ભારત અને અમેરિકાના સંબંધો
- પ્રવીણ ક. લહેરી
વિશ્વની મહાસત્તા યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાએ ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે ભવ્ય સ્વાગત કર્યું, વિશ્વનેતાને શોભે તેવા સન્માન અને પ્રસંગો યોજ્યા અને ભારત સાથે અમેરિકા ગાઢ સંબધો નિભાવશે તેવી ખાતરી આપીને અમેરિકાએ ભારત-સાથે અનેક મહત્વના કરારો કર્યા. આ સમગ્ર ઘટના ક્રમમાં જોઈએ તો અમેરિકાએ ભારતના વડાપ્રધાનના વર્ષ ૨૦૦૪માં વિઝા રદ કરીને તેઓને અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવી હતી. આ જ અમેરિકા આજે શ્રી નરેન્દ્રભાઈને રાજ્યના વિશેષ અતિથિના માન-સન્માન સાથે આમંત્રણ આપીને, અમેરિકાની સંસદ (કોંગ્રેસ)ના બન્ને ગૃહોના જનપ્રતિનિધીઓને બીજી વખત ઉદ્દબોધન કરવાનો અવસર આપ્યો ત્યારે દરેક ભારતવાસીઓના મનમાં શ્રી નરેન્દ્રભાઈ માટે નીચેની ઉક્તિનું સ્મરણ થયું. ‘‘દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહીયે.’’ અંગત રીતે પોતાના માટે અમેરિકાએ કરેલું ખોટું કૃત્ય ઉદારતાથી વિસરી જઈને અમેરિકા સાથે દોસ્તીનો હાથ લંબાવવામાં નરેન્દ્રભાઈએ દેશહિતને પ્રાધાન્ય આપ્યું છે. ચીન અને પાકિસ્તાન પ્રેરિત છૂટાછવાયા વિરોધ વચ્ચે પણ નરેન્દ્રભાઈ મોદીના કોંગ્રેસ સમક્ષના પ્રવચન પ્રસંગે સાંસદોએ જે તાળીઓનો ગડગડાટ કરી, મોદી મોદીના નારા લગાવી સ્પષ્ટ સંકેત આપ્યો છે. અમેરિકાની રાજકીય નેતાગીરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીની શક્તિમાં ભરોસો છે. અમેરિકાને શ્રી મોદી જેવા મજબૂત આગેવાન હેઠળ સૌથી ઝડપી આર્થિક પ્રગતિ કરી રહેલા ભારતની જરૂર છે. ૧૯૯૮ માં શ્રી અટલબિહારી બાજપાઈની સરકારે કરેલા અણુપરિક્ષણ બાદ વર્ષો સુધી ભારતને ઉચ્ચકક્ષાની અદ્યતન ટેકનોલોજી ન મળે તે માટે કાયદા કરનાર અમેરિકા આજે જેટ એન્જીનો ઈલેકટ્રિક કાર અને સેમિકન્ડકટરોના ઉત્પાદન માટે ભારતને ટેકનોલોજી અને મૂડી આપવા રાજી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ અમેરિકી યાત્રા અનેક મુદ્દે તેની સફળતા માટે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે.
