મોંઘવારી
- પ્રવીણ ક. લહેરી
સુંદરતા, ગરીબી અથવા મોંઘવારીના અર્થ સાપેક્ષ બની ગયા છે. જોનાર કે ભોગવનારની અનુભૂતિ અલગ અલગ હોય છે. સૌંદર્યની વ્યાખ્યા કરવી જેમ મુશ્કેલ છે તેમ મોંઘવારીની વ્યાખ્યા કરવી પણ અઘરી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડિઝરાયેલીએ કહ્યું હતું; ‘‘જીવનમાં બે વસ્તુઓ અનિવાર્ય છે - મૃત્યુ અને કરવેરા’’ આજે એ હયાત હોત તો તેમણે પોતાનું કથન સુધારીને તેમાં મોંઘવારીનો સમાવેશ કર્યો હોત. મોંઘવારીનો સીધો સબંધ વ્યક્તિ, પરિવારની ખરીદશક્તિ પર છે. આપણી આવકો વધે એટલે ખરીદ શક્તિ વધે. આપણે વધારે ખરીદી કરીએ એટલે માંગમાં વધારો થાય. માંગનું પ્રમાણ પૂરવઠા કરતા ઝડપથી વધે એટલે ભાવ વધારો થાય. આ અર્થશાસ્ત્રે મોંઘવારી માટે કરેલો સરળમાં સરળ ખુલાસો છે. અર્થશાસ્ત્રમાં હું પારંગત નથી કે મારા ખાસ રસનો વિષય નથી તો મોંઘવારી અંગે લખીને પીંજણ શું કામ કરવી ? આપણી ઉંમર વધે તેમ ભૂતકાળની (જે હવેના ભવિષ્યકાળથી ઘણો લાંબો છે.) અનેક બાબતોનું સ્મરણ થાય.
અમદાવાદમાં રહેવું અને શનિ-રવિમાં બહાર રેસ્ટોરન્ટમાં જમવા ન જવું તેવું બેજવાબદાર વર્તન કરીએ તો પરિવારમાં અશાંતિ થાય અને સરકારની જી.એસ.ટી.ની આવકમાં ઘટાડો થાય. આજકાલ તો દિલ્હીમાં દારુ પીનારા પણ કહે છે કે અમારા કારણે જ દિલ્હી સરકારની આર્થિક સ્થિતિ સારી છે. ગુજરાતમાં જે પીતા હશે તેનાથી કોને કોને કેટલો લાભ થાય છે તે વર્ણવીએ તો અનેક સન્માનીય મહાનુભાવો નારાજ થઈ જાય તેથી તે માહિતી ગુપ્ત રાખવી સારી.
વૃદ્ધાવસ્થાનો એક અભિશાપ એ પણ છે કે વાત વાતમાં બોલી જવાય; ‘‘હું મુંબઈ કૉલેજમાં ભણતો હતો ત્યારે મસાલો ઢોંસો ૨૫ પૈસામાં મળતો હતો. રવિવારની સાંજે કિંગ્ઝ સર્કલના મદ્રાસ કાફેમાં ૨૫ પૈસાનો મસાલો ઢોંસો, ૨૫ પૈસાની કૉફી, ૨૦ પૈસાની ઈડલી, ૧૦-૧૦ પૈસાના એકસ્ટ્ર્ા સાંભાર-ચટણી સાથે પૂરા ૯૦ પૈસા એક રૂપિયાની નાની નોટમાંથી દસીયુ પાછું આવે તેની ‘ટીપ’ આપીને કેવા આનંદથી વીક એન્ડ ઉજવતાં હતાં !’’
હું ૧૯૬૧ થી ૧૯૬૭ સુધી મુંબઈમાં ભણ્યો ત્યારે મારા પરિવારને માસિક રૂા.૧૨૦ થી ૧૫૦નો ખર્ચ ભોગવવો પડતો હતો. મારો પુત્ર મુંબઈ ભણવા ૧૯૮૮ થી ૧૯૯૧ વચ્ચે ગયો ત્યારે તે ખર્ચ દસ ગણો વધીને માસિક રૂા.૧૨૦૦ થી રૂા.૧૫૦૦ જેટલો થયો હતો. આજે મુંબઈમાં ભણવા માટે દરરોજના રૂા.૧૫૦૦ પણ ઓછા પડે ત્યારે એટલું કહી શકાય; ‘‘આજકાલ ભણતર બધે ખૂબ મોંઘુ અને મુંબઈ-દિલ્હીમાં તો અતિશય મોંઘુ છે.’’
ભારતમાં માથાદીઠ આવક હવે (પ્રતિવ્યક્તિ) વાર્ષિક રૂા.૨ લાખ થવામાં છે. મુશ્કેલી એ છે કે અમુક મર્યાદિત સંખ્યાના પરિવારોની આવક અધધ..ધધ છે. જ્યારે ૨૫ ટકા લોકોની આવક ન્યૂન્તમ જરૂરિયાતો પૂરી થઈ શકે તેના કરતાં ઓછી છે. ભલું થાય સરકારનું કે તેણે કોરોના બાદ અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે ૮૦ કરોડ જેટલા લોકોને ૨ વર્ષ નિઃશુલ્ક અનાજ આપ્યું, કિસાનોને વર્ષે રૂા.૬,૦૦૦/-ની રકમ સન્માન નીધિ તરીકે આપી, સૌને મફતમાં રસી મૂકી આપી. આયુષ્યમાન કાર્ડ ધરાવનારાને શ્રેષ્ઠ સારવાર નિઃશુલ્ક આપી.
