સાદગી

                                                                              - પ્રવીણ ક. લહેરી

આજના યુગમાં ભૌતિક વિકાસ અને સુખ-સગવડના અનેક સાધનોના કારણે આપણું જીવન વૈભવી બન્યું છે. ભૂતકાળમાં રાજા-મહારાજાનો જે સુવિધાઓ ઉપલબ્ધ ન હતી તેનો સામાન્ય માણસ પણ ઉપભોગ કરી શકે છે. વિજ્ઞાન અને ટૅકનોલોજીના પ્રતાપે અકલ્પ્ય સાધનોની શોધ થઈ છે અને તે બહોળા જનસમુદાયને પરવડે તેવી કિંમતે પ્રાપ્ત થાય છે. જેથી કરીને સમાજના તમામ સ્તરે જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. મોબાઈલ ફોન અને કમ્પ્યૂટરે આપણા જીવનના તમામ પાસાઓને અસર કરી છે. ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. વિશાળ જનસમૂહ માટે વિશાળ ઉત્પાદન એ ઔદ્યોગિક ક્રાંતિનો પાયો છે. ઔદ્યોગિક ક્રાંતિ પણ અલગ અલગ તબક્કામાં પરિવર્તન પામતી રહેશે. સ્વયં સંચાલિત યંત્રો બાદ રોબોટિક્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા (આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ), નેનો ટૅકનોલોજી, ઉપગ્રહો આધારિત સંચાર વ્યવસ્થા વગેરેને કારણે સૌની જરૂરિયાતોમાં નોંધપાત્ર વધારો    થયો છે.

સાધનોના અભાવે સુખ-સગવડ ન હોય તેવી સાદગી સહજ હતી. મારી પેઢીને યાદ હશે જ કે અગાઉ પાંચ-છ જોડી કપડાં, એક જોડી બૂટ-સેન્ડલ કે ચંપલ, એક ઘડિયાળ, એક પેન રાખવામાં પૂર્ણ સંતોષ હતો. વસ્તુને વર્ષો સુધી જાળવીને વાપરવાની ટેવ હતી. વસ્તુ બગડે તો તેને રીપેર કરાવીને ઉપયોગમાં લેવાની કાળજી કરવામાં આવતી હતી. ગાંધીયુગમાં સાદગી એ વ્યક્તિનું આભૂષણ મનાતું હતું. ધન, ધર્મ, સત્તા અને અનુયાયીઓ મારફત જીવનને વૈભવી રીતે જીવવામાં સંકોચ ન હતો. ભારતમાં સાદગીના ગુણનું અનેરું મહત્ત્વ રહ્યું છે. ત્યાગને એક વિરલ કાર્ય તરીકે જોવામાં આવે છે. ત્યાગી, સંયમી અને સાદગીભર્યાં જીવન જીવનારાને લોકો પૂજે છે. મધ્યયુગમાં ભક્તિમાર્ગના અનેક સંતો કબીર, નાનક, રૈદાસ, રામાનુજ, રામાનંદ, શંકરાચાર્યે સ્વૈચ્છિક સાદગી મારફત જીવનનો હેતુ સમજાવવા કોશિષ કરી હતી. જીસસ ક્રાઈસ્ટ અને મહમદ પયગંબરે પણ સાદા જીવનને પ્રાચીન અને મધ્યયુગમાં રાજાશાહી માટે પોતાની સત્તાનું મહત્ત્વ દર્શાવવા અને નાગરિકોને પ્રભાવિત કરવા માટે ઠાઠમાઠ અને વૈભવનું પ્રદર્શન જરૂરી માનવામાં આવતા હતાં. લોકશાહી પદ્ધતિમાં ઈન્ગલેન્ડે સંસદના મહત્ત્વના ગૃહને સામાન્ય લોકોના ગૃહ તરીકે નામાભિધાન કરી શાસકો લોકો સાથે અતૂટ રીતે જોડાયેલા રહે તે જરૂરી છે તેવો સંદેશો આપ્યો. અમેરિકાના રાષ્ટ્ર્‌પિતા સમાજ જ્યોર્જ વોશ્ગિંટને અનેક ઉમદા પ્રણાલીઓ પાડી હતી. ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડવાના ઈન્કાર ઉપરાંત સાદગી અને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હેરી ટ્ર્‌ુમન, જીમી કાર્ટર, ઓબામા જેવા પ્રમુખોએ પણ સાદગી થકી શાસકની સંવેદના અને જવાબદારી અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. અનેક સરમુખત્યારો, લશ્કરી જનરલો અને શેખો-નવાબોએ રાજ્યની સંપત્તિનો સ્વાર્થ માટે દુરુપયોગ કર્યો હતો. ફિલિપાઈન્સના માર્કોર્સે અને તેની પત્ની ઈમેલ્ડાએ વૈભવી જીવન કેમ જીવી શકાય તે માટે નવા વિક્રમો સ્થાપ્યા હતાં. આ વૈભવી જીવનનો નમૂના આજે મનિલાના ખાસ મ્યુઝિયમ જોઈ શકાય છે. ભારતમાં સરદાર પટેલ, ગુલઝારીલાલ નંદા, લાલબહાદુર શાસ્ત્રી, ડૉ. મનમોહનસિંહ તેમના સાદગીભર્યાં જીવન માટે જાણીતા છે.

