હિંસા - પ્રતિહિંસા
- પ્રવીણ ક. લહેરી
વિશ્વના ઈતિહાસમાં ગૌતમ બુદ્ધ, મહાવીર, જીસસ ક્રાઈસ્ટ, મહાત્મા ગાંધી, બર્નાડ રસેલ સહિત અનેક વિચારવંત વ્યક્તિઓએ સમજાવવા કોશિષ કરી છે કે હિંસાને રોકવા માટે પ્રતિહિંસા નિવારવી ખૂબ જરૂરી છે. આ મત સામે અમુક શાસ્ત્રો, ધર્મગ્રંથો અને સ્વામી સચ્ચિદાનંદજી કહે છે; ‘‘હિંસા કુદરતી પરિબળ છે. ‘જીવો જીવસ્ય ભોજનમ્’થી માંડીને સમાજને સતત નુકશાન કરતાં આતંકીઓ હોય કે રીઢા ગુન્હેગાર હોય તેમને હિંસાથી જ અકંશુમાં લઈ શકાય તેમ છે.’’ તેમને માતેલા સાંઢ કે હડકાયા કૂતરા જેમ છૂટા ન રાખી શકાય. હિંસા કે અહિંસાને અંતિમ સ્તર સુધી ખેંચવા કરતાં મધ્યમ માર્ગ અપનાવી આપણે કહી શકીએ ‘‘વિના કારણ હિંસા ન કરવી પણ સ્થિતિ સુધારવા માટે હિંસાની જરૂર હોય તો તે આચરવામાં કશો ખચકાટ અનુભવવો ન જોઈએ. દુષ્ટોને દંડ્યા વિના સમાજમાં સુખશાંતિ સ્થાપી ન શકાય તે હકીકત છે. સંતો-મહાત્માના વિચારો આદર્શ હોય તે સ્વાભાવિક છે પણ તેનો અમલ આ દોરંગી દુનિયામાં કરવો હોય તો વ્યવહારિક ઉકેલ શોધવો જ પડે. સજ્જનોની નિષ્ક્રીયતા અનેક અનર્થો સર્જે છે. ભગવદ્ગીતાનો એક સંદેશ એ છે કે યુદ્ધ જરૂરી હોય ત્યારે ભય કે સંકોચ છોડીને, સિદ્ધાંતોની દુહાઈ દઈને કે અહિંસાની ઓથ હેઠળ બેસી ન રહેવાય. જરૂર હોય ત્યાં યુદ્ધ વિના કોઈનું રક્ષણ ન થઈ શકે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે; ‘‘હે પાર્થ, હવે ચડાવ બાણ, યુદ્ધ એ જ કલ્યાણ.‘‘
હવે પ્રશ્ન એ છે કે ગુજરાતી કાવ્યમાં કહ્યું છે તેમ; ‘‘હણાો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.’’ ગાંધીયુગના અગ્રણી કવિશ્રી સુંદરમ્ના આ શબ્દો લખતાં પહેલાં કવિ સમાજની વિષમતાઓ ઉજાગર કરે છે; ‘‘નિર્બળ લોકોના શોષણ થકી તવંગર બનેલા લોકો માટે હિંસા થકી જ પોતાના ધન-મૂડીની રક્ષા કરવાનો વિકલ્પ આકર્ષક લાગે છે. મૂડીવાદનો પાયો વ્યક્તિના સ્વાર્થ, ઈચ્છાઓ, તરંગોને સંતોષીને સુખનો અહેસાસ કરાવવાનો છે. આ સામે ગાંધીએ વર્તમાન યુગમાં જે કહ્યું તેને કવિ સુંદરમ્ શબ્દદેહ આપતા આગળ લખે છે; ‘‘પ્રભુ સાક્ષી ધારી, હૃદય ભવને, શાંત મનડે, પ્રતિ દ્વેષી કેરા હિત ચહી લડો, પાપ મટશે.’’ કવિ ચિત્રભાનુ તેના ખૂબ લોકપ્રિય કાવ્ય ‘મૈત્રીભાવનું ઝરણું’માં લખે છે; દીન, ક્રુર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ વહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભસ્ત્રોત વહે, માર્ગ ભૂલેલા જીવન પથીકને માર્ગ ચિંધવા ઊભો રહું. કરે ઉપેક્ષા એ મારગની, તો યે સમતા ચિત્ત ધરું.’
