખમનું પરિણામ શું હોય શકે ? આ જોખમ નિવારવા માટે શું કાળજી-વ્યવસ્થા કરવા જોઈએ ? જો કોઈ અકસ્માત બને તો તેનું કારણ શું છે ? તે કારણ ભવિષ્ય માટે દૂર કરવા શું કરવું જોઈએ ? આ પ્રશ્નોની આગોતરી વિચારણા સલામતિ સુનિશ્ચિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. વર્તમાન સમયમાં ‘જો જોખમી પરિસ્થિતિ નિવારવામાં નિષ્ફળતા મળે તો પણ નુકશાનથી કેમ બચી શકાય તેની જોગવાઈ કરેલી જ હોય છે. કોઈ મકાનમાં આગની ચેતવણી આપવા માટે ‘સ્મોક ડીટેકટર’ મૂકવામાં આવે છે. તેના દ્વારા ચેતવણીની સાયરન આપમેળે વાગવા લાગે છે પણ તેના દ્વારા પાણીનો છંટકાવ, વીજ પૂરવઠો બંધ કરવા જેવી કામગીરી પણ સ્વયં સંચાલિત ધોરણે ચાલુ થાય છે.
સલામતિ એ આકસ્મિક ઘટના નથી. આ માટે દરેક તબક્કે સચોટ આયોજન અને ચુસ્ત અમલ કરવો જરૂરી છે. ‘સાવધાની ટળી અને દુર્ઘટના ઘટી’ તે સૂત્ર માત્ર નથી. આ નારામાં સંદેશ સ્પષ્ટ છે કે જાગૃતિ વિના સલામતિની અપેક્ષા રાખવી વ્યર્થ છે. સલામતિ માટે જે પરિબળો જવાબદાર છે તેની વિચારણા કરીએ તો સ્પષ્ટ જણાય છેકે ઉતાવળ કરીને, અવિચારી વર્તન કરીને, સલામતિના નિયમો નજરઅંદાજ કરીને અને અકસ્માત બનશે તેની સંભાવના ધ્યાને લીધા વિના કાર્યવાહી થાય ત્યારે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.
આપણા દેશમાં રસ્તા, રેલ્વે, જળમાર્ગોના પરિવહનના અનેક અકસ્માતો બને છે. આપણે તેમાંથી બોધપાઠ લઈને જરૂરી ફેરફારો નથી કરતાં તેના કારણે દુર્ઘટનાઓનો સિલસિલો ચાલુ રહે છે. મુળભૂત રીતે પરિવહનમાં ઝડપ સાથે બેદરકારીનું તત્ત્વ ઉમેરાય તો તે જીવલેણ થઈ શકે છે. વધારે પડતી ગતિના કારણે ઘણાંને સદ્ગતિ થઈ જાય છે. ભારતીય રેલ્વેએ રેલમાર્ગ અને રસ્તા વચ્ચેના તમામ ફાટકો દૂર કરી બ્રીજ બાંધવાનો નિર્ણય લીધો છે તે સલામતિની દિશામાં સાચુ પગલું છે. રસ્તા પર વાહન ચલાવવાના નિયમો અને તેના ભંગ માટે કડક સજાની જોગવાઈઓ પણ આવકારદાયક છે.
દરેક અકસ્માત એ જટીલ અને વિશાળ પ્રશ્ન પ્રતિ આપણું ધ્યાન આકર્ષિત કરે છે. અકસ્માત બને છે કારણ કે માણસ, સાધનો, જગ્યા અને કામ કરવાની પધ્ધતિમાં ઉણપ છે. સલામતિ વિના કામ થાય ત્યારે અનેક લોકોની જિંદગી પર જોખમ પેદા થાય છે. સલામતિ એ માત્ર વૈચારિક વ્યાયામ નથી. હજારો લોકોના જીવન-મરણ પ્રશ્ન છે. ખાસ કરીને જાહેર સ્થળોએ કે પ્રસંગોએ જે ભીડ એકત્ર થાય છે ત્યારે કશુંક અમંગળ બનવાની શક્યતા અનેકગણી વધી જાય છે. સલામતિનો ભંગ થાય, અકસ્માત સર્જાય ત્યારે બચાવ કામગીરી માટે આગળથી આયોજન કરી લોકોમાં સજ્જતા કેળવી હોય તો જાનહાનિ નિવારી શકાય છે અથવા તો તેમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.
સલામતિ માટેના આ ૧૦ નિયમોનું પાલન કરીએ તો આકસ્મિક હાનિથી બચી શકીએ.
(૧) તમે તમારી અને સૌની સલામતિ માટે જવાબદાર છે.
(૨) તમામ અકસ્માતો નિવારી શકાય છે. આપણી બેળકાજી ન હોય તો માનવસર્જિત આપત્તિ ટાળી શકાય છે.
(૩) ઉતાવળમાં ટૂંકો રસ્તો લઈને નિયમોનો ભંગ કદી કરવો નહીં.
(૪) જો તમે તાલીમબદ્ધ સજ્જતા ધરાવતા નથી તો જોખમી કાર્ય ન કરો તેમાં તમારી અને સૌની સલામતિ છે.
(૫) તમામ સાધનોનો ઉપયોગ નિયત કરેલી પ્રક્રીયા પ્રમાણે જ કરો. હંમેશાં યોગ્ય સાધનોનો જ ઉપયોગ કરો.
(૬) કોઈપણ કામ શરું કરતાં પહેલાં તેમાં રહેલા જોખમો સમજીને કાળજીથી કામ કરો.
(૭) તમારા પોષાક, પગરખાં, ઉબડખાબડ રસ્તો, દાદરા, વીજવાયર, લટકતી વસ્તુઓ, ઈજા માટે કારણભૂત બને છે તેથી તે બાબતે વિશેષ કાળજી રાખો.
(૮) કામ કરતી વખતે મનોરંજન કે દેખાડો કરવા માટે કોઈ જોખમી હરકત ન કરો. બેજવાબદાર ગમ્મત હાનિકારક છે.
(૯) હંમેશાં સલામતિ માટે જે કાર્યવાહી જરૂરી હોય તેમાં આળસ કર્યા વિના તે કામો સમયમર્યાદામાં સારીરીતે થાય તે માટે નિયમિત ધ્યાન આપો.
(૧૦) અંતમાં, ગુજરાતી કહેવત યાદ રાખો; ‘‘ચેતતો નર (નારી) સદાય સુખી’’ અમૂલ્ય માનવજીવનની તમામ ક્ષણો આનંદ અને સુખની અનુભૂતિ માટે છે તેને ઉપેક્ષા કે બેદરકારીથી ન વેડફી નાખીએ.
Comments
Post a Comment