ધર્મના ક્ષેત્રમાં પણ આપણને બે પ્રવાહો જોવા મળે છે. અમુક ધર્માચાર્યો, સંતો, મહંતોએ પોતાના સ્થાનના પ્રભાવથી અઢળક સંપત્તિ એકઠી કરીને અન્યને માયા છોડવાના ઉપદેશ સાથે પોતે માયાના છ અવગુણો લોભ-ઈર્ષ્યા, મદ-મોહ, કામ અને ક્રોધને અપનાવ્યા છે. ઓશા જેવા પ્રબુદ્ધ ચિંતકોને રોલ્સ રોય ગાડીઓનો મોટો કાફલો બનાવવાની ઘેલછા લાગી હતી. ભક્તિ માર્ગના અગણિત સંતોએ ખૂબ સાદગીપૂર્ણ જીવન પસંદ કર્યું હતું. આ સંતોના કારણે ભક્તિ એટલી સાદગી, સંવેદના અને સમર્પણ. જેવો ભાવ લાખો અનુયાયીઓમાં પેદા કરી શક્યાં હતા. વર્તમાન સમયમાં મહાત્મા ગાંધીનો સાદગી માટેનો આગ્રહ ચરમસીમાએ હતો. જો કે મહાત્માની સક્રીય જિંદગીમાં ઉભી થતી જરૂરિયાતો પૂરી કરવામાં જે ખર્ચ થતો હતો તેના પર કટાક્ષ કરતાં કવિયત્રી સરોજિની નાયડુએ ગાંધીજીને મોઢા પર જ સંભળાવ્યું હતું. ‘‘બાપૂ, તમને સાદગીમાં રાખવાનું કાર્ય ખૂબ ખર્ચાળ છે.’’ ‘અતિ સર્વત્ર વ્યર્જતે’ ના ન્યાયે દરેક વસ્તુમાં વિવેકપૂર્ણ નિર્ણય લેવો ઉચિત છે.

આજે આપણે અનેક વસ્તુઓનો વપરાશ કરી તેને ફેંકી દઈએ છીએ. ડિસ્પોઝેબલ - તાત્કાલિક નિકાલ કરવાની સંસ્કૃતિના કારણે સાદગીનું મહત્ત્વ ઘટ્યું છે. મહાત્મા ગાંધી જેમ પેન્સિલનો ટૂકડો કે નહાવાના સામાન્ય પત્થરની પણ કાળજી કરવી કે મોઢું સાફ કરવા લોટી પાણીથી ચાલે વધારે વાપરી જ ન શકાય તેવો આગ્રહ આજે પર્યાવરણની જાળવણીમાં દિશાસુચક બન્યા છે. ‘‘વાપરો અને ફેંકી દો’’ની પદ્ધતિને કારણે દરરોજ લાખો ટન ઘનકચરાના નિકાલની સમસ્યા ખડી થઈ છે. સાદગીના અભાવના કારણે આપણને વસ્તુઓના સાચા મૂલ્ય કે મહત્ત્વની સમજણ નથી. કુદરતના અનેક સંસાધનોનો આપણે બેફામ દુરુપયોગ કરીએ છીએ. આપણે જરૂરિયાતો અમર્યાદિત રીતે વધારતા જઈએ તો સરવાળે આપણું જ નહીં પણ સમગ્ર પૃથ્વીનું અસ્તિત્વ જોખમમાં આવે તેવી પરિસ્થિતિ છે.