આઝાદી બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સબંધમાં અમેરિકાની પાકિસ્તાનને વ્યુહાત્મક દેશ ગણીને ત્યાં લશ્કરી થાણાંઓ સ્થાપી સમગ્ર એશિયા ખાસ કરીને ભારત અને મધ્ય એશિયા પર અંકુશ રાખવાની વ્યુહરચનાના કારણે અમેરિકાએ ભારત કરતાં પાકિસ્તાનને વધારે મહત્વ આપ્યું આર્થિક અને લશ્કરી સહાય પણ કરી. આજે પાકિસ્તાનના લશ્કર અને રાજકીય પક્ષોના કુશાસનને કારણે તે દેશ નાદારીના આરે ઊભો છે. કુદરતી હોનારતો અને મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે. બીજી બાજુ ૧૯૭૪ થી ચીનને માન્યતા સાથે યુનોની સલામતિ સમિતિમાં કાયમી સભ્યપદ વીટો પાવર સહિત આપી અમેરિકાએ ભારતના બે પાડોશીઓ પણ ભારત પ્રત્યે દુશ્મનાવટ ધરાવતા દેશોને પ્રોત્સાહન આપ્યું છે. અફઘાનિસ્તાનમાં બે દાયકા સુધી લશ્કરી અંકુશ રાખનાર અમેરિકાની લાગણી ધ્યાને લઈને ભારતે અફઘાનિસ્તાનમાં અબજો રૂપિયા ખર્ચીને વિવિધ સુવિધાઓનું નિર્માણ કર્યું છે.
અમેરિકાએ પાકિસ્તાને કરેલ અણુધડાકા બાદ તેના પર પ્રતિબંધો ન લગાડ્યા પણ ભારત અણુશક્તિ ન બને તે માટે અમેરિકાએ ભારતના વૈજ્ઞાનિકોને અકળ રીતે મોતના મુખમાં ધકેલી દીધા છે. અવકાશ ક્ષેત્રે પણ અમેરિકાએ ભારતની પ્રગતિ રોકવા માટે અનેક કાવતરાઓ કર્યા છે. આમ છતાં ભારત અણુક્ષેત્રે અને અવકાશ ક્ષેત્રે જે પ્રગતિ સાધી શક્યું તેનો યશ રશિયાની મદદને આપવો રહ્યો. અમેરિકાની વિદેશ નીતિના ઘડવૈયાઓએ ભારતને શરુઆતથી જ રશિયા તરફ ઢળતા દેશ તરીકે ગણી તેના સાથે અન્યાયી વર્તન રાખ્યું છે. જો કે ભારતીય પ્રોફેશનલ્સ અને મોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં ભારતીયોના દબદબાને કારણે ભારતીયો અમેરિકાના સૌથી સુખી વંશીય લઘુમતિ તરીકે ઉપસી આવ્યા છે.
ભારતીય સમુદાયે કોર્પોરેટ જગત અને અમેરિકાના રાજકારણમાં કાઠું કાઢ્યું છે. અગાઉ સોફ્ટવેર અને મેડીકલ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ભારતીયો આજે તો ૨૫ થી વધારે બહુરાષ્ટ્રીય કંપનીઓના સુકાની તરીકે કાર્યરત છે.
રશિયાના યુક્રેન પરના આક્રમણ બાદ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પરિસ્થિતિ પ્રવાહી બની છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના વડાને સ્પષ્ટ જણાવ્યું કે વર્તમાન યુગમાં કોઈપણ સમસ્યાના સમાધાન માટે યુદ્ધ એ વિકલ્પ જ નથી. શ્રી મોદીના આ અભિપ્રાયથી યુક્રેન અને નાટો દેશો ખુશ થયા હતા. અમેરિકાએ રશિયા સાથેના વેપારમાં અનેક પ્રતિબંધો લગાવ્યા છે. ખાસ કરીને યુરોપની ઉર્જા જરૂરીયાતનો મોટો હિસ્સો પૂરા પાડતા રશિયાના ગેસ અને ક્રુડ વિના યુરોપીયન દેશોના અર્થતંત્રો મંદીમાં ફસાયા છે. આ તબક્કે રશિયાએ ભારતને વ્યાજબી ભાવે ક્રુડ ઓઈલ પૂરું પાડ્યું. હીકકતમાં ભારત આ ક્રુડ ઓઈલના કારણે તેની વિશાળ રિફાઈનરીઓ મારફત નોંધપાત્ર જથ્થામાં પેટ્રોલ, ડિઝલ અન્ય દેશોમાં નિકાસ કરી શક્યું. ભારતીય અર્થતંત્ર કોરોનાની મહામારી બાદ વિશ્વનું સૌથી વધારે ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે તેની અસર ભારતના અન્ય દેશોના સબંધો પર પડે તે સ્વાભાવિક છે.