આજે રાજકારણમાં મતદાતાઓને રીઝવવા માટે મફત-મફતનો નારો ગુંજી રહ્યો છે. કોનું શું મફત આપવું તે નક્કી કરવું મુશ્કેલ છે. સૌને જે મફત મળે તે ગમે છે. સાંસદને મફત મુસાફરી ગમે, સરકારી અધિકારી/કર્મચારીને મફત રજા પ્રવાસ ગમે, આપણને સૌને ભેટ-સોગાદ ગમે, બાકી આપણા પાસે નાણાં હોય તો ગમે તે વસ્તુ સહેલાઈથી ખરીદી શકાય. ૪૦૦ રૂપિયે કિલોનું આદુ ખાઈને ગમે તેની પાછળ પડી શકાય ! આજકાલના નવા તવંગર પરિવારના નબીરાને કહો કે ફાઈવ સ્ટાર હોટેલમાં વાનગીઓની કિંમત ખૂબ ઊંચી હોય છે તો તેનો આપણને શું જવાબ મળે ?’’ અંકલ, હું તો મેનુકાર્ડમાં ડાબી બાજુની સાઈડ જ વાંચું છું. જમવામાં કરકસરનો વિચાર સુદ્ધાં શું કામ કરવો ? ‘‘મોંઘવારીનો અનુભવ સાપેક્ષ છે તેનો આ સચોટ પૂરાવો છે.
અર્થશાસ્ત્રીઓના મતે જ્યારે જ્યારે સરકાર ખાદ્યવાળું બજેટ રજૂ કરે છે. સરકારનું દેવું વધે છે, બેંકોમાંથી ધિરાણની રકમ વસૂલી શકાતી નથી તેવા સંજોગોમાં ફુગાવો વધે છે. બીજા વિશ્વયુદ્ધ બાદ જર્મની-ઈટલીના ચલણોનું જબરજસ્ત અવમૂલ્યન થયું હતું. થેલી ભરીને પૈસા લઈ જાવ તો અડધી થેલી પણ ખાદ્યસામગ્રી ન ખરીદી શકો તેવી હાલત હતી. વર્ષો સુધી અમેરિકા ખંડના વેનેન્ઝુલા દેશ બે બાબતો માટે જાણીતો હતો. સૌથી વધારે મિસ યુનિવર્સ - મિસ વર્લ્ડ આપનાર દેશ તરીકે અને બેફામ ફુગાવા માટે ! એક જમાનામાં ક્રુડ તેલની આવકોના આવકોના કારણે મફતિયા સંસ્કૃતિ એટલી વિકસી હતી કે ન પૂછો વાત ! તાજેતરના શ્રીલંકા, પાકિસ્તાન, ગ્રીસ જેવા દેશોએ મોંઘવારીનો માર કેવો હોય તેનો કડવો અનુભવ નાગરિકોને કરાવ્યો છે. આપણું અર્થતંત્ર કદની દૃષ્ટિએ પાંચમું છે. ખરીદ શક્તિના ધોરણે માપીએ તો ત્રીજું સ્થાન ધરાવે છે. સૌથી વધારે વસ્તીવાળો દેશ હોવાને કારણે માથાદીઠ આવકમાં ભારત ગરીબ પણ ઝડપથી વિકસી રહેલા દેશ તરીકે ઓળખાય છે. ૭૦-૭૫ વર્ષથી ઉપરની ઉંમરવાળી પેઢીએ તીવ્ર તંગી, અલ્પ નાણાંકીય સાધનો, અનેક સુવિધાનો અભાવ જોયા છે. આજની પેઢીને ક્યારેક આશ્ચર્ય થાય છે કે કેમ આપણો દેશ આટલો પછાત છે ? ત્યારની સ્થિતિનું સાચું ચિત્ર શબ્દો દ્વારા વર્ણવી ન શકાય. ૧૯૯૦માં શરુ થયેલ ઉદારીકરણ - વૈશ્વિકરણ બાદ ભારતીય અર્થતંત્રમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. વિકાસના કારણે જે દેશમાં મોટરકાર કે સ્કૂટર ખરીદવામાં પાંચ-છ વર્ષની પ્રતીક્ષાયાદી હતી તેમાં વાહનો વેચવા માટે મોટી મોટી જાહેરાતો આપવી પડે છે. જો કે નવા કે સારા મૉડેલ માટે પ્રતીક્ષા યાદી હજી પણ જોવા મળે છે.
મોંઘવારીથી બચવાનો કોઈ ઉપાય છે ખરો ? લોકો એક જ સલાહ આપે કે આવક વધારો. આવક કેમ વધારવી ? લોકો શેરનો સટ્ટો, સોનાની-ચાંદીની-મકાન-જમીનની ખરીદી, જુગાર સહિત અનેક ઉપાયો અજમાવે છે. શેર બજારની તેજીમાં ફાયદો મેળવવા ઘણાં વરિષ્ઠ નાગરિકોએ પોતાની મરણમૂડી ગુમાવ્યાના અગણિત કિસ્સા આપણા સૌના ધ્યાનમાં છે. મહિલાઓ માટે મોંઘવારીમાંથી કાંઈક રસ્તો કાઢીને બાંધી આવકમાં મહિનો કેમ પૂરો કરવો તે મુંઝવણ તો જેમણે અનુભવી હોય તે જ જાણે. મોંઘવારી સાથે જીવવાનું છે. આ સત્ય સ્વીકારીને પરીકથાની રાજકુમારી જેમ દિવસે ન વધે તેટલી રાતે વધે તેવી મોંઘવારીનો મુકાબલો કરવો અનિવાર્ય છે. મોંઘવારીની સતત હાજરી જોતાં હવે તેનો વિરોધાભાસી શબ્દ સોંઘવારીને શબ્દકોશમાંથી દૂર કરવાનો સમય પાકી ગયો છે.
Comments
Post a Comment