કોરોનાના સમયમાં આપણે સૌ ઘરમાં બંધ રહ્યા ત્યારે સાદગી સહજ બની હતી. કવિ જય લિંબાચીયાએ લખ્યું છે; ‘‘છે જરૂરી જિંદગીમાં સાદગી, વાત સૌ જાણે નથી ખાનગી, લોકડાઉનમાં ઘરે મજા માણી ને મળે દરરોજ તાજી વાનગી’’ કવિ ચૈતન્ય જોશી તો ‘સાદગી’ શિર્ષક સાથેની કવિતામાં આપણને સાદગીના અનેક લાભોની જાણકારી આપે છે.

‘ખોટા ખરચમાંથી બચાવે છે સાદગી, મૂલ્યોમાં મહત્ત્વ વધારે છે સાદગી, સફળતા સહજ વિકસે છે વ્યક્તિમાં, પાઠ કરકસરના ભણાવે છે સાદગી, નીતિમત્તાનું ધોરણ અનાયાસે પળાતું જરૂરિયાતો ઓછી કરાવે છે સાદગી. ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે સાદગીથી, સાદા જીવનને ઉચ્ચતા અપાવે સાદગી, અપેક્ષાનું સ્તર નીચું આવ જાય છે ને મનનો ઉચાટ આખરે શમાવે સાદગી.’ હેનરી વૂડઝવર્થ લોંગફેલો જેવો વિચારક દૃઢપણે માને છેઃ

‘‘ચારિત્ર્યમાં, રીતભારતમાં, શૈલીમાં કે તમારા તમામ વ્યવહારોમાં સાદગી એ સર્વોચ્ચ સિદ્ધિ છે.’’ અનેક ચિંતકોનું માનવું છે કે સાદગીમાં અદ્‌ભૂત સુંદરતા છે. શ્રીકૃષ્ણની બાળલીલા વાંચીએ તો એક મોરપીંછની શોભા તમામ આભૂષણોને પાછળ રાખી દે છે. વાંસળીનો એક સૂર વાતાવરણને પ્રેમમય બનાવી દે છે. ગોપ બાળકો જોડે ગાય ચારતા શ્રીકૃષ્ણ વનમાં પણ ઉત્સવનો માહોલ રચી આપે છે. કંસના વૈભવ કરતાં ગોકુળની ગરીબી વધારે આકર્ષક લાગે છે. ઈશ્વરે આપણને જીવન સરળ રીતે ચાલે તેવું આપ્યું છે. આપણે આપણી ઈચ્છાઓ, મહત્તવાકાંક્ષાઓ અને કલ્પનાથી બીનજરૂરી દુઃખોને નિમંત્રણ આપીએ છીએ. સાદગી અને સરળતા સહજ રીતે પ્રાપ્ત કરવા માટે આપણે ઈચ્છાઓનું નિયમન કરતાં શીખવું જોઈશે. આજે ભોગવી લેવાની વૃત્તિ જે રીતે પાંગરી છે તેમાંથી બહાર આવીને કુદરત સાથે સાન્ધ્યિ કેળવીને આપણે સાદગી થકી જીવન માણી શકીએ તેમ છીએ. પ્રથમ વિચાર બદલે તો પછી વલણમાં પરિવર્તન આવે. વલણમાં ફેરફારથી વર્તણૂક સુધરે. આજે સાદગીનો ગુણ ભલે વિસરાતો જતો હોય પણ સુખના માર્ગે આગળ વધવાનું પ્રથમ પગલું છે સાદગી.

Comments

Popular posts from this blog