અમેરિકા ભારતના વિદેશ વ્યાપારનું સૌથી મોટું ભાગીદાર છે. હાલ જે ૧૨૦ બિલીયન યુએસ ડૉલરનો વેપાર છે તે વધીને ૬૦૦ બિલિયન ડૉલરનો થઈ શકે છે. ભારતે અમેરિકાની ૮ વસ્તુઓ બદામ, અખરોટ, સફરજન વગેરે પર ૧૦ થી ૩૦ ટકા ડ્યુટી નાખી હતી. આ સામે અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં કેસો દાખલ કર્યા હતાં. અમેરિકા અને ભારતે ચર્ચા વિચારણા કરી આ આઠે વસ્તુઓ ડ્યુટી ફ્રી કરતાં વિવાદનો અંત આવ્યો છે.
હકીકતમાં ભારત-રશિયાના આર્થિક સબંધો મજબૂત બને તે ખૂબ જરૂરી છે. વડાપ્રધાનશ્રી મોદી સાથે અમેરિકાની લગભગ ૧૦૦ જેટલી વિશાળ કદની કંપનીઓએ બેઠકો યોજી ભારતમાં મૂડીરોકાણ કરવા દરખાસ્તો કરી છે. શ્રી મોદીએ કહ્યા મુજબ આ મૂડી નિર્વેશ સાકાર થશે તો ભારતનો આર્થિક વિકાસ દર હજી ખૂબ ઝડપથી વધશે. મેઈક ઈન ઈન્ડીયા અને સ્વનિર્ભર ભારતની યોજનાઓ તેના હેતુઓ સિદ્ધ કરી શકશે.
શ્રી મોદીની અમેરિકી યાત્રાની ફળશ્રુતિનો સાચો અંદાજ સમય પસાર થતાં આવશે. આ એક શુભ શરૂઆત છે. જેની શરૂઆત સારી તેની સફળતાની સંભાવના વધારે એ ન્યાયે વડાપ્રધાનશ્રીએ આ મુલાકાતથી જે હાંસલ કર્યું છે તેને ઝડપથી અમલમાં લાવવા માટે આપણા વહીવટી તંત્રે સજાગતા, અને કુશળતા દર્શાવવી અનિવાર્ય છે. અમેકિા સાથેના સબંધો ધનિષુ થાય તે બદલાતા સંજોગોમાં ખૂબ મહત્વનું છે. આપણા સમક્ષ ચીન-પાકિસ્તાનની મેલી મુરાદનો જબરજસ્ત પડકાર છે.
અમેરિકા માટે ચીનને અંકુશમાં મૂકવું જરૂરી છે. આપણી માટે ચીન,માત્ર હરીફ નહીં પણ દુશ્મન તરીકે લાંબા સમયથી વર્તે છે ત્યારે અમેરિકાનો સાથ-સહકાર આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે આવશ્યક છે. આ દિશામાં ખૂબ ત્વરાથી અને સર્વાંગી કાર્યવાહી માટે વડાપ્રધાન મોદી આપણા અભિનંદનના અધિકારી છે.
ભારત-અમેરિકાની મૈત્રીના માર્ગમાં અનેક અવરોધો છે. શરૂઆત સારી છે અને આશા રાખીએ કે આ મૈત્રી ઉભય પક્ષે લાભકર્તા સાબિત થાય. ભારત અને અમેરિકામાં ૨૦૨૪ માં મહત્વની ચૂંટણીઓ છે. દરેક દેશ પોતાના હિતને પ્રાધાન્ય આપે તે સ્વાભાવિક છે. હવે આ બાબતે જે સમસ્યાઓ છે તેની ચર્ચા કરવી જરૂરી છે.
(ક્રમશઃ)
Comments
Post a Comment