ગાંધીધામ (કચ્છ)ના નૂતન પ્રેરણા ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. ભાણજી સોમૈયાનું દૃઢતાપૂર્વક માનવું છે; ‘‘સામાન્ય રીતે કોઈપણ સમાજ, સંસાર, દેશ અને વિશ્વમાં દુઃખ, દર્દ, યાતના, અશાંતિ, અશિસ્ત, અનિદ્રા, દુસ્વપ્ન, નિષ્ફળતા, ગરીબી, બિમારી, વહેમ, વ્યસન, હતાશા, નિરાશા, જુગાર, વ્યભિચાર, દુરાચાર, અધોગતિ, આત્મહત્યા કે અન્ય દુર્ઘટનનાનું મુખ્ય કારણ માનવીના આંતરમન - મગજમાં રહેલ છે. દરેક માણસના આંતરમન-મગજની ભીતરમાં સઘળી શક્તિ સમાયેલ છે.’’ હિંસા એ મુળભૂત રીતે મનમાં પેદા થતી લાગણી છે. જે ઘટના કે વ્યક્તિ પ્રતિ આપણને તીવ્ર ધૃણાની લાગણી થાય છે ત્યારે તેને દાખલારુપ સજા થવી જોઈએ તેવો વિચાર આપણને આવે તે સ્વાભાવિક છે. ઘણી વખતે આવો વિચાર માણસોની ભીડ ન આવે ત્યારે ન્યાયની પ્રક્રીયાની રાહ જોયા વિના તેઓ ગુન્હેગારને સજા આપવાનું કામ કરે છે. આવા વેરવૃત્તિના પ્રસંગોમાં આપણે તાજેતરમાં મણિપુરમાં જોયું તેમ એક જૂથ અન્ય જૂથની તમામ વ્યક્તિઓને દુશ્મન માનીને તેની મહિલા-બાળકો પર અત્યાચાર ગુજારે છે. આ વલણ અમાનવીય છે, કોઈપણ સંસ્કૃત વ્યક્તિ કે સમાજ માટે ખૂબ શરમજનક છે. હિંસાની લાગણી સૌથી પ્રથમ વિવેકબુદ્ધિનો નાશ કરે છે. યુદ્ધો લડતી વખતે શત્રુના વિનાશ માટે તમામ કાર્યવાહી ઉચિત છે તેવી પરંપરાગત માન્યતાની જગ્યાએ હવે વિયેના કન્વેન્શન હેઠળ યુદ્ધ દરમિયાન નાગરિકો, સૈનિકો અને નિર્દોષ લોકો, ઐતિહાસિક સ્થળની સુરક્ષા સહિત અનેક નિયમો બન્યા છે, સ્વીકાર્યા પણ છે. ભારતમાં તો યુદ્ધના નિયમો પાળવામાં રજપૂતો અનેક વખત વિધર્મીઓની સિદ્ધાંતહીન ક્રૂરતાનો ભોગ બન્યા હતાં.
ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે દેશની સૈન્યશક્તિ નબળી પડી છે. દેશમાં એકતાનો અભાવ હોય છે ત્યારે વિદેશીઓ-વિધર્મીઓને લૂંટફાટ, હત્યાઓ અને ત્રાસ દ્વારા આપણને પીડિત કરવાનો મોકો મળ્યો છે. જીવનમાં અહિંસાનો આદર્શ હોય પણ પરિસ્થિતિની જરૂરિયાત હોય ત્યારે પલાયનવાદ કરતાં હિંમતથી અને જરૂર પડ્યે હિંસાથી સામનો કરવો તે ધર્મ છે. ગાંધીજીએ કહ્યું હતું કે કાયરની અહિંસા કરતાં વીરની હિંસાની પસંદગી કરવામાં ક્ષોભ ન અનુભવવો જોઈએ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાંથી પરત આવ્યા બાદ અનેક મુંઝવતા પ્રશ્નો અંગે શ્રી રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્રનું) માર્ગદર્શન માંગ્યું હતું. ગાંધીજીના પત્ર દ્વારા પૂછાયેલા ૨૭ પ્રશ્નો અને શ્રીમદ્ના ૨૭ પ્રત્યુત્તરોમાંથી એક પ્રશ્ન ‘‘જો મારી સામે ઝેરીલો નાગ ધસમસતો આવતો હોય અને મારા જીવ પર જોખમ હોય તો તે નાગને મારી નાખવામાં હિંસા (અહિંસાનો દ્રોહ) થાય છે ?’’ શ્રીમદ્નો જવાબ ખૂબ માર્મિક છે; ‘‘નાગ તમારો શત્રુ છે અને તમને જીવલેણ હાનિ કરશે તેવા ભય તજી શકાય તો નાગને મારી નાખવાનો પ્રશ્ન નહીં રહે. આપણો જીવ બચાવવા અન્ય જીવને મારવા પાછળ દ્વૈતભાવ અને ભય કારણભૂત છે.’’ ગાંધીજીએ આ વાત સ્વીકારી. થોડા વર્ષ બાદ આરામ કરી રહેલા ગાંધીના શરીર પરથી સર્પ પસાર થતો જોતાં આશ્રમવાસીઓ તેમને ચેતવ્યા પણ તેમને હલનચલન કે ભય વિના સર્પને શરીર પરથી પસાર થવા દીધો. ગાંધીજીના મતે ‘‘અહિંસા અદ્વૈતના પડમાં છૂપાયેલી છે.’’ મને અદ્વૈતનું જ્ઞાન હાડોહાડ ઉતરી જાય તો અન્યને ‘બીજા’ તરીકે જોવાની વૃત્તિ જ સમાપ્ત થાય તો હિંસા કરવાની ઈચ્છાનો પણ અંત આવે.
હિંસા-અહિંસાની ચર્ચા અનંતકાળ સુધી ચાલશે. અમેરિકાના બંધારણે નાગરિકોને સ્વરક્ષણ માટે શસ્ત્ર રાખવાનો અધિકાર આપ્યો છે. ૧૯૨૮માં ભારતીય રાષ્ટ્ર્ીય કોંગ્રેસે પણ બ્રિટીશ સરકાર પાસેથી આવી છૂટ માંગી હતી. અમેરિકામાં કરોડો લોકો પાસે એક કે અનેક બંદૂકો છે. દર વર્ષે સંખ્યાબંધ જગ્યાએ અંધાધૂંધ ગોળીબાર થાય છે અને નિર્દોષ લોકોના મોત થાય છે. અમેરિકામાં દર વર્ષે સરેરાશ ૨૩૦૦૦ લોકો પોતાની બંદૂકથી પોતે આત્મહત્યા કરે છે. દર વર્ષે સરેરાશ ૫૦૦ (૪૦૦ થી ૬૦૦ વચ્ચે) માસ શૂટીંગના બનાવો બને છે જેમાં ૪૦૦૦ જેટલા લોકોના મોત થાય છે. આ દર્શાવે છે કે જે વ્યક્તિ માનસિક રીતે વ્યગ્ર છે તે અન્યને કે પોતાને હિંસાથી હાનિ પહોંચાડે છે. હિંસા દ્વારા નુકશાન જરૂર થાય છે આ૫ણામાં પ્રભુએ વિરોધાભાસી વૃત્તિઓ મૂકી છે. પ્રેમ અને ધૃણા, લોભ અને ઉદારતા, નીડરતા અને ડર, ઈર્ષ્યા અને સંવેદના. પ્રશ્ન એ છે કે આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. આપણામાં રહેલા સત્વ, રજસ અને તમસ પ્રકૃતિના ગુણો આપણને કાર્ય કરવા પ્રેરે છે. માત્ર પ્રકૃતિગત આવેશથી ન તો વિચારવું જોઈએ કે ન તો વર્તવું જોઈએ. દરેક પરિસ્થિતિનો શાંત અને સ્વસ્થ ચિત્તે વિચાર કરીને આપણે સાચો માર્ગ પસંદ કરવાનો છે. હું કદી હિંસા કરીશ નહીં કે હું કદી ક્ષમા આપીશ નહીં જેવા દુરાગ્રહો જોખમી સાબિત થાય છે.
માનવજાતના ઉજ્જવળ અને સલામત ભવિષ્ય માટે ક્યારે અહિંસા પાળવી અને ક્યારે હિંસા આચરવી તેનો નિર્ણય સુક્ષ્મ વિવેકબુદ્ધિ માંગી લે છે.
Comments
Post a Comment